એકવખતે શ્રીજીમહારાજ કારીયાણીથી ગઢપુર આવી રહ્યા હતા. કારીયાણીથી આઠ દસ ગાવનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું એટલે શ્રીજીમહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું, “ગઢડા હજી આઘું છે તેથી આવતા વાર લાગશે. તડકો ચડ્યો છે તો કૂવે બળદને પાણી પાવ, આ ઉનાળાના તાપમાં બળદ તરસ્યા થયા હશે.” પાર્ષદે પાદરમાં ગાડુ ઉભુ રાખ્યું. બળદને છોડી પાર્ષદ પાણી પાવા ગામના અવેડે લઇ ગયા.
આ બાજુ શ્રીહરિ પોતાના બે ભક્તનું કલ્યાણ કરવા અલૌકિક લીલા આદરી. શ્રીજીમહારાજ ગાડાંની ઉંધ્યે બન્ને બાજુ એક એક પગ રાખી બેઠા. હાથમાં નાની લાકડી રાખી ગોળ ગોળ ફેરવતા ચારે બાજુ નજર દોડાવવા લાગ્યા. થોડી વાર થઇ ત્યાં એક બાઇ માથે પોદળાનો સુંડલો લઇ શ્રીજીમહારાજની પાસે પડેલ બળદનો પોદળો લેવા આવી. બાઇ જેવી પોદળો લેવા નીચી નમી ત્યાં તેને જોઈ મહારાજ બોલ્યા, “એય બાઈ ! રહેવા દેજે, આ પોદળો લેતી નહી.” ત્યારે બાઇ કહે કેમ ? તો મહારાજ કહે, “કાં શું ! આ તો અમારા બળદનો પોદળો છે, તેથી તે અમારો કહેવાય. અમે તે નહી લેવા દઈએ ! એ અમારા બળદનું છાણ છે તેથી તેના માલીક અમે કહેવાઇએ.” પેલી બાઇ કહે, ‘જોવામાં તો તમે મોટા માણહ લાગો છો. તમે વળી આ પોદળાનું વળી શું કરશો ?’ ત્યારે શ્રીજીમહારાજ કહે, “પોદળો અમારા બળદનો છે, અમે ગમે તે કરીએ. એમા તમને શું ?” બાઇ વાદે ચડીને કહે, ‘આમ અવળાઇ શું કરો છો ! એ પોદળો વળી તમે ક્યાં લઈ જાશો અને એનું શું કરશો ?’ મહારાજ કહે, “તમે તો બઉ કજીયાળા. અમારો છેડો છોડતા જ નથી. સારુ લ્યો, લઇ જાવ છાણ બસ !” આમ, મહારાજે હા પાડી એટલે પેલી બાઇએ સુંડલો હેઠો મેલ્યો અને જેવી છાણ લેવા નીચે બેઠી ત્યાં મહારાજ બોલ્યા, “ઉભા રહો ! અમારા પ્રશ્નના જવાબ આપો તો અમે છાણ લેવા દઇએ.” બાઇ કહે, ‘તમારે વળી મને હું પૂંછવું છે ? હારુ પૂછોને તમારે જે પૂછવું હોય તે.’ શ્રીહરિ કહે “તમે કઈ નાત્યના ને તમારું નામ શું છે.” બાઇ કહે, ‘અમે નાત્યે વાણિયા છીએ અને મારું નામ જીવીબાઈ.’ એમ ! તમે વાણિયા છો, સારુ સારુ. અને હે જીવીબાઇ ! તમારા ધણીનું નામ શું છે ? એ કહો, જીવીબાઇ કહે, ‘લે… તમે કાંઈ લાજો લાજો. આમ બાયુમાણહને એના ધણીનું નામ ન પૂંછાય ?’ તો હસતા હસતા મહારાજ કહે, “એમા શું વાંધો ?” બાઇ વળી કહે ‘અરે રે… તમને કેમ સમજાવવું કે મારાથી મારા ધણીનું નામ ન લેવાય.’ શ્રીહરિ એ કહ્યું, “પણ અહીં ક્યા કોઇ છે ! અમારી સીવાઇ કોઇ નહી સાંભળે, તમતમારે, કહો !” જીવીબાઇ કહે, ‘એવું નો થાય, અમારાથી એનું નામ નો લેવાય. ઈ જાણો છો ને ?’
