શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !

ગઢડા શ્રીગોપીનાથજી મહારાજના મંદિરના કામકાજનો આરંભ થઈ ગયો ને જરુરી માલસામાન આવતો થયો. પાયા ગળાઈ ગયા હતા પણ ભાવનગરના રાજા વજેસિંહ દરબારનો મંજૂરીનો કાગળ ન આવ્યો. એટલે શ્રીહરિએ દાદાખાચરને રૂબરૂ ભાવનગર મોકલ્યા.

દરબારે મીઠાશથી જવાબ આપ્યો, “હજુ મારી પાસે કાગળો આવ્યા નથી, આવશે એટલે તરત મંજૂર કરી મોકલી દઈશ. થોડા દિવસ રાહ જુવો.” દાદા તો વિશ્વાસુ પણ એવા તે ગઢપુર પાછા આવ્યા. થોડા દિવસ જતાં કાગળ ન મળ્યા, એટલે શ્રીજીમહારાજ કારિયાણી હતા ત્યાંથી કારભારી લાધા ઠક્કરને ભાવનગર જવા આજ્ઞા આપી. તે ગયા ત્યારે દરબારની કચેરીમાંથી કહેવાયું કે, “દરબાર સાહેબને મળો.” કારભારી ઠાકોર વજેસિંહજીને મળ્યા. તો તેને પણ બારોબાર જવાબ આપ્યો કે “તમતમારે કામ ચાલુ કરો, મંજૂરી હું થોડા સમયમાં મોકલી દઈશ.” એટલે કારભારી પણ ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા. એ જાણી શ્રીજી મહારાજે થોડા દિવસ રાહ જોયા પછી પોતે જવા નિર્ણય કર્યો ને બોલ્યા, “આવું તે કાંઈ રેઢિયાળ જેવું રાજતંત્ર ચાલે? છ-છ મહિના થયા, છતાં મંજૂર ન થયા.” શ્રીજીમહારાજ ભાવનગર જાય છે, તેની ખબર પુરીબાઈને પડતા, તેણે ઢેબરા બનાવી નાજા જોગિયાને ડબ્બો ભરી આપ્યો. ઉમરાળા આવતા નદીના પટમાં શ્રીજીમહારાજે કહ્યું, “લ્યો! પેલા લીંબડાને છાંયડે બપોરા કરી લઈએ. નાજા જોગિયા! લાવો ભાતાનો ડબ્બો.” નાજા જોગિયાએ બેસીને ડબ્બો ખોલી ઢેબરા કાઢયા ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, “નાજા જોગિયા! એ ઉપરના ઢેબરા તમે લઈ લ્યો, અમે અમારા ઢેબરા ઓળખીએ છીએ.” એમ કહી ડબ્બો પોતા તરફ ખેંચીને નીચેથી ઢેબરા કાઢયા. તે જોઈ નાજા જોગિયા બોલ્યા, કે ‘હં… હં… મહારાજ ! થોભો, જુવો તો ખરા આ ઢેબરું એકતરફ તો કાચું છે!’

‘હા… હા… અમે જાણીએ છીએ. તેમાં બનાવનારનો પ્રેમ નીતર્યો તે કાચુ રહી ગયું છે.’

તે વખતે કારિયાણીના વજીની દીકરી ઉમરાળાએ સાસરે હતી, તે લુગડાં ધોવા આવતાં તેની નજર નાજા જોગિયા પર પડતાં તે તેને ઓળખીને નજીક આવતા બોલી કે ‘અરે… નાજાબાપુ! તમે અહીં ક્યાંથી?’ નાજા જોગીયા કહે કે ‘બાઈ! તમે મને ઓળખો છો?’

તે બાઇ કહે કે ‘હા… હા… નાજા બાપુ! તો જ તમને બોલાવું ને? હું રવજીની દીકરી. અહીં મારું સાસરું છે! પણ તમે અહીં બેસીને આ શું લુખા થેપલા ખાશો? હાલો મારા ઘેર…!’ નાજા જોગીયા બોલ્યા કે ‘દીકરી! આજ તો તારે ઘેર આવવાની વેળા નથી. અમારે ભાવનગર વે’લા પહોંચવું છે.’ તે સુણી ને બાઇ બોલી કે ‘બાપુ, તમને ઝાઝા ખોટી નહીં કરું, છતાંય હમણાં જમવાનું થોભજો.’ એમ કહી મેલાં લુગડાંનો ગાંસડો મેલી તે હડી કાઢતી ઘેર પહોંચી ને દહીંનો પાટિયો અને ગાજરનું અથાણું લઈ આવી.

‘લે દીકરી ! આટલું બધું તે શે ખૂટશે ?’ નાજા જોગિયાએ કહ્યું.

