સંવત ૧૮૭૭ ના માગશર સુદી પડવાના ગામ લોયાના (સંગશુદ્ધીના) ૬ઠ્ઠા વચનામૃતમ્ માં શ્રીહરિએ કહ્યુ કે “જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સૂધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહિ ને સાંભળવા પણ નહિ.” એમ આજ્ઞા કરીને ગામ તોરણાંના રણછોડ ભક્તને યાદ કરતાં કહ્યું કે એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાન ના પદો હોય તો ગાવવા અને સાંભળવા..! આમ, શ્રીહરિએ શ્રીરણછોડરાયજી પરમઉપાસી એવા મુકત રણછોડભકત ને યાદ કર્યા.
આ રણછોડ ભક્ત નો જન્મ ઇ.સ.૧૮૦૪ ખેડા જિલ્લાના ખડાલ ગામના ખડાયતા વૈષ્ણવ વણિક એવા કવિ પિતા નરસિંહદાસ મહેતાના ઘરે થયો હતો. તેઓનું બાળપણ અને યુવાન અવસ્થા દરમ્યાન એમણે ખડાલ ગામમાં વસવાટ કરેલો. તેઓ ડાકોરનાથ શ્રીરણછોડરાયજીના પરમ ઉપાસક હતા અને દર પૂનમે ડાકોર ચાલીને દર્શને જતા. તેઓ ૧૦૫ વર્ષનું લાંબું નિરોગી આયુષ્ય જીવેલા. તેઓ શ્રીકૃષ્ણભગવાનની ગોકુળ અને વ્રજલીલાનાં પદો બનાવીને શ્રીડાકોરનાથજી સમક્ષ ગદગદ કંઠે ગાવતા, આમ તેમનો નિર્મળ ભક્તિભાવ જોઇને એ પંથકમાં તેઓની રણછોડ ભગતની નામના હતી.
તેઓ પોતાના ખડાલ ગામમાં પિતાજી સાથે ગોપાળશેઠની ખડકીએ પોતાની હાટ હતી ત્યાં બેસી ને વણજ-વ્યાપાર કરતા, એકદિવસે સવારમાં ગામની એક વિધવા બાઇને કાંઇક કારણોસર બહારગામ જવાનું હોય, પોતાના સોનાના ઘરેણાંનો ડાબલો રણછોડ ભગત પાસે સાચવી મુકવા સારું એને આપવા ગઇ, એ વખતે રણછોડ ભગત તો પોતાની સવારની નિત્યપૂજામાં ધ્યાનમાં બેઠા હતા. એટલે અગાઉથી કહ્યા પ્રમાણે ત્યાં એક પટારો હતો એમાં બાઇ મુકીને જતી રહી. એ સમયે એક સોની ત્યાં હતો એ આ વિધવા બાઇને સોનાનો ડાબલો મુકતા જોઇ ગયો એટલે એનું મન લલચાયું, એ સોનીએ ડાબલો લઇને નજીકમાં સંઘરી દીધો. બનવા જોગે એ બાઇને બહારગામ જવાનું બંધ રહેતા એ થોડીજવાર માં પરત આવીને પોતાનો ડાબલો પરત માંગ્યો. રણછોડભકત તો હજું પણ ધ્યાનમાંજ બેઠા હતા. બાઇએ પોતાનો ઘરેણાંનો ડાબલો ન મળતા ભગત ઉપર ચોરી કરીને પોતાના ઘરેણાને ઓળવી જવાનો આરોપ નાંખ્યો, રણછોડભગતે પોતે લીધો ન હોવાનું કે એ જોયો જ ન હોવાનું કહ્યુ, ગામમાં રણછોડ ભગત વિધવાબાઇના ઘરેણા ઓળવી ગયા એમ વાતનું વતેસર થઇ ગયું. પોતે ઘણા વ્યથિત થયા પરંતુ એમને કાંય સુઝયુ નહી કે પટારામાં મુકેલ ડાબલો કોણ લઇ ગયું હશે…! ભગત તો ડાકોરનાથ શ્રી રણછોડરાયજીનું ભજન કરવા બેસી ગયા. ઓલી વિધવા બાઇએ ખડાલના ગામધણી મીંયા મકવાણા પાહે જઇને ભગત વિરુદ્ધ ફરિયાદ કરી, દરબારે ભગતને રાજમાં બોલાવીને ‘એ ઘરેણા ક્યાં મુકયા છે એ સાચું કહો નહીતર જેલમાં પુરીશ’એમ ધમકી દીધી. ભગતે પોતે તો નિર્દોષ હોવાની વાત કહી પરંતુ કોઇ માન્યું નહી, એ જ વખતે ડાકોરપતિ શ્રીરણછોડરાયજી