વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો રાજીના રેડ થયા, ને ઓસરીમાં ખાટલો ઢાળીને બીરાજમાન કર્યા. પાણીયારેથી અતિ હરખભર્યા જળનો લોટો ભરીને જળ પીવા દીધું. શ્રીહરિએ કહ્યું કે “પુતળીબાં, અમને બહુ ભુખ લાગી છે તો અમારે વાળુ કરવું છે !” પુતળીબાઇ તો હરખે બોલ્યા કે ‘પ્રભું, હા…! હા…! મેં રસોઇ તો તૈયાર જ રાખી છે !”
‘તો, લાવો…!” કહી મહારાજ તો ઓસરીમાં હેઠાં જ જમવા સારું બેસી ગયા.
પૂતળીબાઈએ બાજોઠ ઢાળીને શ્રીહરિને થાળીમાં ખીચડી ને તાંહળી ભરીને દૂધ પીરસ્યા. શ્રીજીમહારાજે એક કોળિયો મોંમાં મેલ્યો, એ પછી બોલ્યા, ”પૂતળીબાઈ ! દૂધ તો બહુ મીઠું છે ! કેટલા ઢોર છે ?”
સામાં દર્શન કરવા બેઠેલા પુતળીબાઇ હાથ જોડીને બોલ્યા કે “મહારાજ ! કાયમ બે ગાયું વારાફરતી વીયાય એમ રાખું છું, તે કોઈ દિ’ દૂધ વિના ના ન રહીએ. મારા મોસાળનો વેલો આવેલો છે, તે થોડીક આંચળે આકરી છે. તે દોવા ટાણે આંગળા દુઃખી જાય, પણ એનું દૂધ તો સાકરટેટી જેવું મીઠું છે, તેથી એને મેલતા હવે મારો તો જીવ હાલતો નથી. એમ તો આ ગાયને પાંચ વેતર થયા. તેની વાછડિયું બધીય સોજી ને દેવતાઈ લાગે. એના હાથ જેટલા મોટા કાન અને શીંગડે ટૂંકી એટલે જોનારાની નજર લાગી જાય, તેથી તેનો મોહ છૂટતો નથી. ગાય એની તો એવી હેવાઈ તે દોહવા બેસું તે ટાણે હું શેલૈયો વાળું ત્યારે તમારા ભગત આવીને એનું માથું ખંજવાળે ત્યારે પગેય ઊંચો ન કરે. એમાંય જો એક દિ’ એને ગામતરું થયું હોય ને કાંક આઘા-પાછા કામમાં હોય તો ઈ આખોય દી ભાંભર્યા કરે ને ટપ ટપ બોર બોર જેવડા આંસુ પાડવા માંડે. ઈ તો સાંજના ખેતરથી આવે ને પહેલા એ ઢોરને નિરણ નાખે ને બરડે હાથ ફેરવે ત્યારે સુખ પામે. રોજ એને બટકુ બટકુ રોટલો આપે ત્યાર પછી ઈ કાયમ વાળુ કરવા બેસે. એણે તો એવી હેવાઈ કરી મેલી છે !” આમ, પૂતળીબાઈએ તો વાત કરતા મહારાજના થાળ સામે જોયું પણ નહીં ને મહારાજને બીજી વખત પીરસ્યું પણ નહીં.
એટલે શ્રીજીમહારાજે મનુષ્યચરિત્ર માંડયું. ખીચડી જમતા જમતા થાળીમાં ખીચડીને ઘડીક જમણી બાજુ કાઢે ને ઘડીક ડાબી બાજુ, જાણે કે કોઈના ભાગ પાડતા હોય !
એ જોઈ પૂતળીબાઈ બોલ્યા, ”અરે મહારાજ ! આ શું કરો છો. તમને ખાતાય આવડતું નથી ? છોકરાંની જેમ નખરાં શું કરો છો ? આમ કેમ જમો છો?
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા, ”એક મીયાંએ પોતાના સગાને જમવાની દાવત આપેલી. એની મા મર્યા પછી જારત માંડેલી, તે કુટુંબ સઘળું ભેળું થઈ જમવા ગોઠવાયું. એમાં તાહિરઅલી, રોશનઅલી, હસનઅલી, ફિરોજઅલી, ગુલામઅલી વગેરે સૌ જમવા આવ્યા. એક થાળમાં મીઠો ભાત પીરસાયો. તાહિરઅલીએ તે વખતે ભાતના ઢગલામાં ઊંડો ખાડો કર્યો. તેમાં ખાંડ અને ઘી રેડાયા એટલે તેણે વાત માંડી કે, ‘મારા અબ્બા એક પટેલની વાડીએ ગયેલા તે ઇ ટાણે પટેલ તો કોશ હાંકતા હતા. પાણી કુંડીમાંથી ધોરીયે ચડયું, ધોરીયો કેટલો લાંબો…’ એમ બોલી આંગળી ભાતના ઢગલામાં નાખીને પોતા તરફ ખેંચી. ઘી સાકર-ભાત અડધા ખેંચી લઈ કહ્યું, ‘પણ ઈ ધોરિયા વચ્ચે ઊંદરના ભોંણ તે અડધું પાણી ભોણમાં વહ્યું જાય, તે પિયતે પૂરું મળે નહિ.’ એમ કરી પાંચે આંગળીનો મોટો ઘી નિતરતો કોળિયો મેલ્યો. આમ, તાહીરઅલી એ જમવામાં ચાલાકી કરી.

