ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.
પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ ગાદીની સેવામાં રાખ્યા હતા. જ્યારે શ્રીજીમહારાજે ડભાણમાં અદભુત અદ્વિતીય યજ્ઞ કર્યો, એ વખતના જગતના મુત્સદીઓ પણ એ યજ્ઞનું આયોજન અને વ્યવસ્થા જોઈને આશ્ચર્ય પામી ગયા હતા. આ વખતે સીધું વગેરે લેવા કારભારી પુંજા શેઠ ડભાણથી પચાસ ગાડાં લઈને યજ્ઞનો સમાન લેવા ખંભાત ગયા, ત્યાં કોઈ શેઠ તેમને પોતાની મોટી પેઢી ઉપર લઇ ગયા, યજ્ઞ માટે ખરીદ કરવાના સામાનની યાદી મુજબનો બધો માલ ગાડાંઓમાં ભરી આપ્યો, ત્યાં તો દિવસ આથમી ગયો એટલે માલ આપનાર શેઠે કહ્યું કે દિવસ આથમ્યા પછી અમે નાણાંની લેવડ દેવડ કરતા નથી માટે કાલે સવારે આવજો, અમે તો સ્વામિનારાયણને ઓળખીએ છીએ, માટે તમે કોઈ ઉપાધિ રાખ્યા વગર અત્યારે જાઓ, સવારે પુંજાશેઠ હિસાબ આપવા ગયા તો હજુ ગઈ કાલે જે સ્થળે મોટી વેપારી પેઢી હતી ત્યાં તો માત્ર મેદાન જ હતું, વેપારીની પેઢી જેવું ક્યાંય દેખાતું નહોતું ! આમ દિવ્ય સ્વરૂપે દેવોએ યજ્ઞનો સામાન ગાડાઓમાં ભરી આપ્યો ! આ રીતે દિવ્ય સ્વરૂપે પધારેલા ભગવાન શ્રીહરિએ સમસ્ત સીધાના ગાડા ભરાવીને પુંજાશેઠને દિવ્ય દર્શન દીધેલા.
પુંજા શેઠે ડભાણના યજ્ઞ સમયે કરીયાણા વગેરેની ચુકવણી માટે જરૂરી નાણાં એક પટારીમાં ભરીને રાખ્યા હતા, શ્રીહરિએ તે બધા નાણાં ભૂદેવોને દક્ષિણામાં આપી દીધા ! આ ખબર પડતા પુંજા શેઠ હાંફળા ફાંફળા થઈને મહારાજ પાસે આવ્યા ને હાથ જોડીને કહ્યું ‘હવે યજ્ઞના ખર્ચના નાણાં કેમ ચુકવીશું? ’ ત્યારે શ્રીજીમહારાજે હસતા હસતા પુંજા શેઠને કહ્યુ કે ‘કારભારી, એ પેટીમાં રૂપિયા તો હજી એમનમ જ પડયા છે.’ આથી તે જોવા પુંજા શેઠે પેટી ઉઘાડીને જોયું ત્યાં તો પેટી પહેલાની જેમાં જ રૂપિયાથી છલોછલ ભરેલી હતી ! પુંજા શેઠ એ સમે શ્રીહરિના ઐશ્વર્ય ને જોઇને મહારાજના ચરણે નમી પડયા !

પછી વિદ્યા જોઈ વિપ્રની, દીધા દાન દક્ષિણા ઘણી..!
રાજી કરી વળી વાડવા, વળાવિયા ભુવન ભણી..!

  • શ્રીભકતચિંતામણી પ્રકરણ-૫૯

આવી રીતે ડભાણનો યજ્ઞ થયો ત્યારે મહારાજે સોંપેલી સર્વે જવાબદારીઓ જેવી કે નાણાંનો હિસાબ, ખરીદી કરવી, તેના ચુકવણા કરવા વગેરે સમગ્ર જવાબદારી પુંજા શેઠે ખુબ સરસ રીતે નિભાવી હતી. શ્રીજીમહારાજ અને સહુ સંતો ભકતોને રાજી કર્યા હતા.
જ્યારે વિહારીલાલજી મહારાજે શ્રીહરિલીલામૃતમ્ ગ્રંથની રચવાની તૈયારી કરી ત્યારે જે જે સંતો ભક્તોની સલાહ લીધી, તેમાં વડતાલમાં ઘણા વર્ષોથી સેવા આપતા કોઠારી પુંજા શેઠ પણ હતા.
છે ભાલ માંહિ અણિયાળી ગામ, ત્યાં વાણિયા મોઢ વસે સુઠામ..!
થયા પુંજાભાઇ ભલાજ ભક્ત, શ્રીજી છતાં તેહ થયા વિરક્ત…!!
સમગ્ર પુંજી ઘરની લઇને, પોતે પછી દુર્ગપુરે જઇને..!
શ્રીજીપદે અર્પણ સર્વ કીધું, ત્યાગી થવાનું પણ માંગી લીધું…!!
પ્રસન્ન થૈને વૃષવંશિ રાજ, સોંપ્યું બધું મંદિર કેરું કાજ..!
જ્યારે પછી શ્રીજી ગયા સ્વધામ, તથાપિ શેઠે કર્યું તેહ કામ.!!

