ગામ સનાળાના વિપ્ર મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે સહુને કહે ‘જય સ્વામિનારાયણ’ હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

એકવાર ગામ સનાળામાં પરમ હરિભક્ત વિપ્ર મુળજી મહારાજના કાકા હીરજી મહારાજે દેહ મેલ્યો. તે પછી ત્રીજે દિવસે મુળજી પોતાની ઓસરીની કોર ઉપર બેસીને દાંતણ કરતા હતા. તે વખતે તેમને શ્રીજીમહારાજનાં પ્રત્યક્ષ દર્શન થયાં ત્યારે મૂર્તિમાં પોતે જોડાઈ ગયા ને લક્ષ થયો ને સમાધિમાં અક્ષરધામમાં ગયા. ત્યાં શ્રીજીમહારાજને દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન દીઠા ને ફરતા અનંતકોટી મુક્તોને બેઠેલા દીઠા ને પોતાની વૃત્તિ મહારાજની મૂર્તિમાં પરોવાઈ ગઈ. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘હે મુળજી ! તું પાછો દેહમાં જા ને ત્યાં સર્વે ગામજનોને સત્સંગ કરાવજે ને તને ત્યાં બેઠાં અનંત ધામો અને ભગવાનની મૂર્તી અખંડ દેખાશે. તેની પણ પ્રગટપણાની તું ત્યાં વાતો સૌને કરજે ને અમે તને આજથી આઠમે દિવસે બાર વાગ્યે તેડવા આવશું, તે વાત પણ સહુને કહેજે.’ એમ કહી તેને પાછો દેહમાં મોકલ્યો ને જાગ્રત થયા ત્યારે તેમના ભાઈ, ભાઈજી મહારાજે પૂછ્યું, ‘તમને શું થઈ ગયું હતું ?’ ત્યારે તે કહે, ‘મને તો શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામમાં તેડી ગયા હતા.’ એમ કહીને પછી બપોરે જમીને ચોરે ગયા ને ગામનાં માણસોને ભેગાં કરીને અક્ષરધામના સુખની વાત વર્ણવીને વિગતે કરી ને બીજાં પણ ધામોની વાત કરી તથા લોકલોકાંતરની વાતો કરી અને ચાર વેદ તથા છ શાસ્ત્ર અને અઢાર પુરાણની પણ વાતો કરી. સૌને કહ્યું જે, ‘મારે આનાથી આઠમે દિવસે દેહ મેલીને ભગવાન શ્રી સ્વામિનારાયણના ધામમાં જાવું છે. શ્રીહરિ પોતે મને મુકતો સહિત તેડવા પધારશે, માટે સૌ આ વાતને શ્રીહરિનો કોલ જાણજો.’ તે વાત સાંભળી સહુ ગામજનો આશ્ચર્ય પામી ગયાં.

તે વખતે ગામના કાઠી દરબાર તથા લીંબો પટેલ તથા ગીલો ઠક્કર તથા દેવચંદ ઠક્કર વગેરે સહુએ કહ્યું જે, ‘તું આઠમે દિવસે ધામમાં જા, તો અમારે સર્વેએ સત્સંગી થાવું ને તારા ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધવી.’ ત્યારે મુળજી મહારાજ કહે, ‘જરૂર આઠમે દિવસે મને મહારાજ તેડી જાશે.’.

આઠમે દિવસે મુળજી મહારાજના કાકા હીરજી વિપ્રનું અગીયારમું હતું તેથી કારજ ઉપર આવેલા સર્વે વિપ્રોને સવારમાં બોલાવીને વાત કરી જે, ‘ સહુ સાંભળો, આજ બપોરે બાર વાગ્યે મારે દેહ મેલવો છે, માટે તમે કણબીની ડેલીમાં બંદોબસ્તવાળું મોટું ફળીયું છે ત્યાં રાંધવાનું રાખો ને બાર વાગ્યા પેહલાં જમીને પરવારી જાજો.’ એમ કહી ત્યાં સીધાંનો સામાન મોકલાવ્યો ત્યારે સહુ બ્રાહ્મણો પરીયાણ્યા જે, ‘આપણે વહેલાં રાંધીને જમી લેવું.’ ત્યારે બે-ચાર જણા બોલ્યા જે, તે શું ભીષ્મ પિતા થયો છે કે, બાર વાગ્યે કહીને એની મેળે દેહ મેલશે.’ એમ વાતો કરતાં સહુ અગીયાર વાગ્યે જમીને પરવારી ગયાં ને બાઈ ભાઈ સર્વે મુળજીભાઈ પાસે આવ્યાં.

સનાળા ગામના દરબાર પણ પોતાના ચાકર લોકોને સાથે લઈને આવ્યા તથા લીંબો પટેલ અને દેવચંદ ઠક્કર વગેરે પણ આવ્યા.

તે વખતે મુળજી મહારાજે ઘડીએક સહુ પાસે ‘સ્વામિનારાયણ…, સ્વામિનારાયણ’ એમ શ્રીહરિનામની ધુન્ય કરાવી. પછી કહ્યું, ‘હવે રાખો’ પછી સહુ સગાંવહાલાને ભલામણ કરી જે મારી વાંસે કોઈ રોશો નહિ ને સાકર ને ટોપરું વહેંચજો. કારણ કે, આ સનાળા ગામનો ગરાસ મને મળે તો તમે રાજી નહિ ?’ ત્યારે સહુ સગાંવહાલાં કહે, ‘અમે રાજી થાઈએ.’ પછી વળી મુળજી મહારાજ બોલ્યા, મને વડોદરાનું રાજ્ય મળે તો’ ? ત્યારે તેનાં સગાં કહે ત્યારે અતિ રાજી થાઈએ.’ પછી મુળજી મહારાજ બોલ્યા, ‘આ સમયે મને અક્ષરધામની પ્રાપ્તિ થાશે તો કરોડ વડોદરાં મળ્યાં તેમ જાણજો.’ એમ વાત કરતાં બાર વાગ્યાનો વખત થયો ત્યારે મુળજી મહારાજ સહુ માણસોને ‘જય સ્વામિનારાયણ’ કહીને બોલ્યા જે, ‘આ સ્વામિનારાયણ ભગવાન તથા ગોપાળાનંદ સ્વામી આદિક અનેક મુક્તો મને તેડવા આવ્યા છે તે ભેગો હું ધામમાં જાઉં છું.’ એમ કહી દેહ મેલ્યો.

તે વખતે બીજાં પણ ઘણાં માણસોને મહારાજનાં તથા સાધુનાં દર્શન થયાં, તેથી સહુ આશ્ચર્ય પામ્યા. પછી ગામના દરબાર તથા લીંબો પટેલ તથા ગીલો ઠક્કર અને દેવચંદ ઠક્કર વગેરે ઘણાંક સનાળા ગામના માણસો સત્સંગી થયાં.

– શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી….