વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો રામચંદ્ર વૈદ્યને તેડવા આવ્યો. રામચંદ્ર વૈદ્ય બળદગાડીમાં બેસી આવવા નીકળ્યા. રસ્તામાં એક જગ્યાએ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની સભા ચાલતી હતી. સત્સંગ કથાવાર્તા થઈ રહી હતી.
રામચંદ્ર વૈદ્યે પૂછયું કે, આ કોની સભા છે.
ત્યારે હરિ ભટ્ટના ભત્રીજાએ કહ્યું કે, આ સ્વામિનારાયણના ગોપાળ બાવાની સભા ચાલે છે.” ત્યાં જ રામચંદ્ર વૈદ્યની નજર ગોપાળાનંદ સ્વામી પર પડી. તેથી સ્વામીએ વૈદ્યનું સારું થાય તેવો સંકલ્પ કર્યો. આથી બળદ ચાલતા બંધ થઈ ગયા. ઘણો જ પ્રયત્ન કર્યો પણ બળદ આગળ ચાલતા જ ન હતા. તેથી વૈદ્ય નીચે ઊતરી ચાલવા લાગ્યા. પણ આ શું ? વૈદ્યના પગ પણ ચોંટી ગયા. આગળ ચાલે જ નહિ. જ્યાં ગોપાળાનંદ સ્વામી બાજુ ચાલ્યા તો પગ આગળ ચાલવા લાગ્યા.
આથી ન છૂટકે રામચંદ્ર વૈદ્ય ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે, ”તમે શું આ ધતીંગ–ચમત્કાર બતાવો છો. એક ભગવાન ડાકોરનાથ સિવાય કોઈ ભગવાન નથી.
પછી વળી વૈદ્યે કહ્યું કે, ”જો તમે હરિ ભટ્ટ શાસ્ત્રીને સાજા કરો તો હું માનું.”
ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, ”હરિ ભટ્ટ તો સાજા થશે પણ તમારામાં જે કુસંગ લાગ્યો છે, તે શ્રીજીમહારાજ કાચી કેરી આપી સત્સંગી કરશે.” એક–બે દિવસમાં હરિ ભટ્ટ શાસ્ત્રી ખૂબ જ સાજા સારા થઈ ગયા. આમ એક સંકલ્પ પૂર્ણ કર્યો.
એકવાર રામચંદ્ર વૈદ્ય ડાકોરનાથના દર્શને પોતાની પત્ની અમૃતબાઈ સાથે ડાકોર ગયેલા. ત્યાં દર્શન કરતાં કરતાં આકાશવાણી થઈ કે, ”અમે તમારા ઇષ્ટદેવ ડાકોરનાથ કહીએ છીએ કે, આ હળાહળ કળિયુગમાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા છે અને તેમના સંત ગોપાળાનંદ સ્વામી વિચરે છે તેનો સત્સંગ કરજો તો કલ્યાણ થશે.” આ સાંભળી થોડે સમયે રામચંન્દ્ર વૈદ્ય ગઢપુરમાં ભગવાન શ્રીસ્વામિનારાયણના દર્શને આવ્યા અને રસ્તામાં સંકલ્પ કરેલો કે, ”અત્યારે ભાદરવા મહિનામાં કેરી હોય નહિ, જો સ્વામિનારાયણ મને કાચી કેરી આપે તો જ એ ભગવાન સાચા.”
ગઢપુર દરબારગઢમાં પહોંચતા જ વૈદ્યનું સ્વાગત કરી કહ્યું કે ”તમને ભગવાન ડાકોરનાથે મોકલ્યા છે ને !” એમ કહી બે કાચી કેરી રામચંદ્ર વૈદ્યને આપી સંકલ્પ પૂર્ણ કર્યો. આથી રામચંદ્ર વૈદ્ય અને તેમના પત્નીએ વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા અને પછી તો વડોદરામાં ગોપાળાનંદ સ્વામી સાથે રહી સત્સંગ પ્રવર્તમાનમાં લાગી ગયા.

એકવાર રામચંદ્ર વૈદ્યે સદ્. ગોપાળાનંદ સ્વામીને પોતાને ઘેર ઠાકોરજીને થાળ કરવા અને સંતોને રસોઇ સારું આમંત્રણ આપ્યું, સાથે વડોદરાના રપ૦ જેટલા હરિભક્તોને પણ પ્રસાદ (જમવા) માટે તેડાવ્યા. ગોપાળાનંદ સ્વામી ઠાકોરજી સાથે રામચંદ્ર વૈદ્યને ઘેર પધાર્યા. તેમના ભાઈ હરિચંદ્ર વૈદ્યે થાળ તૈયાર કરી ગોપાળાનંદ સ્વામીના ઠાકોરજી પાસે ધરાવ્યો. ત્યાં તો શ્રીજી મહારાજ સ્વયં પ્રગટ થઈને જમવા લાગ્યા. રામચંદ્ર વૈદ્યના દેવમંદિરમાં પંચદેવોની મૂર્તિઓ હતી. તે પણ પ્રગટ થઈને થાળ ગાવવા લાગ્યા. ઠાકોરજી જમી રહ્યા બાદ પંચદેવો પણ પ્રસાદ જમ્યા અને અદૃશ્ય થઈ ગયા. આ ચમત્કારની વાત આખા વડોદરામાં વહેતી થઈ ગઈ અને વડોદરામાંથી ઘણા ભક્તો–દૈવી લોકો કુતૂહલવશ જોવા આવ્યા. સર્વેને તે જાણી આશ્ચર્ય થયું. રામચંદ્ર વૈદ્યે ગોપાળાનંદ સ્વામી અને સંતમંડળને જમાડી દરેક આવેલ ભાઈઓને જમાડયા. રપ૦ માણસોની બનાવેલી રસોઈ ૭૦૦ માણસો જમ્યા, તો પણ પ્રસાદ ખૂબ વધ્યો. આમ આવો અલૌકિક પ્રતાપ જોઈને આવેલા દૈવી મુમુક્ષુ લોકો સત્સંગ સ્વીકારી શ્રીજી મહારાજના આશ્રિત બન્યા. રામચંદ્ર વૈદ્યે સ્વામીનું પૂજન કરી શાલ ઓઢાડી ને સ્વામી ને રાજી કર્યા.

  • યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જીવનવૃતાંત માંથી…..