મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના હસ્તે બ્રહ્મચારીદીક્ષા લઈને “નારાયણાનંદ” નામ ધારણ કરેલું. શ્રીમૂળજી બ્રહ્મચારીની સેવા તથા સમાગમ દ્વારા તેમણે દીક્ષાની સાથે-સાથે આજીવન સેવાનો ભેખ ધારણ કરેલો.

તેઓ શ્રીહરિની આજ્ઞાએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ અને શ્રીહરિકૃષ્ણ મહારાજના પ્રથમ અને મુખ્ય પૂજારી તરીકેની પ્રશસ્ય સેવા પ્રાપ્ત કરનાર હતા.

શ્રીજી મહારાજે અમદાવાદ જ્યારે સંપ્રદાયનું સર્વપ્રથમ મંદિર બનાવ્યું અને પોતાના હસ્તે બાથમાં ઘાલીને શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા, ત્યાં ત્યારે પ્રથમ પૂજારી તરીકે દેવની સેવામાં શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને સેવા કરતા જોઇ શ્રીહરિ અતિ રાજી થયા હતા. એ ફલતઃ શ્રીહરિએ વરતાલમાં જ્યારે શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી ત્યારે દેવ સેવામા બ્રહ્મચારીઓમાં નારાયણાનંદજીને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

આમ, સંવત ૧૮૮૧થી શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજી વરતાલમાં જ રહેતા અને અહર્નિશ સેવા-સ્મરણ કરતા. દેવોની પ્રત્યક્ષભાવથી સેવા સાથે એમની કાર્યદક્ષતા પણ એેટલી હતી કે જ્યારે સંવત્‌ ૧૯૧૨માં આચાર્ય પ્રવરશ્રી શ્રીરઘુવીરજી મહારાજે વરતાલમાં ચાતુર્માસ પર્યન્ત સત્સંગિજીવનની છાવણી કરેલી ત્યારે દેશ-દેશાવરમાંથી આવતા તમામ મોટા મોટા સંતો-ભક્તો પધારેલા. સહુ સંતો-ભકતોના ઉતારાની તમામ વ્યવસ્થા સદગુરુ શ્રી નારાયણાનંદજી બ્રહ્મચારીને આચાર્ય મહારાજશ્રીએ સોંપેલી. તેમની સચોટ સેવા અને કાર્યદક્ષતા જોઇ ને સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અદભૂતાનંદ સ્વામી વગેરે સહુ શ્રીજી સમાંના મોટેરા સંતો અતિ રાજી થતા.

સંપ્રદાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી પ્રસ્થાપિત મહાપુજાની વીધીમાં બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીને ઋગ્વેદધારી કહીને પૂજવામાં આવે છે. તેમને શ્રીહરિના કૃપા અને સેવા વતિ સહુ મોટેરાના રળેલા રાજીપાથી તેમની જીભે દેવી સરસ્વતી વસેલા. જ્યારે જ્યારે તેઓ વૈદિક ઋચાઓની સાથે સંસારની અસારતા વર્ણવતા ત્યારે ભલભલાના મન ભગવાનની મુર્તીમાં ચોંટી જતા.

એકવખતે તેમના ઉપદેશ થકી સુરત કતારગામના વિપ્ર વલ્લભભગત સંસાર છોડીને વરતાલમાં ત્યાગી થયા અને તેમના સંબંધીઓ તેમને ઘેર પરત આવવા વિવશ કરી રહ્યા હતા, ત્યારે સદગુરુ નારાયણાનંદ બ્રહ્મચારીજીએ પોતાનો અસ્ખલિત વાગ્પ્રવાહ વહાવ્યો. તેમની ખુમારી ભરી વૈરાગ્યની વાતો સાંભળીને એમના લેવા આવેલા ત્રણેય સાળાઓ પણ ત્યાં જ વરતાલમાં રહી ગયા અને સંસાર છોડીને ત્યાગી થયા. તેઓ દિક્ષા લઇને બ્રહ્મચારીશ્રી માધવપ્રિયાનંદજી, બ્રહ્મચારી શ્રી મુકુંદપ્રિયાનંદજી અને બ્રહ્મચારી શ્રીપવિત્રાનંદજી નામે થયા.

સહજ સ્વભાવે જયારે ઘરસંબંધીઓ જ્યારે કોઈને મંદિરેથી ત્યાગી થતો રોકીને પરત ઘરે લઈ જવા આવે ત્યારે તેઓનો રૂઆબ દિલ્હીના બાદશાહ જેવો હોય છે. આ વખતે તેને સમજાવવા પણ કપરુ કામ હોય છે. પરંતું સદગુરુ નારાયણાનંદ બ્રહ્મચારીજીની વાણીમાં એટલું ઓજસ હતું કે તેઓ જ્યારે અસાર સંસારની વાત કરતા ત્યારે વૈરાગ્યની ચટકી પ્રજવલ્લીત કરી ને તમામ મોહબંધનો કાપી નાંખતા. જ્યારે શ્રીનારાયણાનંદજી બ્રહ્મચારીએ વિપ્ર વલ્લભ ભગતના ત્રણ ત્રણ સાળાઓને તો સાધુ કર્યા એટલુંજ નહિ પરંતુ વલ્લભ ભગતના દિકરાઓ આવ્યા તો તેમને પણ ચોંટદાર વાતો કરીને બ્રહ્મચારી કરેલા.

જીવનભર દેવોની પવિત્રપણે સેવા કરીને શ્રીહરિના એ મુક્ત એવા સદગુરુ નારાયણાનંદ બ્રહ્મચારીજીને સંવત્‌ ૧૯૨૦ પોષ વદ અમાસના દિવસે મુક્તસહિત શ્રીજીમહારાજ પોતે પધારી તેમને દર્શન દઈને અક્ષરધામમાં લઈ ગયા હતા.

– શ્રી નંદસંતોના જીવન કવનમાંથી…