કચ્છના ગામ બળદીયામાં કૃષ્ણ ભકતના દીકરો રત્નો ભક્ત રહેતા હતા. રત્નાભગતને સત્સંગ થયો તેથા એના ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં સાસરિયાંએ ઉપાધિ કરી, તેના લીધે નાત પણ ઉપાધિ કરવા લાગી, ગામમાં પણ સર્વે મનુષ્યો ઉપાધિ કરવા લાગ્યાં. સાધુઓને પણ ગામમાં પેસવા ન દે, ગામમાં બીજો કોઇ સત્સંગી પણ નહીં જે સહાય કરે. રત્નાભગતને પાંચ દશ કોરી દંડ પણ લીધો. આથી તે ભક્ત ત્યાંથી ઉચાળો લઇને ગામ કેરામાં જઇને સદાબાને આશરે રહ્યા.

એકસમે રતનાભગત ગઢડે શ્રીજીના દર્શન કરવા ગયા. ત્યારે કહ્યું જે, હે મહારાજ ! હું તો ગામમાં નાત્યના ત્રાસથી બળદીયાથી ઉચાળો લઇને ગામ કેરામાં સદાબાની પાસે જઇને રહ્યો છું.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમારે પોતાનું ગામ બળદીયા ન મેલવું. અને ત્યાં જ રહેવું.’ ત્યારે તેની પાસે બેઠેલા બીજા સત્સંગીઓ હતા તે બોલ્યા જે, ‘રત્ના ભક્ત ! તમને શ્રીજી મહારાજ વારેવારે કહે છે. ત્યારે તમે શીદ ના કહો છો ? હા કહો. ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, હવે કેમ કરીને પાછા બળદીયામાં રહેવા જઇએ ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘ભલે જો ગામનો ધણી તમને તેડવા આવે તો જાજો.’ ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, કોઇક મોટો ખેડુ હોય તેને તો તેડવા આવે, પણ મારા જેવા મજુરને કોઇ તેડવા આવે ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, જો તેડવા આવે તો જાજો. ત્યારે રત્ના ભક્તે કહ્યું જે, સારું મહારાજ ! જો તેડવા આવશે તો જઇશ. પછી પગે લાગીને ચાલ્યા તે કેરા આવ્યા.

પછી થોડાજ મહીનામાં ધરતીકંપ થયો તે પૃથ્વી હાલી ને ગામ બળદીયામાં ઘણાં બધાં ઘરો પડી ગયાં. ત્યારે તે ગામ ધણીએ ગામના મનુષ્યોને બોલાવીને કહ્યું જે, ‘આપણાં ગામમાં ઘણાં ઘર પડી ગયાં છે, તે સર્વે પાછાં ચણાવીને તૈયાર કરો.’ ત્યારે ગામનાં મનુષ્યોએ કહ્યું જે, ‘જેને ચણતાં આવડતું હતું તે સત્સંગી થયા, તેને તો આપણે ગામમાંથી કાઢી મેલ્યા, તે હવે કેરામાં જઇને રહ્યા છે. હવે તો અહીં એવા કડીઆ કોઇ નથી.’ ત્યારે ગામધણીએ કહ્યું જે, ‘એને બોલાવી લાવો.’ ત્યારે તે ગામના મનુષ્યોએ કહ્યું જે, એ અમારા બોલાવ્યા નહીં આવે. એ ગઢડા સ્વામિનારાયણનાં દર્શન કરવા ગયા હતા ત્યારે એને શ્રીજી મહારાજે કહ્યું હતું જે, તમને જો ગામધણી તેડવા આવે તો જ જાજો. તેથી જો તમો તેડવા જાઓ તો જરૂર આવે, પછી તે ગામધણી પોતે પટેલીયાનું ગાડું લઇને ગામ કેરા ગયા, અને કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને કહ્યું જે ‘તમે બળદીયા ગામે ચાલો.’ ત્યારે રતના ભક્તે કહ્યું જે, ‘અમે આવીએ તો ખરા પણ જો ગામનાં મનુષ્યો નિંદા કરે તો ન આવીએ, જો કોઇ ગામનું માણસ સત્સંગનું વાંકુ ન બોલે અને અમારા સાધુઓને ગામમાં આવવા દે તો જ અમે આવીએ.’

ત્યારે ગામધણીએ કહ્યું જે, ‘ગામનો ધણી તો હું છવ ને હું તમને તેડવા આવ્યો છું. આ પટેલીઆ પણ ગાડાં લઇને તેડવા આવ્યા છે. માટે હવે તમને કોણ કહેનારા છે ? કોઇ નહીં બોલે. અને જો તમને કોઇ ગામમાં બોલે તો તેને હું દંડ દેવાને સમર્થ છું. જ્યારે તમારા સાધુઓ જ્યારે આવશે ત્યારે હું મારા મેડા ઉપર ઉતારીશ, માટે ચાલો.’ પછી ગાડાંમાં સર્વસામગ્રી ભરીને ગામ બળદીયા પરત આવ્યા. પોતાનાં ઘર હતાં તેમાં આવીને રહ્યા.

