દેવિદાસ તો રોઝા ઘોડા જોઇ બોલ્યા કે “પ્રભું, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની ચાલ, મથરાવટી ને ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, તમે પણ જોતા જ લાગે છ કે તમે અશ્વના જાણકાર ખરેખરા…!”

વડોદરા ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવે પોતાના રાજદરબાર માં  દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગીને અતિ આગ્રહ કરીને રાખ્યા હતા. તેઓ સુગમ શાસ્ત્રીય સંગીતને ખૂબ સારી રીતે જાણતા હતા, આથી જ્યારે જ્યારે મહારાજા સયાજીરાવને શાસ્ત્રીય સુગમ સંગીત નું ગાન સાંભળવાની ઇચ્છા થાય ત્યારે તેઓ આ દેવિદાસ વૈરાગીને પોતાના રાજદરબારમાં બોલાવતા અને એમનું ગાન સાંભળીને એને રાજપારિતોષિક આપીને એમને રાજી કરતા.

આ દેવિદાસ વૈરાગી એકવખતે પોતે એકલા ઘોડે ચડીને વડોદરાથી શ્રીદ્વારિકાધિશજી પ્રભુના દર્શન કરવા સારું દ્વારિકા જતા હતા. એ વખતે ધોળકાના સરગવાળા ગામથી થોડાક આઘેરા એકાદ – ડોઢ ગાઉના અંતરે ભોગાવો નદીના તટમાં રસ્તે શ્રીજીમહારાજ રોઝે ઘોડે અસવાર થઇને જતા હતા, એ સમેં આ દેવીદાસ વૈરાગી ત્યાં રસ્તા માં શ્રીહરિ સાથે ભેળા થઇ ગયા.

દદુકા સાપર રુ સિયાલ્યે, દિયે દરશન કાંનોતર દયાળુ..!

હડાલા સમાની સરગવાળા, તિયાં ગયે હે જનપ્રતિપાળા..!!

– નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રીહરિવિચરણ વિશ્રામ – ૩

આ વૈરાગી દેવિદાસ શ્રીહરિના દર્શન થતા જ તેઓ ઓળખી ગયા એટલે એમણે પ્રણામ કર્યા. શ્રીહરિએ વાતો કરતા થકા એમને કહ્યું કે “તમે ગઢપુર પાંચ દિવસ આવજો, તમે સારું ગાયન કરો છો, અમને તમારું ગાન સાંભળવાનું ઘણું તાન છે, તમે આવશો તો તમારું ગાન અમે ચોકકસ સાંભળીશું, તમે જે કાંય કહેશો તે ખર્ચ પણ અમે આપીશું.” આમ, વાતો કરતા કરતા પ્રભુ એમના સાથે ચાલ્યા જતા હતા, એવા માં કાંઇક સમથળ જમીન આવી એટલે શ્રીહરિ રોઝા ઘોડાને પુરઝડપ થી રેવાળ ચાલે દોડાવવા લાગ્યા. આ જોઇને દેવીદાસે પણ પોતાના અશ્વ ને શ્રીહરિના રોઝા ઘોડા ની સાથે ચાલવા પોતાના અશ્વને પેંગડું માર્યું એટલે એ પણ સાથે ચાલવા મંડયો. શ્રીહરિ દેવીદાસ પોતાના અશ્વ ને સાથે દોડાવી સ્પર્ધા કરવાની ઇચ્છા રાખતા હોવાનું જાણીને રમૂજથી રોઝા ઘોડાને શીઘ્રગતિએ ચલાવ્યો. શ્રીહરિનો રોઝો ઘોડો તો જાણે કમાનમાંથી તિર છૂટે કે જેમ આકાશમાંથી તારો ખરે એમ ગરુડ વેગથી અશ્વ ગતિએ ચાલ્યો. શ્રીહરિ તો ઘણે આગળ નીકળી ગયા.

એકાદ ગાઉ જેટલા અંતરે આગળ જઇને શ્રીહરિ એક ઝાડના છાંયડે ઉભા રહ્યા, એટલામાં થોડીવારે દેવિદાસ ત્યાં પહોંચ્યાં. દેવિદાસ તો રોઝા ઘોડાની સન્મુખ જ એકીટશે જોઇ રહ્યા. પોતે પોતાના ઘોડેથી નીચે ઉતરીને રોઝા ઘોડાની કેશવાળી ઉપર હાથ ફેરવવા લાગ્યા અને ચુંબન કરવા લાગ્યા. પોતે શ્રીહરિને હાથ જોડીને બોલ્યા કે “પ્રભું, આ અશ્વના ભારોભાર રુપીયા આપવામાં આવે તો પણ તે ઓછા પડે, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની જે ચાલ, એની મથરાવટી અને આ રોઝાના ચારેય પગના ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, આજે આ અશ્વ મને મારા જીવમાં ચોંટી ગયો છે. તમે પણ આ અશ્વ ઉપર ખરેખરા શોભે છો, જોતા જ લાગે છ કે તમે અશ્વ ના જાણકાર ખરેખરા…!” આમ, દેવીદાસને દિવ્ય અશ્વસવારી દેખાડતા થકા શ્રીહરિ ફરી એમની સાથે ચાલ્યા. આગળ જતા ગામ સરગવાળા આવ્યું, એટલે શ્રીહરિ એનાથી છૂંટા પડ્યા અને “નમો નારાયણ” કહીને પોતે સીધા કમીયાળા ના રસ્તે ચાલતા થયા. આ ચરિત્રથી દેવીદાસ વૈરાગીને તો એ રોઝા ઘોડાની ચાલ ને શ્રીહરિજી અસવારની માધુરી અંતરમાં અંકિત થઇ ગઇ.

– શ્રીહરિચરિત્રામૃત સાગર પુર ૨૬ તરંગ ૪૪ માંથી…