ગુરુદેવ રામાનંદ સ્વામીની ગાદી ઉપર ભગવાન શ્રી શ્રીહરિ બિરાજ્યા પછી તેમણે ધર્મ-સંસ્કારનું સીંચન કરવા વિચરણ કરતા અવાર-નવાર કચ્છ દેશની પાવન ભૂમિમાં પધારતા અને અનેક મુકતભક્તોને તેમજ પુર્વના મુમુક્ષુંઓને સુખ આપવા અનેક લીલાઓ પણ કરતા. શ્રીજીમહારાજ જ્યારે ભૂજ પધારતા, ત્યારે રોજ રોજ જુદા જુદા હરિભક્તોના ઘરે થાળ જમવા પધારતા. ભૂજનગરમાં તો તેમનો ઉતારો સુંદરજીભાઇ તથા હિરજીભાઈ સુથારની મેડીએ કાયમ રહેતો.

એક સમયે શ્રીજીમહારાજ ભૂજ નગરમાં પધારેલા. એ વાતની ખબર ગામના મુમુક્ષું એવા રામાનંદી સંપ્રદાયના સૈજીબાઈને પડતાં જ શ્રીહરિનાં દર્શન કરવા આવ્યા. ત્યારે તેમની આંખો એકાએક પહોળી થઇ ગઇ, કારણ કે તેને શ્રીજી મહારાજની મૂર્તિમાં પોતાના ઉપાસ્ય ઇષ્ટદેવ ધનુર્ધારી શ્રી રઘુનાથજીનાં દિવ્ય દર્શન થયા. એ દિવસે તો સૈજીબાઇને મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ વિચરતા પુરુષોત્તમનારાયણ શ્રીહરિમાં પૂર્ણ નિશ્ચય ન જણાયો, પરંતું તેઓ જ્યારે જ્યારે ગામના મંદિરે શ્રીરઘુનાથજીનાં દર્શને જતા, ત્યારે તેમને શ્રીરઘુનાથજીની મૂર્તિમાં દર્શન કરેલ એવા પ્રગટ શ્રીહરિની મૂર્તિ દેખાતી.

થોડા દિવસે ફરી શ્રીહરિનાં દર્શને આવ્યા. ત્યારે પણ એ જ અદ્દલ અનુભવ થયો. આવી રીતે બે-ત્રણ દિવસ શ્રીહરિએ તેને પોતાનાં દિવ્ય દર્શન આપ્યાં. ત્યારબાદ એમને મનમાં હા પડી અને તેમને શ્રીહરિમાં ભગવાનપણાની પ્રતીતિ દૃઢ થઇ. તેથી તેઓ વર્તમાન ધારીને સત્સંગી થયા. તે પછી તે કોઈ પણ બીજા મંદિરે જાય, ત્યાંના દેવતાની મૂર્તિ જુવે એટલે પરંતું કાયમ દર્શન શ્રીહરિનાં જ થતા. એથી સૈજીબાઈ પોતાનાં જીવમાં ધન્યતા અનુભવતા અને શ્રીહરિની મૂર્તિમાં અહોર્નિશ મગ્ન થઈ ને રહેતા.

ધીરેધીરે શ્રીહરિની કૃપાથી સૈજીબાઈને સમાધિ પણ થવા લાગી. સમાધિમાં તે ચૌદ લોકને પાર વિવિધ ધામોમાં જતા અને અક્ષરધામમાં પણ જતા. ત્યાં શ્રીહરિની સેવામાં અનંત મુક્તો-સંતોને જોઈ પોતાને પણ ત્યાં જ રોકાઇ જવાનો ભાવ જાગતો. તે જોઈને શ્રીહરિ તેમને કહેતા, “બાઈ ! હવે તમારો ભાવ અમે સમજીએ છીએ, પણ અહીં દર્શન કર્યા પછી ઝાઝું રહેવું તે ઠીક નહિ, કારણ કે તમે મૃત્યુ લોકના માનવ છો. ત્યાં અવતાર પામેલા જીવાત્મા તેના કર્મ પ્રમાણે રહી શુદ્ધ થાય, પછી જ અમારા ધામમાં અવાય છે.” શ્રીહરિનું વચન સાંભળી ને તેઓ આથી પાછા ફરતા હતા.

એકવાર સૈજીબાઈને સમાધિ થઈ, તે અક્ષરધામે ગયા. ત્યારે તેને શ્રીહરિને પંચાગ પ્રણામ કર્યા ને હાથ જોડીને ઉભા રહ્યા એટલે કહ્યું, “સૈજીબાઈ ! તમારી માતા તો યમપુરીમાં ભયંકર દુઃખથી પીડાય છે, જુવો તો ખરા !” એમ કહી શ્રીહરિએ એમને તેની માતા ને યમપુરી માં દેખાડ્યા.

એને યમપુરીમાં યમદૂતો ભયંકર માર મારતા હતા, તેથી તે ચીસો પાડતી હતી. તે વખતે તેણે સૈજીબાઇને જોઈ અને ચીસ નાંખી. ત્યારે સૈજીબાઈનું હૈયું ખળભળ્યું ને દુઃખી માને જોઈ રોવું આવી ગયું, કારણ કે તે જાણતા હતા કે માએ જીવનભર કદિએ ભગવાન ભજ્યા નથી અને અઘોરી ભૂવાના સંગમાં રહી કદિએ સારૂ-ધર્મનું-પૂન્યનું કામ કર્યું નથી. અધર્મના મારગે જીંદગી આખી એળે કાઢી હતી. છતાં હૈયામાં માં પ્રત્યે પ્રેમનો પ્રવાહ વહેતા તેને ઇચ્છા થઈ કે આજે મને સારો જોગ થયો છે, તો મારી માંને આ જમપુરીના દુઃખથી છોડાવવી એ મારું કર્તવ્ય છે. એમ વિચારી એમણે ગદ્ગદ્ કંઠે મહારાજને કહ્યું, “પ્રભુ ! જીવ તો અબુદ્ધ-અજ્ઞાની છે. તેને જેવો સંગ મળે, તેવો તે વર્તે. તમે તો દયાળુ છો ! ગમે તેમ કરીને મારી માતાનો મોક્ષ કરી તમારા ધામમાં લઇ જાઓ.” આ સમે ભકતવત્સલ શ્રીહરિ તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા જ અવતારધારી થયા હતા. સૈજીબાઈની માતાને યમપુરીની આગમાંથી બહાર ખેંચી ને તરત અક્ષરધામના પંથે મોકલતા કહ્યું, “તમે થોડા વરસ બદ્રિકાશ્રમમાં તપ કરો, પછી અમારાં ધામમાં અમે લઈ જઈશું.” તે સાંભળીને સૈજીબાઈના જીવમાં શાંતિ થઇ અને તેની સમાધિ છૂટી ગઈ.

આમ સૈજીબાઇ શ્રીહરિની કૃપાએ સમાધીનીષ્ઠ થયા હતા અને સમાધીના સમર્થપણે પોતાની માતાનો યમપુરીના દુખમાંથી છૂટકારો કરાવીને બદરીકાશ્રમ તપ કરાવી અક્ષરધામના અધિકારી બનાવેલા.

– સદેહે અક્ષરધામમાંથી….