એવા ભકતોના ચરિત્ર ગાતા, નથી હૈયા માં હેત સમાતા..!
બુદ્ધી અલ્પ ને આયુષ્ય થોડી, પ્રભુની લીલા લાખો કરોડી…!!
કહેતા ઉરે ન ઉમંગ માંય, પરિપુરણ કેમ કહેવાય..!
જેમ જેમ સાંભરશે મુને, વણ પુછે સુણાવીશ તુને…!!

શ્રીહરિના પરમ સખા સુરાબાપુંના ગામ લોયાના કણબીકૂળમાં માનબાઇ નામે શ્રીહરિના વિશે અતિ સ્નેહ વાળા ભકત હતા. એમના પતિ સંઘા પટેલ ને સત્સંગ થયા પહેલા ઘણો અણગમો હતો, શ્રીહરિએ એમની વાડીએ કોશ ચલાવીને ઐશ્વર્ય દેખાડીને એમને પોતાના પરિપુર્ણપણાનો નિશ્ચય કરાવેલો.
એકદિવસે માનબાં પોતાના ઘરે વાડીએ જાવા સારું ભાત (બપોરનું જમવાનું) તૈયાર કરતા હતા. આ વખતે તાવડીમાં દેશી બાજરીનો રોટલો ટીંપી ને નાંખ્યો અને રોટલો ખરેખરો ફૂલ્યો, આથી માનબાઇને સંકલ્પ થયો કે ‘આ રોટલો તો મારા પ્રભું શ્રીહરિ જમે એવો સરસ મજાનો ફૂલ્યો છે. જો પ્રભું પધાર્યા હોય તો આ રોટલો એને જમાડું.’ આ વખતે પોતાના ભકતનો અંતરનો સાદ સાંભળીને એજ સમે ભકતવત્સલ શ્રીહરિ નાકડકાંથી લોયા માનબાઇને ઘરે પધાર્યા અને રસોડામાં આવીને સામેથી કહીને ‘આજ તો અમને બહુ ભૂખ લાગી છે, કાંક જમવાનું લાવો..!’ એમ કહીને એજ તાવડીએ ફૂલેલો રોટલો માંગ્યો..! માનબાંઇ તો એકાએક શ્રીહરિ પધાર્યા જાણીને બોલ્યા કે ‘અરે પ્રભું, થોડીવાર ઓસરીમાં ઢોલીયે બીરાજો, ખાલી રોટલો થોડો કાંય જમાય, થોડીવાર ખમો હું હમણા જ વાઝોવાઝ શીરો તૈયાર કરું.’

થયો અંતરે સંકોચ એમ, કોરો રોટલો અપાય કેમ..!
પ્રભુજીને કહ્યું જોડી હાથ, થોડીવાર ખમો મારા નાથ..!!
શીરો બનાવું વાર ન થાશે, આમાં આપનું ગળું છોલાશે..!
તોય પ્રભુંજી તો એહ ટાણે, પહેલો રોટલો લીધો પરાણે..!!
આમ, શ્રીહરિએ સામેથી માંગીને પરાણે એ ફૂલેલો રોટલો અને ફોતરા વાળી અડદની દાળ જમ્યા. માનબાંઇ તો અતિ હરખે માખણ ને મેથીયા મરચા ને દહી પીરસતા જાય. શ્રીહરિ પણ એમનો ભાવ જોઇને એ દાળને રોટલો અતિ હેતે જમ્યા.
શ્રીહરિ ત્યાથી વિચરણ કરીને ગઢપુર પધાર્યા, દરબારગઢના વાસીઓએ શ્રીહરિનું ભવ્ય સ્વાગત કર્યું, ચાતક નજરે શ્રીહરિના દર્શન અને સેવાના પ્યાસી એવા લાડુંબાં-જીવુંબાં વગેરે બહેનો ને તો જાણે જીવમાં જીવ આવી ગયો. સુંદર વાનગીઓની રસોઇ તૈયાર કરીને શ્રીહરિને થાળ જમવા બેસાર્યા. શ્રીહરિ થાળ જમ્યા પણ જમતા જમતા વાતો કરતા જાય કે “મોટીબાં, રસોઇ તો સારી છે પરંતું માનબાઇના જેવી નય..!” આમ, સુણીને લાડુબાં-જીવુંબાં ને મનમાં થયું કે કાલે આ કરતાય સારો થાય કરીશું ને પ્રભુંને જમાડીશું. બીજેદિવસે વધારે હવેજ નાંખીને શાક વઘાર્યા, સરસ ઝીણી રોટલીઓ બનાવી ઘીમાં ઝબોળીને થાળમાં મુકી, શીરો, ગરમાગરમ વડાં બનાવ્યા, ભજીયાં વગેરે નો થાળ બનાવીને મનમાં વિચાર્યું કે ‘આજ તો થાળ જમીને શ્રીહરિ રાજી થશે..!’ પરંતું એ દિવસે પણ શ્રીહરિ થાળ જમીને મુખવાસ લઇને ઉભા થતા થકા બોલ્યા કે ‘રસોઇઓ સારી હતી પરંતું લોયાના માનબાઇના જેવી નહોતી.’ જીવુંબાં એ સુણીને ઉદાસ થયા, મનમાં થયું કે આજે તો ખાંતે કરીને શ્રીહરિ સારુ રસોઇ કરી પણ આજેય શ્રીહરિએ માનબાઇને જ વખાણ્યા, એવું તો એમણે વળી શું જમાડ્યું હશે? કાં હું લોયા જાઉ અથવા એને જ આહી તેડાવું ને એમને જ પૂછું તો ખબર પડે કે શ્રીહરિ વારે વારે જમતી વેળા એમને કેમ યાદ કરે છે? જીવુંબાં એ લાડુંબાં નો મત જાણીને પોતાના સાથીને સાંતી છોડાવીને પોતાનું જવા આવવાનું વેલડું જોડીને ગામ લોયાથી માનબાઇને તેડી લાવવા કહ્યું.

