ગઢપુર ગામધણી એભલબાપુંનો પરિવાર એટલે શ્રીહરિને સ્નેહને તાંતણે બાંધી રાખનારા અનાદિ મુકતો, આવા જ દાદાખાચરના નાના દિકરા અમરાખાચર હતા. શ્રીહરિએ દાદાખાચરના બીજા વિવાહ ભટ્ટવદર ગામે નાગપાલ વરું ના દિકરી જસુંબાં સાથે કરાવ્યા, એમના કૂખે મોટા દિકરા બાવાખાચર અને નાના દિકરા અમરાખાચર થયા. બાવાખાચર નાના હતા ત્યારે શ્રીહરિના ઢોલીયે રમતા થકા અંગૂઠો ધાવતા, મોટા મોટા નંદ સંતો અને મુકતોના સહવાસમાં એમનો ઉછેર થયો. અંબરીશ રાજાના અવતાર સમાન અમરાખાચર પણ નાનપણથી જ ભકિતના અંગવાળા અને સંતો ભક્તોનો અતિ મહીમા સમજતા, નાનપણથી જ શ્રીગોપીનાથજી મહારાજના દર્શન અચૂક કરવા જતા, સંતો પાસે બેસીને કથાવાર્તા સાંભળતા અને પોતાના પિતા દાદાખાચરની જેમ શ્રીહરિના સ્વરુપમાં અડગ નિશ્ચયી હતા.
એકસમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુર પધાર્યા હતા, એ વખતે પિતા દાદાખાચર એમને તેડીને સ્વામીના દર્શને લઇને આવ્યા, ને કંઠી પહેરાવીને વર્તમાન ધરાવવા કહ્યું ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ વર્તમાન ધરાવી ને માથે હાથ મુકીને આશિર્વાદ આપતા કહેલું કે ‘દાદાભગત, આ તમારો દિકરો પણ તમારા જેમ અમરાભગત તરીકે ઓળખાશે..!’ આમ તેઓ નાની વયથી જ મોટા મોટા નંદસંતોના આશિર્વાદ ના અધિકારી બન્યા હતા.
પોતે નાનીવયે લાડુંબાં-જીવુંબા વગેરે સહું મુકતો પાસેથી શ્રીહરિની લીલાઓ સાંભળીને જીવનભર દરબારગઢ અને મંદિરનો અતિ મહીમા સમજતા, એ સર્વ મુકતોની ચરણરજના અનુગ્રહે મોટીવયે તેઓ મંદિરના ગૃહમાં અતિ મહીમાંથી પોતાનું કેડીયું કાઢીને આળોટતા.
વડીલ સંત એવા સદગુરુ શ્રીપરમચૈતન્યાનંદ સ્વામી પાસે તેઓ અચૂક શ્રીહરિના ચરિત્રો સાંભળવા જતા, જે શ્રીજી ચરિત્રો એ “ગઢપુરલીલા” નામે સંપ્રદાયમાં હાલ પ્રાપ્ય છે.
પોતાના પિતાજી મુકતરાજ દાદાખાચર સંવત ૧૯૦૯ વર્ષમાં પર વર્ષની વયે અક્ષરધામ સિધાવ્યા, એ વખતે અમરાખાચર એકદમ યુવાન હતા, તેઓ એ સંવત ૧૯૧૯ના વર્ષમાં તમામ દરબારગઢ અને શ્રીગોપીનાથજી મહારાજનું મંદિર અને દેવોના નિભાવ સારું જમીન વગેરે અર્પણ કરીને પોતાના પરિવારને રહેવા સારું પોતાની જમીન હતી ત્યાં મકાન બનાવી ને રહેવા ગયા હતા. હાલપણ એ તમામ જમીનના દસ્તાવેજોના ચોપડે “અમરા દાદા ખાચર” એમ સહી બોલે છે.
ધોલેરા મંદિરમાં જ્યારે ચરણારવિંદ બેઠક નો પ્રતિષ્ઠા વિધી થયો અને આચાર્યપ્રવર શ્રી વિહારીલાલજી મહારાજ ગઢપુરથી ધોલેરા પધાર્યા ત્યારે અમરાખાચર પોતાના બંને ભત્રીજાઓ ગીગાખાચર અને રાવતખાચર ને સાથે લઇને ગયા હતા, તે સમયે પોતે સર્વ સંતો અને મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત અને પુજન કરાવેલું. ત્યાં ઉત્સવમાં પણ દેવોને સોનાના અલંકારો અર્પણ કરીને સહુંને અતિ રાજી કરેલા.
શ્રીહરિ સ્વધામ સિધાવ્યા પછે સત્સંગમાં આચાર્યશ્રી રઘુવિરજી મહારાજ સત્સંગ ધૂરા સંભાળતા હતા, આ વખતે ગામ ‘ચૂડાનો હરિકૃષ્ણ’ જે શુદ્ધ ઉપાસનાનું ખંડન કરીને હું પોતે જ પ્રગટ ભગવાન છું એવું તૂત ચલાવતો હતો, આ સારું એને સત્સંગ થી વિમુખ કર્યો હતો. જે એકવખત ગઢપુર આવવા તૈયાર થયો, આ વખતે શ્રીહરિના વિશે અડગ નિષ્ઠાવાન એવા અમરાખાચર ખુલ્લી તલવાર લઇને ગઢપુરગામના ગોંદરે જઇને અને અતિ શુરવિરતાથી ગરજતાં થકા બોલ્યા કે “ગઢપુર મંદિર તો શું પણ જો એ હરિયો ગઢપુર ગામમાં પગ મુકે તોય હું એને વાઢી નાંખીશ, અને જો એમ ન કરું તો હું દાદાખાચરનો દિકરો નહી.” ત્યારે હરિયો જીવ બચાવીને નાઠો ને ગઢપુરમાં અમરાખાચરના લીધે આવીને ન શક્યો. આમ પોતે સત્સંગ માટે પક્ષ રાખવા માં અતિ અડગ નિશ્ચયી હતા.
એકસમયે પોતાના મોટાભાઇ બાવાખાચરના દિકરા ગીગાખાચરની જાન પાળીયાદ ગામે ગઇ હતી, એ વખતે પણ અમરાખાચરે પોતે આચાર્યશ્રી રઘુવિરજી મહારાજના પાસે આજ્ઞા લઇને ગઢપુરપતિ શ્રીગોપીનાથજી મહારાજને હાથી દાનમાં આપ્યો હતો, એ હાથીના નિભાવ સારું માંડવધારના રસ્તે સો વિઘા જમીન પણ જાનના ડાયરામાં દાન કરીને પ્રસંગ અતિ કૂનેહપુર્વક ઉકેલ્યો હતો. હાલ ગઢપુર દરબારગઢમાં હાથીખાનું તેમ જ એ હાથીખાના વાળી જે સો વિઘા જમીન માંડવધારના કેડે છે, એ હજું દસ્તાવેજી રેકર્ડમાં સાક્ષી પુરે છે.
આવા શ્રીહરિના મુકતરાજ એવા અમરાખાચર સંવત ૧૯૪૧ના માગશર સુદી ચોથ ને ગુરુવારના દિને સવારમાં સહુંને અગાઉથી કહીને શ્રીગોપીનાથજી મહારાજની શણગાર આરતિ થયા પછી પંચમહાભૂત નો દેહ ત્યાગ કરીને બોલતા ચાલતા દિવ્યદેહે અક્ષરધામમાં સીધાવ્યા.
– કૃપામુકિત તેમજ શ્રીસ્વામિનારાયણ મહામંત્ર મહિમામાંથી….