ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં શ્રીગોપનાથ મહાદેવજીનું મંદિર આવેલ છે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન આ શિવજીનું પુજન કર્યું હોવાનું મનાય છે. ઇ.સ ૧૫મી સદીમાં ચાર ધામની યાત્રા કરીને પરત આવેલા ઝાંઝમેરના રાજા રાઠોડ રાજવી લકધીરસીંહજી રાઠોડે આ પવિત્ર મંદિરના નિભાવ સારું પોતાના રાજ તરફથી ૧૩૦૦ વિઘા જમીન આપેલ હતી. આ જ મંદિરમાં ૧૬મી સદીમાં ભક્તકવિ નરસિંહ મહેતાએ પોતાના ભાભીએ મહેણું મારતા સાત દિવસ અન્ન જળનો ત્યાગ કરીને શ્રીદ્વારકાધિશજીની ઉપાસના કરેલ, અને પ્રભુએ એમને પ્રગટ દર્શન દીધેલા.
શ્રીનિલકંઠ વર્ણી પ્રભું વનવિચરણ કરતા મુમુક્ષુંઓને અભયદાન દેતા થકા શ્રીગોપનાથજી મહાદેવજીના મંદિરે પધાર્યા હતા. આ વખતે મંદિરના મહંત તરીકે અતિ પવિત્ર એવા નૃસિંહાનંદ બ્રહ્મચારીજી હતા. જેવા તેઓ એ વર્ણીને મહાદેવજીના દેરામાં દર્શન કરતા ભાળ્યા એટલે તેઓ તુરંતજ નજીક આવ્યા ને વર્ણીને પ્રણામ કરીને રાત રોકાવા આગ્રહ કર્યો. વર્ણીની મનમોહક છબીના દર્શન થતા જ જાણે જન્મો જન્મની તપસ્યાનું ફળશ્રુતિ ફળિભૂત થઇ હોય એમ અંતરમાં અતિ આનંદના શેરડા પડ્યા. વર્ણીને રસોઇ કરીને બપોરા કરાવ્યા ને વિશ્રામ કરવા આસન દીધું. બપોર પછી રોંઢો ઢળતા બ્રહ્મચારીજી અને બીજા સહું વર્ણી સાથે સમુદ્રમાં સ્નાન કરવા પધાર્યા. સહુ કોઇને નહાયા એટલે વર્ણીએ સહુને ઉપદેશ કથા વાર્તા કરી.
દિવસ સંધ્યાભણી ઢળતા સહુ મંદિર ભણી ચાલતા થવા તૈયાર થયા, આ વખતે વર્ણી તો સમુદ્રના કાંઠે રેંતીમાં એક વેંત અધ્ધર પાળ્ય બાંધીને વચ્ચમાં આસન લગાવીને બેઠા. ગોપનાથ મંદિરના મહંતે જ્યારે સાથે ચાલવા કહ્યુ ત્યારે વર્ણી કહે કે “અમે તો આંહી જ રાત્ય રહેશું, અમારા સારું દસ પંદર છાણા અને દેવતા મોકલાવજો, અમે આહીજ છાંણાનું તાપણું કરીને રાત્રી કાઢી નાંખીશું.” તે સુણી ને મહંત બોલ્યા કે વર્ણી, આયા તો દરિયાની વેળ્ય આવશે તો વાંસજાળ પાણી ભરાશે, તમે અમારા સાથે ચાલો નહીતર આહી જ પાણીમાં ડૂબી મરશો..! આમ, કહેવા છતાંયે વર્ણી ગયા નહી એટલે મહંત અને સહુ ચાલ્યા અને મંદિરે જઇને છાણા ને દેવતા લઇને પોતાના સેવક ને મોકલ્યો. પ્રભું નિલકંઠ વર્ણીએ તો એ છાંણાનો આઢ ખડક્યો ને તાપણું કરીને ધ્યાનસ્થ બેઠા.
થોડીવારે સંધ્યા આથમતા અંધારું થવા આવ્યું એટલે મંદિરના મહંતને વર્ણી સાંભર્યા એટલે એમણે મંદિરના દેરા પાસે ચડીને જોયું પરંતું વર્ણી કે છાંણાનો તાપ કે ધૂવાડો કાંય દિઠું જ નહી. સમુદ્ર ના પાણીની વેળ્ય માં ચારેકોર પાણી જ દીઠું. મનમાં થયું કે આમાં તો વર્ણી ક્યાંથી બચે, કાંતો ચાલી નીકળ્યા હશે ને કાં ડૂબી જ ગયા હશે. રાત્ય પડતા થોડીવાર સહુ મંદિરના પ્રાંગણમાં સુઇ ગયા.
