ખોરાસાના રાજાભાઈ ડાંગર કહે કે, “મહારાજ, જ્યારે કહે કે, રાજાભાઈ દર્શન કરવા આવે’ ત્યારે દર્શને આવીશ; નીકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે પર્વતભાઈનું સાંતી ખોટી થાય.”

ગામ ખોરાસામાં આહીર ખેડૂત રાજાભાઈ ડાંગર કરીને શ્રીહરિના પરમ નિશ્ચયી હરિભકત હતા. ગામમાં મંદિર પાહે એક વાણિયા સત્સંગી ની દુકાન હતી. તેને રાજાભાઈએ કહી રાખેલું જે, “આપણા ગામમાં સાધુ આવે ત્યારે આપણે ઘેરથી સીધું લાવીને જમાડવા.” પછી એક દિવસ રાજાભાઈ પોતાની વાડીએ ખેતીકામ કરવા ગયા હતા અને ગામમાં સાધુ આવ્યા. એ જાણીને ઓલો દુકાનદાર વાણિયો રાજાભાઈને ઘેર સીધું લેવા ગયો, ત્યારે એની બાઈને કહ્યું જે, “સાધુ આવ્યા છે તે આટલા સૂંડલીના બે પાલીં ઘઉ દળી આપો.” ત્યારે બાઈ બોલી જે, “એવા સાધુ તો ઘણાય આવશે અને મારે નાનો છોકરો છે, તે એવી કાંય નવરાશ નથી.” પછી વાણિયે દુકાનેથી સીધું લઈને સાધુને રસોઈ કરાવીને જમાડ્યા ને સાધુ બપોરે ઠાકોર ને થાળ જમાડી, પોતે જમી બીજે ગામ વિચરણમાં ગયા.

પછી સાંજે વાળુંટાણે રાજાભાઈ ખેતી કરીને ઘેરે આવ્યા, ગાડું છોડીને બળદને નિરણ નાંખી પોતે મંદિરે દર્શને ગયા. મંદિરે આરતી-ધૂન કરીને રાજાભાઇ વણિક શેઠ હારે બેઠા. પછી વાણિયે કહ્યું જે, “રાજાભાઈ ! સાધુએ તમને ‘નારાયણ’ કહ્યા છે.” રાજાભાઈએ કહ્યું જે, “સાધુ ક્યાં છે ?” વાણિયો કહે, “એ તો બપોરે જમીને બીજે ગામ વયા ગયા.” પછી વણિક શેઠ રાજાભાઇ ને બોલ્યા જે, “રાજાભાઇ, ઘરમાં રહેવું અને ઘરનું માણસ સત્સંગી નહીં, એ કાંઈ સારું નહીં.” ત્યારે રાજાભાઈ શેઠની વાતને કહે, “શું થયું ?” પછી વાણિયો કહે, “તમારે ઘેર ઘઉં ની સૂંડલી દળાવવા ગયો, ત્યારે તમારું ઘરનું માણસ એમ બોલ્યું જે, “પોતે સત્સંગી થયા છે તે એવા સાધુ તો ઘણાય આવે, મારે છોકરાવ નાનો એવી ક્યાં નવરાય છે, એમ કહીને મને લોટ દળી દીધો નહીં.”

પછી રાજાભાઈ વિચારીને કહે, “તું એક કાગળ લખ.” પછી રાજાભાઈએ કાગળ શેઠ પાહે લખાવ્યો. તેમાં પોતાની ઘરવાળીનું નામ લખાવ્યું અને માંહે હકીકત લખાવી જે, ‘તમારો ભાઈ બહુ માંદો છે.’ તેથી આ કાગળ વાંચીને ઘડી એક ઊભા રહેશો નહીં. મળવા સારો સથવારો ગોતીને આવજો.’ પછી રાજાભાઈએ કહ્યું જે, “કાલે સવારમાં દી ઉગતા હું સાંતીને તૈયાર કરતો હોઉ ત્યારે તું એ કાગળ લઈને મારા ઘરે આવજે.” પછી મંદિરમાંથી રાત્રીએ પોતે ઘેર ગયા ને બળદ ને નિરણ નાંખીને વાળું કરી. તેમણે પોતાની માને વાત કરી જે, “મા ! આપણે ઘરમાં રૂપાનું ઘરેણું જે છે તે બહુ સાચવવું પડે છે. માટે જો સોનાનું હોય તો એક જણું હંધુય સાચવે.” તે સાંભળીને રાજાભાઈની ઘરવાળી બોલી જે, “હા, તમે ઠીક કહો છો. બધું સોનાનું કરાવો તો હું એકલી સાચવું.” રાજાભાઈ કહે, “સવારમાં સોની ને બોલાવીએ.” બાઈ કહે, “મારા કાનના વેઢલાં ને બુટ્ટી વગેરે છે, એને પણ સોનાનાં કરાવીએ.” રાજાભાઇ કહે ‘ભલે’ સવારે સોની આવે તઇ કેજે.

