ખોપાળાના જેઠા માણિયા કહે ‘જા, જઈને કહેજે કે, શ્રીગોપીનાથજીએ ભેંશો મંગાવી લીધી, ને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે.”

સત્સંગ ના જાણીતા ગામ ખોપાળામાં મુકતરાજ જેઠા માણિયા કરીને અતિ પ્રેમી નિષ્ઠાવાન હરિભગત હતા. પોતે શ્રીહરિને સર્વકર્તાહર્તા માનતા. શ્રીહરિ અને સંતો ને કાજે પોતે સર્વસ્વ સમર્પણભાવથી જીવન જીવતા. શ્રીહરિ સીવાય કોઇ તણખલું હલાવવાને સમર્થ નથી એવું પોતે અંતરથી દ્રઢપણે માનતા. એકસમયે જેઠાભગત ગામના ચોરે ડાયરામાં બેઠા હતા. ત્યાં એવામાં એક મોટો સર્પ નીકળ્યો. તે જોઈને ડાયરામાં સૌ આસપાસ કૂંડાળે બેઠેલા માણસો ઊઠી ઊઠીને ભાગવા લાગયા. ત્યારે જેઠાભગત બોલ્યા જે, “એલાવ શા માટે ભાગો છો ? એને કરડવું કાંઈ તેના હાથમાં નથી. કરડવું તો મારા પ્રભું શ્રીસ્વામિનારાયણના હાથમાં છે.” એમ કહીને પોતે ત્યાંજ નિર્ભયપણે એમ જ બેસી રહ્યા. પછી એ સર્પ તેના ખંભા ઉપરથી પગ ઉપર થઈ ચડ્યો. તે વખતે જેઠાભગત ઉઘાડે શરીરે બેઠા હતા, એટલે સર્પ તેની ડૂંટીમાં બે-ત્રણ માથાં મારીને ચાલ્યો ગયો; પણ જેઠાભગત તો જરાય હલ્યા નહી કે પોતાનો પગ પણ ઊંચો કર્યો નહીં. તે જોઈને સૌ લોક જેઠાભગતને પગે લાગ્યા ને વખાણ કર્યા જે, “જેઠા, તું સ્વામિનારાયણનો ભક્ત ખરો !” આમ, તેઓ માનતા કે શ્રીહરિ સીવાય કોઇ કશુંય કરવાને સમર્થ નથી.

જ્યારે ગઢપુરમાં શ્રીગોપીનાથજી મહારાજનાં મંદિરનો પાયો નાંખવો હતો. પછી શ્રીજીમહારાજે સભા કરીને સૌ હરિભક્તોને કહ્યું જે, “આપણે અહી દરબારગઢમાં મંદિર કરવું છે, માટે સૌની શ્રદ્ધા પ્રમાણે સેવામાં સહું પોતે તથા બળદિયા વિગેરે લઇને સેવા માં આવવાનું છે.” પછી સૌ સૌની શ્રદ્ધા પ્રમાણે બોલ્યા. ત્યારે જેઠા માણિયા પણ ત્યાં હાજર હતા, એટલે તેઓએ શ્રીજીમહારાજને કહ્યું જે, “હે મહારાજ ! આજથી આં ગાડુ, બળદિયા ને ગાડાખેડું હું, એ ત્રણે વાનાં મંદિર થાય ત્યાં સુધી આપના ચરણે કૃષ્ણાર્પણ.” તે સાંભળી શ્રીજીમહારાજ બહુ રાજી થયા. પોતે ત્યાં જ રોકાયા અને મંદિરના પાયા ખોદવા, પત્થર લાવવા, કે દરબારગઢમાં તમામ સેવા કરીને શ્રીહરિને અતિ રાજી કરેલા.

એક વખત સંતોનું મંડળ ગઢપુરથી ખોપાળે વિચરણમાં ફરવા ગયા હતા. જેઠા માણિયા એ ઘેર પોતાની ઘરવાળીને કહેતા ગયા જે, “સાધુને માટે બોઘરણું ભરીને દૂધ મોકલજે.” પણ એમની ઘરવાળી સ્વભાવે બહુ લોભી હતી, તેથી છાશનું બોઘરણું ભરીને મોકલ્યું. પછી જેઠા માણિયા સીમમાંથી બપોરે પરબારા મંદિરમાં આવ્યા અને સાધુને પગે લાગીને બેઠા. જેઠા ભગતે સાધુને પૂછયું જે, “સ્વામી ! આપણે ઘેરથી કાંઈ સીધું વગેરે આવ્યું હતું કે ?” તે સુંણીને સંતો કહે, “હા, ઘાટી રગડા જેવી છાશનું બોઘરણું ભરીને આવી તે તેની કઢી કરીને ઠાકોરજીને જમાડ્યા અને અમે પણ સહું જમ્યા.” તે સાંભળી જેઠાભગત સમસમી ગયા. મનમાં થયું કે સંસારમાં આટઆટલી મહેનત મંજૂરી કરીએ પરંતું જ્યારે આવા પવિત્ર સંતો વર્ષમાં એક-બે વખત આવે ને એ સમે પણ જો પોતાની પરસેવાની કમાઇ કામ ન આવે તો એ બધુંય ધૂડય સમાન છે.’ એમ મનમાં વિચારતા ધેર ગયા. બીજે દિવસે વહેલા ઉઠીને પોતાને ઘેરથી બે પાડીયું છોડીને પોતે ચાલ્યા. તે ગઢપુરને માર્ગે ભેંશો ચરતી હતી, તેને પણ લઈને પછી ત્યાંથી ગઢડે આવીને મંદિરમાં બાંધી ગયા ને પાછા ખોપાળે જઈને મંદિરમાં સાધુ પાસે જઈને બેઠા.

