સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી પણ પોતાના મંડળ સાથે વિચરણ કરતા કરતા સરધાર પાસેના પાડાસણ ગામે આવ્યા. આ ગામમાં ગામધણી સરતાનસીંહજી બાપુ બહુ મુમુક્ષુ હતા, એમને જીગરજાન મિત્રસમા વડાળીના મેઘાભાઇ, ખાંભાના જેઠાભાઇ, કાંકશીયાળીના હકાભાઇ નામે ત્રણ મિત્રો હતા. આ ચારેય પોતે દૈવી જીવ હોય પોતાના કલ્યાણ સારું કાયમ જયાં કોઇ સત્પુરુષના દર્શન થાય, ત્યાં એમના પાસે જઇને તપાસ કરતા, પણ અત્યાર સુધી એમને ભેખમાં પાખંડ અને આડંબર જ દર્શન થયા હતા.
ગુણવંતુ પાડાસણ ગામ, સરતાનજી ભૂપ તે ઠામ…!
વડાળી ગામના મેઘોભાઈ, જેઠીભાઈ ખાંભા ગામ માંઈ..!!
કહું ગામ છે કાંકશિયાળી, હકાભાઈની ત્યાં સ્થિતિ ભાળી..!
દૈવી જીવ સગા સ્નેહી ચારે, નિજ કલ્યાણ કરવાનું ધારે..!!
ક્યાંઈ સાંભળે સદ્ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!
આજે પાડાસણ ગામમાં નવા સ્વામિનારાયણ સંપ્રદાય ના કોઇ સ્વરુપાનંદ નામે સાધુ ગામમાં પધાર્યા છે, એવા દરબાર સરતાનસીંહજીને ખબર પડતા તેઓ પોતાના મુમુક્ષુભાવે તુંરત જ ત્યાં આવ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામીના દર્શન થતા જ સરતાનસીંહજી બાપુને મનમાં અલૌકિક શાંતિ થઇ, ધિરગંભીર, ત્યાગ-વૈરાગ્યની મૂરત સમા અને પ્રભુભજનમાં જ રત એવા સંતના દર્શન થયા. પોતાને મનમાં થયું કે હજુ સુધી સ્ત્રી-ધનના ત્યાગી અને અષ્ટપ્રકારે બ્રહ્મચર્યવ્રતધારી આવા પવિત્ર સંતો તો ક્યારેય દેખ્યા જ નથી.
સરતાનસીંહજી એ પોતાના ત્રણેય મિત્રો ને પણ તેડાવ્યા અને ચારેય સ્વામી પાસે આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા કે અમે ચારેય સંપ્રદાય અને બાવન પીઠમાં સાચા સંતને ખોળવા સારું બહું ભમ્યા છીએ, પરંતું આપ તો શુકનારદ સમાન લાગો છો, આપ અમને આપનો પરિચય જણાવો.
દીસો છો શુક નારદ જેવા, આવ્યા છો આંહિ દર્શન દેવા…!
અમે જોયું ઘણા તીર્થમાંઈ, તમ જેવા દિઠા નહિ ક્યાંઈ..!
સંપ્રદાય ચાર બાવન દ્વારા, તેમાં કોણ ગુરુ છે તમારા?
આ ચારેય મુમુક્ષુંઓને પાસે બેસાડીને સ્વામીએ આ મનુષ્યજીવનની દુર્લભતાની અને આ કળીકાળમાં પ્રગટ પુર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અવતારધારણ કરીને પધાર્યા છે, આમ શ્રીહરિના દિવ્ય મહીમાની વાતો કહી.
સુણિને બોલ્યા સ્વરૂપાનંદ, સુણો શુભમતિ સદ્ગુણકંદ..!
ભલા સર્વ મુમુક્ષુ છો ભ્રાત, માટે કહું છું જથારથ વાત…!!
જે છે અક્ષરધામના ધામી, બળવંત પ્રભુ બહુનામી..!
જે છે સર્વોપરી સુખકારી, સર્વ અવતારના અવતારી…!!
તેણે કળિમળ કાપવા કાજ, અવતાર ધર્યો અહીં આજ..!
તેનું સ્વામિનારાયણ નામ, એને ભજિયે અમે આઠે જામ…!!
