કચ્છની ધીંગી ધરતી પર ભૂજથી થોડે દૂર માનકૂવા નામનું ગામ છે. સદગુરુ સર્વજ્ઞાનાનંદ સ્વામી નો જન્મ આ “માનકૂવા” ગામમાં થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું.
એકવાર શ્રીજી મહારાજ ભૂજથી માનકૂવાના માર્ગે જતા હતા. ત્યાં મૂળજીને એના જીગરજાન મિત્ર કૃષ્ણજીએ કહ્યુંકે “મૂળજી હમણાં મે ભગવાન દીઠા.” આ વાત સાંભળતાં જ પુર્વના કોઇ યોગી એવા મૂળજીના મુખ પર આનંદ છવાઇ ગયો. ત્યારે તેઓ કહે તે “કૃષ્ણજી…! તે ભગવાન દીઠા તોય એને મૂકીને આવ્યો?
થોડે સમયે કૃષ્ણજી અને મૂળજી બંને સંઘમાં ગઢડે ગયા. દરબારગઢમાં શ્રીજીમહારાજનાં દર્શન થતાં જ કૃષ્ણજી અને મૂળજીના અંતરમાં અનોખી ઠંડક થઇ. બેઉએ એજ ધડીએ શ્રીસહજાનંદ સ્વામીને ચરણે જીવનભર સમર્પિત થવાનો નિર્ણય લઈ લીધો. બંને એ વખતે ત્યાં ગઢપુરમાં જ રોકાઈ ગયા અને સંઘે પરત માનકુંવા જવા સારું વિદાય લીધી. સંધ પરત પહોંચતા એમના ઘરેથી થોડા દિવસોમાં શ્રીજીમહારાજ પર કાગળ આવ્યા કે અમારા દીકરાઓ ને પાછા ઘરે મોકલી દયો.
શ્રીજીમહારાજે બંનેને બોલાવ્યા ને પત્રો વંચાવીને કહ્યું કે “તમને બેઉને અમે આંહી નહીં રાખીએ બંને હાલ ઘેર જાવ.” બંનેએ ઘણી ઘણી વિનંતી કરી પણ શ્રીજીમહારાજ એકના બે ન થયા. ત્યારબાદ બંને ચાલ્યા પરંતું રસ્તામાં વંથલી ગામનાં સત્સંગી લાધા સુતારને ત્યાં છ મહિના સુધી નોકરીએ એ રહ્યા, પણ પાછા ઘરે ગયા નહિ. બંનેનાં માતા-પિતાએ બધેય શોધખોળ ચલાવી. આખરે એક સમૈયામાં શ્રીજીમહારાજને બેઉ ફરીને ભેગા થયા તે સમે મહારાજે વળી ફરીને પૂછ્યુંઃ ક્યાં હતા? આટલા દિવસથી તમારા માવતરતો તમને શોધે છે? મૂળજીને કૃષ્ણજી કહે કે “મહારાજ, અમારે તો તમારી સાથે રહેવું છે.” શ્રીજી મહારાજ કહે કે “તમારા માતા-પિતાના હાથે લખેલી રજાચિઠ્ઠી લાવવી પડે.” બંને એ માં-બાપની સંમતિ માંગી પરંતુ બે માંથી કોઈ જ ફાવ્યું નહિ.
એકવાર શ્રીજીમહારાજ માનકૂવા અદાભાઈ દરબારને ઘેર પધાર્યા. ત્યાં મહારાજે સભામાં પૂછ્યુંઃ “આજે તો સૌને ત્યાગી કરવા છે. સભામાં બધા સ્તબ્ધ બનીગયા. ત્યાં મૂળજીને કૃષ્ણજી મહારાજ પાસે આવીને કહે કે “અમારે બેઉને સાધું થવું છે.” શ્રીજીમહારાજ કહે કે “તમે પરમહંસ થઈ ચૂક્યા” પણ શ્રીહરિ નું પછીનું વેણ એમનાથી જીરવાય તેવું નો’તું. મહારાજ કહે :“તમે બંને અમારી આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં રહો.”
મહારાજે બે વખત પાછા મોકલ્યા હતા. પણ એમનો વૈરાગ્ય જરાંય પણ ઓસર્યો નો’તો પણ રતિવા સરસ થયો હતો. બંનેને વિચાર આવ્યો કે મહાદુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે તેથી હવે આ દેહે શ્રીજીમહારાજની સેવા – સમાગમ કરી લઈએ, આવો જોગ ફરી ને નહિ મળે. સંસારના બંધન આપણે આપણી જાતે જ કાપી નાખીએ. આમ મનોમન નિશ્ચય કર્યો.
એ દિવસે મૂળજીને કૃષ્ણજી જાતેજ ભગવાં કપડાં રંગાવી શ્રીજીમહારાજના પરમહંસ બની ગયા અને ગઢપુર ગયા. શ્રીજીમહારાજે બંનેને ઓળખ્યા પણ અજાણ બનીને પૂછ્યુંઃ “તમે કોના પરમહંસ છો?” બંને કહેઃ “તમારા છીએ.” મહારાજ પાર્ષદોને કહેઃ “આ બંનેને અહીંથી કાઢી મૂકો.”
શ્રીહરિના વચને પાર્ષદોએ બંનેને દરબારની બહાર કાઢી મૂક્યા. બંને ઘેલાને સામે કાંઠે જઈને રોકાઇને ઊંચા સાદે ભજનમાં જોડાઈ ગયા. નીરવ શાંતિમાં બંનેના સૂર અને બુલંદી અવાજમાં એમના હ્રદયની ભાવના ઘૂંટાઈ ઘૂંટાઈને વહેતી થઈ. શ્રીહરિ અક્ષરઓરડી એ ઢોલિયામાંથી ફડકીને બેઠા થઈ જતા. પ્રભું સાચા દિલના સાધુની તાવણી કરતા હતા. શ્રીજીમહારાજ એમના પૂર્વના સંચિત બાળતા હોઇ એમ બંનેને શુદ્ધ કરતા હતા.
એ સમે શ્રીજીમહારાજે પાર્ષદો દ્વારા મૂળજી-કૃષ્ણજીને તેડી લાવવા કહ્યું. બંનેને દૂરથી આવતા જોઈને મહારાજ એકદમ સામા ચાલ્યાને બંનેને ભાવ ભરીને ભેટી પડ્યા. બંનેએ મહારાજને દંડવત્ કર્યા.
બીજે દિવસે વિધિવત્ દીક્ષા આપી એકનું નામ “સર્વજ્ઞાનાનંદ” નામ પાડ્યું અને બીજાનું નામ “ઘનશ્યામાનંદ” નામ પાડ્યું.
સર્વજ્ઞાનાનંદ સ્વામીની વ્યવહાર કુશળતા ધર્મપરાયણતા જોઈને શ્રીજીમહારાજે તેમને અમદાવાદ મંદિરના પ્રથમ મહંત કર્યા હતા. સર્વજ્ઞાનાનંદ સ્વામીનાં ૬૦ શિષ્યો હતા એકસમયે તેઓ અમદાવાદ મંદિરે થી મહંતાઇ નો પદભાર છોડી ને સર્વ શિષ્ય મંડળ કે માનમરતબો છોડીને વરતાલમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા, આટલી બધી મુમુક્ષતા અને મોટા સંતનો મહીમાભાવ તેમનામાં હતી.
– નંદસંતોના જીવનકવનમાંથી…