એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દરબારગઢની ઓસરીએ ઢોલીયા ઉપર તંકિયો નંખાવીને બીરાજતા હતા, સન્મુખ સર્વ સંતો હરિભકતો ની સભા ભરાઇને બેઠી હતી. તે સમયે ભુજનગરથી સુતાર હિરજીભાઇ ને મલ્લ ગંગારામભાઇ આદિક હરિભક્તોએ પત્ર મોકલાવ્યો હતો તે આવ્યો. તેમાં લખ્યું હતું જે તમારો પત્ર આવ્યો તે પહોંચ્યો છે. અને વાંચીને તમામ સમાચાર જાણ્યા છે. અને શ્રીનરનારાયણદેવનું મંદિર કરવા સારું અમે જગ્યા લીધી છે તે દરબારથી દક્ષિણ બાજુ અને રાજ્યમાર્ગથી પૂર્વ બાજુમાં છે. અને તે જગ્યાનો લેખ પણ કરાવ્યો છે અને સામાન પણ લેવા માંડ્યો છે. એવી રીતે લખેલ હતું. તે સાંભળીને શ્રીજીમહારાજ બહુ રાજી થયા. ત્યારબાદ શ્રીહરિએ શુકમુનિ પાસે કાગળ લખાવ્યો જે, ‘મંદિરનો પાયો નંખાવજો. અને તે મંદિર શિખરબંધ કરાવજો. ઉત્તર મુખે શ્રીનરનારાયણની મૂર્તિઓ તથા બીજી મૂર્તિઓ બિરાજે તેમ કરજો. તમે મંદિર કરવાનો આરંભ કરો. અમો અહીંથી વૈષ્ણવાનંદ સ્વામી તથા નિર્લોભાનંદ સ્વામીનું મંડળ મોકલીએ છીએ. ડુંગરપુર પણ અમો સંતોને તથા પાળાને સાબદા કરીને મોકલીએ છીએ અને તેઓ શ્રીનરનારાયણ દેવની મૂર્તી લઇને આવશે. ત્યારે અમો તથા સંત મંડળ તથા બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ તથા સર્વ સત્સંગીજનો સહિત આવીશું. તમો મંદિર કરવાની તાકીદ રાખશો. એવી રીતનો પત્ર લખાવીને મોકલ્યો.
પછી એ દિવસોમાં શ્રીજીમહારાજે ગઢપુરમાં રહ્યા થકા વચનામૃતમ્ કહ્યા, સદગુરુ મુકતાનંદ સ્વામીએ પુછેલા પ્રશ્નોના વિસ્તારથી જવાબ દીઘા.
શ્રીજીમહારાજ બોલ્યા જે, ‘એને સંત તથા પરમેશ્વરના વચનમાં અતિશય શ્રધ્ધા હોય તથા અતિ દ્રઢ વિશ્વાસ હોય તો તેનાં ગમે તેવાં કર્મ હોય તો પણ નાશ થઇ જાય છે. અને કળિયુગના ધર્મ મટીને જે સત્યુગના ધર્મ હોય તે પ્રવર્તે છે. માટે અતિશય સાચે ભાવે કરીને જો સત્સંગ કરે તો તેને કોઇ જાતનો દોષ હૈયામાં રહે નહીં. અને દેહ છતે જ બ્રહ્મરૂપ થઇ જાય.’ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, જે શ્રધ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે તો તે સંતના વચનને વિષે શ્રધ્ધા થાય તો એના હૃદયને વિષે શુધ્ધ વૈરાગ્ય, વિવેક, જ્ઞાન અને ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણો છે તે સર્વ પ્રગટ થઇ આવે છે અને ક્રોધાદિક જે વિકારો છે તે પણ બળી જાય છે. અને જો કુસંગ મળે અને તેના વચનમાં શ્રધ્ધાવાન થાય તો જે વૈરાગ્યાદિક ગુણ છે તે પણ સર્વે નાશ પામી જાય છે. જેમ ખારભૂમિ હોય તેમાં ગમે તેટલો વરસાદ વરસે પણ તેમાં તૃણાદિક ઊગે નહીં. પણ તે જ ક્ષારભૂમિમાં પાણીની રેલ આવે તો ક્ષાર સર્વે ધોવાઇ જાય, અને જે ઠેકાણે ક્ષાર હોય તે ઠેકાંણે કાંપ ચડી જાય પછી વળી કાંપ ભેળાં પીપળા આદિક વૃક્ષનાં જે બીજ આવ્યાં હોય તે બીજ ઊગીને મોટાં વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાનના ભક્તોએ કુસંગ ન જ કરવો.
