કવિશ્વર દલપતરામે માત્ર સાત વર્ષની કૂમળીવયે ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન ગઢપુરમાં કરેલું, એ વખતે શ્રીહરિ ગઢપુર પધાર્યા અને સહુ કોઇ દરબારગઢથી સામૈયું લઇને સન્મુખ આવ્યા, એ વખતે કવિવર દલપતરામ પોતાના સહુ કુટુંબીજનો સાથે શ્રાવકના કારજ પ્રસંગે આવેલ હોય ગઢપુર દાદાખાચરના દરબારગઢ પાસે ઉભા હતા, શ્રીહરિએ માણકીએ થી ઉતરીને પોતાના ઘેરા સાદમાં “એ ભગુજી…! આ માણકીને પાવરો ચઢાવજો’ આટલું વાક્ય અને હાથનું લટકું દેખ્યું અને વાલમના વેણને સુણ્યુ, જે એમને જીવનના અંત સુધી આજીવન એમ જ યાદ રહયું.
આવા ભકતશીરોમણી સમાન કવિશ્વર દલપતરામજી જયારે વૃદ્ધ થયા, અને તે વખતે સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ દેશની ગાદી ઉપર આચાર્ય પ્રવરશ્રી વિહારીલાલજી મહારાજ આચાર્યપદ પર વિરાજમાન હતા. તેઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલાચરિત્રોથી ભરપૂર ગદ્ય ગ્રંથની રચના થાય તેવો સંકલ્પ કર્યો. કવિશ્વરને આ અંગે વાત કરી અને તેઓએ આ ગ્રંથમાં સહયોગ આપવાની વાત કરી. ચાલીસ જેટલા શ્રીહરિ સમાના નંદસંતો અને બ્રહ્મચારીઓની હાજરી સાથે વડતાલમાં આ કાર્ય શરૂ થયું. કવિવર દલપતરામજી દસ (૧૦) વર્ષ સુધી ત્યાં રહ્યા ને શ્રી હરિના ચરિત્રોને ‘શ્રી હરિલીલામૃત’ નામક દિવ્ય ગ્રંથની આચાર્ય શ્રીવિહારીલાલજી મહારાજના નામોક્ત ગદ્યમાં આશરે સત્તર હજાર પંક્તિઓ રુપે સંપ્રદાયને અર્પણ કર્યો. આ દળદાર મોક્ષમુલ્લક ગ્રંથમાં ૭૫ ઉપરાંત વિવિધ ઢાળ-રાગ છે. સાંપ્રત સમાજની કવિતની દ્રષ્ટીએ અદભૂત એવો ગ્રંથ આ ગ્રંથ ગાતા-સુણતા શ્રીહરિના દિવ્ય ચરિત્રો માં રસતરબોળ કરી મુકે એવો અજોડ ગ્રંથ છે.
કવિશ્વરશ્રી દલપતરામજી પોતાના જીવનના ઘણા વર્ષ સુરતમાં રહ્યા. અહીં તેઓ અંગ્રેજ અધિકારીઓને ગુજરાતી ભાષા શીખવતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા સમજાવી સામેવાળાના હૃદયમાં હિન્દૂ ધર્મ પ્રત્યે લાગણી જન્મે તેવો કાયમ પ્રયાસ કરતા.
મિ.ફાર્બસ કરીને એક અંગ્રેજ વ્યક્તિ કવિશ્રી આગળ ગુજરાતી શીખતાં. રવિવારના દિવસે તેઓ દલપતરામજી આગળ ગુજરાતી ભણી રહ્યા હતા. દલપતરામ ભણાવી રહ્યા હતા પરંતુ, ફાર્બસ થોડી થોડી વારે દલપતરામજી સામે જોતા હતા. કવિશ્રીને એમ થયું ફાર્બસનું મન ભણવામાં કેમ નથી? એટલે એમણે પૂછ્યું કે ‘મીસ્ટર ફાર્બસ, આજે તમારું મન ભણવામાં નથી લાગતું? કાંઈ સમસ્યા છે.?
