મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા વિના ઇચ્છા થાય તે કહી માગી લેજો.”
ત્યારે હિન્દુસ્તાની બોલીમાં ગાદીવાળા જેવું તેવું ગુજરાતી સમજતા એટલું બોલ્યા, ”અમારે દીકરો થાય એવી ઇચ્છા છે !” મુળજી બ્રહ્મચારીજી કહે ‘લ્યો, એમાં શું ? તમે પાંચસો રૂપિયા આપો તો જરૂર દીકરો મળે. મારે મંદિર છોવરાવવું છે !”
તરત ભોળા એવા ગાદીવાળાએ પાંચસો રૂપિયા આપ્યા. તેની ફાંટય ભરી ખંભે નાખી મુળજી બ્રહ્મચારી ત્યાંથી બહાર નીકળ્યા ત્યાં જ સદગુરુ ગોપાળાનંદ સ્વામી સામે મળ્યા. બ્રહ્મચારીના ખંભે ગાંસડી જોઈ પૂછયું, ‘બ્રહ્મચારીજી! આ શું લઈ જાઓ છો ?’
મુળજી બ્રહ્મચારી કહે ‘સ્વામી ! રૂપિયા છે.” સ્વામી કહે ‘આટલા બધા કોણે આપ્યા ?” ‘ગાદીવાળાએ.” સ્વામીએ કૂતુહલતાવશ પુછ્યું કે ‘કાં ? કાંઈ કારણ કે માનતાના છે ?”
નિખાલસ હૃદયના મુળજી બ્રહ્મચારીજી કહે ‘સ્વામી, ઈ જાણે મારી બલા. એને દીકરો જોઈએ છે, તે મેં તો કહ્યું પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય અને ગાદીવાળાએ તરત રૂપિયા ગણી આપ્યા.” સ્વામી હસતા હસતા કહે ‘માળું ! તમેય તરકટ ખરું કર્યું. તમારી ફાંટયમાં કેટલા દીકરા રાખ્યા છે ?” બ્રહ્મચારીની સહજભાવે બોલ્યા કે ‘સ્વામી ! દીકરો થાય કે નો થાય, એનું આપણે કાંઈ નક્કી નથી કીધું. મારે તો ગોપીનાથજી મહારાજનું મંદિર છોવરાવવાનું કામ તો થઈ ગયું ને ? પછે ભલે ને એ જાણે ને ગોપીનાથજી મહારાજ જાણે ! વચ્ચે આપણું તો કામ થઈ ગયું.” એ સાંભળી ગોપાળાનંદ સ્વામી ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ”આ બ્રહ્મચારીને સૌ કોઇ ભોટ-ભોળા સમજે છે, પણ એ ખરા ચાલાક અને હોશિયાર છે. એનું કામ એવું કે એના જેવો કોઈને પણ વિચાર ન સુઝે.” એમ કહી સ્વામી ચાલતા થયા.
આ વાતની લાડુબાં ને ખબર પડી. તરત તેમણે બ્રહ્મચારીને બોલાવ્યા અને ઠપકો આપતા કહ્યું, ”અરે બ્રહ્મચારી ! તમે આવું છળ કર્યું ને જૂઠું બોલ્યા, તે આવું અપલખણ ક્યાંથી શીખ્યા ?”
મોટાબાએ કહ્યું, ”હા, બ્રહ્મચારી ! કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચે એવો વિચાર તમે ન કર્યો ?” બ્રહ્મચારીજી કહે ‘ બાં, અમે એમાં શો ગુનો કર્યો ? ખોટું શું કર્યું ? એ અંતરમાં ગોપીનાથજી મહારાજે જે સુઝાડયું એ અમે બોલ્યા, હવે તો એને કહો ને ! અમને શીદ ઠપકો આપો છો ?”

બે ત્રણ દિવસે શ્રીજીમહારાજ આવ્યા અને મંદિરની ચોખ્ખાઈ જોઈ ખૂબ રાજી થતા બોલ્યા, ”અહોહો… બ્રહ્મચારી, તમે તો મંદિરને ખૂબ સારું છોવરાવ્યું છે, કેવો દાખડો કર્યો ?” મુળજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા ‘લ્યો, આજ તમે એક મારું કામ જોઈ વખાણ્યું મહારાજ ! ઈથી બીજા ગમે તે કહે, એના બોલ્યા સામે હું ન જોઉં. જેને જેવો વેગ એમ બોલે, જુવોને એ બધાય મને તોએ ઠપકો આપે છે.” ત્યારે મહારાજે પુછ્યું કે ‘કાં ! બ્રહ્મચારીએ ખોટું શું કર્યું ?”

લાડુંબાં કહે ‘અરે મહારાજ ! ઈ છોવરાવ્યું તેમાં કાંઈ વાંધો નથી. સારું કર્યું છે, પણ એની પાછળ કેવું છળ કર્યું છે તે જાણ્યું તમે ?” મહારાજે આશ્ચર્યતાથી પૂછયું ‘ના…! એવું તે શું કર્યું ? શું કોઈ ઠેકાણેથી નાણાં ઉછીના લાવ્યા એ ?’ લાડુંબાં મહારાજને જણાવતા કહે કે ‘ના… એણે ગાદીવાળાને દીકરો આપવાની લાલચ આપી નાણાં મેળવ્યાં.”
એ સાંભળતા શ્રીજીમહારાજ ખડખડાટ હસી પડયા. ”માળુ ખરું કર્યું, અમે તો અત્યાર સુધી બ્રહ્મચારીને આટલા ઊંડા જાણ્યા ન હતા, તો હવે ભલે ગાદીવાળાને દીકરો આપે !”
બ્રહ્મચારી થોડા અકળાઈને બોલ્યા, ”મારી બલા ! આ તો બધું મુસાભાઈના વા-પાણી જેવું. બાકી તો દિકરો દેવો કે નય ઈ તો ગોપીનાથજી જાણે. એમાં મારે શું ? મેં ક્યાં મારા માટે કાંઈ કીધુ’તું, એનું કામ કરવા તો કીધું’તું. ગાદીવાળાના ભાગ્યમાં દિકરો હશે તો એને દીકરો મળશે, બાકી આપણે ક્યાં લેખિત બંધાયા છીએ ? અમે તો ખાલી એટલું જ કીધું’તું, પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય. અને તેણે ઉમળકાથી તરત આપ્યા. એમાં અમને શું બધા વગોવી ને દોષિત કરો છો ?”

શ્રીજીમહારાજે હસતા-હસતા ત્યાંથી અક્ષરઓરડી તરફ ચાલતી જ પકડી.

  • બ્રહ્મના ઉપાસક બ્રહ્મચારીઓમાંથી…

🙇🏻‍♂️🙏