એ વખતે ત્યાં સાધુંનો વેશ લઇને દરબારમાં આવ્યા અને વિધવાબાઇના ઘરેણાંનો સાચો ચોર પેલો સોની છે એમ કહીને પોતાના ભક્તને નિર્દોષ સાબિત કર્યા અને ઘરેણાંનો ડાબલો પરત અપાવ્યો. ત્યારબાદ રણછોડભગતને શ્રી ડાકોરપતિ શ્રીરણછોડરાયજી એ સ્વપ્નમાં દિવ્યદર્શન દીધું ને બાજુના ગામ તોરણામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રીહનુમાનજી અને ગરુડજીની મુર્તિઓ દટાયેલ છે’ એ મુર્તીઓ સ્થળે મંદિર કરાવજો એમ આજ્ઞા કરી. પ્રભુંની આજ્ઞાએ રણછોડભગત તુરંત જ પોતાનું ગામ ખડાલ મુકીને છ કીલોમીટર છેટે તોરણાં ગામે આવ્યા અને ત્યાના સ્થાનિક લોકો ને સાથે લઇને એ ભૂમીમાં ખોદકામ કરતા સ્વપ્નમાં કહ્યા પ્રમાણે સ્વયંભૂ શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ મુર્તીઓ મળી આવી. ગામજનો ભગતના સાચા ભકિતભાવથી અતિ રાજી થયા અને એજ જમીનમાં મંદિર કરાવ્યું અને રણછોડભગત એ દિવસથી ત્યાં જ મંદિરે એ દેવોની સેવામાં રોકાયા. આ સુંદર મંદિર હાલ પણ તોરણાં ગામે દર્શન આપે છે. હાલ એ મંદિરના મહંત તરીકે બળદેવદાસ બાપું સેવા આપે છે. જેમણે ભકતકવિ રણછોડની રચેલ વાણીને પાંચ ભાગમાં પ્રકાશિત કરેલ છે.
પરમભકત રણછોડભગતની ભક્તિથી રાજી થઇને શ્રીરણછોડરાયજીએ એમને અવારનવાર દર્શન આપતા અને ઘણાય પરચાઓ પણ દીધેલા.
રણછોડભગત પોતે કવિ હોય સ્નેહલીલા, ગોવર્ધનલીલા, રાસપંચાધ્યાયીના પદો, દાણલીલાના પદો, ધોળના પદો, વસંતના પદો, થાળના પદો તેમજ ઉપદેશના અનેક પદો એમણે રચ્યા છે જે લોકમુખે ગવાય છે. એમના રચેલ થાળના પદને લોકો હજું લોકો બહુધા ગાય છે.
એમનું આ પદ કાવ્ય જગતમાં ઘણું લોકપ્રિય છે કે…
દિલમાં દીવો કરો રે, દીવો કરો,
કૂડા કામ ક્રોધને પરહરો રે..!
દિલમાં દીવો કરો..!
દયા-દિવેલ, પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો..!
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે..!!
દિલમાં દીવો કરો રે…
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું..!
થયું ભોમંડળમાં અજવાળું રે..!!
દિલમાં દીવો કરો રે.
આવા પરમભકતને ત્યાં તોરણાં ગામે દર્શન આપવા ખુદ શ્રીહરિ સામા ચાલીને સહુ સંતો-ભક્તો અને પાર્ષદો સંગાથે સંવત ૧૮૬૮ની સાલમાં કઠલાલથી ઘોડેસ્વાર થયા થકા પધાર્યા હતા. ત્યાં દર્શન આપીને એમના મનના સંકલ્પને ચરિતાર્થ કરવા બેઠક ઉપર બેઠા અને સોનામહોર પણ આપેલી.
તોરણાંમાં આવ્યા ભગવાન, રણછોડ ભક્તનું ત્યાં સ્થાન..!
એણે કિર્તન કાવ્ય જે કીધી, મહાપ્રભુંએ માન્યતા દીધી..!!
ગામ તોરણાંમાં મુકતનાથ, ઘણા સંતહરિજન સાથ..!
રણછોડભકત ની ગાદી પર, પોતે બેઠા છે શ્યામસુંદર..!!
– શ્રીપુરુષોત્તમચરિત્રપુષ્પમાળા ગુચ્છ ૭ પુષ્પ ૫ તેમજ ગુજરાતી સાહિત્યકોષ ખંડ-૧ માંથી….