ભાવનગર રાજ્ય અને આંબરડી ના જોગીદાસ ખૂમાણ પરિવારને ગરાસ બાબતે તકરાર ચાલતી હતી અને તેઓ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ઇ.સ. ૧૮૨૪ માં ખૂમાણોએ ગોહીલવાડના ગામ જૂણવદરમા હુમલો કરીને ઢોર વાળી આવ્યા હતા ને વલારડી અને ઘૂઘરલા ગામમાં આશ્રય લીધો હતો. આથી ભાવનગર રાજ્યની કૂમક આવીને જોગીદાસ ખૂમાણના દિકરા હરસૂર અને ગોલણ તેમજ દિકરી કમરીબાઇને બાન કરીને પકડી ગઇ.
આથી ખૂમાણો વધુ રોષે ભરાયા અને બીજે વર્ષે ધારુકા અને પીપરડી ગામે ધાડ પાડી અને ભાવનગર લૂંટવાનું નકકી કર્યું, ને એ સારું પાલીતાણા જઇને સાગરીતો એકઠા કર્યા અને ઇ.સ.૧૮૨૭માં શીહોરમાં પણ ધાડ પાડી ને રાજ્યની કૂમક આવી તો એને પણ હરાવી ને વિલે મોઢે મોકલ્યા. આમ, ખૂમાણોના ત્રાસથી કંટાળીને ભાવનગર નરેશ વજેસીહ બાપુએ જોગીદાસ ખૂમાણ સાથે સમાધાન કરવાનું નકકી કર્યું.
આ સારું ગઢડાના ગામધણી ભકતરાજ દાદાખાચર જેવા નિષ્પક્ષ ને બાહોશ અને મૃદુભાષી વ્યકિતની પસંદગી કરી. દાદાખાચર જેવા મહાન ભકત હતા એટલા જ અજાતશત્રુ પણ હતા, એમના પડ્યા બોલને સૌ કોઇ ઝીલીને સમાધાનની શરત સ્વીકારશે એમ વિચારીને જ એમને મધ્યસ્થી કર્યા. વજેસીહબાપુએ દાદાખાચરને ભાવનગર બોલાવ્યા એટલે તેઓ શ્રીહરિની સંમતિ વગર આ કાર્ય નહી કરે એવો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો. ગઢપુર પરત આવ્યા અને શ્રીહરિ એ સુણીને અત્યંત રાજી થયા ને દાદાખાચરે સાણાંના ડુંગરાઓમાં સમાધાન સારું ગયા. એ વખતે ભમોદરાના દરબાર ઓઘડ ખૂમાણે એમને ઓળખી લીધા. ભાવનગર રાજ્ય અને બહારવટે ચડેલા જોગીદાસ ખૂમાણ વચાળે સમાધાન કરાવ્યું. સમાધાનની શરતો મુજબ નેસડી, જીરા, વીજપડી, ભમોદરા, મીતીયાળા, આંબરડી અને દોલતી એમ સાત ગામનો ગરાસ જોગીદાસ ખૂમાણને આપવો એમ નકકી કરી રાજકોટ જઇને અંગ્રેજ અમલદાર બ્લેઇન સાહેબ પાસે સમજૂતી સહી કરીને મુંબઈ ગવર્નરને સમાધાન લેખ મોકલાયો. દાદાખાચરના આવા કુનેહભર્યા કાર્યથી ભાવનગર નરેશ વજેસીંહબાપુને બહુ ગુણ આવ્યો અને પોતે ગઢપુર શ્રીહરિના દર્શને આવવા અતિ ઉત્સુક થયા.
વજેસિંહજીબાપુએ તુરંત જ એક કાસદ ને ગઢપુર સંદેશો લઇને મોકલ્યો. કાસદે આવીને દાદાખાચરને સમાચાર દીધા કે વજેસીંહજી બાપુ એ ગઢપુર શ્રીહરિના દર્શને આવવા સારુ સંદેશો મોકલાવ્યો છે. દાદાખાચરે આવેલ કાસદને ડેલીએ બેસાડીને એની યથાયોગ્ય બરદાસ્ત કરાવી ને પોતે જ શ્રીહરિને સમાચાર દેવા ગયા. રસ્તા માં મોટીબા મળ્યા તો એમને પણ સમાચાર દીધા એટલે તે પણ રાજી થયા. શ્રીહરિને સમાચાર દીધા એટલે મહારાજ બોલ્યા કે “ગોહિલકુળ તો સૂર્યવંશી કહેવાય, ચન્દ્રને કલંક લાગે પણ સૂર્યને કલંક ક્યારેય ન લાગે, ભલે બીજાની ચઢામણીથી એમને આપણા વિષે અણસમજ થઇ હતી, પરંતું એમના અંતર માં કોઇ કપટ કે વેર-ઝેર ન હતા.” દાદાખાચરે શ્રીહરિ પાસે એમના આગતા સ્વાગતા અને સરભરા સારુ વિવિધ તૈયારીઓની વાત્ય કહી. શ્રીહરિએ રોકડા પાંચસો રુપીયા, શેલું સાફો અને સૌને જમવા સારું મૌતૈયા-જલેબી વગેરેની રસોઇઓ તૈયાર કરાવવા કહ્યું.
