સ્વામી કહે ‘તમે ગામના દરબાર છો, આં તો ભગવાનનો દરબાર છે, આંહી મંદિરમાં તો ભગવાનને ભજે એ ભકત મોટો, બાકી લોકમોટાઇ તો ભગવાનના દરબારમાં નથી.’

અમરેલીના ખારાપાટ પ્રદેશમાં વાંકિયા નામનું સત્સંગમાં ઘણું પ્રસિધ્ધ એવું ગામ છે. ગુણાતીત જોકના સંતોના વિચરણથી આ પ્રદેશ અને આ ગામમાં સત્સંગ થતા ઘણા મુકતો થયા છે. સદ્. શ્રી બાલમુકુંદદાસજી સ્વામીની પ્રેરણાથી આ વાંકિયા ગામમાં મંદિરનો પાયો નંખાયો. થોડા જ સમયમાં મંદિરનું કામ પૂર્ણ થયું અને પૂ.સ્વામીના હસ્તે એ મંદિર શ્રીસ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરુપની પ્રતિષ્ઠા થઈ. મંદિર થયું એટલે ગામના સૌ હરિભક્તોને ભજન-ભક્તિ કરવાની વિશેષ અનુકૂળતા થઇ. અવાર નવાર સંતો પણ વિચરણ માં પધારતા અને મંદિરની નીરવ શાંતિમાં શ્રીહરિના સ્વરુપ નું ધ્યાન, ધૂન-ભજન, ભક્તિ અનુષ્ઠાનો વગેરે થતા. સાંજના સમયે ગામના સહું બાળકો ઉત્સાહથી મંદિરે સંધ્યા આરતીમાં ઝાલર વગાડવા આવે. સવારે કામે જતા પહેલા સહુ કોઇ ગામજનો દર્શને આવે અને આખાંયે દિવસ ખેતીકામ માં પ્રવૃત સહુકોઈ મંદિરે સાંજે આવે.

પ્રતિષ્ઠા વિધી પછી સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી થોડા દિવસ ત્યાં રોકાયા હતા. આ વખતે ગામના દરબાર આલાવાળા માથાભારે આદમી હતા. ચોર-ડાકુની આ ગામ તરફ જોવાની હિંમત ચાલે નહીં. વાંકિયા ગામમાં શાંતિ પણ ખરી, ગામજનો સહું એથી નિરાંતે જીવે.

દરરોજ મંદિરે બપોરનો સમય થાય એટલે ઠાકોરજીને પડદો પાડી પોઢાડી દેવામાં આવે. મંદિરમાં એકદમ શાંતિ હોય, કાંઈ હિલચાલ ન હોય, દરબાર આલાવાળાને આ ગમી ગયું, દરબારગઢમાં તો કોઇ ને કોઇની આવજાં ચાલુ હોય એટલે એને સરખો આરામ ન થાય. મનમાં થયું કે અહીંયા મંદિરમાં સરખો આરામ થશે.

પછી તો એમ વિચારીને રોજ બપોરે ઘોડી પર બેસી પોતાના ચાકર પાસે ઢોલીયો ઉપડાવી મંદિરમાં લાવે. બાપુ વામકુક્ષી થાય એટલે ચાકર પગચંપી કરવા માંડે. થોડીવારમાં ઘસઘસાટ ઊંઘ આવે ને નસકોરા બોલવા માંડે.

થોડા દિવસ આમ ચાલ્યું. બાલમુકુંદદાસજી સ્વામી આ જોયા કરે, થયું કે ક્યારે આ મંદિરમાં દરબારથી થતો આ અવિવેક ક્યારે બંધ થાય. પરંતુ દરબાર આલાબાપુએ તો આજીવન નિયમ લઈ લીધું હોય એમ કાયમનો નિયમ બનાવી દીધો. સ્વામીને થયું કે આમને આમ ચાલશે તો બાપુ મંદિરને જ દરબારગઢ બનાવી દેશે.

બીજા દિવસે જ્યારે બપોરે દરબાર ચાકર ને લઇને મંદિરે આવ્યા ત્યારે સ્વામીએ બાપુને કહ્યું કે દરબાર આ મંદિર છે, દરબારગઢ નથી. અહીં તો ઠાકોરજીના ભજન-ભક્તિ કરવાના હોય ભોગ નહીં.

