લાલજીએ નંદરામજીને દર્શન દીધું ને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમાં કાંઇ ખોટું કર્યું નથી.’

શ્રીહરિ દાદાખાચરને પરણાવીને ગઢપુર પરત આવ્યા, આ સમયે ધર્મકુળ અને સચ્ચિદાનંદ સ્વામી વગેરે સહુ પણ ફાગણ સુદ છઠ્ઠા દિવસે દ્વારિકાની યાત્રા કરીને ગઢપુર પરત આવ્યા. શ્રીહરિના કહેવાથી સચ્ચિદાનંદ સ્વામીએ શ્રીદ્વારિકાધિશ પ્રભું અને સર્વ તીર્થો સાથે પધાર્યા હોવાની સર્વ વાત સહુંને વિગતે કરી. શ્રીહરિએ તુરંત સહુને ફૂલદોલના ઉત્સવમાં વરતાલ સહુ બાઇભાઇ આવજો એમ કંકોત્રીઓ લખાવીને તેડાવ્યા. શ્રીહરિ બીજે દાદાખાચર, લાડુંબા-જીવુંબાં તેમજ સર્વ ધર્મકુળ વગેરે સહુને સાથે લઇને સંઘમાં વરતાલ જવા વળતે દિવસે સવારે નીકળ્યા. ગઢપુરથી નીકળીને સારંગપુર અને સુંદરીયાણા જઇને રાત્ય રહ્યા. હેમરાજશા શેઠે સહુની અતિ ભાવે કરીને આગતા-સ્વાગતા કરી અને રસોઇઓ કરાવડાવીને જમાડ્યા.

સવારે ત્યાંથી સહુ સાથે સંઘમાં ચાલ્યા તે ડોઢ પહોર ચડતા ગાંફ-પચ્છમ અને ખસતા ગામના તરભેંટે સર-પીપરીયા ગામે તળાવના કાંઠે પીપરના ઝાડની નીચે સહુ રોકાયા. સહુકોઇ તળાવે નાહીને નિત્ય ક્રીયા પતાવીને ભાતુ જમવા બેઠા. શ્રીહરિએ પોતાના સ્વહસ્તે સહુ સંઘના ભકતોને બરફી પીરસીને હેતે જમાડયા. ધર્મકુળ ના સહુ પણ સાથે હતા એટલે શ્રીહરિએ અયોધ્યાપ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને પણ બરફીની પ્રસાદી દીધી. આ વખતે ગોપાલજી અને નંદરામને પણ સહુના સાથે પ્રસાદી આપી પરંતુ તેઓને પોતાના લાલજીને જમાડીને જ જમવાનો નિયમ હતો, એટલે તેઓ ચંદન ઘસવા બેઠા. જયારે ચંદન-પુષ્પ લઇને લાલજીનું પુજન કરવા તૈયાર થયા ત્યારે યાદ આવ્યું કે એમના એ લાલજી તો સવારે પ્રાતઃપુજા કરી એ જગ્યાએ જ સુંદરિયાણા ગામે ભૂલી ગયા.

પછી સંપુટ લાલજી કેરાં, ન જડ્યાં બેયે શોધ્યાં ઘણેરાં..!

પછી તો ચિત્ત માંહિ વિચાર્યા, એ તો સુંદરિયાણે વિચાર્યા..!

જયાં સુધી લાલજીની પુજા ન થાય ત્યાં સુધી જમાય નહી એ નિયમ સારું તુરંત જ સુંદરિયાણા ગામ લગભગ ૩૦કીમી જેટલું છેટું હતું, તે અસવાર ને લાલજીની પુજાની પેટી લેવા સારું શ્રીજીમહારાજે તુંરત જ મોકલ્યો.

આ વખતે ગોપાળજીને શ્રીજીમહારાજના પ્રગટપણાનો બહુ મહીમા હતો, અને તેઓ શ્રીજીમહારાજ ને સર્વઅવતારના અવતારી જાણતા એટલે એમણે તો પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણને પુજવાનું મનોમન નકકી કરીને શ્રીજીમહારાજનું એ તૈયાર કરેલ ચંદન પુષ્પથી પુજન કર્યુ અને દંડવત પ્રણામ કરીને બરફીની પ્રસાદી જમ્યા.