ભાવેણા દરબાર વજેસીંહજી નિર્ધારિત સમયે ગઢપુર આવ્યા, દાદાખાચર, રાઠોડ ધાધલ, નાગમાલા વગેરે સહુ સન્મુખ સામૈયુ લઇને ગયા ને ફુલના હાર પહેરાવી ને સન્માન કર્યું. વાજતે ગાજતે સહુ દરબારગઢ ગયા. આ વખતે શ્રીહરિના દર્શન કરીને તેઓ વજેસિંહબાપુને પાટ ઉપર બેસાર્યા. એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ વજેસિંહબાપુને મળ્યા અને પોતાની જુની યાદોને તાજી કરી. સ્વામી શ્રીહરિનો મહિમા વર્ણવતા પોતાનો રચેલ છંદ પોતાના ઘેરા રાગમાં બોલ્યા કે, ‘એહી કચ્છ, એહી મચ્છ…!’ શ્રીહરિ કહે કે, “દરબારશ્રી ભાવનગરનું રાજ્ય તો રામરાજય કહેવાય છે, આપના જેવા રાજા તો ભગવાનનું વિભુ સ્વરુપ કહેવાય, એમાય આપના રાજ્યમાં દાદાખાચર જેવા ભકત છે, આવા ભકત તો આખાયે બ્રહ્માંડમાં ક્યાય નથી, એ તમારા રાજ્ય ની શોભા છે. અમે પણ ચોવીસ વર્ષથી એના દરબારગઢને અમારું ઘર માની ને જ રહ્યા છીએ. અમારા બધા સંતો પણ પવિત્ર, નિર્માની અને નિર્મત્સર છે.”
તે સુણીને વજેસિંહજીબાપુ બોલ્યા કે, “દાદખાચરની સંભાળ હું રાખીશ, પરંતું તમે મારા રાજ્યની સંભાળ રાખજો.” એમ કહીને હાથ જોડીને પ્રણામ કર્યા.
દાદાખાચરે ત્રાંસ ભરીને રૂપિયા, મીઠાઇઓ, વસ્ત્ર ઘરેણા અને શેલું વગેરે નજરાણું એમને ધર્યું.
થોડીવારે શ્રીહરિ અને વજેસિંહજી બેઉ શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરમાં દર્શન કરવા પધાર્યા. શ્રીહરિ એ દરબારશ્રી મંદિરમાં દર્શન કરવા પધાર્યા, શ્રીહરિ કહે કે, “અમે મુખ્ય દેરામાં શ્રીગોપીનાથજી મહારાજ, શ્રીરાધિકાજી તથા અમારા માતાપિતા અને વાસુદેવજી પધરાવ્યા છે અને આ છેલ્લા દેરામાં તમારા આરાધ્યદેવ શ્રી સુર્યનારાયણ પધરાવ્યા છે. વળી તમને કોઇએ ભરમાવ્યા કે અમે આહી દારુગોળો ભરવા કોઠીઓ ચણાવી છે.
મંદિરનાં પગથિયે શ્રીહરિ એ એમનો હાથ પકડેલો જોઇને ભાવનગર વજેસિંહજી બોલ્યા કે, “હે મહારાજ, આજ તમે અમારો હાથ ગ્રહણ કર્યો છે, તે હવે મેલી દેશોમાં..! અમે પણ વિનંતી કરીએ છીએ કે હે પ્રભો, આપ પણ અમારા ભાવનગરને દર્શન દેવા પધારો.” શ્રીહરિએ કોલ દીધો કે “અમો એકવાર જરુર પધારીશું.” એમ રાજી થઇને વર દીધો. વજેસિંહજીબાપુ મંદિરમાં શ્રીગોપીનાથજી મહારાજના ભાવથી દર્શન કરીને પોતાના ઉતારે રોકાયા અને વળતે દિવસ પરત ભાવનગર ગયા.
થોડે સમયે આપેલ કોલ પ્રમાણે શ્રીહરિ સહુ સંતો-ભકતો અને કાઠી દરબારો સાથે વડતાલથી ફૂલદોલોત્સવ કરીને પરત આવતા સમયે સારંગપુરથી રોહીશાળા થઇને ભાવનગર પધાર્યા હતા.
– હેરાલ્ડ વીલ્બરફોર્સ બેલ લિખીત હિસ્ટરી ઓફ કાઠિયાવાડ તેમજ વિશ્વાસુ ભકત દાદાખાચરમાંથી….