ભુજનગરમાં જેઠી ગંગારામ મલ્લ ને બીજા પાંચ છ મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? 

એકસમે શ્રીજીમહારાજ ભુજનગરમાં સુતાર હીરજીભાઇને ઘેર પાટ ઉપર પોઢ્યા હતા. તે સમયે જેઠી ગંગારામ મલ્લ ને બીજા પણ પાંચ છ જણ મલ્લ હતા તે સર્વે ભેળા થઇને શ્રીજીમહારાજનાં ચરણારવિંદ તથા શરીર ચાંપવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમને ગામધણી દરબાર પેટિયું નથી આપતા? ને જો આપતા હોય તો એ ભોજન જમો છો કે નથી જમતા? ત્યારે મલ્લે કહ્યું જે, ગામધણી દરબાર તો મનમાન્યા પેટિયા આપે છે. અને અમેય મનમાન્યુ જમીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, જમતા હો તો બળ ક્યાં ગયું? જોર કરીને પગને ચાંપો. ત્યારે તે સર્વ મલ્લ છ જણે ભેળામળીને ખૂબ જોર કરીને ચરણ ચાંપવા માંડ્યા ને પરસેવે કરીને એમના પહેર્યાનાં વસ્ત્ર સર્વે પલળી ગયાં, ને થાકી ગયા. તો પણ મહારાજને તો કાંઇ પણ જણાયું નહીં ને હસતા હતા. ત્યારે મલ્લ સર્વે હાથ જોડીને એમ બોલ્યા જે, હે મહારાજ! આપ તો ભગવાન પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છો. તે તમે ક્યાં ને અમે ક્યાં? ને આજ અમારા ઉપર બહુ દયા કરીને અમને તો તમે બહુજ મોટો પરચો આપ્યો. અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આ તમારુ દિવ્યચરિત્ર અમને સાંભરશે . હે પ્રભુ, અંત સમયે અમારી સહાય કરજો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, તમે તો અમારા જ છો, તે તમારી સર્વે પ્રકારે રક્ષા કરીશું. આમ, શ્રીજીમહારાજ ભુજનગરમાં રહ્યા થકા પોતાનું અનેક પ્રકારનું ઐશ્વર્ય ભક્તજનોને જણાવતા, અને હમીર સરોવરમાં નિત્ય પ્રત્યે સ્નાન કરવા પધારતા.

એક દિવસે સુતાર સુંદરજીભાઇને શ્રીજીમહારાજે ભગવાનના ધ્યાનની વાત કરી ને શીખવવા લાગ્યા. તે જેવી રીતે શ્રીજીમહારાજે ધ્યાનની રીત શીખવી તેવી રીતે સુંદરજીભાઇ ધ્યાન કરવા લાગ્યા. તે સુંદરજીભાઇ પોતાના ઉત્તરાદા ઓરડામાં જઇને હાથ પગ ધોઇને પવિત્ર થઇને આસને બેસીને ઉત્તરાદે મુખે ધ્યાન કરવા બેઠા. ત્યારે શ્રીજીમહારાજ તો એમના ડેલામાં વિરાજમાન હતા ત્યારે શ્રીજીમહારાજ ને સુંદરજીભાઇના વચમાં પાંચ ભીંતો આડી હતી. તે પાંચે ભીંતોમાંથી શ્રીજીમહારાજનાં દર્શન થયાં. ત્યારે સુંદરજીભાઇએ વિચાર કર્યો જે, મારે કાંઇ નિદ્રા પણ નથી, ને સ્વપ્ન પણ નથી. પણ હું જ્યારે મહારાજ પાસે બેઠો હતો ત્યારે બીજા સત્સંગી બેઠા હતા, ને મહેતા ગણપતરામ ન હતા. ને હમણાં તેઓ બોરીનો ચોફાળ ઓઢીને બેઠા છે. હવે હું અહીંથી ઊઠીને શ્રીજીમહારાજની પાસે જાઉં, ને જો ગણપતરામ હોય તો શ્રીજીમહારાજને કહું જે, આવી રીતે ધ્યાન કરે તેને દ્રષ્ટિ આડું આવરણ કાંઇ ન આવે તે વાત યથાર્થ કહેવાય. પછી સુંદરજીભાઇ શ્રીજીમહારાજની પાસે આવીને પગે લાગીને બેઠા. ત્યારે શ્રીજીમહારાજ સુંદરજીભાઇ સામું જોઇને હસ્યા ને સુંદરજીભાઇને કહ્યું જે, કેમ છે? ત્યારે સુંદરજીભાઇએ કહ્યું જે, ‘હે મહારાજ, જેમ કોઇક પુરુષના હાથમાં ચિંતામણી આવ્યો હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પદાર્થ પ્રાપ્ત થાય છે તો ચિંતામણી ને કલ્પવૃક્ષને વિષે જે ઐશ્વર્ય છે ને દૈવત છે તે ભગવાનનું આપેલું છે. તે ભગવાન અમને પ્રગટ મળ્યા છો ને બેઠા બેઠા અમને દર્શન દ્યો છો, અમને ભગવાન ભજવાની રીતિ ને ધ્યાન કરવાની રીતિ તે પણ સર્વ શીખવો છો અને અમારા સર્વે મનોરથ પૂર્ણ કરો તેમાં શું આશ્ચર્ય છે? અને જ્યારે અમે સંભારીએ ત્યારે દર્શન આપજો ને હે મહારાજ! તમારે વિષે જેવો આજ સ્નેહ છે તેવો નિરંતર સ્નેહ રહે એમ વર માગું છું.’ ત્યારે શ્રીજીમહારાજે વર આપ્યો જે, સારું રહેશે.

થોડે દિવસે શ્રીજીમહારાજે કહ્યું જે, અમારે હવે માનકૂવે જવું છે. આ વાત સાંભળીને સુંદરજીભાઇને તાવ આવી ગયો. પછી તે વાત હીરજીભાઈએ મહારાજને કરી જે, હે મહારાજ! તમોએ માનકૂવે જવાનું કહ્યું તેથી સુંદરજીભાઇને તાવ આવી ગયો છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, હવે તમે જઇને સુંદરજીભાઇને કહો જે, મહારાજ માનકૂવે નહીં પધારે. ત્યારે હીરજીભાઇએ સુંદરજીભાઇને કહ્યું જે, મહારાજ માનકુવે નહીં જાય, ત્યારે તાવ ઉતરી ગયો. આમ જ્યારે જ્યારે મહારાજ ચાલવાનું નામ લે ત્યારે સુંદરજીને તાવ આવી જાય. એમ કરતા થકા પોતે પોતાનું અનેક પ્રકારે કરીને ઐશ્વર્ય જણાવતા થકા પોતાના ભક્તજનોને ઘણેક પ્રકારે કરીને સુખ આપ્યું હતું. એવી રીતે બે માસ પર્યંત રહ્યા ત્યાર પછી મહારાજ માનકૂવે પધાર્યા.

– શ્રીકચ્છલીલા અધ્યાય ૩૮માંથી…