શ્રીજીમહારાજ બોલ્યા જે, અમારે પણ શ્રીનરનારાયણદેવની મૂર્તિઓ પધરાવવા ભુજનગર જવું છે. તે ગોપાળાનંદ સ્વામીનું મંડળ તેડાવો. તેમને અમારા ભેળા લઇ જશું. એમ કહી રહ્યા ત્યારે બ્રહ્મચારી જમવા બોલાવવા આવ્યા તે સ્નાન કરીને જમવા પધાર્યા. તે જમીને થાળ સંત મંડળને આપ્યો. જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. શ્રીનરનારાયણની મૂર્તિઓ ગાડામાં બેસાડીને માંહી પરાળ ભરાવીને પછી પાળા અને પાંચ સાધુને ચાલતા કર્યા. અને શ્રીજીમહારાજ પોઢ્યા. સવારે વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને કથાનો આરંભ કરાવ્યો તે કથા સાંભળતા જાય અને ‘હરે’ એવા શબ્દનો ઉચ્ચાર કરતા જાય. બપોરે થાળ તૈયાર થયો તે વસ્ત્ર ઉતારીને જમવા પધાર્યા.
તે સમયે શ્રીજીમહારાજ કાઠિયાવાડ, સોરઠ, ઝાલાવાડ, ગુજરાત, ચડોતર, કાનમ અને કચ્છ આદિ સર્વે દેશોને વિષે તથા ગામો ગામ પ્રત્યે કંકોતરીઓ લખાવીને મોકલાવી જે ‘ગઢપુરથી લી. સ્વામીશ્રી ૧૦૮ એક્સો આઠ સ્વામીશ્રી સહજાનંદજી મહારાજના સમસ્ત હરિભક્તો જય શ્રી સ્વામિનારાયણ વાંચશો. વિશેષ લખવાનું જે સંવત ૧૮૭૯ના વૈશાખ શુદિ પાંચમને રોજે શ્રી ભુજનગરમાં શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત છે. માટે તમો સર્વે કચ્છદેશમાં ભુજનગરમાં હરિભક્તો સહુ કુટુંબ સહિત આવજો. અમો પણ સંતો, પાર્ષદો અને બ્રહ્મચારીઓને તેડીને આવશું.’ આવી રીતે મહારાજે દેશ દેશ પ્રત્યે કંકોતરીઓ લખીને મોકલાવી.
