ધર્મકુળને અયોધ્યામાં સંતોએ શ્રીઘનશ્યામ પ્રભુંના સમાચાર દીધા એટલે એ સહું કારીયાણી આવીને મહારાજને મળ્યા પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો સિવડાવીને નંદરામ, ગોપાલજી, સીતારામ, બદ્રિનાથ અને સુફલને પહેરાવ્યાં. તથા સોનીઓ પાસે ઘરેણાં ઘડાવીને પહેરાવ્યાં. શ્રીહરિ એ નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું જે, સ્વામી ! અહીં કૂવો કર્યો હોય તો સારું, એમ કહીને મહારાજ ઊઠ્યા ને કૂવાને ઠેકાણે ઊભા રહ્યા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે, લાવો કોદાળી. ત્યારે ભગુજી આદિ પાળાએ તે કૂવો ખોદવાની તૈયારી કરી. કૂવામાં છઠ્ઠે દિવસે પાણી આવ્યું. અને મહારાજ કૂવાના કાંઠા ઉપર ઊભા. ત્યારે શ્રીજીમહારાજને કૂવામાંથી કાઢેલું પાણી ગાળીને કળશીયો ભરીને આપ્યું. તેને શ્રીજી મહારાજે ખુરશી ઉપર બેસીને પીધું પછી બોલ્યા જે, ‘પાણી બહુજ મીઠું ગંગાજળ જેવું છે.’ ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ તો આ કૂવાનું નામ ગંગાજળિયો !’ પછી સર્વે સંતોએ પ્રસાદીનું જળ પીધું. પછી પાર્ષદોને અને સત્સંગીઓને આપ્યું.

એ વખતે અમદાવાદથી આનંદ સ્વામીએ એક-બે કાગળો લખીને સદ્‌ગુરુઓ ઉપર મોકલ્યા હતા. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિ સદ્‌ગુરુઓ બોલ્યા જે, જન્માષ્ટમી ઉપર આનંદ સ્વામીના મંડળને તેડાવશું, હમણાં તો જન્માષ્ટમીને આડા ઘણા દિવસો છે. એમ કહીને અમદાવાદ આનંદ સ્વામી ને જવાબ સદ્‌ગુરુઓએ ન લખ્યો. એટલે આનંદ સ્વામીએ તો કાગળ લખીને બે સંતને શ્રીજીમહારાજ પાસે મોકલ્યા, તે બેઉ સંતોએ આવીને મહારાજને દંડવત્‌ પ્રણામ કર્યા ને પગે લાગીને સર્વે સંતો તથા હરિભક્તોના નારાયણ કહ્યા. સંતોએ આનંદસ્વામીના સમાચારનો કાગળ મહારાજને આપ્યો. ત્યારે મહારાજે તે પત્ર શુકમુનિ પાસે વંચાવ્યો. કાગળ વંચાવીને શ્રીજી એમ બોલ્યા જે, ‘આનંદ સ્વામીના બે કાગળો આવ્યા તોય અમને તો સંભળાવ્યા જ નહીં. એમ કહીને થાળ જમવા બિરાજ્યા. ચળુ કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ત્યારે સંતો મહારાજને પગે લાગીને બેઠા.

શ્રીજીમહારાજ સંતો પ્રત્યે બોલ્યા જે, અમે બે મંદિરોનો આદર કર્યો છે ત્યાં તો તમે સર્વે મુઝાઇ ગયા. માટે જે મંદિરોમાં રહે છે તેમની તો તમો ખબર પણ ન લ્યો, અને કાગળ પણ અમને ન સંભળાવ્યો. કેમ જે તમારાં મનમાં એમ હશે જે અમારે કોઇકને વળી અમદાવાદ જાવું પડશે તેથી ન સંભળાવ્યો. મંદિર બ્રાહ્મણોને સોંપી દઇએ. અને તમે સૌ સાધુઓ જેમ છૂટા ફરો છો તેમ ફરો. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! હું હવે અમદાવાદના મંદિરની ખબર રાખીશ. વળી નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘ભુજનગરના મંદિરની મારે ખબર રાખવી,’ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, ‘વડતાલનું મંદિર તમે કહ્યું હતું જે કરશું તો તેની મારે ખબર રાખવી.’

એ સુણીને શ્રીજીમહારાજ બોલ્યા જે, એમ જો ખબર રાખો તો મંદિર રાખીએ, નહીં તો દઇ દઇએ, એમ કહીને મહારાજે કાગળ લખવાની મુક્તાનંદ સ્વામીને ભલામણ કરી જે, ભુજમાં આનંદાનંદ સ્વામીના મંડળ ઉપર કાગળ લખો જે, તમે અમદાવાદ શ્રીનરનારાયણના મંદિરમાં જઇને રહેજો અને તમારા મંડળને શ્રીજીમહારાજ પાસે મોકલજો. આનંદાનંદ સ્વામી જ્યારે મંદિરમાં આવે ત્યારે તમે મારી પાસે આવજો.
એમ કહીને થાળ જમવા પધાર્યા. જમીને શ્રીજીમહારાજ ઉતારે પધાર્યા.

  • શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૮૦માંથી….