બિજલ ભરવાડ : ‘આ સોટી સ્વામિનારાયણ ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે..!’

સદગુરુ રાઘવાનંદ સ્વામીના સતંસગ વિચરણથી બાબરીયાવાડના બેંતાલીંસ ગામોમાં અનેક મુમુક્ષુંઓને સત્સંગ થયો. બારપટોળીમાં મુકતરાજ કાળુંભાઇ વાવડીયા સત્સંગી થયા એટલે તેમને ત્યાં સંતો અવારનવાર પધારતા. કાળુંભાઇ વાવડીયા પણ અવારનવાર સંધ લઇને પોતાના પરિવાર, સગા-સ્નેહી તેમજ ગામના મુમુક્ષુંજનોને સાથે લઇને ગઢપુર શ્રીહરિના દર્શન તેમજ ઉત્સવ સમૈયામાં જતા.
એકવખતે કાળુંભાઇ વાવડીયા સંઘ લઇને ગઢપુર શ્રીહરિના દર્શને જઇ રહ્યા હતા. રસ્તામાં સહું કોઇ એક નદિના કાંઠે વિસામો કરવા રોકાયા, આ વખતે બપોરના સમયે એ નદીએ એક બિજલ નામનો એક ભરવાડ બકરા ચરાવતો હતો એ એમને મળ્યો. કાળુંભાઇ વાવડીયાના કપાળમાં ભડકાદાર તિલક-ચાંદલો જોઇને પડખે આવ્યો અને ‘જે દુવારકાધિશ’ એમ કહીને બોલ્યો જે ‘ભગત, કયા ગામ રેવા?’ તે કાળુંભાઇ કહે ‘અમારું ગામ બારપટોળીને, હાલ અમે સહું ગઢડે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ના દર્શન કરવા જાઇ છઇ.’ તે સુણીને બિજલ ભરવાડ બોલ્યો જે “તો તો તમે મારું એક કામ કરશો? આ સોટી છે એ મેં કોતરણી કરીને ગૂંથી છે, એક કાઠી મને એના દસ રુપીયા આપવા તૈયાર થયો તો, પણ મારે એ તો સ્વામિનારાયણ ભગવાનને જ આપવી છે. તમે મારું આ સંપેતરું સ્વામિનારાયણ ભગવાન ને હાથોહાથ પોગાડી દેજ્યો, વળી, તમે સહું એને ભગવાન કયો છો તો એને ઇ પણ મારા વતિ કેજયો કે આ સોટી હાથમાં લઇને મને અંતકાળે તેડવા આવે..!”

બિજલ ભરવાડની આવી જીણી સમજણ જોઇને કાળુંભાઇ વાવડીયા ઘડીક તો એની સામું જ જોઇ રહ્યા, પછી હસતા હસતા બોલ્યા કે ‘એલા બિજલા..! તું ઇ કે તો કે તારી જાડી બુદ્ધિમાં અક્ષરધામમાં જાવાનો વિચાર કેમ આવ્યો…? તું આ સીમમાં બકરા ચરાવતા ચરાવતા કથા-વાર્તા તો સાંભળતો નથી, તો તને આ વિચાર કયાંથી આવયો ?’ ત્યારે બિજલ ભરવાડ બોલ્યો કે ‘કાળુંભગત, હમણા પનરેક દી પેલા અમારા ગામમાં સ્વામિના સાધું રાઘવાનંદ બાપા આવ્યા તા, તે પાડોશ માં રાત્ય રોકાણા’તા, ઇ વાત્યું કરતા’તા કે મરીને અક્ષરધામમાં જાઇ તો ફરીને જન્મારો લેવો નો પડે, ચોરાશી લાખ કાગડા-કૂતરા બિલાડાંના પેટે જન્મ લઇ ત્યારે એકવખત આ માણહનો દેહ મળ્યો છે, ને હજી જો આ વખતેય ભગવાન નો જાણ્યા તો આગળ પાછા દુખના દા’ડા આવશે, વળી અંતકાળે જો ભગવાન તેડી જાય તો ચોરાશી લખના ફેરામાં માં નો જાવું પડે ને ઉંદરમાં નવ-નવ મહીના ઉંધે માથે નો લટકવું પડે…! ભગવાનના ધામમાં જઇને ફરી ફરીને જન્મ મરણ ટળી જાય. મેં ઇ રાઘવાનંદ બાપા પાહેં સાંભળ્યું એટલે નકકી કરી વાળ્યું કે ‘આ એક સારી નકશી વાળી સોટી બનાવીને ભગવાન ને મોકલાવું તો મને ઇ અંતકાળે તેડવા આવે ને મારા જીવનું સારું થાય..!” આમ વાત કરીને બિજલે એ સોટી કાળુંભાઇ વાવડીયા ને દીધી.

કાળુંભાઇ તો ગઢપુર આવ્યા ને દરબારગઢમાં સભામાં શ્રીહરિને દંડવત કરીને પ્રણામ કર્યા ને બિજલ ભરવાડે દીધેલી સોટી શ્રીહરિ ને હાથોહાથ દીધી ને સંદેશો દીધો કે ‘હે મહારાજ, આ તમારા ભગતે સોટી મોકલાવી છે અને તમને અંતકાળે એને તેડવા જાવા નું કહ્યું છે.” શ્રીહરિ પણ એ ભરવાડની સમર્પણ સાથેની સમજણ જોઇને અતિ રાજી થતા થકા બોલ્યા કે ‘તો તો અમારે એને અંતકાળે તેડવા જાવું જ પડવું જોહે..!’.

થોડે વરહે એ બિજલ ભરવાડ નો અંતકાળ આવ્યો ત્યારે આપેલ વચન પ્રમાણે શ્રીહરિ પોતાના હાથમાં એ સોટી ગ્રહણ કરીને અનંત મુકતો સહિત વિમાન લઇને તેડવા પધાર્યા. બિજલ ભરવાડતો ખાટલામાં સફાળા બેઠા થઇ ગયા ને બોલ્યા કે ‘ગરું રાઘવાનંદ બાપા સાચા ને એના ભગવાન પણ સાચા લ્યો..! જુઓ મને એના દર્શન થાય છે.’ ત્યારે શ્રીહરિએ બિજલ ભરવાડને કહ્યુ કે “ચાલો અમારા અક્ષરધામમાં, તમે અમને આ સોટી મોકલાવી’તી એ સારું અમે તમને અંતકાળે તેડવા આવ્યા છીએ…!’ આમ કહીને એનો દેહ ત્યાગ કરાવીને પોતાના ધામમાં તેડી ગયા.

  • કૃપામુકિતમાંથી…