રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ દિવસ રોકાઇને સહુ ભકતોને અતિ સુખ આપ્યું. ગામના સહુ ભકતોના ઘરે પધારી ને પધરામણીઓ કરીને સહુના ઘર પાવન કર્યા.

સંવત ૧૮૬૨ માં શ્રીહરિ નંદાસણથી માથાશૂળ વગેરે થઇને રાજપરા પધાર્યા. ગામના પટેલ જેકરણદાસ, બેચરદાસ, નરોત્તમભાઇ વગેરે સહુએ ધામધૂમથી વાજીંત્રે સહિત સ્વાગત કરીને ગામની ભાગોળે સામૈયું કરીને સભા થઇ. આવખતે ગામના ગરાસિયાઓ સભામાં આવ્યા અને કુતુહલતાવશ શ્રીહરિને પુછયું કે તમે ભગવાન કહેવાઓ છો, તો તમે સૌનું રૂડું કરી તો કરી શકો, પરંતુ તમે કોઇનું ભૂંડુ કરો તો ન થાય? ત્યારે શ્રીહરિ હસ્યા અને બોલ્યા કે “અમે તો કદીયે કોઇનું કાંય ભૂંડુ કરતા નથી. જીવે જેવા કર્મ કર્યા હોય એ પ્રમાણે એ ભોગવે છે, ભગવાનના હાથમાં તો સર્વના નાડીપ્રાણ છે.” એમ કહીને ત્યાં સન્મુખ ચકલા ચણતા હતા તેની સન્મુખ દ્રષ્ટી કરતા જ ચકલાઓને સમાધી થઇ ગઇ. સર્વ ગરાસિયાઓ તો ઘણા આશ્ચર્ય ને પામ્યા. શ્રીહરિએ પોતાનો પ્રતાપ જણાવતા તેઓ શ્રીહરિને ચરણે પગે લાગ્યા અને સહુ આશ્રિત થયા.

ગામ રાજપુરમાં રંગીલા, આવ્યા છોગાળા છેલછબીલા..!

યોગકળા તિયાં બહુ સાધી, ચકલાંને કરાવી સમાધિ..!!

એ વખતે રાજપરા ગામમાં કુસંગથી લોકો ઘણા હતા. તેઓ આવીને કહે કે એક નારાયણ જ જગત મા સમર્થ છે. એટલા સારું તમે જો એવા સમર્થ હો તો ભયંકર દૂકાળ પાડો, આવી અમારી ઇચ્છા છે. આમ કહેતા શ્રીહરિ કહે કે પાપીઓને પુર્ણ નિશ્ચય કરાવવા સારું દૂષ્કાળ પડો. એમ આજ્ઞા થતા સંવત ૧૮૬૯ નો ભયંકર દૂષ્કાળ પડ્યો અને જગતના સહું માનવ, પશું પંખી સહુ પીડાને પામ્યા હતા. આ દૂકાળમાં અન્ન અને ઘાસ વગર ઘણા મનુષ્યો અને પશુંઓ મરણ પામ્યા હતા.

ધુડ નાખવા આવ્યાતા જન, તે દેખીને ડર્યા બહુ મન..!

પછી કાળનું માગ્યું વચન, રાજી થઇને આપ્યું જીવન..!!

– શ્રીઘનશ્યામલીલામૃત સાગર તરંગ ૯૪

આ રાજપુર ગામમાં સહું સત્સંગીઓ હતા, પરંતું મંદિર નહોતું, ગામના જેકરણભાઇ પટેલને મનમાં સાત વરહથી એવો પ્રબળ સંકલ્પ હતો કે ‘મારે મંદિર કરવું છે..!’ પરંતુ મંદિર થઇ શક્યું નહોતું. એકદિવસે એમને શ્રીજીમહારાજે દર્શન દીધા ને જેકરણભાઇને કહ્યું કે “તમારી હવે બાર મહીનાની આયુષ્ય બાકી રહી છે, તમારો ગામમાં મંદિર કરવાનો સંકલ્પ બાકી છે, એ મંદિર બંધાવીને એ પુરો કરી લેજો.” આમ કહીને શ્રીજી અદ્રશ્ય થઇ ગયા. બીજેદિવસે જેકરણભાઇએ સહુ સત્સંગીઓને મળીને વિગતે વાત કરી, સહુ તૈયાર થયા અને રંગે-ચંગે મંદિરનું કામ શરું થયું. આમ કરતા કરતા છ-આઠ મહીના માં મંદિરના ચણતરનું કામ પુરુ થયું. મંદિરમાં શ્રીહરિની મુર્તિ પધરાવી અને સહુ ગામજનો ત્યાં ભજન કરતા થયા. જેકરણભાઇ નો મનનો સંકલ્પ પુરો થયો.

