એકવાર શ્રીજીમહારાજ ગામ કરિયાણા પધાર્યા હતા. ચોમાસાનું ટાણું હતું તે જાણે ઇન્દ્રદેવને કમત્ય સુઝી તે સૌના પારખા લેવાનું સુઝ્યું ને બારે મેઘ છૂટા મેલ્યા. ઘનઘોર ઘટા થઇને સાંબેલાધારે મેઘો મંડાણો તે હાથ એકથી કાંઈ સુઝેય નહીં, એવો અંધકાર જામ્યો. માથે વીજળીના કડાકા-ભડાકાના તોફાન જાણે કે હમણાં સાલીમાળ ડુંગરને તોડી-ફોડી ને વેરવિખેર કરીને પાથરી દેશે, નેવા ના પાણીની ધારાઓ વહી ને ફળીમાં કયાય પાણી સમાય નહી. એ વખતે એવું સંકટ મેલ્યું.
ઈ વખતે મહારાજ પલળતા વસ્ત્રે મીણબાઈને ઘેર અચાનક આવ્યા. તેને જોઈ મીણબાઈ બોલ્યા, ‘અરે…! અરે…! મહારાજ ! અમને સંસારીઓને તો ધન-વૈભવ, સગા-સ્નેહીના મોહ ચોંટયા હોય તે ગમે તેમ કરી જીવના જોખમે ઝપીને ન રહીએ અને તમે આવા ટાણે આમ ભટકો છો ? તમારે તે ક્યાં કોઈ છોકરાવ ને પરણાવવા છે ને એના હારું મહેલ બાંધવા છે ? અમે તો કાંક લોભમાં રહીએ પણ તમને વળી શાનો લોભ લાગ્યો છે ? જીવ પર આટલી બધી દયા વરસાવો છો. છાનામાના પગ વાળીને સુખેથી ઘડીક તો બેસો !”
શ્રીહરિ કહે ‘મીણબાઈ ! અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે તો પંડયનું પોષણ તો જોવે ને ? જેવી માણસોની રીતભાત તેવી અમારેય આ વખતે કરવી રહી. જુવોને ઉતારે અમે બેઠા ત્યાં આ ઇન્દ્રએ ઉપાધિ આદરી. એક તરફ અમને ભૂખ લાગી, જાવું ક્યાં ? તે તમારું ખોરડું નજીક ભાળી અહીં આવ્યા છીએ.”
મીણબાઇ હાથ જોડીને બોલ્યા કે ‘સારું થયું ને, અમારાય ભાગ્ય હશે તે તમ જેવાના ઘેર પગલાં થયાં. લ્યો ! આ કોરા ખેસથી પંડય કોરું કરો ને ઘડીક ઓસરીમાં બેસો, ત્યાં હું રોટલો ઘડી દઉં.” એમ કહી મીણબાઈ ઘરમાં ગયા, પણ અનરાધાર વરસાદે ચૂલો તો વરસાદના પાણીથી પલળી ગયો હતો. પોતે ઓસરીમાં આવ્યા ને પાણિયારે આવી માટલું ખાલી કરી તેને અડધેથી ફોડયું. હેઠેના ભાગમાં અંદર છાણાં ખડકી આગમુણમાં ભારેલો અગ્નિ લાવીને સળગાવ્યા. એ ચૂલો ઓશરીમાંથી ઘરમાં માથે મેલી ગયા.
તે જોઈ મહારાજ બોલ્યા… ”અરે… મીણબાઈ ! આ શું કર્યું ?” એમ કહી પોતે પણ ઘરમાં ગયા ને સાંગામાંચી (ખાટલી) પર બેઠા.
મીણબાઇ કહે “મહારાજ ! સામેના છાપરામાં રાંધણાનો ચૂલો છે ત્યાં તો વરસાદનું પાણી ભરાઈ ગયું છે તે એ હવે તો સળગે નહિ. એટલે આ ઘરગથ્થુ સગડી કરી, હમણાં જ રોટલો ઘડી તમને જમાડું.” એમ કહી મીણબાઈએ કાથરોટમાં લોટ મીંઠું ને પાણી નાખી રોટલાનો લોટ મસળી ટીપીને તાવડીમાં નાખ્યો. લીલવાણી દેશી બાજરાના લોટનો રોટલોય જોતાં જ આફવડો ગમે એવો ફૂલીને દડા જેવો થયો ને તાવડીએ શેકાતા એની અનેરી સુગંધ ફોરવા લાગી.
સર્વસુજાણ શ્રીહરિ કહે ‘મીણબાઇ, પણ તમે આ ગોળો ફોડયો તો પાણીયારે પાણી ભરવાનું હવે કેમ થશે ?” ત્યારે પ્રેમીભકત મીણબાઇ બોલ્યા કે “મહારાજ ! ગામમાં કુંભારનું ઘર ક્યાં આઘું છે ? સવારમાં નવો લઈ આવી માંડીશ, પણ તમ જેવા ભગવાન અમારે ત્યાં કે’દિ આવે ? લોકમાં કહેવત છે ને કે નાણું મળશે પણ ટાણું નય મળે. આ માણસ અવતારે તમ જેવા પુરુષોત્તમનારાયણ ની સેવા મળી, તે તો મોટા ભાગ્ય માનું છવ. કોઈનું કર્યું કાંઈ એળે જતું નથી. બાકી તો એ સંસારમાં ડૂબકા મારી આવાગમનમાં રખડવાનું જ છે ને ! તમ જેવાની સેવા કરશું તો વળી તમારી કૃપાથી કલ્યાણ થાય ને ઈ ધામ ઓરું થાય, નહીં તો જ્યાં ત્યાં અવતારે ભટકીને હડપ હડપ થઈ લખચોરાશીમાં ઘૂમરાવાનું જ છે ને ?” એમ વાત કરતા મીણબાઈએ રોટલામાં કાંણા પાડી સારી પેટે થીણું ઘી ભર્યું. તે રોટલો, દહીં, મેંથીયા મરચાંનું અથાણું ને માખણનો વાટકો સાકર નાંખીને પીરસ્યા.
આમ પ્રેમીભક્તના શુદ્ધ ભાવને વરહતા વરસાદમાં ભગવાને સન્મુખ જઇને ગ્રહણ કર્યો.
– પ્રેમીજનને વશ પાતળીયોમાંથી…..