આમ, સ્વરુપાનંદ સ્વામી પાસેથી શ્રીહરિની ઓળખાણ થતા તેઓ સત્સંગી થયા. પોતાનો કલ્યાણના ખપનો સંકલ્પ પુરો થયો હોય એવો અહેસાસ થયો. ચારેય ને સ્વામીના વચને શ્રીહરિના દર્શન ની તાલાવેલી જાગી. સ્વરુપાનંદ સ્વામી તો બે-ચાર દિવસ રહીને સત્સંગવિચરણ કરવા બીજે ગામ જતા ચાલ્યા ગયા. સરતાનસીંહજી બાપુ, મેઘાભાઇ જેઠીભાઇ અને હકાભાઇ આ ચારેય ને શ્રીહરિના દર્શનની તાલાવેલી લાગી. ચારેય ઘોડે ચડીને ગઢપુર આવ્યા. ઘેલા નદીમાં ઘોડાને પાણી પાવા અને પોતાના પંથનો પોરો ખાવા થોડી વાર ઉભા રહ્યા. એ સમે ત્યાં નદીના પટમાં કોઇ સંતોને ધ્યાન કરતા દીઠા, ગામોગામના દર્શને આવતા ના લોકો અને પવિત્ર બ્રાહ્મણોને ઘેલા નદીના પવિત્ર જળમાં સ્નાન-સંધ્યા વગેરે કરતા દીઠા. ચારેયને મનમાં સ્વરુપાનંદ સ્વામીના વચનો ચરિતાર્થ થતા હોય એવો પુર્ણ ભરોસો થયો. ચારેય ગઢપુર દાદાખાચરના દરબારગઢ માં પધાર્યા.
એ સમે શ્રીહરિ લિંબવૃક્ષ તળે ઢોલીયા ઉપર ગાદી તંકિયા બિછાવીને એ ઉપર બેસતા થકા સહું સંતો-ભકતો સન્મુખ સભા કરીને બેઠા હતા. શ્રીહરિ પોતાના અમૃત વાણીથી સહુંને દિવ્ય સુખ આપતા હતા, આ સમે આ ચારેય મુમુક્ષું ઓને શ્રીહરિના સન્મુખ દ્રષ્ટિ થતા જ એમને જગન્નિયંતા પુર્ણપુરુષોત્તમનારાયણ ના દર્શન થયા. ચારેય ને પરિપુર્ણ નિશ્ચય થયો અને શ્રીહરિ પાસે વર્તમાન ધરાવીને સત્સંગી થયા. અને થોડા દિવસ રોકાઇને પોતપોતાને ઘેર ગયા.
આ પાડાસણના રાજા એવા સરતાનસીંહજી અવારનવાર શ્રીહરિના દર્શને ગઢપુર પધારતા. શ્રીહરિને પોતાને ગામ પધારવા સારું વિનંતી પણ કરતા, ત્યારે શ્રીહરિએ એમને કોઇક દિવસે પધારશું એવો કોલ દીધેલો.
સંવત ૧૮૭૯માં શ્રીહરિ જ્યારે ભૂજ માં શ્રી નરનારાયણ દેવની મુર્તિપ્રતિષ્ઠા કરવા સારું ગઢપુરથી સદગુરુ મુકતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદાખાચર, સુરાખાચર, સોમલાખાચર, કાકાભાઇ, પૂંજાભાઇ અને ખોડાભાઇ આદિ સાથે ચાલ્યા ત્યારે સરતાનસીંહજીનો સંકલ્પ પુરો કરવા પાડાસણ ગામે પધાર્યા હતા.
થયું મંદિર ભુજમાં તૈયાર, મૂર્તિ થાપવા તેહ મોઝાર..!
ચાલ્યા ગઢપુરથી શુભ કાળે, રહ્યા રાત જઈને ખંભાળે…!!
બીજે દિન ગયા કોટડે ગામ, ત્યાંથી સરધાર સુંદરશ્યામ..!
પાડાસણ થઇને કાળિપાટ, રાજકોટ તણી લિધિ વાટ…!
– શ્રીહરિલીલામૃત કળશ ૬ વિશ્રામ ૨૭માંથી…