રાજચરાડીના રામબાં કહે કે ‘મહારાજ મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુખ છે..!’

ગામ લોયામાં શ્રીહરિના સખા સુરાબાપુંના પત્નિ શાંતાબાં તેમજ હેતબાઇના યોગે લોયા અને નાગડકાં ગામનાં ઘણાં મુમુક્ષું મહીલાઓ સત્સંગી થયા હતા. આવા જ એક લોયામાં એક સત્સંગી મુમુક્ષુ રામબાં નામે પટેલના દીકરી હતા. ગામમાં જ્યારે શ્રીહરિ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે સેવા કરવા દોડી જતા, ઉત્સવ સમૈયા સારું અનાજ-કરીયાણાની સફાઇ, રસોડામાં શાંતાબાં સાથે એમને લાડુંબા-જીવુંબાં વગેરે સાંખ્યયોગી બહેનોની સેવા કરવા મળતી. લોયાગામમાં મોટા મોટા સંતો અવારનવાર પધારતા એ વખતે એમને મહીલાઓની મર્યાદા પ્રમાણે દર્શન કથાવાર્તા નો લાભ પણ મળતો. આ હરિભક્ત દિકરી એવા રામબાંના લગ્ન ધાંન્ગધ્રાના રાજચરાડી ગામે જાકાસણીયા (પટેલ) માવાભાઇ સાથે લેવાયા, અને નિર્ધારીત દિવસે રાજચરાડી ગામેથી જાકાસણીયા પરિવારમાંથી જાડેરી જાન લોયા ગામે પરણવા આવી.  ગામમાં ઢોલ ઢબૂક્યા, મંગળ ગીતો ગવાયા, અગ્નિની સાક્ષીએ ફેરાં લેવાયા અને હાથઘરણાં થયા, મંડપમાં પરણેતરની વિધી પુર્ણ થઇ. દીકરી વળાવવા ટાણે રામબાં પોતાના પરિવારજનો સમક્ષ રડવા લાગ્યા, પરંતું આ એમનું રડવું લૌકિક નહોતું, પોતે જે પરિવારમાં સાસરે જઇ રહ્યા હતા એ સત્સંગી નહોતા, અને પોતાના પિયરના ગામ લોયાથી દૂરગામ સાસરું હોવાથી ફરીને વળી ક્યારે શ્રીહરિ તેમજ સંતો-ભક્તોનો યોગ થશે, એમ જાણીને તેઓ વધારે વ્યથિત થયા.

યોગાનુંયોગ આ સમયે શ્રીહરિ પણ લોયામાં સુરાબાપુંના દરબારગઢમાં જ બીરાજતા હતા, એમણે કોઇના રૂદનનો અવાજ સાંભળ્યો, અંતર્યામીપણે જીવપ્રાણીમાત્રના સંકલ્પોને જાણનારા એવા શ્રીહરિએ એટલે પાર્ષદોને પુછ્યું કે ‘જુઓ તો કોણ રડે છે? કોઇને કાંઇ દૂખ છે કે?’ આ સુણીને પાર્ષદોએ શ્રીહરિને કહ્યું કે ‘પ્રભું, આપડા પાડોશમાં હરિભક્ત પટેલના દીકરી રામબાઇને સાસરે વળાવે છે, દીકરીનું સાસરું રાજચરાડી આઘેરું ગામ છે તો દીકરી વળામણા ટાણે રડે છે..!’ ત્યારે દયાના સાગર શ્રીહરિ બોલ્યા કે તો તો જ્યારે અમે પણ રામબાઇને સાસરે વળાવવા એમના ઘરે જઇશું..! એમ કહીને પોતે ચાલ્યા અને રામબાઇને ઘેર આવ્યા. દીકરી રામબાઇ શ્રીહરિને ખોળો પાથરીને આશિષ લેવા પંચાગ પ્રણામ કર્યા, શ્રીહરિએ એ વખતે એમને પુછ્યુ કે ‘દિકરી રામબાંઇ, કેમ રડે છે? ત્યારે રામબાઇ કહે કે ‘મહારાજ મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુખ છે..!’ શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને માથે હાથ મેલ્યો ને આશીર્વાદ દેતાં કહ્યું કે ‘રામબાઇ, સંસારમાં લગ્ન તો સોળસંસ્કાર માંથી એક સંસ્કાર છે, ગૃહસ્થાશ્રમ માંડીને પ્રભુનું ભજન કરજ્યો..! વળી અમારા આશીર્વાદ છે કે તમે જે ઘરે પરણીને જાશો એ ઘરે પેઢીઓ સુધી સત્સંગ રહેશે..!’ આમ, લગ્નના જાન વળાવવા ટાણે શ્રીહરિએ રામબાઇને રાજીથઇને પોતાનું મસ્તકે બાંધેલ ફાળિયાનું વસ્ત્ર આપ્યું ને કહ્યું કે ‘આ અમારું પ્રસાદીનું વસ્ત્ર તમારા પરિવારમાં કાયમ ઘરેણા સમાન સાચવીને રાખજો, તમે સદા સુખી રહેશો અને તમારા લીધે ઘણા જીવનું રૂડું થશે.’ આમ, રામબાઇ માવાભાઇ સાથે પરણીને રાજચરાડી ગામે સાસરે આવ્યા.

