શ્રીહરિ કચ્છ દેશમાં માનકુંવાથી રામપુરની વાડીમાં જવાની ઇચ્છા કરી નાથાભગત ને ઘોડી આપીને માનકુવે પાછો મોકલ્યો. ત્યાંથી શ્રીજીમહારાજ ચાલ્યા તે મેરાઇ વાડીએ દિવસ પહોર પાછલો હતો ત્યારે પધાર્યા, વાડીએ કોશ ચાલતો હતો, ત્યાં કુંડી ઉપર શ્રીહરિ જઇને ઊભા રહ્યા. તે કૂવા ઉપર ત્રણ કણબી ભાઇ કોશ હાંકતા હતા. જે ત્રણનાં નામ, એક ભીમજી, બીજા નું ખીમજી અને ત્રીજા નું લખું હતું. એ ત્રણે ભાઇ કોશ ચલાવતા હતા, ત્યારે કૂવાના થાળા આગળ શ્રીહરિએ આવીને ત્રણે ભાઇઓને કહ્યું જે, ‘અમને તો બવ ભૂખ લાગી છે, તો જમવા રોટલો આપો.’ ત્યારે ત્રણે ભાઇઓએ કહ્યું જે, ‘હે બાવા ! રોટલો તો અમે જમી રહ્યા ને અત્યારે કોશ જોડ્યા છે. હવે ક્યાંથી આપીએ ?’ ત્યારે શ્રીહરિએ કહ્યું, ‘આ સામે ડેલામાં, છીંકા ઉપર માટલીમાં, સાંજે જમવા સારુ રાખ્યો છે, તેમાંથી મને જમવા સારુ અડધો રોટલો આપો.’ એમ કહ્યું, ત્રણ માંથી મોટા બે ભાઇએ ના પાડી. પણ નાના લખુએ પોતાનો રોટલો જમવા આપ્યો.
એ કોશ હાંકીને ઠાલવવા સામા ગયા. અને કોશ ઠાલવીને પાછા વળ્યા ને શ્રીજીમહારાજ સામી દૃષ્ટિ કરીને જોયું, ત્યારે તે સમયે શ્રીહરિ મહારાજે પોતાનું મસ્તક ધુણાવ્યું, તે મસ્તકના વાળની લટો તે ત્રણેય ભાઇઓને સોનાની કિરણો તુલ્ય તેજોમય દેખાણી અને તે મહારાજની મૂર્તિ પણ તેજોમય દેખાણી તે જોઇને, ખીમજી તથા ભીમજીએ પોતાના ભાઇ લખુને કહ્યું જે, ‘તેં આ બ્રહ્મચારીને રોટલો જમવા આપ્યો તે બ્રહ્મચારી તો કામણટુમણીયો તથા જાદુગરો છે. તે જોને, આ રોટલો જમીને આપણને, જાદુ કરી બતાવ્યો અને હમણાં જ આપણને બીજા મનુષ્ય જેવા જણાતા હતા. અને અત્યારે જ સર્વે મૂર્તિ તેજોમય જટા સહિત દેખાડી. એમ વાત કરે છે ત્યાં તો એજ મહારાજે એમને નિશ્ચય કરાવવા સારું પોતાના અંગમાંથી ફરીવાર કોટાનકોટી સૂર્ય તથા કોટાનકોટી ચંદ્રમા તથા મહાતેજ તે પણ જેના તેજમાં લીન થઇ જાય તેવી પોતાની તેજોમય મૂર્તિમાંથી તેજની કિરણો ત્રણે ભાઇઓને દેખાણી, તે મૂર્તિ કિરણો તથા તેજોમય જટા સહિત જોઇને ભીમજીભાઇ બોલ્યા જે, ‘હે લખુ ! તેં આ બાવાને રોટલો જમવા આપ્યો, તે જમીને જો વળી આપણને જાદુ દેખાડ્યા.’ એમ કહીને કોશ ઘડીક હાંક્યા, તે કોશના પૈયાની સામે એક આંબલીનું વૃક્ષ બહુ જ મોટું ઊભેલું હતું. તે સામું ત્રણે ભાઇઓએ કોશ હાંકતાં જોયું, ત્યાં અકસ્માત આંબલીના વૃક્ષ નીચેથી તે આંબલીના ટોચ સુધી સોંસરી બ્રહ્મચારીની મૂર્તિ તે ત્રણે ભાઇઓને દેખાણી. અને તે આંબલીની ટોચ ઉપર ચારે તરફ તેજ તેજના અંબાર છાઇ ગયા ને અગણિત દેવતા વિમાને સહિત દેખાણા, તથા અનંત મુક્ત તે પણ ચારેકોરે તેજના અંબારમાં દેખાણા.
