ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય અને પરમ એકાતિંક મુકતરાજ એવા માંગરોળના શ્રીગોવર્ધનભાઇ પોતે સમાધિનિષ્ઠ હતા એટલે ત્રણેય અવસ્થામાં જ્યારે ઇચ્છે ત્યારે ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરી શકતા. શ્રીજી મહારાજની કૃપાએ એ બીજાને પણ સમાધિ કરાવતા.
એક દિવસ ગામના સર્વ સત્સંગીઓ ગોવર્ધનભાઇને ઘેર ધૂન, કીર્તન કરવા માટે એકત્રિત થયેલા, ત્યારે પ્રસંગોપાત સમાધિની વાત નીકળી. એથી સહુએ આગ્રહથી ગોવર્ધનભાઇને કહ્યું : ‘‘તમે સમાધિ કરાવી શકો છો, તો અત્યારે આ સભામાંથી કોઇકને સમાધિ કરાવો તો અમે બધા જોઇએ તો ખરા!’’ પછી સર્વના આગ્રહને માન આપી ગોવર્ધનભાઇએ એક ત્રિકમ નામે માળી સારા સત્સંગી હતા તેને કહ્યું કે, ‘‘જો ત્રિકમ તારે સમાધિ જોવી હોય તો મારી સામું જો.’’ ત્યારે તેણે ગોવર્ધનભાઇની સામે જોયું તેથી તેને તુર્ત જ સમાધિ થઇ ગઇ. એકાદ કલાક બાદ સમાધિમાંથી જાગ્રત થઇને અક્ષરધામમાં પોતે ભોગવેલા અદભૂત સુખનું વર્ણન કરતા તેમણે કહ્યું કે, ‘‘અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સિંહાસનની ચારે બાજુ અનંત કોટિ મુક્તો એકાગ્ર દ્રષ્ટિએ શ્રીજીમહારાજ સામું જોઈ રહ્યા છે, એ અક્ષરધામનું એવું સુખ છે કે તેનું વર્ણન થઇ શકે નહિ. જો એક વખત તેનો અનુભવ થાય તો માયિક સુખ વિષતુલ્ય થઇ જાય, એવો એ સુખનો મહાન અદભૂત ચમત્કાર છે.’’ આ પ્રમાણે ત્રિકમ માળીની વાત સાંભળીને સર્વ સત્સંગીઓ બહુ રાજી થયા.
સહુએ મળીને ગોવર્ધનભાઇને પૂછ્યું કે, ‘‘હાલમાં શ્રીજી મહારાજ ક્યાં બિરાજે છે ?’’ ત્યારે તેઓ બોલ્યા કે, ‘‘શ્રીજીમહારાજ હાલ ગઢપુરમાં બિરાજે છે.’’ ત્યારે ત્રિકમ માળી કહે, ‘‘મને સમાધિ કરાવીને ત્યાં મોકલો.’’ ત્યારે ગોવર્ધનભાઇ કહે, ‘‘તું મારા સામું જો.’’ ત્યારે તેમણે સામું જોયું એટલે તત્કાળ સમાધિ થઇ ગઇ. ને ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીંમડાતળે ઢોલિયા ઉપર ઉગમણે મુખે શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને ઝરિયાની વસ્ત્રો પહેર્યા હતા તથા આગળ પરમહંસોની સભા ભરાઇને બેઠી હતી અને સભામાં એક બાજુ મશાલ પ્રગટાવવા સારું વાણંદ મશાલનો ગુચ્છસમો કરી રહ્યો હતો.
આ રીતે ત્રિકમ માળી સમાધિમાં શ્રીજી મહારાજના જે દર્શન કરતો હતો તે બધી વાત અહિં ગોવર્ધનભાઇએ સહુને સંભળાવીને કહ્યું કે ‘હવે તમે સહું ત્રિકમ માળી સમાધિમાંથી જાગે ત્યારે તેને જાતે જ પૂછી જો જો.’ પછી થોડીકવારે સહુએ કહ્યું જે ‘ગોવર્ધનભાઇ, હવે આમને જગાડો.’ ત્યારે ગોવર્ધનભાઇએ તેની સામું જોયું, કે તુર્ત જ તે સમાધિમાંથી ઉઠ્યો. આણંદજીભાઇ સંઘેડીયાએ ત્રિકમને પૂછ્યું કે, ‘‘ત્રિકમ, તું સમાધિમાં ગયો ત્યારે શ્રીજીમહારાજ ક્યા મુખારવિંદે બેઠા હતા ? ને સભાની આસપાસ શું થતું હતું ? તે કહે પછી ત્રિકમ માળીએ જે પ્રમાણે ગોવર્ધનભાઇએ પ્રથમથી વાત કહી હતી તે પ્રમાણે કહ્યું. તે સાંભળીને બધા સત્સંગીઓ બહુ આશ્ચર્ય પામ્યા.
