શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્ષદો સાથે બીરાજતા હતા. આ વખતે બારભાયા ગુરુભાઇ એવા રામદાસસ્વામી આવ્યા ને શ્રીહરિને દંડવત પ્રણામ કર્યા. શ્રીહરિ સ્વામીને બાથમાં ઘાલીને મળ્યા. આ વખતે રામદાસ સ્વામી સાથે ગામ વહેલાલના જેસંગભાઇ આવ્યા હતા, જેઓ શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા એટલે સ્વામીએ શ્રીહરિને એ પ્રેમી હરિભક્તનો મેળાપ કરાવ્યો. શ્રીહરિએ જેંસંગભાઇને પોતાના કંઠમાંથી હાર કાઢીને પહેરાવયો અને માથે પાઘ બંધાવી ને અતિ રાજીપો વ્યક્ત કર્યો. જેસંગભાઇએ શ્રીહરિને સહું સંતો-ભક્તો સાથે પોતાને ગામ વહેલાલ પધારવા વિનંતી કરી, શ્રીહરિ કહે અમે અહીંથી જ આવીશું. જેસંગભાઇ તો રાજી રાજી થયા.
શ્રીહરિ જેતલપુરથી સહું સાથે વહેલાલ જવા નીસર્યા, રસ્તામાં કણભાં ગામ આવ્યું તે વખતે રસ્તે ગોવિંદસ્વામી ત્યાં મળ્યા. એમને માથાનો દુખાવો થતો હોય હરિભક્તોને ભલામણ કરીને સ્વામીની સેવામાં રહેવાની ભલામણ કરીને એમને કણભાં ગામે જ રોકાવાનું કહી પોતે સંધ્યાસમયે વહેલાલ પધાર્યા.
જેસંગભાઇ અને સર્વ હરિભક્તોએ તો આખુંય ગામ શણગારી રાખ્યું હતું, આસોપાલવના તોરણ બાંધ્યા હતા, મશાલો સળગાવી, મકાનો ગોખ વગેરે માં દીવડાઓ જળહળતા હતા. રસ્તાઓ વાળીને પાણીના છંટકાવ કરીને સહુ કોઇ આબાલવૃદ્ધ વાજતે ગાજતે શ્રીહરિનું સામૈયું લઇને પધાર્યા હતા. ઝાલર-ડંકા, ઢોલ-નગારા વગેરે ના મધુર અવાજ કરતા થકા સહું એ અતિ હેતથી શ્રીહરિનું સામૈયું કર્યું અને જેસંગભાઇની માઢ મેડીએ ઉતારો કરાવ્યો. શ્રીહરિને જમવા થાળ સારું મુકુંદવર્ણીએ થાળ તેયાર કર્યો. શ્રીહરિ જમ્યા અને મુખવાસ ગ્રહણ કરીને સહુ સંતો-ભક્તોને પંકિતએ પીરસવા પધાર્યા. રાત્રે જેસંગભાઇના ફળીયામાં સભા થઇ અને મોડીરાત સુધી શ્રીહરિના અમૃતવચનો સાંભળીને સહું કોઇ પોતાને ઉતારે ગયાં.
શ્રીહરિ ત્યાંથી વળતે દિવસે સવારે શ્રીહરિ નિત્યવિધી પતાવીને કણભાં ગામે ગોવિંદસ્વામી ને મળવા ગયા.
પછી તો શ્રીહરિ વારે વારે વહેલાલ જેસંગભાઇના પ્રેમને વશ પધારતા. એકવખતે સાંજે પધાર્યા તે સભામાં કહ્યુ કે અમે સવારે ઉઠીને ચાલીશું. એ વખતે જેસંગભાઇ કહે કે ‘પ્રભું એક માસ આંહી રોકાઓ ને અમને સહુંને દર્શ-સ્પર્શ સેવાનું સુખ આપો..! આહી અઢાર હરિભકતો રહે છે, જે સહુંને આપને થાળ કરીને જમાડવાની ઇચ્છા છે.’ ત્યારે એમના પ્રેમને વશ શ્રીહરિ કહે સહુંને ઘેર કાલે થાળ કરાવો, અમે સહુના ઘરે જમીશું.’
એક માસ રોકાઓ નિરાંતે, પ્રભું કહે જાવું છે પ્રભાતે..!
બોલ્યા જેસંગભાઇ તે વારે, આંહી અઢાર ઘર છે મારે..!!
કહ્યું જેસંગભાઇને એમ, નહી તોડાય તમારો પ્રેમ..!
મનધાર્યું મુકી દીધું અમે, કેમ અમારું માનજો તમે..!!
તમે સહુંને વાત મનાવો, કાલે રસોઇ સહું બનાવો..!