તેને જોઇને ખીમજી તથા ભીમજી બે ભાઇ બોલ્યા જે, લખુ ! તેં આ બ્રહ્મચારીને રોટલો ખાવા દીધો તે જમીને આપણને ફરીવાર જાદુ દેખાડ્યા, કેમ જે આ બ્રહ્મચારી હમણાં જ કુંડી ઉપર બેઠા હતા અને એટલી વારમાં આ આંબલીના વૃક્ષ ઉપર દેખાણા, એમ વાત કરતા કરતા કૂવાના થાળા પાસે ત્રણે ભાઇઓ ગયા, ત્યારે બ્રહ્મચારીએ લક્ષ્મણને કહ્યું જે, ‘પટેલ ! તમારે કાંઇ જોઇતું હોય તો માગો, અત્યારે જે માગો તે હું તમને આપું.’ એમ કહીને પૂછ્યું જે, ‘તમો કયા દેવની ઉપાસના કરો છો ?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘અમારા ગામમાં મહાદેવ છે તેને માનીયે છીએ. અને વિશેષપણે કરીને તો, અહીંથી ત્રણ ગાઉં છેટે બિલેશ્વર મહાદેવ છે તેને માનીયે છીએ. તેની રુદ્રી પણ કરાવીએ છીએ. અને અમને જે કાંઇ અન્ન, વસ્ત્ર, ધન તથા પુત્રાદિક પદાર્થ જે જોઇએ તે મહાદેવ સ્વામી આપે છે, તે માટે હવે હું તમો પાસે શું માગું ? એવી રીતે લક્ષ્મણે કહ્યું. ત્યારે બ્રહ્મચારીએ તેમને કહ્યું જે, ‘હું તારું આત્યંતિક કલ્યાણ કરીશ. અને તારી સાત પેઢી સુધી તારા કુળમાં સર્વે મુક્તજીવ જન્મશે. અને સર્વે મારી ભક્તિ ઉપાસના કરશે એવો તમારો પવિત્ર પરિવાર થશે. એવી રીતે લક્ષ્મણ ભક્તને વરદાન આપીને આથમણી દિશાએ ગંગાજીના સન્મુખ ચાલ્યા ગયા. તે ગામ તેરે તથા કાળાતળાવ ગયા.
ત્યાંથી ફરીને પાછા વીશ દિવસ ગયા પછી પાછા તે જ વાડી ઉપર તે લક્ષ્મણ ભક્તને કહી ગયા જે, ‘આ તમારો છાસટીયો પાકેલો ઊભો છે, તે હવે તરત જ ઉતાવળથી કાપી લેજો, કારણકે વરસાદ ઘણો થશે. અને નહિ કાપો તો સડી જાશે.’ એમ બ્રહ્મચારી લક્ષ્મણ ભક્તને કહીને ત્યાંથી ચાલ્યા તે ગામ રામપર ગયા.
પછી તે ભક્તે વાડીના ધણી જે ગરાસીયા તેમને કહ્યું જે, ‘છાસટીયો પાકી રહ્યો છે, તે મને રજા આપો તો વાઢી લઉં.’ ત્યારે ગરાસીયે ના પાડી, અને કહ્યું, બીજા મનુષ્યના છાસટીયા કાચા છે તે હમણાં નહીં કપાય. ત્યારે ભક્તે કહ્યું જે, ‘તમે મને છાસટીયાની ઉધડ બાંધી આપો તો હું કાપી લઉં, ને તમારી આજ્ઞા વિના, મારે ઘેર નહિં લઇ જાઉં, કારણકે મારો પાકેલ માલ બગડી જાશે, માટે ઉધડ બાંધી આપો તો સારું,’ એમ કહીને રજા લીધી. અને પોતાનો છાસટીયો કાપીને સાચવી મૂક્યો. પછી બ્રહ્મચારીના વચન પ્રમાણે ત્યાં ઘણો વરસાદ વરસ્યો. ગામના કોઇ મનુષ્યનો છાસટીયો એક પણ પલળ્યા વિના ન રહ્યો.
– શ્રીકચ્છલીલા અધ્યાય – ૭માંથી….