વળતે દિવસે સવારમાં વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને ઢોલિયે બિરાજ્યા. તે સમયમાં પાર્ષદે મહારાજને કહ્યું જે, હે મહારાજ ! ઘોડી ઉતાવળ કરે છે. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, પલાણ માંડીને લાવો, એમ કહીને પોષાક પહેર્યો અને પછી ઘોડીએ સવાર થયા. તે સમયે સંત તથા પાળા તથા હરિભક્તો તે પણ સાથે ચાલ્યા. શ્રીજીમહારાજ સહુ સાથે લક્ષ્મીવાડીએ પધાર્યા. ત્યાં જઇને ઘણીયવાર સુધી ઘોડી ફેરવી. પછી બેઠક ઉપર આવીને ઢોલિયે બિરાજ્યા. વાડીવાળા સંતો અને પાર્ષદોએ પુષ્પના હાર પહેરાવ્યા અને નાના પ્રકારનાં ફળો લાવીને સુધારીને શ્રીજીમહારાજને જમાડ્યા. જમી રહ્યા ત્યારે પ્રસાદી સર્વે સંતોને અને પાર્ષદો તથા હરિભક્તોને વહેંચી આપી. પછી ઘોડીએ સ્વાર થયા, તે ઘોડી ઉતાવળી ચાલી. તે સમયે પાઘનું છોગલું ફરકતું હતું એવી રીતે દરબારમાં પધાર્યા. અને ત્યાં ઢોલિયે બિરાજ્યા. તે સમયે ગોપાળાનંદ સ્વામી પોતાનું મંડળ લઇને આવ્યા, અને બીજા સંતો પણ આવ્યા અને મહારાજને દંડવત્ કર્યા. ત્યારે શ્રીહરિ પોતે ઊઠીને બધા સંતોને મળ્યા, અને સર્વસત્સંગીઓની ખબર પૂછી. સ્નાન કરીને થાળ જમ્યા. અને જલપાન કરી મુખવાસ લઇને પછી ગોપાળાનંદ સ્વામીને તથા તેમના મંડળના સંતોને જમાડ્યા. ત્યાર પછી સંતો સર્વે જમીને ઉતારે આવ્યા. સંતો આવ્યા ત્યારે મહારાજ બોલ્યા જે, ભુજનગર અમારાં ભેળું ચાલવું હોય તો સંતો સર્વે તૈયાર થાજો. એમ કહીને પોતે પોઢ્યા, અને સવારે વહેલા જાગીને નિત્ય-વિધિ કરીને થાળ જમી અને વસ્ત્રો પહેરીને તૈયાર થયા. અને સર્વે ચાલનારા જમી રહ્યા તે વખતે સવાસો સવાર અને પાંચસો પાર્ષદો હથિયારબંધ તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ સંતો તૈયાર થયા. અને ગાડાં, રથ, વેલુ અને માફા જોડાવ્યાં. અને જેમ જેને ઘટે તેમ તેને યોગ્ય રીતે મહારાજે બેસાડ્યા અને પછી પોતે ઘોડે સ્વાર થયા. અને તે સમયે સોનાનાં ઇંડાવાળું છત્ર શ્રીજી મહારાજના મસ્તક ઉપર શોભતું હતું અને બન્ને બાજુ બ્રહ્મચારીઓ ચામર ધારણ કરી રહ્યા હતા અને કંઠને વિષે ફૂલના હાર પહેર્યા હતા અને આગળ ઢોલ અને શરણાઇ વાગી રહ્યાં હતાં. વળી હરિભક્તો આગળ કીર્તન બોલતા હતા એવી રીતે વાજતે ગાજતે ગામને સીમાડે ગયા અને ત્યાં જઇને કહ્યું જે, ‘અમારી સાથે જેને ચાલવું હોય તે અમારી સાથે આવો,’ ત્યારે જેને જવું હતું તે સર્વે મહારાજ સાથે ચાલ્યા, અને જેને નહોતું જવું તે મહારાજને પગે લાગીને દંડવત પ્રણામ કરીને ઊભા રહ્યા. અને મહારાજ શ્રી ભુજ નગર તરફ ચાલ્યા તે ગામ માંડવધાર આવ્યા, ત્યાં ગોવા પટેલ આદિ હરિભક્તો સામા આવીને પગે લાગ્યા.
શ્રીજીમહારાજ તે હરિભક્તો પ્રત્યે બોલ્યા જે, અમારી સાથે જેને ભુજનગર ચાલવું હોય તે ચાલો. અને પછી સર્વ ગામના હરિભક્તોને દર્શન દેતા જાય અને કોઇક ગામમાં રાત રહેતા જાય અને કોઇક ગામમાં બપોર કરતા જાય. આવી રીતે ચાલ્યા તે રણ ઉતરીને ભચાઉ તથા ધમડકા તથા ધાણેટી થઇને થોડે દિવસે વિચરણ કરતા કરતા ભુજનગરમાં ઉત્સવ કરવાને પધાર્યા.
- શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય – ૭૮માંથી….