કહ્યું સાથીને સાંતીડું છોડો, મારી વેલે એ બળદ જોડો..!
લોયા ગામ ઉતાવળા જાઓ, પટલાણી ને બોલાવી લાવો..!!
દાદાખાચરનો સાથી તો તુંરત સાંતી છોડીને વેલડું જોડીને લોયા ગયા ને સંઘાપટેલ ના ઘરે જઇને માનબાઇને વિગતે વાત્ય કરી. માનબાંઇ તો મનમાં મુંઝાયા ને વિચાર કર્યો જે ‘એવું તો વળી મારું શું કામ પડ્યું હશે? વળી મારા માટે કાંય વેલ્ય થોડી મોકલવી પડે..! અને મારાથી એ વેલડામાં બેસીને કેમ ગઢડે જવાય?’ આમ વિચારીને મનમાં દ્વિધા સાથે તેઓ વેલડામાં પણ ન બેઠા અને વેલડાં સાથે ચાલતા ચાલતા થકા ગઢપુર આવ્યા.

બેઠા નહી ચાલ્યા વેલ્ય વાંસે, આવ્યા ગઢડે જીવુંબાં પાસે..!
જીવુંબાં લાડુંબાં સહું મળી, માનબાં ને પુછે વળી વળી..!!
એવું શું જમાડ્યું છે પ્રભુંને, વારે વારે વખાણે છે તુંને..!
પહેલા આવું નહોતું એને કાંઇ, નકકી ભુરકી નાંખી તે બાંઇ..!!

ગઢપુર પહોંચ્યા એટલે દરબારગઢમાં લાડુંબાં-જીવુંબા તો વળી વળીને માનબાઇને પુછે કે “માનબાંઇ તમે એવું તો વળી શું જમાડ્યું છે કે તમને વારે વારે મહારાજ યાદ કરે છે, તમે એને કોઇ ભૂરકી નાંખી હોય એમ લાગે છે, આવું તો પ્રભું ક્યારેય પહેલા કરતા નહોતા. માટે અમને તમે જે જમાડ્યું હોય એ કહો..!” ત્યારે માનબાંઇ હાથ જોડીને જીવુંબા-લાડુંબાં ને કહે “બાં, મને તો કાંય એવું રાંધતાં પણ આવડતું નથી, વળી અમ ખેડુંના ઘરે એવા તો ભારે ભારે પકવાન પણ કયાથી હોય, એ દિવસે મેં તો હથેળી જેવો જાડો બાજરાનો રોટલો ને ફોતરા વાળી અડદની દાળ વાડીએ દાડીયાઓ સારું બનાવી હતી. એ દિવસે પ્રભું પધાર્યા ને મે બપોરટાણે ઘણીય વિનંતી કરી કે મહારાજ, ઘડીક ખમો તો શીરો-પુરી વગેરે કરું પરંતું એ જ બાજરીનો રોટલો ને અડદની દાળ જ જમ્યા હતા.” આ સુણીને જીવુંબાં ને મનમાં સંશય થયો એટલે કહે “બાઇ તું મને સાચું કહે ? તું મને એવી રસોઇ કરતા શીખવાડ, નહીતર તારા સાથે મારે વઢવેડ્ય થશે.” ત્યારે માનબાંઇ કહે ‘બાં, હું સાવ સાચું કહું છું, મારા જેવી કણબીની બાઇને બીજું તો વળી શું રાંધતા આવડે, તમે કહો તો હું મહારાજને આહીં જ બોલાવી લાવું.’
જાડો રોટલો હથેળી જેવો, બાજરાનો બનાવ્યો તો એવો..!
દાળ અડદની ફોતરાળી, વધાર્યા વિના વાનમાં કાળી..!!
પ્રભુંને મે જમાડ્યું’તું આવું, કો’તો પ્રભુંને આહી બોલાવું..!
મોટીબાં ને મટ્યો નહી વહેમ, કહે સાચું કેતા નથી કેમ?
તારા જેવું મુંને શીખવાડ્ય, નહી તો થાશે આમા વઢવેડય..!
આવ્યા એવામાં ત્યાં પરમેશ, સમજાવ્યું રહસ્ય વિશેષ..!!
મારું વચન રાખજ્યો યાદ, મને શેમાં આવે નહી સ્વાદ..!
સ્વાદ ભક્તના ભાવમાં જાણું, સુણી સૌને સાચું સમજાણું..!!
દેહભાવ ભુલી સ્નેહમાંયે, રોટલો બનાવ્યો માનબાંયે..!
રોટલામાં નહોતો સ્વાદ કાંય, સ્વાદ હતો એના ભાવમાંય..!!
આમ, મોટીબાંનો ભ્રમ ભાંગવાને અર્થે શ્રીહરિએ ચરિત્ર કરતા થકા લોયાના માનબાંઇએ અતિ પ્રેમભર્યા ભાવે જમાડેલ રોટલાને પકવાન કરતાય બહું વખાણીને એમના ઉપર અતિ રાજીપો વર્તાવ્યો. મોટીબાં ને લાડુંબાં પણ માનબાંઇને અતિ હેતે મળ્યા, શ્રીહરિના રાજીપાનો મહીમાં જાણ્યો. ગઢપુર થોડા દિવસ રોક્યા અને પછી વેલડું જોડાવીને એમને ઘરે પાછા મુકવા જવા વ્યવસ્થા કરાવી.

  • શ્રીપુરુષોત્તમચરિત પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૭૮માંથી…