કાણોતરમાં શાર્દુલે તેના બાપ ભરવાડ બોધાભાઈને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’

અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુંકામાં ગામ કાણોતરમાં ભરવાડ બોધાભાઈ હતા. તે સંતોના વિચરણ ના યોગે બહુ સારા સત્સંગી થયા હતા. તેને કાણોતર ગામની પટલાઈ હતી. પોતે ચુસ્ત ધર્મનિયમવાળા હતા ને ઘેર બ્રાહ્મણ ને રસોઈ કરવા રાખેલ. તે સહુને છેટેથી પીરસીને જમાડે, એવો ધર્મ રાખતા. પોતે શ્રીહરિનું અખંડ ભજન કરતા અને નિયમ નિશ્ચય અને પક્ષને પરિપુર્ણપણે પાળતા.

એકસમયે તેના દીકરા શાર્દુલને શરીરમાં બહું તાવ આવવા માંડ્યો ને શાર્દુલ ને શ્રીજી મહારાજનાં દર્શન થયાં ને શ્રીજીમહારાજે કહ્યું, ‘‘શાર્દુલ, અમે તને અમારા અક્ષરધામમાં લઇ જવા તેડવા આવ્યા છીએ.” ત્યારે તે શાર્દુલે તેના બાપને કહ્યું ‘‘બાપા, મને શ્રીજીમહારાજ અને સહું સંતો સાથે તેડવા આવ્યા છે, માટે મને રજા આપો.’’ તો હું મહારાજ ભેગો અક્ષરધામમાં જાઉં ને તમે મારા વાંસે ધોળકાના મંદિરમાં સાધુને રસોઈ આપજો.’’ એમ રજા માંગી. બોઘાભાઇ તો અતિ રાજી થયા અને બોલ્યા કે દિકરા ખુદ શ્રીજીમહારાજ તેડવા પધારે એથી વિશેષ રૂડુ શું? તું ક્યાંય મનને વળગાડીશ નહી. એમનો દિકરો શાર્દુલ તો તુરત પંચમહાભૂત દેહ તજી મહારાજ ભેગો અક્ષરધામમાં ગયો.

તે પછી એક વર્ષ વીત્યા કેડે બોઘાભાઈને થોડો શરીરમાં તાવ આવ્યો ને શરીરમાં કસર વધારે થઈ. તે વખતે તેને શ્રીજીમહારાજ રથ લઈને તેડવા આવ્યા, ત્યારે કાણોતરનાં માર્ગમાં ભરવાડ ઢોર ચારતા હતા, તેને શ્રીજીમહારાજે પૂછ્યું “કાણોતરનો માર્ગ કેમનો છે ? તે અમને બતાવો” ત્યારે તે ગોવાળીયા બોલ્યા “તમારે કાણોતરનું શું કામ છે ?’’

ત્યારે શ્રીજીમહારાજે કહ્યું, તમારા ગામનાં બોઘા ભરવાડને અમારે આજે અક્ષરધામમાં લઈ જાવા છે” ત્યારે તે ગોવાળીયામાંથી એક જણો શ્રીજીમહારાજને એક ગાઉ સુધી હારે મારગ બતાવવા આવ્યો ને કહ્યું “આ સામું દેખાય તે કાણોતર ગામ છે’ પછી શ્રીજીમહારાજ કાણોતરમાં બોધાબાઈને ઘેર ગયા ને તેને દર્શન દઈ કહ્યું, ચાલો ધામમાં, અમે તમને તેડવા આવ્યા છીએ.’’

પછી બોઘાબાઈએ પોતાનાં સંબંધિને બોલાવીને કહ્યું, ‘આ શ્રીજીમહારાજ મને તેડવા આવ્યા છે. માટે તમે સહુ શ્રીસ્વામિનારાયણના નામની ધુન્ય કરો ને ગાયનું છાણ લાવીને લીંપો.’ પછી તેમણે લીંપ્યું તેમાં પોતે બેઠા ને સહુ ધુન્ય કરવા માંડ્યા તે ભેગા ધુન્ય કરતા થકા દેહ તજીને મહારાજ સાથે રથમાં બેસીને અક્ષરધામમાં ગયા. ગામનાં સહું અને એમના પરિવારના સહું ને શ્રીહરિના પ્રગટપણાની પ્રતિતી થઇ. શ્રીહરિ પોતાના ભકત ને અગાઉથી કહીને અંતકાળે તેડવા પધારે એમ જાણીને ઘણા ગામજનોને ગામમાં સત્સંગ ગ્રહણ કર્યો.

– શ્રીહરિચરિત્રચિંતામણિ માંથી….