સાંજ વખત થઈ તોપણ ભેંશો ચરીને ઘેર આવી નહીં. ત્યારે તેની ઘરવાળી મંદિરની ખડકીએ આવીને બૂમ પાડવા માંડી. ગામનાં ભગવાન સોનીને બોલાવ્યાં જે, “તારા કાકાને કહે જે, ભેંશો ઘેર આવી નથી અને પાડીયુંને ક્યાં મેલી આવ્યા છો ?” ભગવાન સોનીએ જેઠાભગતને પૂછયું જે, “મારી કાકી પૂછે છે જે, “પાડીયું ક્યાં મેલી આવ્યા અને ભેંશો પણ આવી નથી ?”

તે સાંભળીને જેઠાભગતે કહ્યું જે, “જા, જઈને કહે જે, જેની હતી તેને આપી આવ્યો. હું ખેતર હતો. ત્યાં ગોપીનાથજી મહારાજ આવીને કહી ગયા જે, “મેં તને ભેંશો આપી છે તે જ્યારે સાધુ આવે ત્યારે સાધુ દૂધ ખાય અને જ્યારે સાધુ ન હોય ત્યારે તારાં છોકરાં દૂધ ખાય.’ માટે જા, જઈને કહેજે કે, ગઢપુરથી શ્રીગોપીનાથજીએ મંગાવી લીધી અને કાલ્યથી બોઘરણું લઈને સવારે છાશ માંગવા તૈયાર થાજે; નીકર છોકરાંવ છાશ વગરનાં રહેશે. કેમ કે, ગોકળ ગાબાણીને ત્યાં દૂઝણું છે, ત્યાંથી છાશ લાવજે.” એમ કહેવરાવી દીધું, પણ પોતે મંદિરમાંથી બહાર નીસર્યા નહીં.

એકસમેં દક્ષિણાદાબારના ઓરડામાં દાણાની કોઠિયું ફેરવવી હતી. એ વખતે જેઠા માણીયા ગઢપુર શ્રીહરિના દર્શને પધાર્યા હતા. તેઓ સહું પાર્ષદો સાથે ઓરડામાં અનાજની કોઠીઓ ફેરવતા હતા, ત્યાં એ વખતે શ્રીજીમહારાજ સહુને સેવા કરતા જાણીને એમના ઉપર રાજી થઇને પધાર્યા. શ્રીજીમહારાજે એમને સહુંને માથે હાથ મેલ્યા અને ભેંટયા, શ્રીજીમહારાજે મુળજી બ્રહ્મચારીને કહ્યું જે, “આને લાડું લાવીને ખવરાવો.” પછી મુળજીબ્રહ્મચારીએ ચૂરમાના મોટા ચાર લાડુ લાવીને આપ્યા. તે પોતાના સ્વહસ્તે જેઠાભગતને આપ્યા, તેઓ તો શ્રીહરિ ના સ્વહસ્તે પ્રસાદ મળ્યો જાણીને અતિ મહીમાંથી એ દેવોને દુર્લભ એવી પ્રસાદીના ચૂરમાંના લાડું ઊભા ઊભા જમી ગયા, ને પાછા વળી સહું સાથે કૌઠીઓ ફેરવવા મંડ્યા.

એક વખત સદ્ગુરુ આનંદાનંદસ્વામી ખોપાળા ગામે વિચરણમાં પધાર્યા હતા અને એ વખતે ઉનાળાનો વખત હતો. ચૈત્ર વૈશાખ ના તાપે ગરમી બહું હતી. ગામનાં મંદિરમાં હવાની અવરજવર ન હોય, આનંદાનંદ સ્વામીએ જેઠાભગતને કહ્યું જે, “જેઠા ! ઉનાળો છે ને ઉકળાટ બહુ થાય છે, માટે ક્યાંકથી થોડોક પવન આવે એવું થાય તો ઠીક.” ત્યારે જેઠાભગત કહે, “સ્વામી ! તમે જ્યારે નાહવા પધારો એટલે પવન આવે એમ કરું.” પછી સ્વામી નાહવા કૂવે પધાર્યા, એ વખતે જેઠાભગતે મંદિરની પછીત પછવાડે બાંકોરૂં પાડ્યું. સ્વામી જ્યારે સ્નાન કરીને પરત આવ્યા અને જોયું તે ત્યારે જેઠાભગતને પૂછ્યું જે, “ભગત ! આ શું કર્યું ?” ભગત કહે કે, “સ્વામી ! બાંકોરૂં પાડ્યુ છ, તમે કહેતા હતા જે, “પવન આવે તેવું કરો.’ માટે તમો રહો ત્યાં સુધી રાખશું અને પછી પૂરી દેશું. “ સદગુરુ આનંદાનંદ સ્વામી એમનો નિખાલસ સંતો પ્રત્યે નો પ્રેમ જાણીને જેઠાભગત ઉપર અતિ રાજી થયા. આમ,એમની આત્મનિવેદી ભક્તિ પણ એવીજ હતી.

– શ્રીસ્વામિનારાયણ ભગવાનના ભકતરત્નોમાંથી….