ના એમ જ… દલપતરામે ફરી ભણાવવાનું શરુ કર્યું. થોડીવાર પછી અંગ્રેજ અધિકારી ફાર્બસ પાછું દલપતરામજી સામું જોવા લાગ્યા. દલપતરામેં આ જોઈ ભણાવવાનું પુસ્તક નીચે મૂકી અને ફાર્બસને પૂછ્યું તમારે કાંઈ સમસ્યા હોય તેવું લાગે છે, માટે તમે નિઃસંકોચ જણાવો. ત્યારે ફાર્બસે પૂછ્યું કે “આજે તમારા કપાળમાં તમારા સંપ્રદાયનું ચિન્હ દેખાતું નથી એ પ્રશ્ર્ન છે?” ઓહ એ પ્રશ્ર્ન છે… ત્યારે બન્યું એવું કે “આજે રવિવારનો દિવસ છે, એટલે મારે હજામત કરાવવાની હોય, હજામ દરવખતે વહેલો આવી જાય પરંતુ, આજે એને આવતા મોડું થયું એટલે મેં એ આવે એ પહેલા સ્નાન કરી પૂજાપાઠમાંથી પરવાર્યો ત્યાં હજામ આવ્યો અને મેં હજામત કરાવી. અમારા નિયમ અનુસાર ફરીવખત મેં સ્નાન કર્યું એટલે તિલક-ચાંદલો ભૂંસાઈ ગયો અને લોકાચારે મેં ફરીવખત કર્યો નહીં.” એ સુણી ફાર્બસ કહે કે ‘અરે એવી વાત છે, મને થયું કે તમે સુરતમાં આવી નાસ્તિક થયા કે શું? હું તો ધર્મ અને નીતિનો પ્રખર હિમાયતી છું અને જો તમે નાસ્તિક થાવ તો મારા નામને પણ બટ્ટો લાગે, કે ફાર્બસના સંગે દલપતરામ નાસ્તિક થયા કે શું???’ કવિવર દલપતરામ બોલ્યા કે “ના ના ના એ તો શક્ય જ નથી મિ.ફાર્બસ, મારા ધર્મના મૂળિયાં તો પાતાળ સુધી ઊંડા છે. આ સંપ્રદાયને સ્વીકારવા માટે મેં મારા બાપ ખોયા છે. મારા પિતાજી ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી કે દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો છે એ આઘાતમાં તેઓએ ઘરસંસારનો ત્યાગ કર્યો અને માધવાનંદ નામે સંન્યાસી થઈ નર્મદાના તટ પર આજીવન રહ્યા. વળી આ સુરત શહેરમાં મારા ઘરથી ભગાવનશ્રી સ્વામિનારાયણ નું મંદિર ઘણું દૂર છે, પણ હું દરરોજ સાંજે મંદિરમાં જઈ સંતોના મુખે કથા-વાર્તા સાંભળું છું અને મારા ધર્મના પાયાને મજબૂત બનાવું છું. માટે મારી ચિંતા તમે ના કરો…”
આમ, કવિવર દલપતરામના સંગથી કેટલાય અંગ્રેજોને પણ હિન્દૂ ધર્મ પ્રત્યે આદરભાવ થતો અને દલપતરામના અનન્ય શિષ્ય થઈને તેઓ રહેતા.
કવિશ્વર દલપતરામની ખ્યાતિ પણ ખુબ હતી. મોટા મોટા અંગ્રેજ અધિકારીઓ પણ તેઓને માન-પાન આપતા. એક વખત દલપતરામ એક વખત ખેડાથી બોરસદ ગયેલા. ત્યાં દલપતરામના પરિચિત રવરન્ડ ટેલર અને મિસિસ ટેલર અંગ્રેજ અધિકારી રહેતા. તેઓના આગ્રહથી કવિશ્વરને ત્યાં જવાનું થયું. ત્યાં પાદરી અને બીજા મહેમાનો સાથે કવિશ્રી દલપતરામ પણ ત્યાં બેઠા.
થોડો સમય વ્યતીત થયો ઘણા મહેમાનો હતા, એટલે મિસિસ ટેલરે અથિતિ ધર્મ સાચવવા ચા તૈયાર કરી તેને પ્યાલો ભરી એક ડીશમાં ગોઠવી મહેમાનોના ટેબલની વચ્ચે મૂકી. બધાને પ્યાલો આપ્યો સાથે દલપતરામને પણ આપ્યો. કવિજીએ પ્યાલો લઈ ટેબલ ઉપર મુક્યો. ત્યાં ખ્રિસ્તી મહેમાનો બોલી ઉઠ્યા કે મેડમ નો હાથ પાછો ઠેલાય નહીં.
મેડમ સાહેબ બોલ્યા કે આ પીવામાં કાંઈ પાપ છે આતો ફક્ત પાણી અને ચાંના ઉકાળેલા પાંદડા છે. બધા ઉત્સુક હતા કે હવે શું બને છે? કવિવર દલપતરામજી વાત કળી ગયા. પછી બોલ્યા: “પ્યાલામાં પાપ હોય કે ન હોય પરંતુ કોઈ પૂછે કે, તમે ખ્રિસ્તી મહીલાના હાથની ચા પીધી હતી? તો ઈશ્વરની સાક્ષીએ હું ના કહું મેં ચા પીધી નથી. તો એ જૂઠાણાંનું પાપ મને લાગે કે નહીં? આ પાપ કોણ માથે લેશે? મેડમ કે ટેલર સાહેબ? મને બહારનું કાંઈ પણ ન ખપે… ‘बिन खपतो नही खात’ આ સંપ્રદાયની મર્યાદાને મેં ગ્રહણ કરી છે, માટે આ વાત તો નહીં બને…”
સદ્દગુરુ પ્રેમાનંદ સ્વામીએ ‘નિર્વિકલ્પ ઉત્તમ અતિ’ આ પ્રાર્થનામાં શિક્ષાપત્રીની મુખ્ય અગિયાર આજ્ઞાઓનું નિરુપણ કર્યું છે. અને સાથે એવા આશીર્વાદ પણ આપ્યા છે,કે આ પ્રમાણે જે વર્તશે તેઓ જરુર ભગવાનનાં ધામને પામશે. આ આજ્ઞાઓમાં દસમી આજ્ઞા છે: ‘बिन खपतो नही खात’
આ પ્રમાણે વર્તનારાઓ આપણા સંપ્રદાયમાં ઘણા ભક્તો થયા કે જેઓ સામાજિક દૃષ્ટિએ ઘણા ઉંચા સ્થાને હોય અને સત્સંગની મહત્તા પણ એના હૃદયમાં પ્રથમ હોય એવા કોઈ ભક્ત હોય તો તે હતા ગુજરાતના મહાન કવિ ‘કવિવર શ્રી દલપતરામજી’.
– કવિવર દલપતરામજીના જીવનકવનમાંથી….