એ દીકરી બોલી કે ‘ખૂટે જ ને! વગડાના વા ખાઈને ભૂખ તો બવ લાગે. વળી ભાવનગરમાં કામમાં ક્યાં ધડો છે? કેટલેક વખતે પૂરું થાય! રાત્રે કવેળા પાછા ફરવું પડે તો ? પેટમાં પડયું હશે તો ઠીક રે’શે.’ એમ પરાણે આગ્રહ કરી જમાડી, બાઈ લુગડાં ધોવા બેઠી.

શ્રીજીમહારાજ અને નાજા જોગિયા જમી, જળપાન કરી થોડી વારે હાલતા થયા ત્યારે બાઈએ કહ્યું, ‘પાછા વળો ત્યારે મારા ઘેર જરૂર રોકાઈ રે’જો. પાદરમાં જ ઘર છે.’ બાઈનો આગ્રહ જોઈ શ્રીજીમહારાજ કહે, ‘નાજા જોગિયા! આ બાઈને પોતાના માવતરના મલકનું કેવું હેત છે. જો આવું હેત જીવને ભગવાનમાં બંધાઈ જાય, તો બેડો પાર થઈ જાય !’ ત્યારે નાજા જોગીયા હાથ જોડી ને કહે કે ‘’હા…! ખરુ હો મહારાજ! પણ તમારી માયા ક્યાં કોઈને સુખ લેવા દીએ છે. એમની જોરાવરી ને અવળાઈ સામે માણસનું નહીં ચાલે. એ તો તમારો કે સાધુનો આશરો મળે તો જ છાનીમાની છેટે રહે, નકર તો કૂતરાને ગીંગોડી વળગે તેમ વળગી રહે.’ આમ પંથે વાતું કરતાં કરતાં ભાવનગર આવ્યું અને રૂપાભાઈ તથા રાજાભાઈને ત્યાં ઉતારો કર્યો. નિત્યક્રમથી પરવારી દરબારમાં પધાર્યા, ત્યારે દરબાર વજેસિંહજી મળતા બોલ્યા, ‘કેમ દરબાર! ગઢડા મંદિરનો લેખ કરવો છે કે આમ અમને સહુને ધક્કા જ ખવડાવવા છે? હા… કહો કાં ના કહો, એટલે અમને ખબર પડે. ના પાડો તો બીજે ગામ જઈ મંદિર કરીએ.’

દરબારે શ્રીજીમહારાજને ખુરશી એ બેસાડયા અને ઊભા ઊભા કાગળ તૈયાર કરાવી મ્હોર મારી નીચે સહી કરીને કહ્યું, ‘મહારાજ! ઘણું મોડું થયું એટલે માફી માગું છું. આ રાજના કામનો બોજો બવ રહે છે, તે તમારું કામ ભૂલી જવાતું હતું.’

શ્રીજીમહારાજ અને નાજા જોગિયા ગઢપુર તરફ હાલતા થયા. રોંઢો થયો ને ઉમરાળીના પાદરે પુગ્યા ત્યાં ગઢડાના ભાવસારે મહારાજને દીઠા અને બોલ્યો, ‘અરે મહારાજ! તમે?’ એમ કહી ઘોડેથી ઊતરી દંડવત્ કરવા માંડયા.

શ્રીજીમહારાજે કહ્યું, ‘રાખો દંડવત, પણ તમે અહીં?’ ભાવસાર કહે કે ‘હા, મહારાજ! આ ઉમરાળી સુધી જ આવ્યો હતો, સગાને ત્યાં કામે. ‘તે સુણીને શ્રીહરિએ પુછ્યું કે ‘મંદિર કરવાનું કામકાજ કેવુંક ચાલે છે?’ ભાવસાર કહે કે ‘મહારાજ! સવારે ત્યાંથી જ નીકળ્યો હતો. સૌ સંત-હરિભક્તો ઠરાવ પ્રમાણે રાતે રાતે કામ કરે છે ને દિ’એ ઘરકામ કરે છે.’

શ્રીહરિ કહે કે ‘સારું લ્યો, બેથી ત્રણ થયા.’ તે એમ કહી મહારાજે ઘોડીનું ચોકડું ઢીલું કર્યું ને ઘોડી હાંકીને ચાલતા ચાલતા વાત કરતા કહ્યું, ‘લ્યો! હવે તો રાત-દિ’ કારખાનું ચાલુ રાખી ઝડપથી મંદિર પૂરું કરવું છે. જુવો અમે તેનો લેખ ભાવનગરથી કરાવીને લાવ્યા છીએ. ભાવસારના મોંઢા પર આનંદની રેખા પથરાઈ ગઈ અને સંધ્યા ઢળુઢળુ થતા તો શ્રીહરિ, નાજા જોગીયા અને ગઢપુરના ભાવસાર ત્રણેય સાથે ગઢડા આવ્યા.

– શ્રીનારીરત્નોમાંથી….