શ્રીજીમહારાજ કહે, “એવું અમે જાણીએ કે ન જાણીએ, પણ તમે તમારા ધણીનું નામ કહો તો પોદળો લેવા દઉં !” ત્યારે બાઈ કહે, ‘તમે તો ભારે કરી, મારા ધણીનું નામ જાણીને તમારે તો શું કામ છે ?’
મહારાજ કહે, “પેલા નામ કહો તો વાતની ચોખવટ કરીએ.” જીવીબાઇ કહે, ‘પેલા તમારી ઓળખ ને નામ કહો તો કહું.’ શ્રીહરિ કહે, “અમે ગઢડાના સ્વામિનારાયણ, દરબાર દાદાખાચરના ગુરૂ.”
શ્રીજીમહારાજની ઓળખાળ સાંભળી જીવીબાઇને થયું, આ તો મલક જેને ભગવાન કહે છે તે છે. જરૂર આજ અમારા પૂરવના ભાગ્ય જાગ્યા! ભગવાનની આગળ ધણીનું નામ લેવામાં શું વાંધો, એમ વીચારી ચારે બાજુ જોઇને દબાતા મને કહે, ‘મારા ધણીનું નામ કમળશી શેઠ.’ શ્રીજીમહારાજ કહે, “નામ તો બહું સરસ છે. એ ક્યાં છે અત્યારે ?”
બાઇ કહે ‘ઇ તો દુકાને બેઠા હશે. બીજુ હુ કરે !’ મહારાજ કહે, “તેને અહીં બોલાવી લાવો.” જીવીબાઇ કહે, ‘લે.. તેનું વળી તમારે શું કામ છે ? ભલા થૈ એક પોદળામાં જાજી લપ શીદ કરો છો ?’ શ્રીજીમહારાજ કહે, “અમે કહીએ તેમ કરો. અમારી પાસે જાજો વખત નથી. હજુ અમારે ગઢડા પહોંચવું છે.” બાઈ તો છાણનો સુંડલો મેલી શ્રીહરિના વચને ઉતાવળી ઉતાવળી ઘર તરફ ગઇ. થોડી વાર થયે તે કમળશી શેઠને બોલાવી લાવી.
કમળશી શેઠ બહું ભાવિક હતા. બે હાથ જોડી આવતા જ પગે લાગી બોલ્યા કે, ‘હે સ્વામિનારાયણ ! મને શીદ બોલાવ્યો ?’ શ્રીહરિ કહે ‘શેઠ તમે શું ધંધો કરો છો ?’ કમળશી શેઠ બોલ્યા કે ‘મહારાજ ! ગામડામાં તે શું ધંધો હોય, બે ચાર ડબલા રાખુ છું. જેમાં થોડુ-ઘણું કરીયાણું, ઢોર માટે કપાસીયા, ખોળ, બાજરો, મીઠું આવું બધું હોય. આછી પાતળી ગામની ઘરાકી હોય. તેમાંથી જે આવક આવે તેનાથી જીવન ગુજારૂ છું.’ કમળશી શેઠની વાત સાંભળી મહારાજે કહ્યું, “અમારી હાર્યે ગઢડા આવવું છે ?” શેઠ કહે, ‘અમારુ ત્યાં કોઇ ઓળખીતું નહી, અમે ત્યાં આવી શું કરીએ ?’ મહારાજ કહે, “એની ચીંતા ન કરો, અમે તમને ત્યાં દુકાન કરી દઇશું.” કમળશી શેઠનો સ્વભાવ સાવ ભોળો અને ભાવિક. તેણે તુંરત જ હા પાડી અને કહ્યું, ‘તમારો ઓથાર મળતો હોય તો તો અમે જરુર આવીએ.’ શ્રીહરિ કહે ‘તો બેસી જાવ ગાડે કે કોઈને પૂછવા કે રજા લેવા જવું પડશે ? કમળશી શેઠ ના પુર્વના ભાગ્ય ઉદય થયા તે બોલ્યા ‘ના રે મહારાજ ! પુછવા કે ભલામણ કરવા જેવું અહીં જ છે.’ એમ બોલતા કમળશી શેઠે દુકાનની ચાવી આપતા જીવીશેઠાણીને કહ્યું, ‘લ્યો હું પાછો આવું ત્યાં લગણમાં તમે ઘરવખરી ઠીક કરી લેજો.’ આમ વાતો થાય છે ત્યાં પાર્ષદ બળદને પાઇને આવી ગયા. તેમણે બળદને ગાડે જોડ્યા. મહારાજ અને કમળશી શેઠ ગાડે બેઠા. શેઠાણી પોદળો સુંડલામાં નાખી ઘર તરફ ચાલતા થયા.
શ્રીજીમહારાજ કારીયાણી થી ગઢપુર પધાર્યા તે જાણી દરબારગઢના સહુ ભક્તોના અંતરમાં આનંદ છવાઇ ગયો. ત્યારે દંડવત્ પ્રણામ કરતા દાદાખાચરને મહારાજે કહ્યું, “આ રામપરથી અમે કમળશી શેઠને લાવ્યા છીએ. તેને બજારમાં એક દુકાન કરી આપો.”
શ્રીજીમહારાજની આજ્ઞા થતા તરત જ દાદાખાચરે બજારમાં બારણા પડતો એક ઓરડો ખાલી કરી આપ્યો. દુકાન માટે થોડો સામાન દેવડાવ્યો. રહેવા માટે એક નાનું ઘર આપ્યું. શેઠને દુકાન, ઘર વગેરેની સગવડ મળતા રાજી થયા. રામપરેથી ઘરવખરી તથા શેઠાણીને લઈ આવ્યા. શેઠ સુખેથી ગઢડામાં રહેવા લાગ્યા. દુકાને વેપાર કરે ને નવરાશના દરબારગઢમાં આવી મહારાજના અમૃતવચનોનું પાન કરે. જીવી શેઠાણી તો દિવસ અને રાત શ્રીહરિનું રટણ કરે, લાડુબા, જીવુબાનો સત્સંગ કરે, સેવા કરે. ભકતવત્સલ મહારાજ પણ તેઓની ખબર રાખે તથા દાદા ખાચર પાસે રખાવે. અવારનવાર તેઓના ઘરે જાય. જીવીબાઇ સાથે વાતો કરે, તેમને રોટલા ઘડતા પણ શીખવાડે.
એક વખત રાત્રે ચોમાસામાં બહું ભારે વરસાદથી શેઠની દુકાનની પાછળની દીવાલ ઢળતી હતી ત્યારે પાર્ષદોને સાથે લઇ શ્રીહરિ ત્યાં પહોંચ્યા, ટેકા મારી દિવાલ પડતી અટકાવી. ચોમાસું ગયા પછી કડિયા પાસે દીવાલ સરખી કરાવી. આમ શામળીયો ભાવિક ભક્ત પર અઢળક ઢળ્યા.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૨ ની કડી ૫૨ માં કમળશી શેઠને ચિંતવતા લખ્યા છે કે….
માલજી હીરો કૃષ્ણજી દોય, કાનજી ને રૂગનાથ સોય ।
કમળશી સુરચંદ્ર દોય, હરિભક્ત વણિક એ સોય ।।
– શ્રીભકતચિંતામણીના મુકતના ચિંતનમાંથી…