સમયજતાં શ્રીહરિના આશીર્વાદે રામબાઇના લીધે રાજચરાડી માં બાઇઓ માં સત્સંગ થયો, પોતાના પુરાયે પરિવારમાં પણ સત્સંગ થયો. રામબાઇના લગ્ન થયા પોતાના પ્રથમ સંતાનના જન્મ પહેલાં જ એમના પતિ માવાભાઇનું અવસાન થયું, રામબાઇ ગર્ભાવસ્થાના સમયમાં પોતાના પતિનું મૃત્યું થતા ઘણા વ્યથિત થયા, એ વખતે શ્રીહરિએ એમને દિવ્ય દર્શન દીધું અને નચિંત રહેવા કહ્યુ, ભજન કરતા રહેજો, તમારો સંસાર સુખેથી અમે ચલાવીશું, એમ કહીને આશીર્વાદ દઇને અદ્રશ્ય થઇ ગયા. રામબાઇને માવાભાઇ ના ટૂંકા લગ્નજીવન થી બાળકનો જન્મ થયો અને એમનું ધનાભાઇ રાખ્યું.

વર્ષો જતા આ ધનાભાઇ ના પરિવાર માં ત્રણ દિકરાઓ ગણેશભાઇ, વેલાભાઇ અને દેવરાજભાઇ થયા. આ ત્રણેય ભાઇઓ અને પિતાજી ધનાભાઇ અને દાદીમાં રામબાઇ એ પંથકમાં એકાંતિક સતસંગી હતા. પરિવારના આધારસ્તંભ સમા રામબાઇ પોતાની શારિરીક અવસ્થા થતા પરિવાર ના સૌને અગાઉથી ‘મને શ્રીહરિ તેડવા આવ્યા છે’ એમ જણાવી ને વાતો કરતા થકા અક્ષરધામમાં પધાર્યા.

આ વિસ્તારમાં સામાજીક ઉપદ્રવ થતા શ્રીહરિની શિક્ષાપત્રીની આજ્ઞાએ એ પંથકના ઘણા પટેલીયાઓ સાથે પોતાનું વતનનું ગામ મુકીને ધનાભાઇ પટેલ(જાકાસણીયા)નો પરિવાર બીજા ખેડૂતો સાથે કડી તાલુકાના ધરમપુર ગામે આવીને વસ્યા. ત્યાનાં દરબારશ્રી પાસે પોતે ખેતીની જમીન વાવવા રાખીને પોતાની નિતિમત્તા અને ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદથી ખુબ સુખી થયા.

એકસમયે અખાત્રીજના દિવસે આ જાકાસણીયા પરિવારમાં ત્રણેયભાઇઓના ત્રણ દિકરાના લગ્નનો પ્રસંગ હતો, અને એ વખતે એમના દાદા ધનાભાઇ ઘણા માંદા થયા અને અંતસમો આવ્યો, પોતે દેહ છોડી દીધો. ત્યારે એમની ઉત્તરક્રિયા કરવા સારું એમને ભોંયે લીધા અને એ વખતે સૌએ ગંગાજળ પાયુંને એમની પાલખી બાંધતા હતા, એ વેળાએ ધનાભાઇ ફરીને દેહમાં આવ્યા.