સહુંના ઘેર જમીશું અમે, થાળ તૈયાર રાખજયો તમે..!!
બીજે દિવસે બપોર થતા તો જેસંગભાઇએ તો ચુરમાના લાડું ને દાળશાક વગેરે બનાવરાવ્યા. શ્રીહરિ પ્રથમ એમના કાકાના દિકરા બાજીભાઇ અમીન ના ઘરે ઓંસરીમાં શ્રીહરિને જમવા પધાર્યા. બાજોઠ ઢાળીને શ્રીહરિને જમવા બેસારી ને મોટા થાળમાં પાંચ ચુરમાના લાડું ધરાવ્યા ને ભજીયા શાક-દાળ પાપડ અથાણાં વગેરે બીજી વાનગીઓ પીરસી. શ્રીહરિને બાજીભાઇએ આગ્રહ કર્યો કે ‘હે પ્રભું, આ પાંચેય લાડું તમે જમી જાઓ… !’ ત્યારે શ્રીહરિ કહે ‘આમ તો પાંચ પાંચ લાડું અઢાર ઘરે અમથી કેમ જમાશે ? અમે દરેક ઘરે એક એક લાડું જમીશું. નહીતર એટલા બધા લાડું અમને પચશે કેમ..! આ જાણીને પ્રેમીભકત એવા જેસંગભાઇનો શ્રીહરિનો પાંચ લાડું જમાડવાનો મનનો સંકલ્પ અધૂરો રહેશે એવું લાગ્યું, એથી એણે ઘેર જાણ કરાવી. એથી વિશેષ ઘી નાંખીને પાંચ લાડું ભાંગીને એક મોટો લાડું બનાવ્યો.
શ્રીહરિ જ્યાં એમને ત્યાં જમવા પધાર્યા ત્યારે થાળમાં લાડું જોઇને હસ્યા ને બોલી ઉઠયા કે…
કહે ફર્યા દેશોદેશ માંઇ, આવો લાડવો જોયો ન કયાંઇ..!
પુછ્યું જેસંગભાઇ ને જ્યાંય, ત્યારે બાઇ બોલી પ્રેમમાંઇ..!!
પેલી બાઇ આવી શહેરમાંથી, ઝીણું ઝીણું શીખી લાવી ત્યાંથી…!
તેથી લાડું બનાવ્યાં છે નાના, અમે જાડા છઇ ગામડાંના…!!
જાડું ઓઢણું રાંધણું જાડું, જાડધારીના મોટા છે લાડું..!
લાડું જમોને લાડકવાયા, સામા ઘેર છે આથી સવાયા..!!
આમ, જેસંગભાઇના ઘરવાળાની ચતુરાઇભરી વાણી સુણીને શ્રીહરિ હસતા હસતા વાતો કરતા જમવા જ લાગ્યા.
એવી રીતે એક પછી એક અઢારેય હરિભક્તોના ઘેર જઇને શ્રીહરિ એક જ દિવસે થાળ જમ્યા અને ઐશ્વર્યપ્રતાપ જણાવીને સૌનો જમાડવાનો ભાવ ગ્રહણ કર્યો.
શ્રીહરિ જમીને ઉતારે પધાર્યા ત્યારે વખતબાં ડોડીની ભાજી, બાજરીનો રોટલો, માખણ ને દહીનું તાંહળી ભરીને થાળ લઇને આવ્યા, એમનો પ્રેમભાવ જોઇને એમનો થાળ પણ ત્યાંજ ઉતારે જમ્યા.
જેસંગભાઇના પિતાજી રઘુનાથદાસ શ્રીહરિના ચરણે નમીને પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, મારી તો હવે ઉમર થઇ, હવે મારો દેહ જાજો રહેશે નહી, પરંતું જ્યારે અંતકાળ આવે ત્યારે આપ મને તેડવા પધારજો.’
જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!
દેજો સર્વને દર્શન દાન, એવું આપો મુને વરદાન..!!
રઘુનાથદાસ, જેસંગભાઇ, વખતબાં વગેરે સહુંનો અતિપ્રેમ ભાળીને શ્રીહરિ એમના ઉપર અતિ રાજી થયા અને એ વખતે એમને વર દીધો કે ‘જેસંગભાઇ, જાઓ અમે વર આપીએ છીએ કે ‘આ તમારી માઢ મેડી હેંઠેથી જે જીવ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ…’ નામ રટણ કરતા જાહે એમનું કલ્યાણ થશે..! ને એને જમનું તેડું નહીં આવે..!’
માઢ નીચેથી જે જન જાશે, એના જીવનું કલ્યાણ થાશે..!
થાશે સત્સંગમાં અવતાર, અંતે આવશે ધામ મોઝાર..!!
– શ્રીપુરુષોત્તમચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૭ પુષ્પ ૩માંથી…