સવારે નિત્યક્રમ મુજબ જ્યારે સહું સમુદ્ર માં સ્નાન કરવા આવ્યા ત્યારે વર્ણીને યથાવત્ ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા ભાળ્યા. વેંત એક ઉંચી રેતીની પાળ્ય પણ એમનમ જ કોરી અને છાંણાની ધૂણીની રાખ પણ કોરી જ દીઠી. સહુ ને તો અતિ અચરજ થયું એટલે સાદ કરીને વર્ણીને ધ્યાનમાંથી જગાડ્યા. વર્ણીના દર્શન થતા જ એ મનમોહક છબીમાંથી અતિ તેજ દેખાયું. સહુને પોતપોતાના ઉપાસ્ય દેવના દર્શન થયા. મહંતને પણ પોતાના સ્વરુપના દર્શન દઇને વર્ણીએ નિશ્ચય કરાવ્યો. વર્ણીને અતિ હેતથી આગ્રહ કરીને પોતાના આશ્રમ માં લઇ આવ્યા ને પોતાની જગ્યામાં ત્રણ રાત્ય રોક્યા ને હેતે કરીને થાળ જમાડ્યા. મહંતને નાનકડા એવા વર્ણીમાં અતિ હેત થઇ ગયું. જ્યારે વર્ણીએ ચાલવા તૈયારી કરી ત્યારે મહંત એમને હાથ જોડી ને બોલ્યા કે “વર્ણી હવે આંહી જ રોકાઇ જાઓ, આ અમારી જગ્યાના મહંત થાઓ..!” ત્યારે વર્ણી હસ્યા ને કહે કે “અમને તો મહંતાઇ માં કાંય માલ નથી, અમારે તો તિર્થ સ્થાનો માં ફરવું છે અને હજુ તો દ્રારિકાધિશના દર્શને જવું છે, એમ કહીને ત્યારથી ચાલી નીસર્યા.
ત્યાંના બાવાજીએ કરી સેવા, અન્ન પાણી અને દીધા મેવા..!
દીધો બાવાજીને ઉપદેશ, તેથી જાણ્યા તેણે પરમેશ..!!
બાવે તો વિનતિ કરી ઘણી, તમે થાઓ આ જગ્યાના ધણી..!
ધર્મપુત્રે તો તેની ના પાડી, પણ ત્યાં ત્રણ રાત વિતાડી…!!
સમય જતાં વર્ષો પછી સંતોના વિચરણ દરમ્યાન મહંત બ્રહ્મચારીજીને જાણવા મળ્યું કે ‘એ સુકલકડી જેવા આવેલા નિલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી પાસેથી દિક્ષા લીધી છે અને હાલ એ ગઢપુરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાય છે.’ આથી, એમણે ગઢપુર શ્રી સહજાનંદ સ્વામીને પત્ર લખ્યો ને આમંત્રણ દઇને તેડાવતા કાગળમાં લખ્યું કે “સહુ સંતો-ભક્તોનો સંગાથ લઇને શ્રી ગોપનાથ મહાદેવજીના મંદિરે પધારો એવી કૃપા કરજ્યો..!”. ગઢપુરમાં શ્રીહરિને કાગળ મળ્યો એટલે મહારાજે કાગળ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને વંચાવ્યો. શ્રીહરિ ગોપનાથ મહંત નૃસીહાનંદજીને મળવા જવા તૈયાર થયા પરંતુ સંઘના ઘણેરા સંતો-ભકતો સાથે આવશે તો મહંતને ઘણો ખર્ચ થશે એમ વિચારીને પોતે ન ગયા અને યોગાનંદ સ્વામી વગેરેના સંતોના મંડળ ને મળવા મોકલ્યા.
સમય જતાં જ્યારે મહંત નૃસીંહાનંદજીનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીહરિ એમને તેડવા પધાર્યા અને દર્શન આપ્યા. જ્યારે મહંતે પુછ્યું કે “હે ભગવન્..! તમને કાગળ લખીને તેડાવ્યા ત્યારે કેમ ન આવ્યા?” એ સુણીને શ્રીહરિ બોલ્યા કે “એ વખતે સાથે આવનાર માણહ ઝાઝા તૈયાર થયા તે આવશું તો તમને ઘણો ખર્ચ થશે એમ વિચારીને અમે આવ્યા નહોતા..!” ત્યારે બ્રહ્મચારી કહે કે “આવ્યા હોતો ખજાનો ખોલીને વાપરત ને..! મને છતે દેહે તમારી અને સહુ સંતો-ભક્તોની સેવા કરવા મળવા મળત ને..!” શ્રીહરિ એમ વાત કરીને અતિ રાજી થઇને શ્રીગોપનાથ મહાદેવજીના મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારીજીને પોતાના ધામમાં તેડી ગયા.
– શ્રીહરિચરિત્રચિંતામણી અને હરિલીલામૃત કળશ ૩ વિશ્રામ ૧૯માંથી….