શ્રીહરિ કહે જે, ‘આજ તો સુતાર રવજીનું સારું કરવું છે’, એમ કહીને પોતે ઊઠ્યા ને રવજીભાઇને ઘેર થાળ જમવા પધાર્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, ‘આજ તો ગંગાજી આવે તો જ નાહીએ.’ ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો આપની કયારના વાટ જોઇ રહ્યાં છે, જે શ્રીજીમહારાજ ક્યારે આજ્ઞા કરે ને હું આવું. ત્યારે શ્રીહરિએ કહ્યું જે, ગંગાજીને બોલાવો ને નાહવા ઊઠીયે. પછી સુતાર ભીમજીએ બાઇઓને કહ્યું જે, શ્રીજીમહારાજને નહાવું છે, તે પાંચ સાત બેડાં લઇને વારાફરતી પાણી લાવો. પછી બાઇઓ બેડાં લઇને પાણી ભરવા ગયાં. પછી મોટો બાજોઠ લાવીને કહ્યું જે, હે મહારાજ ! નહાવા પધારો.

શ્રીહરિ બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠા. પાણીનાં બેડાં બાઇયું પાસેથી લઇને હરભમ સુતાર મહારાજને નવડાવવા લાગ્યા. નવડાવતાં નવડાવતાં પચીસ-ત્રીસ બેડાં થઇ ગયાં, ત્યારે હરભમે કહ્યું જે ગંગાજી કેવાં આવ્યાં છે ? ત્યારે શ્રીહરિ કહે જે, આજ તો ગંગાજીએ અમને સારી રીતે નવડાવ્યા. હવે ના પાડો, ત્યારે બાઇયુંને ભીમજીભાઇ એ કહ્યું, હવે પાણી નહીં જોઇએ. પછી શ્રીહરિ નાહીને કોરા વસ્ત્ર પહેરીને આસને પધાર્યા.

પછી રસોઇ તૈયાર થઇ એટલે ભીમજી સુતારે કહ્યું, મહારાજ ! થાળ તૈયાર છે જમવા પધારો. શ્રીહરિ જમવા પધાર્યા, જમીને આસને બિરાજમાન થયા. ત્યારબાદ સર્વ સાધુ, પાળા અને સત્સંગીઓને પંગતે પીરસી પીરસીને અતિ હેતે કરીને જમાડ્યા. શ્રીહરિ થોડીવાર પલંગે પોઢ્યા અને જાગીને કહ્યું જે, પાણી લાવો. મુળજી બ્રહ્મચારી જળનો લોટો ભરી લાવ્યા, તેણે કરીને શ્રીહરિએ મુખારવિંદ ધોઇને જળપાન કર્યું ને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સર્વ સંતો ભકતો શ્રીહરિના અમૃતવચનો સાંભળવા સન્મુખ સભામાં બેઠા હતા. એ સમયે અનંત બ્રહ્માંડોના અધિપતિ દેવો તથા અનંત ધામના મુક્તો એ સર્વે દિવ્ય દેહે વિમાનમાં બેસીને શ્રીહરિનાં દર્શને આવ્યા અને વાતું સાંભળવા લાગ્યા. એમ અનેક ઉપદેશ ની વાતું કરીને સર્વને સુખિયા કર્યા.

બે ચાર દિવસ વિત્યે એક દિવસે સવારમાં નહાવા પધાર્યા તે નાહીને ઢોલિયા ઉપર વિરાજમાન થયા ત્યારે શ્રીહરિ કહે, આજ તો સુતાર રવજીભાઇને ઘેર થાળ જમવો છે.

ત્યારે સુતાર ભીમજીભાઇ બોલ્યા જે, રવજીભાઇ તો હમણાં નવા-સવા પરણ્યા છે. તે નવાં-નવાં બાઇને રસોઇ પણ બવ આવડતી નહિ હોય માટે ત્યાં જમવા જવું એ તમને ઠીક નહિ. ત્યારે શ્રીહરિ કહે જે, આજ તો એમનું સારું કરવું છે, એમ કહીને પોતે ઊઠ્યા તે સુતાર રવજીભાઇને ઘેર પધાર્યા. ત્યાં તો રવજી સુતાર કોઢમાં બેઠા લાકડા ઘડતા હતા, તે શ્રીહરિને આવ્યા જાણીને પડ્યું મેલીને ઊઠ્યા, ઢોલિયો ઢાળી તે ઉપર ગાદલું પાથરીને શ્રીજીમહારાજને તે ઉપર પધરાવીને પછી પોતે બાજરી લઇને દળવા બેઠા. શ્રીહરિએ એમના ઘરની સામું જોયું, ત્યારે એમની ઘરવાળું તો લાજ કાઢીને ઓરડામાં બેઠા હતા, તેને શ્રીહરિ એ કહ્યું, “રવજી સુતાર તો અમારાથી મોટા છે, અને અમે તો અવસ્થાએ નાના દિયર સમાન છીએ. તે માટે અમારી તમારે લાજ ક્યારેય ન કાઢવી. અમારા દર્શન કરીને રસોઇ કરો. અમે આંજતો તમારા ઘરે જમવા આવ્યા છીએ.” ત્યારે બાઇ શ્રીહરિને છેટે બેસીને પગે લાગી. ને રસોઇ કરવા બેઠી. પછી બાજરીના નાના નાના રોટલા કર્યા. પછી શ્રીહરિને જમવા બેસાડ્યા. બાજરીનો રોટલો, દહીં ને દૂધ ને મરચાંનું અથાણું ખૂબ સારી પેઠે જમ્યા. અને ખૂબ વખાણ કર્યા જે આવું તો અમો કોઇ દિવસ જમ્યા નથી. પછી શ્રીહરિએ ચળુ કરીને કહ્યું જે, ‘કાલે પણ તમારે ઘેર જમવા આવશું.’ ત્યારે રવજીએ કહ્યું જે, હે મહારાજ ! ભલે પધારજો. મારા ઉપર બહુ કૃપા કરી. એવી રીતે ત્રણ દિવસ સુધી જમવા પધાર્યા. એવી રીતે શ્રીહરિએ કાળાતળાવમાં ઘણીક લીલા કરી હતી.

સુતાર ભીમજીના ભાઇ રવજી તે સાધુ થયા હતા તેમનું નામ રામદાસ સ્વામી હતું જેઓ વૈદું સારું જાણતા ને માંદા સારુંને દવા ઓહડીયા વગેરે કરીને સાજા કરતા એથી તેઓ સત્સંગમાં ‘રામદાસ વૈદ્ય’ તરીકે ઘણા જાણીતા થયા હતા.

– શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૧૦ માંથી….