શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી ને ભાલ માં અર્ચા કરે છે, તો કોઈ ભક્તો ગુલાબ, ડોલર, જૂઈ, ચમેલી ના હાર, ગજરા, બાજુબંધ પહેરાવે છે.
એવામાં મહેમદાવાદ ગામનો સંઘ પૂજા કરવા આવ્યો. સૌ ભક્તોએ ઉમળકાભેર પૂજા અર્ચના કરી. પછી શ્રીહરિએ પ્રશ્ન કર્યો, “ભક્તો, અમારા બેચરભટ્ટ અને દુર્લભરામ કેમ દેખાતા નથી?”
ભક્તો ઉત્તર આપતા થોડા અચકાયા. એક જાણ બોલ્યો કે, “મહારાજ, હમણાંથી બંનેને અણબનાવ થયો છે તેથી બેચરભટ્ટ સભામાં આવે તો દુર્લભરામ ન આવે, અને દુર્લભરામ સભામાં આવે તો બેચરભટ્ટ ન આવે.”
ત્યારે શ્રીહરિ કહે, “અરે! એ બેન્નેને તો ખુબ હેત હતું ને !” ત્યારે સંઘ ના માણસો બોલ્યા, “મહારાજ ! ખરેખર બંને ગાઢ મિત્રો હતા. એકબીજા વગર ચાલતું પણ નહિ. ઘરે પણ સાથે હોય,અને પોતાના વ્યવહારુ કામ પણ સાથે જ બેસીને કરતા. સભામાં પણ જોડે આવતા અને મધુર સ્વરે સાથે કીર્તનો બોલતા. આવા ગાઢ મિત્રોને અચાનક શું આંટી પડી ગયી છે એની અમને પણ કઈ ખબર નથી પડતી. હવે તો બેચરભાઈ મંદિરમાં માળા ફેરવતા હોય અને મંદિર ની ડેલીએ દુર્લભરામ આવે તો બેચરભાઈ પાઘડી માથે મેલીને રવાના થઇ જાય, અને બેચરભાઈ મંદિરમાં આવે તો દુર્લભરામ રવાના થઇ જાય. અને વળી લાગ મળે તો એકબીજાનું વાંકુ પણ બોલે છે.”
શ્રીહરિ આ સાંભળીને થોડો વિચાર કરીને તુરંત જ માણકી પર સવાર થઈને થોડા હરિભક્તો સાથે મહેમદાવાદ પધાર્યા.
પ્રભુએ બેચર ભટ્ટને બોલાવ્યા અને પ્રેમથી વાત કરી, “બેચરભાઈ, તમારા અને દુર્લભરામના અબોલા છોડાવવા અહીંયા આવ્યા છીએ. ભગવાનના ભક્તોને પરસ્પર કુસંપ થાય એ અમને ગમતું નથી. માટે અબોલા છોડો અને એમાં જ અમારો રાજીપો છે.”
શ્રીહરિના કરુણાથી નીતરતા ઉપદેશ વચનો સાંભળીને બેચરભાઈ હાથ જોડીને બોલ્યા, “મહારાજ, તમે સર્વેશ્વર છો, મારા ઇષ્ટદેવ છો. તમે જેમ કહો તેમ કરવા હું તૈયાર છું. તમે કહો તો દુર્લભરામને પગે લાગુ, એના જોડા માથા ઉપર રાખું, મોઢામાં ઘાસના તરણા લઈને માફી માંગુ. મારે તો બસ તમને કોઈ પણ રીતે રાજી કરવા છે.”
નિર્માની ભક્તના વચનો સાંભળી શ્રીહરિ રાજી થયા.પછી દુર્લભરામને તેડાવ્યા. દુર્લભરામ મહેમદાવાદમાં પ્રતિષ્ઠિત ગણાતા એક સારા ભક્ત હતા.મહારાજે પાસે બેસાડીને દુર્લભરામ ને શિખામણના બે શબ્દો કહ્યા, “દુર્લભરામ, તમે અને બેચરભાઈ કુસંપ ની કાળાશ ધોઈ નાખો. બેચરભાઈ તો અમે જેમ કહીયે એમ કરવા તૈયાર છે. અમારી આજ્ઞાથી તમારા જોડા ઉપાડવા પણ તૈયાર છે. તો તમે પણ અબોલા છોડીને એમની પાઘડી હાથમાં લઈને ‘જય સ્વામિનારાયણ’ કરો.” દુર્લભરામ ખચકાયા. ઉત્તર દેવાને બદલે ભોં ખોતરવા લાગ્યા. માનરૂપ દોષને લીધે અકળામણ વધી. મનમાં કુવિચારો જાગ્યા અને બોલ્યા, “મહારાજ, મારે અને બેચરને શું લેવા દેવા. હું ધારું તે કરી શકું છું. મારે એની શી પરવા! નહિ મહારાજ, બીજો ગમે તે આદેશ કરો તે માથે ચડાવીશ પણ આ નહિ બને. મારે બેચર સાથે સમજૂતી નથી કરવી.”
શ્રીહરિએ ઘણા સમજાવ્યા પણ અડીયલ ઘોડાની પેઠે દુર્લભરામ એક ના બે ન થયા. માનને વશ થયેલા એ બ્રાહ્મણે પમેશ્વર ની વાતોને કાને ના ધરી. પછી શ્રીહરિની મુખમુદ્રા સહેજ કઠોર બની.