તે રત્ના ભગતનો બનેવી વાલો પટેલ હતો તે બહુ ઉપાધિ કરતો હતો તેને શ્રીજી મહારાજે દેહની સ્મૃતિ ભૂલાવીને યમપુરીમાં લઇ ગયા. તેને પ્રથમ તો વૈતરણી નદી દેખાડી, ને નરકના નવ લાખ કુંડો દેખાડ્યા. શ્રીજીમહારાજે કહ્યું કે ‘જે ભગવાન ન ભજે, ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને અમારા ભગવાનના સંતોભકતોની નિંદા કરે, તેના માથે આ સર્વ યમપુરીનાં દુઃખો ભોગવવાનાં છે. માટે તું અમારા ભક્ત જે કૃષ્ણભક્ત અને રત્નો ભક્ત છે તેને રાત દિવસ પીડે છે અને હેરાન કરે છે તેથી આ સર્વ દુઃખો તારા માટે તૈયાર કરી રાખ્યાં છે.’

ત્યારે તે વાલા પટેલે કહ્યું જે, ‘હે મહારાજ ! આ યમપુરીમાં દુઃખો દેખીને મને અતિશય ત્રાસ ઉપજ્યો છે, માટે કૃપા કરીને તમો જેમ કહો તેમ કરું પણ આ યમપુરીનાં દુઃખો ટળે તેવા ઉપાય બતાવો.’ ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે ‘જે અમારા સત્સંગી જે કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તને બહુ દુઃખ દીધાં છે, માટે તેને પગે લાગીને રાજી કરો તો જ તમારે માથેથી યમપુરીનો માર ટળશે. માટે વર્તમાન લઇને સત્સંગી થાઓ તો અમો ભગવાન છીએ, તે તમને અમારા ધામમાં પહોંચાડીશું.’ ત્યારે તે વાલા પટેલે કહ્યું જે, હવે મને મારા દેહમાં પહોંચાડો તો તમે જેમ કહો છો તેમ હું તત્કાળ કરીશ. ત્યારે શ્રીજી મહારાજે તેને દેહમાં મૂક્યો.

વાલો પટેલ સવારમાં ઊઠીને એના સાળા રત્નાભગતને ઘેર આવીને બેઠો ને રત્નાભગતને કહ્યું જે, તમે મને ખાવા દો તો હું ખાઉં. ત્યારે તે રત્ના ભગત તથા તેના ઘરનાં સર્વે મનુષ્યો ભેળાં થઇને કહેવા લાગ્યાં જે, તું વળી આજ અમારે ઘેર ક્યાંથી આવ્યો ? વળી અમને હેરાન કરવા આવ્યો છે ? ત્યારે તે વાલે કહ્યું જે ‘સ્વામિનારાયણે મને આજ યમપુરી દેખાડી અને કહ્યું જે, તું અમારા સત્સંગીઓ કૃષ્ણ અને તેમનાં ઘરનાં મનુષ્યોને બહુ દુઃખ આપે છે, તે આજ યમપુરીમાં માર ખાઇને મરી જઇશ, અને દુઃખનો પાર નહીં આવે. ત્યારે મેં કહ્યું જે, આ યમપુરીનો માર મારા માથેથી કેમ ઉતરે ? તે મહારાજ તમે કૃપા કરીને બતાવો. ત્યારે સ્વામિનારાયણે કહ્યું છે જે, કૃષ્ણ ભક્તના ઘરનાં મનુષ્યોને રાજી કરો, સત્સંગ કરો તો યમપુરીનાં દુઃખો અને યમના મારથી તમને ઉગારીશ. હું ભગવાન છું તે તમને મારા ધામમાં પહોંચાડીશ એમ કહીને મહારાજે મને અહીં મોકલ્યો છે, તેથી હું અહીં આવ્યો છું, તે મને તમે ખાવા આપો. મને નિયમ ધરાવો અને હું સત્સંગી થાઉં, અને ભગવાનનું ભજન કરું તો મારા જીવનું કલ્યાણ થાય એમ મારે કરવું છે.’

ત્યારે કૃષ્ણ ભક્ત અને રત્ના ભક્તે પછી તેને વર્તમાન ધરાવીને જમાડ્યો. વાલો પટેલે કહે ‘જે આજ દિવસ સુધી મેં તમારા અપરાધ કર્યા છે, તે અપરાધને તમો મારી ઉપર કૃપા કરીને માફ કરજો. મને આજથી સત્સંગી જાણજો, તમે જ્યારે મહારાજનાં દર્શન કરવા જાઓ ત્યારે મને દયા કરીને મહારાજનાં દર્શન કરાવજો.’

ચાર માસ કેડે સંઘ તૈયાર થયો ત્યારે વાલા ભક્તને બોલાવ્યા ને કહ્યું ‘તમારે શ્રીજી મહારાજનાં દર્શને આવવું હોય તો ચાલો.’ ત્યારે વાલાભાઇ સંઘ સાથે તૈયાર થઇને ગઢડા ગયો, ત્યાં શ્રીજી મહારાજનાં દર્શન કરી અને પગે લાગીને બેઠો. તે ભક્તને શ્રીજી મહારાજનો નિશ્ચય યથાર્થ થયો જે ‘શ્રીજીમહારાજ તો અક્ષરાતીત શ્રી પુરુષોત્તમનારાયણ છે. તે મેં ઓળખ્યા. અને હવે સંસારમાં શીદ કૂટાઇ મરું?’ એમ કહીને તે સાધુ થયા અને શ્રીહરિએ તેનું નામ ‘મુકુંદપ્રસાદદાસ સ્વામી’ પાડ્યું.

  • શ્રીપુરૂષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૯માંથી….