પછી જેકરણે સતસંગી તેડી, કહી પોતાની વાત નિવેડી..!

ભાઇઓ આ તન પામશે નાશ, તેહ આડો રહ્યો એક માસ..!!

માટે મંદિર સંત ઉતરવા, કાલ્યથકી આદરીએ કરવા..!

ત્યારે સતસંગી કહે સારૂં, અમને કહ્યું એ ન કહેવું બારૂં..!!

પછી મંદિર સુંદર કરાવ્યું, ત્યાંતો મૃત્યુ તે નજીક આવ્યું..!

ત્યારે પત્ની પોતાનીને કહ્યું, મારે મરવા આડું નવ રહ્યું..!!

શ્રીજીમહારાજે અગાઉ દિધેલ કોલ મુજબ જ્યારે એક દિવસ આડે રહ્યો ત્યારે એમણે એના પત્નિ ને કહ્યું કે “આવતીકાલે મને શ્રીજીમહારાજ અક્ષરધામમાં લઇ જવા તેડવા આવવાના છે. તારે પણ આવવું હોય તો તૈયાર થા ને બેસ ભજન કરવા તો તને આજે જ ધામમાં મોકલી દઉ. હું કાલે મહારાજ સાથે આવીશ.”

એમના ધર્મપત્નિ તો પરમભકત હતા, આ ભવાટવી તરવા નો આવો મોકો ફરી ને કયાં મળવાનો હતો..? એ તેઓ સૂપેરે જાણતા હતા. પોતે પલાંઠી વાળીને બેસી ગયા અને શ્રીજીમહારાજને સંભારી ને “સ્વામિનારાયણ… સ્વામિનારાયણ…!” એમ ભજન કરવા લાગ્યા. બે ચાર ઘડી વિત્યે એમના પત્નિને શ્રીજીમહારાજ દર્શન આપીને તેડી ગયા. એમના દેહની અંતિમ વિધી વગેરે કરી.એ સમે સહુ ગામજનોને જેશંકરભાઇએ વાત કરી કે હું પણ કાલે અક્ષરધામ માં જવાનો છું.

માટે મોર થકી તું તો ચાલ્ય, કેડ્યે હું પણ આવું છું કાલ્ય..!

પછી બેઠી તે કરવા ભજન, આવ્યા નાથ તેડ્યે તજયું તન..!!

તેને દેન દઇ ઘેર આવ્યા, પછી મોટા મોટાને બોલાવ્યા..!

ભાઇઓ જુવો પ્રભુનો પ્રતાપ, આતો વાત મોટી છે અમાપ..!!

બીજેદિવસે જેશંકરભાઇ તો અતિ હરખભર્યા તૈયાર થઇ ગયા. ગામના સહુ હરિભકતો ધૂન બોલતા હતા, એ વખતે એમનો દિકરો રડવા લાગ્યો ને કહે કે પિતાજી, તમે પણ જતા રહેશો તો હુ એકલો પડી જઇશ. હુ એકલો શું કરીશ, મને પણ તમ સાથે ધામમાં તેડી જાઓ. જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.” આમ કહી બાપ-દિકરો એ દિવસે બંને એકસાથે દેહ છોડીને શ્રીહરિના ધામમાં ગયા. ગામમાં તેમજ પુરાયે સતસંગમાં અચરજનો પાર ન રહ્યો.

મને આવ્યાં છે લેવા વિમાન, બહુ સંત ભેળા ભગવાન ।

મારે જાવું છે કાલ્યે જરૂર, આવ્યું નજીક નથી એ દૂર..!!

માટે સુત એક લઇ સંગે, જાઇશ બ્રહ્મમહોલ ઉમંગે..!

કેડ્યે કહેશો જે ન કહ્યું કેને, નહિતો પૂછી જોત વાત એને..!!

પૂછો જેને પૂછવું જે હોય, કેડ્યે સંશય કરશો માં કોય..!

સ્વામી પોત્યે છે પૂરણ બ્રહ્મ, જેને મળ્યે બળે કોટી કર્મ..!!

– શ્રીભકતચિંતામણી પરચા પ્રકરણ ૧૪૧માંથી…