એક વાર ગોવર્ધનભાઇ માંગરોળની નજીકમાં આવેલ શીલ ગામે એક પરજિયા સોનીનો છોકરો નવો સત્સંગી થયો હતો તેને શ્રીહરિના મહીમાંની વાતો કરવા ગયા હતા. ગોવર્ધનભાઇ ઓસરીમાં બેઠેલા એટલે છોકરો પગે લાગી સામે બેઠો. એ છોકરાના બાપ પણ ‘જય નારાયણ’ કહીને વાતો સાંભળવા બેઠા. ગોવર્ધનભાઇએ ઉપદેશ ને ધર્મનિયમની ઘણી ઘણી વાતો કરી. તે સાંભળીને છોકરાના પિતાને ગુણ આવ્યો અને કહ્યું કે, ‘‘તમે બીજા માણસોને સમાધિ કરાવો છો, ત્યારે મારા દીકરાને સમાધિ કરાવી ભગવાનના દર્શન કરાવોને !’’ ગોવર્ધનભાઇએ તે છોકરાને સમાધિ કરાવીને શ્રીજી મહારાજ પાસે ગઢડા મોકલ્યો. એ સમયે મહારાજ હિંડોળાખાટ ઉપર બેસીને હિંચકતા હતા, તેવામાં મૂળજી બ્રહ્મચારીએ આવીને કહ્યું કે, ‘‘મહારાજ ! જમવા પધારો થાળ તૈયાર છે.’’ તે પછી મહારાજ વાસુદેવ નારાયણને ઓરડે જઇ પીતાંબર પહેરી ને જમવા બેઠા અને બ્રહ્મચારીએ બીજા બાજોઠ ઉપર થાળ મૂકી બિરંજ, દહીંની કઢી, તાંજળીયાની ભાજી ને પાપડ વગેરે પીરસ્યાં અને શ્રીજીમહારાજ જમે છે, એવાં દર્શન સમાધિમાં એ છોકરાને થયાં.
છોકરો દર્શન કરતો હતો ત્યારે મહારાજે તેને પૂછ્યું, ‘‘કેમ સોની મહાજન ? તારે જમવું છે ?’’ ત્યારે છોકરો કહે, ‘‘ના મહારાજ, હું તો જમીને આવ્યો છું.’’
ગોવર્ધનભાઇએ છોકરાને સમાધિ કરાવેલ ત્યારે છોકરાની માં ગામનાં કૂવે પાણી ભરવા ગયેલ, તે ઘેર આવી જુએ છે તો એનો છોકરો ઓસરીમાં ચત્તોપાટ પડેલો ને નાડી પ્રાણ ના મળે. એથી એ બાઇ એકદમ ગભરાઇને બોલી કે, ‘‘અરે આટલી વારમાં મારા છોકરાને શું થઇ ગયું.’ એમ બોલી શોરબકોર કરી ઊંચેથી રડવા લાગી. ગોવર્ધનભાઇ કહે, ‘‘બાઇ તમે જરા પણ ગભરાશો નહિ, તમારા દિકરાને સમાધિ થઇ છે, તે ગઢડા ગયો છે. ત્યાં મહારાજ જમે છે અને તેનાં દર્શન કરે છે, મહારાજે તેને જમવાનું પૂછ્યું પણ તેણે ના પાડી. હું તમારા દીકરાને જગાડું ત્યારે તમે એને આ બધી વાત પૂછીને ખાતરી કરજો.’’
ગોવર્ધનભાઇએ છોકરાને સમાધિમાંથી જગાડ્યો. ત્યારે તેના બાપે પૂછ્યું કે, ‘‘તને સમાધિમાં જેવા દર્શન થયાં હોય તે વાત કહી સંભળાવ.’’ પછી એ છોકરાએ શ્રીજીમહારાજનાં જમતા દર્શન કરેલાં તે સઘળી વાત કહી. તે સાંભળીને તેના માતાપિતા વગેરે સૌ કુટુંબીઓ અતિશય રાજી થયા ને સહું સત્સંગી થયા.