તે સાંભળી ને જોઈને રોશનઅલી એની ચાલાકી સમજી ગયો. એટલે તેણે પણ ભાતના ઢગલા પર આંગળા મેલીને વાત કરવા માંડી કે ‘હા, ખરી વાત છે તાહિરની. મારા અબ્બાય કહેતા હતા કે મેં એક બાવાને જોએલો. એની માથાની જટા એટલી લાંબી હતી કે તેની પથારી કરી સુવે. તો અહીંથી આ તાહિરઅલી સુધી પથારી થાય.’ એમ બોલી તેણેય ભાતને તેના તરફ તાણ્યા. એ જોઈ ફિરોઝને સમજ પડી કે, માળા આ બેઉએ તરકીબ કરી ઘી-સાકર તેના તરફ તાણી લીધા છે. એટલે તે બોલ્યો, ‘મેં સાંભળ્યું છે કે આપડો મીંયાભાયું જેવો કોઈમાં સંપ નહીં ! એને કોઈ સાથે કજિયો થાય એટલે તરત ભેળા થઈ જાય.’ એમ કહી તેણે સૌ તરફના તણાએલ ભાતને ખેંચી ભેળવી દીધા.”
આમ, શ્રીહરિની વાત સાંભળીને પુતળીબાઇ બોલ્યા કે “અરે મહારાજ ! આમ નક્કી વાતુમાં જ રહેવું છે કે કાંઈ જમવું છે ?” પૂતળીબાઈએ ટકોર કરી થાળીમાં નજર ફેરવી તો ખીચડી ફરીને પીરસતા ભૂલ્યા એમ સમજાયું એટલે તે બોલ્યા, ”અરે… તમેય બોલતા કાં નથી…! માગતા શું શરમ આવે છે, ઈ કોરેકોરી ખીચડી જમો છો તે..! મનના બીજા ઘાટ મેલીને સુખેથી જમી તો લ્યો !” એમ કહી પૂતળીબાઈ ઊભા થઈ દૂધની બોઘરડી લઈ આવ્યા ને દૂધ પીરસ્યું. મહારાજ હસીને બોલ્યા, ”તમારો પ્રેમ છે, તે અમે શું માંગીએ ?”
‘હા… હા… જોયું હવે પ્રેમ ! આ તમારા આંગળા તો જુવો, દૂધના રેગાડા હાલતા જાય છે. સૌ લોક વાતું કરે છે કે સૌનું કલ્યાણ કરવા અવતારોના અવતારી ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, પણ આ દૂધ ને ખીચડીના રેગાડા જોઈને સૌ કોઇ બોલે કે આમ તે કાંય ખીચડી ખવાય ? તેમને તો ખીચડી ખાતાય આવડતું નથી, તો કલ્યાણ શી રીતે કરશે ?”
મહારાજ મંદ મંદ હસ્યા અને કોળિયો મોઢામાં મેલી ચપટી વગાડી બોલ્યા, ”પૂતળીબાઈ, આમ કલ્યાણ કરીએ !” ત્યાં તો પૂતળીબાઈને સમાધિ થઈ ગઈ, અક્ષરધામમાં ગયા. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજીમહારાજને બેઠેલા દીઠા અને અનંત મુકતો સેવામાં દીઠા. શ્રીજીમહારાજ કહે, ”બોલો પૂતળીબાઈ ! અમે કલ્યાણ કરીએ એવા ખરા કે નહિ ?” પૂતળીબાઈ કહે, ”હા, મહારાજ ! અમે તો આ લોકમાં ભટકતા જીવ તે અબુદ્ધ-અજ્ઞાની, તે કાંઈ સમજ ન પડી ! પણ હવે તમારી કૃપાથી સમજણ આવી. મારું તે શું ? પણ… અનેક જીવનું કલ્યાણ કરનારા છો, એમાં કાંઈ શંકા નથી. એ લોકમાં તમે ભગવાન છો ઈ કહેવાય છે ઈ સાચું છે…!”
તે પછી શ્રીજીમહારાજે ચપડી વજાડીને પૂતળીબાઈને સમાધિમાંથી બહાર કાઢયા. બહાર આવતા તેની ચકળવકળ નજરે શ્રીજીમહારાજને જોયા, તો મહારાજને હજુએ ખીચડી જમતા દીઠા. એ જ વખતે પૂતળીબાઈ મહારાજના પગમાં પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી ને નમન કરતી, એ ભ્રમમાં હતી. આજે આ મનુષ્ય ચરિત્રથી સાચી સમજણ થઈ.”
મહારાજ હસતા હસતા ખીચડી જમી, જળપાન કરી ઊઠયા અને “જય સ્વામિનારાયણ” કહીને ચાલતા થયા.

સદગુરુ શ્રીનિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીમાં પ્રકરણ ૧૧૮ની પંકિત ૪૧-૪૨માં ભાલના ભક્તોમાં આ પુતળીબાઇને ચિંતવતા લખ્યા છે કે…

મહાશંકર ભક્ત ભાણજી, શિવબાઈએ લીધા હરિ ભજી..!
અવલ પુતળીબાઈ વણિક, ભજ્યા હરિ વજે ગ્રહી ટેક..!!
એહ આદિ બાઈ ભાઈ કંઈ, ભજે પ્રભુ ધોળકામાં રઈ..!
દેવજાતિ કહીએ ડોસોભાઈ, વસે ભક્ત તે વારણાંમાંઇ..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોનાં ચિંતનમાંથી…