“દુર્લભરામ, આજ તમે અમારી વાત માનવા તૈયાર નથી. બેચરભાઇ તમારા જોડા ઉપાડવા તૈયાર છે. પણ તમને ઘમંડમાં એમની પાઘડી ઊપાડતા શરમ આવે છે. પણ યાદ રાખજો એક દીવસ તમારે માથાની પાઘડી ઊતારીને એમને પગે લાગવા જવુ પડશે.”
આમ વાત કરીને શ્રીહરી વેગવંતી માણકી પર સવાર થઈને મહેમદાવાદ થી વડતાલ જવા માટે નીકળી ગયા. આકાશમાંથી તારો ખરે, એનાથીયે વીશેષ વેગવાન માણકી એકદમ દોડતી વડતાલ આવી પહોંચી.
દુર્લભરામ ભગવાન ના સારા ભક્ત હતા. દ્રઢ નિષ્ઠા પણ હતી અને ભજન, સત્સંગ પણ રાખતા. પરંતુ માન ના લીધે ભગવાનની વાત પણ મનાઈ નહિ. સમય જતા બીજા ભક્તોના મનમાંથી પણ દુર્લભરામ નું માન ઘટવા લાગ્યું.
એવામાં એક પ્રસંગ ઉપસ્થિત થયો. દુર્લભરામનો દીકરો મોટો થયો અને તેનાં લગ્નની તૈયારી થઈ. ધામધુમથી લગ્ન લેવાયા. પરણવા માટે જાન લઈને સામે ગામ જવુ હતુ. બધી તૈયારી થઈ ચુકી હતી પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેમનાં બધા સગા-સંબંધીઓ વિરોધમાં પડ્યા અને ચોખ્ખુ કહી દીધું કે, “દુર્લભરામ, બેચરભાઈ જાનમાં આવશે તો જ અમે જાનમાં આવીશું, નહીતર નહીં.”
દુર્લભરામે થોડી આનાકાની કરી તો સગાઓ એ સીધું જ સંભળાવી દીધું કે, ‘તો તમે એકલા જ તમારા દીકરાને લઈને પરણાવી આવો.’
સગા સંબંધી ના જબરદસ્ત દબાણ આગળ આખરે દુર્લભરામે નમતું જોખવું પડ્યું. અણી વખતે આબરૂ બચાવવા ખાતર પોતે ઢીલા પડ્યા. બેચરભાઈ ને ઘરે ગયા. પાઘડી ઉતારીને પગમાં પડ્યા. “બેચર ! આજ મારી આબરૂ તારા હાથમાં છે. મારો દીકરો પરણે છે. તું જાનમાં નહિ આવે તો કોઇ નહિ આવે. માટે આગળ પાછળ ની વાતો ભૂલીને મારા પ્રસંગને પાર પડી દે.”
ભક્તરાજ બેચરભાઈએ એકદમ દુર્લભરામને બાથમાં લઈ ભેટી પડ્યાં. “દુર્લભરામ, જ્યારથી મહારાજ નો આદેશ થયો છે ત્યારથી જ મે મારા મનમાંથી તમારા પ્રત્યેનો રોષ ખંખેરી નાખ્યો છે. મારા મનમાં કાંઈ જ નથી. પણ ભાઈ એક વાત કહું, મહારાજ પધાર્યા ત્યારે થોડુ માન્યો હોત તો મહારાજ નો કેટલો રાજીપો મળત.”
‘બેચરભાઈ, મહારાજનું ન માનવાનો મને પણ ખુબ પસ્તાવો થઇ રહ્યો છે. જો મહારાજનું માન્યો હોત તો આજે આ પ્રસંગ ઉભો થાત જ નહી. મહારાજનાં વચનો આજે સત્ય થઈ રહ્યા છે.’
હર્ષાશ્રુથી બંને ભક્તે ની કડવાશ ધોવાઈ ગઈ. “ચાલો હવે, હું જાનમાં આવવા તૈયાર છું. તમારો દીકરો એ જ મારો દીકરો છે.” વિવાહ પ્રસંગ પણ ધામધૂમથી પૂર્ણ થયો.
શ્રીહરીને આ સમાચાર મળ્યા. કરુણાસિંધુ ખુબ રાજી થયા. ભક્તોએ કહ્યું, “મહારાજ, જીવની કેવી અવળાઈ છે. આપના વચને એક્તા ના કરી. પછી પરવશ થઈને કોઈકનું કહ્યું કરવું પડ્યું. વાર્યા ન વળે, પણ હાર્યા જરુર વળે.”
શ્રીહરી કહે, “એ તો હોય, જીવ તો ભુલ્યા કરે! બંન્ને અમારા ભક્તો જ છે. માયાના આવરણે ભુલાવ્યા હતા. હવે સાથે રહીને ભજન કરશે અને બંન્નેના આત્માનું રુંડુ થશે.”
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૨૧ ની ૧૬મીં કડી માં આ બેચર ભટ્ટ અને દુર્લભરામ ને લખ્યા છે કે …..
મોટા ભકત છે મે’મદાવાદ, ભજ્યા હરિને તજી ઉપાધી..!!
દ્વિજ ભકત કહીએ ધનેશ્વર, દુર્લભરામ ને ભકત બેચર..!!
– શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાં થી….