શ્રીહરિલીલામૃતમ્ કળશ ૧ વિશ્રામ ૪ ની પંકિત ૭થી૯

આવા વિચક્ષણ અને મહિમાવાળા ભક્ત પુંજાશેઠને આચાર્ય મહારાજશ્રીએ વડતાલમાં કોઠારી તરીકે નીમ્યા હતા, પરંતુ પુંજાશેઠથી એક વખત પોતાની વડતાલ ગાદીના મુખ્ય કોઠારી તરીકેના ગુમાનથી ગઢડામાં મોટીબાનો અપરાધ થઇ ગયો હતો, જે સંપ્રદાયમાં સુવિદિત છે.
જ્યારે શ્રીજીમહારાજ આ લોકમાં વિરાજતા હતા ત્યાં સુધી સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું સૌ સંતો ભક્તો સન્માન કરતા, પ્રેમાનંદ સ્વામી તેમની બાળક અવસ્થા દરમિયાન મુસ્લિમ કુટુંબમાં ઉછર્યા હતા, આથી ઘણા સંતો પણ તેમને સંતોની પંક્તિથી બહાર રાખતા, આવો તેમનો અનાદર પણ થતો. પરંતુ મહારાજ ઘણી વખત રાજી થઈને પ્રેમાનંદ સ્વામીને પોતાના થાળની પ્રસાદી આપતા, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો ખુબ પ્રેમથી પ્રેમાનંદ સ્વામીના હાથે તેમની પાસેથી આવી પ્રસાદી લેતા, શ્રીજીમહારાજ આ બધું જાણતા જ હતા, આથી સ્વધામ પધારતા પહેલા મહારાજ મોટીબાને આજ્ઞા કરતા ગયા હતા કે દરરોજ પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજના થાળની પ્રસાદી તેમના આસને પહોંચાડશો, જેથી પ્રેમાનંદ સ્વામીને સંતોની પંક્તિમાં જમવા ન જવું પડે, આવી વ્યવસ્થા મહારાજે પોતે સ્વધામ જતા પહેલા કરેલી હતી.

શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી વિરહમાં ઝૂરતા પ્રેમસખીને ૨૪-૨૫ વરહના વાણા વાઇ ગયા, દરરોજ મોટીબાં શ્રીગોપીનાથજી મહારાજનો થાળ સ્વામીના આસને મોકલતા, આથી ઘણા સંતોને આ ન ગમ્યું, દરરોજ થાળની પ્રસાદી જતી તે પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન થઇ, આથી વડતાલના કોઠારી પુંજાશેઠને અવળું સવળું સમજાવીને ગઢડા તેડાવ્યા, તે સમયે વડતાલના કોઠારી તરીકે પુંજાશેઠને સમગ્ર સત્સંગમાં ખુબ માનપાન મળતા, સૌ તેમની વાતનો આદરથી સ્વીકાર કરતા, આથી પુંજાશેઠે ગઢડા આવીને પ્રથમ પ્રેમાનંદ સ્વામીને સંતોની પંક્તિમાં જ જમવું એવી આજ્ઞા કરી અને શ્રીગોપીનાથજીનાં થાળની પ્રસાદી સ્વામીને મોકલવાની બંધ કરાવી,
પ્રેમાનંદ સ્વામી તો મહારાજની આજ્ઞાથી આસને જમતા હતા, આથી સ્વામી સંતોની પંક્તિમાં જમવા ન ગયા, આમ બે ત્રણ દિવસ સ્વામી ન જમ્યા, આ મોટીબાને જાણ થઇ, મોટીબાં એ વાતે બહુજ ખિજાયા અને બ્રહ્મચારીને કહીને પ્રથમની જેમ થાળની પ્રસાદી મોકલાવી, પરંતુ પ્રેમાનંદ સ્વામીએ પ્રસાદીને નમસ્કાર કરીને થાળ પાછો મોકલાવ્યો, આ ઘટનાની મોટીબાને જાણ થઈ, તેમણે સ્વામીને પ્રાર્થના કરી પરંતુ પ્રેમાનંદ સ્વામીએ તો ઉપશમ અવસ્થા ગ્રહણ કરી લીધી હતી ! થોડા જ સમયમાં પ્રેમાનંદ સ્વામી દેહ છોડીને શ્રીજીમહારાજ પાસે અક્ષરધામમાં સીધાવી ગયા !
હવે પુંજાશેઠને પોતાની ભૂલ સમજાણી ! જે માટે તેમણે મોટીબાની ખુબ માફી માંગી હતી.

સદગુરું નિષ્કુળાનંદ સ્વામી શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૫ ની ૩૬મીં પંક્તિમાં અણિયાળી ગામના પુંજાશેઠ ને ચિંતવતા લખ્યા છે કે…

દ્વિજ દેવો શેઠ પૂંજોભાઈ, એહાદિ જન અણિયાળીમાંઈ..!
ભક્ત કણબી ઘેલો છે નામ, વસે જન તે વાવડી ગામ..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…