લગ્નપ્રસંગે આવેલા સૌ કોઇ મહેમાનો તેમજ ગામજનોને અતિ આશ્ચર્ય થયું. ધનાભાઇ બોલ્યા કે ‘મને તો શ્રીજીમહારાજ ધામમાં તેડી ગયા હતા, મને ત્યાં આપણાં માતુંશ્રી રામબાં મળ્યા હતા, તેઓએ મને ભાળીને શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે ‘હે મહારાજ, ધનાભાઇના ઘરે એમના ત્રણ પૌત્રોના લગ્નનો પ્રસંગ છે , એના દિકરાઓની જાન જોડવાની છે, ત્યાં આવા મંગળ પ્રસંગે ધનજીને આંહી કેમ તેડી લાવ્યા? ધનજીને ઘેર સહુ રુદન કરતા હશે, બહું ખોટું થયું.’ એ સુણીને શ્રીજીમહારાજે મને બીજી આયુષ્ય આપીને દેહમાં પરત મોકલ્યો છે, હવે ધામધૂમથી લગ્નપ્રસંગ કરો, શ્રીહરિ કૃપા કરી મને ફરીને તેડવા આવશે એવો વર દીધો છે.’ આમ ધનાભાઇ પોતે દેહમાં પરત આવ્યા જાણીને સહુંને શ્રીહરિનો પરિપુર્ણ નિશ્ચય થયો.

લોયાગામે શ્રીહરિએ રામબાઇને રાજી થઇને આપેલ પ્રસાદીનું એ વસ્ત્ર જ્યારે પરિવાર રાજચરાડી ગામ મુકીને કડી તાલુકાના ધરમપુર આવ્યા ત્યાં સુધી એમના ઘરમાં એક કોઠલામાં ઘરેણાંની જેમ સાચવીને રાખેલ, ધરમપુર આવતી વખતે ધનાભાઇનો પરિવાર એ પ્રસાદીનું વસ્ત્ર ત્યાંજ ભૂલી ગયા. વીસેક વર્ષના વાણા વાઇ ગયા ને ઘણો સમય વ્યતીત થયો, પરિવારના પબુભાં એકસમયે વઢવાણ મંદિરે દર્શને ગયા હતા, એ વખતે ત્યાં રાત્રીના સમયે શ્રીજીમહારાજે એમને દર્શન દીધા અને એ વસ્ત્ર રાજચરાડી જઇને લઇ આવવા કહ્યું. શ્રીજીમહારાજની એટલી યાદી આપીને અદ્રશ્ય થઇ ગયા. વળતે દિવસે પોતે ત્યાં ગયા પરંતું રામબાઇ જે મકાનમાં રહેતા એ મકાન તો પાડી નાંખ્યા હતા, એ વખતના એ જગ્યાના માલિકે આનાકાની કરી પરંતું પબુભાં એ શ્રીહરિએ દર્શન આપીને પોતાના દાદીએ વસ્ત્ર કોઠલાં માં રાખેલ છે એ લેવા જ આવ્યા છે એમ કહીને મનાવ્યા. એ કોઠલો યથાવત હતો, એમાથી એ શ્રીજીપ્રસાદીનું વસ્ત્ર લઇને પોતે ધરમપુર આવ્યા હતા.

સમય પ્રમાણે પરિવાર મોટો થતા સહુ કોઇ એ પ્રસાદીના વસ્ત્રોના ટૂંકડા હજું પણ પોતાની ઘરે સાચવીને રાખે છે. હાલ મુકતરાજ રામબાઇના વંશમાં હરિભાઇ પટેલ (જાકાસણીયા) વગેરે સહું પરિવારજનો સારો એવો સત્સંગ રાખીને સત્સંગમાં સહુ સંતોના રાજીપાના પાત્ર બન્યા છે.

– સર્વેશ્વર શ્રીહરિના રાજીપામાંથી…