ચિત્તે વિચાર્યું ગોપાળજીએ, પ્રભુ પ્રત્યક્ષને જ પૂજીએ…!

એ છે અવતારના અવતારી, નથી એથી અધિક સુખકારી..!

પછી ચંદન પુષ્પ લઈને, પૂજ્યા પ્રગટ પ્રભુને જઈને..!

નેહથી નાથને પગે નમ્યા, પછિ બરફી પ્રસાદીની જમ્યા..!

પરંતુ એમના ભાઇ નંદરામ ને મનમાં સંશય થયો અને ગોપાલજીને કહ્યું કે ‘તમે તમારા ઉપાસ્ય લાલજીને ભોગ જમાડયા વગર જમ્યા એ સારુ ન કર્યું. તમે ભલેને જમ્યા પરંતું હુ તો સાત દિવસના ભલેને ઉપવાસ થાય, લાલજી આવશે ત્યારે એમને જમાડીને જ હુ તો જમીશ..!’ એ સુણીને ગોપાલજીએ નંદરામ ને કહ્યું કે ‘હુ તો શ્રીજીમહારાજને જ લાલજીનું પ્રગટ સ્વરુપ જાણું છું અને એમને જમાડીને જ પ્રસાદ લીધો.’

નંદરામે ત્યાં એમ ઉચ્ચાર્યું, જમ્યા તે તમે નવ કર્યું સારુ…!

ઉપવાસ ભલે સાત થાય, લાલજી પૂજ્યાવીણ ન જમાય..!

કહે ગોપાળજી શું વખાણું, હું તો લાલજી શ્રીજીને જાણું..!

લાલજીને હું પૂજું છું જેહ, રૂપ શ્રીજીનું જાણીને તેહ..!

માટે શ્રીજીનું પૂજન કીધું, પછી અશન પ્રસાદીનું લીધું..!

આમ વાત જાણીને નંદરામ જ્યારે લાલજીનું ધ્યાન કરવા બેઠા ત્યારે એમના ઉપાસ્ય લાલજીએ નંદરામજીને દર્શન દીધું અને કહ્યું કે ‘તમારા ભાઇ ગોપાળજીએ શ્રીહરિને સર્વ અવતારના અવતારી જાણી ને પુજન કરીને પ્રસાદ લીધો એ યોગ્ય છે, એમણે કાંઇ ખોટું કર્યું નથી.’ ધ્યાન માં લાલજી દર્શન પામીને અંતર્ધ્યાન થઇ ગયા. ધ્યાનમાંથી જાગીને નંદરામજીએ પણ શ્રીહરિને સર્વોપરી જાણીને અતિભાવથી પુજન કર્યું, અને પોતે પછી પ્રસાદીની બરફી જમ્યા.

સુંદરીયાણા ગામે થી લાલજીની પેટીઓ (સંપૂટ) લઇને અસવાર મોડેકથી આવ્યો અને ગોપાલજી અને નંદરામજીને એ પેટીઓ આપી. ગોપાલજી અને નંદરામે જ્યારે એમની પેટીઓમાંથી લાલજીને પુજન કરવા બહાર કાઢવા પેટીઓ ખોલી તો સહું કોઇ અચરજ પામ્યા. જે ચંદનપુષ્પથી શ્રીજીમહારાજનું પુજન કરેલું એજ ચંદન-પુષ્પથી લાલજીનું પેટીઓમાં પુજન થયેલ મળ્યું. આમ શ્રીહરિએ પ્રગટ પરચો પુર્યો અને નંદરામ ને પોતાના સ્વરુપ માં પરિપુર્ણ નિશ્ચય કરાવ્યો.

લૈને સંપુટ આવીયો સ્વાર, આપ્યાં બેયને તે તેહ વાર..!

જોયાં સંપુટ ઉઘાડી જ્યારે, તાજાં પુષ્પ ચંદન દીઠાં ત્યારે…!

ચડાવ્યાં હતાં શ્રીજીને જેહ, દીઠાં લાલજી ઊપર તેહ…!

જાણ્યું પૂજ્યા શ્રીવૃષકુળરાયા, તેથી લાલજી દીસે પૂજાયા…!

– શ્રીહરિલીલામૃતમ્ કળશ ૮ વિશ્રામ ૪૩માંથી…