દરબાર આલાવાળા તરત જ ચમક્યા અને બોલ્યા કે ‘ સ્વામી, તમે કહેવા શું માંગો છો?

બાલમુંકુંદદાસ સ્વામી તો નીડર પણે સ્પષ્ટવકતા હોય દરબાર ની આંખમાં આંખ્ય રાખીને બોલ્યા કે ‘તમે દરરોજ બપોરે ઘોડી લઈને સીધા મંદિરમાં આવો તે ભગવાનની કઈ મર્યાદા હોય કે નહીં? ભગવાનના સેવક થવું જોઈએ અને તમે ઘોડી લઈને સીધા મંદિરમાં આવો તે બરાબર નહીં.’

દરબાર આલાવાળા તાડૂક્યા અને બોલ્યા કે ‘તમે મને ઓળખો છો? હું આ ગામનો દરબાર આલાવાળો.’

સ્વામી કહે કે ‘અમેતો એક અમારા ઇષ્ટદેવ સ્વામિનારાયણને ઓળખીએ, અમે તો એની ચૂંદડી ઓઢી છે તો એના એકથી જ ડરીએ, બીજા જે હોય એને વિવેક સાથે વાત્ય કરવી ને સાચું કહેવું એ અમારો સાધુનો ધર્મ છે.’

દરબારનો ક્રોધ તો બેવડાઈ ગયો ને તાડૂક્યા કે ‘પણ એમાં તમારા મંદિરનું શું થઈ જવાનું છે? હું તો ગાંઠનું લઈને આવું છું.’

સ્વામી કહે ‘તમે ગામના દરબાર છો, આં તો ભગવાનનો દરબાર છે, આંહી મંદિરમાં તો ભગવાનને ભજે એ ભકત મોટો, બાકી લોકમોટાઇ તો ભગવાનના દરબારમાં નથી.’

દરબાર ઉભા થઈ ઘોડી લઈ ચાલતા થયા. આમ, કોઈ દિવસ કોઈએ એમને મોઢામોઢ કહેલું નહીં, ને આજ સાધુએ કહ્યું વસમું તો ઘણું લાગ્યું, પણ સાધુને તો મરાય નહીં એટલે મંદિર બહાર જઈ જોયું તો મંદિરની દિવાલમાં હાથીનું ચિત્ર દોરેલું હતું, તે હાથીના આગળના ડાબા પગમાં નિશાન લઈ ગોળી મારી એટલે, દિવાલમાં ગાબડું પડી ગયું.

થોડા દિવસ થયા, બાપુની એ વ્હાલી ઘોડીના ડાબા પગમાં કંઈક રોગ થયો. બાપુને ગળે અન્ન ઉતરે નહીં, ઘોડીનું દુ:ખ દેખ્યું ન જાય. સારામાં સારા વૈદ્યને બોલાવી દવા કરાવી, પરંતુ કંઈ ફેરફાર ન જણાયો.

કોઈ જ્યોતિષ પાસે જોવડાવ્યું, તેણે કહ્યું આમાં કોઈ દેવનો અપરાધ થયો હોય તેવું લાગે છે.

ત્યારે દરબાર આલાબાપુએ કહ્યું કે ‘મેં થોડા દિવસ પહેલા મંદિરની દિવાલમાં ચીતરેલા હાથીના પગમાં બંદૂકની ગોળી મારી હતી.’ જ્યોતિષે કહ્યું તમે તપાસ કરો, જે પગમાં ગોળી મારી હશે તે જ પગમાં ઘોડીને રોગ થયો હશે?

આલાબાપુએ જાતે તપાસ કરીને જોયું તો જે પગમાં ગોળી મારી હતી તે જ પગમાં ઘોડીને રોગ થયો હતો. છેવટે સત્ય મનાયું અને પોતાની ભૂલ્ય સમજાઇ અને મંદિરે આવીને દેવની માફી માંગી. સમય જતાં પોતે સત્સંગી થયા.

– સદગુરુ શ્રી બાલમુકુંદદાસજી સ્વામીના જીવનકવનમાંથી…