આમ વાત કરી રાત્રે સૌ સૂઈ રહ્યા અને સવારે રાજાભાઇ નાહી ધોઈ પૂજા કરીને વાડીએ જાવા પોતાના સાંતી વગેરે તૈયાર કરતા હતા. તે વખતે ઓલો વાણિયો રાત્રે કહ્યા મુજબ કાગળ લઈને આવ્યો ને છેટેથી બોલ્યો જે, “રાજાભાઈ ઘેર છે ?” ત્યારે રાજાભાઈ કહે, “આવો શેઠ ઘરે જ છઉ હજી તો.., કેમ કાંય કામ હતું કે ?” શેઠ કહે, “તમારે સાસરેથી આ કાગળ આવ્યો છે.” રાજાભાઈ કહે, “વાંચ જોઈએ, શું છે વળી?” તે વખતે રાજાભાઈની ઘરવાળી રોટલા ઘડતી હતી અને વાણિયે ફળીમાં ઉભા થકા ઊંચે સાદેથી કાગળ વાંચ્યો. તે સાંભળી બાઈ ઘરમાંથી તુંરત ઓસરીની કોરે બહાર આવી, ને કહ્યું જે, “કાગળ વાંચો, માંહે શું લખ્યું છે?” વાણિયે વાંચ્યું જે, “તમારા ભાઈ બહુ માંદા છે, માટે આ કાગળ સાંભળી અપીતપાણી અહીં પીજો.”(પાણી પીવા રોકાવું નહીં) રાજાભાઈ કહે કે, “હું જાઉ ?” ત્યારે બાઈ કહે, “તમારું ક્યાં નામ છે ? મારું નામ છે.” રાજાભાઈ કહે, “તારે નાનાં છોકરાં, તે ગાડું જોઈએ ને ?” બાઈ કહે, “મારે ગાડું જોઈતું નથી. હું તો ચાલીને જઈશ.” પછી રાજાભાઈ કહે, “આપણે રાત્રે ઘરેણાં કરાવ્યાનો ઠરાવ કર્યો છે, તે તું જા, તો પછવાડે કોણ કરાવે ?” પછી બાઈ બોલી જે, “આ લ્યો, આ કાનના વેઢલા તમારી મેળે તમે કરાવજો. મારો માંડીજાયો ભાઇ માંદો છે તે હું તો અટાણે જ એની ખબર પુછવા જઇ આવું.” આમ કહીને બે રોટલા ભથાણામાં બાંધીને પોતાના છોકરાને કાખમાં તેડીને બાઇ તો તુરંત જ ચાલતી થઈ.

પોતાની ઘરવાળીના ગયા પછે રાજાભાઈએ તેની માને કહ્યું જે, “મા ! હવે તો આ સંસાર હરામ છે. મારે તો આજેજ ગઢપુર જવું છે.” તેની મા કહે, “ભાઈ હું પણ તારી સાથે આવું.”, આમ, માં દિકરો બેઉ ગઢપુર શ્રીહરિ પાસે જવા તૈયાર થયા.

બાઈ તો પોતાને પીયર પહોંચી. તે જોઈ તેની માં બોલી જે, “બેન ! તું કેમ અચાનક આવી?” ત્યારે બાઈ કહે કે, “આંહીંથી આવો કાગળ આવ્યો છે.” તે સાંભળીને તેની મા બોલી જે, “કોઈક અદાવતીએ (ઈષ્યાળું, દ્વેષી) આવો ખોટો કાગળ લખ્યો અને ભાઈને માંદો વાંચ્યો, જો બેટા, તું ઘણે દહાડે આવી છો, તે હવે એકાદ મહિનો તને નહિ જવા દઈએ.”

એ સમય માં રાજાભાઇએ અહીંયાં ખોરાસામાં ઘરમાં જેટલી વસ્તુઓ-સામગ્રી હતી, તેટલી ગાડામાં ભરી અને ઘેર તાળું વાંસીને કૂંચી તથા ખેતરની જમીનની ચોપડીયુ વગેરે તેના ભાઈઓને આપી. અને કહ્યું જે, “હું તો ગઢડે સાધુ થવા જાઉ છું અને આ કુંચી તથા ખેતરની ચોપડી છોકરાની માં પાછી આવે તઇ આપજો.” એમ કહીને રાજાભાઇ પોતે તેની માને ગાડામાં બેસારીને ગઢડે આવ્યા. શ્રીજીમહારાજને સભામાં દંડવત કરીને પગે લાગ્યા. અને મહારાજને કહ્યું જે, “મને સાધુ કરો અને મારી મા છે, એ પણ તે તમો કહો ત્યાં રહે.” શ્રીજીમહારાજ કહે, “રાજાભાઈ ! તમારે સાધુ થાવું છે કે અમે કહીએ તેમ કરવું છે ?” ત્યારે રાજાભાઈ કહે, “હે મહારાજ ! તમે જેમ રાજી રહો ને તમે જેમ કહો તેમ જ કરવું છે.” શ્રીજીમહારાજ કહે, “તમારી મા, તે મોટીબાની સેવામાં રહે અને તમે પર્વતભાઈનાં છોકરાં મોટા થાય ત્યાં સુધી અગતરાઇ માં પર્વતભાઈનું સાંતી હાંકો.”

રાજાભાઇ તો શ્રીહરિ ની આજ્ઞાને શીરે ચડાવીને અગતરાઇમાં આવીને મુકતરાજ પર્વતભાઈને ઘેર શ્રીહરિની આજ્ઞાએ સાથી રહ્યા થકા ખેતીમાં સાંતી હાંકવા મંડ્યા.

એકદિવસે પર્વતભાઈ કહે, “રાજાભાઈ ! ચાલો ગઢપુર શ્રીજીમહારાજનાં દર્શને જઈએ.” ત્યારે રાજાભાઈ કહે કે, “મહારાજ, જ્યારે કહે કે, રાજાભાઈ દર્શન કરવા આવે’ ત્યારે દર્શને આવીશ; નીકર મારે મહારાજની આજ્ઞા પ્રમાણે પર્વતભાઈનું સાંતી ખોટી થાય.” આમ, પોતાનું ખેતર પણ એકજ સીમાડે હોવા છતાં બાર વરહ સુધી એ સામુંય જોયા વગર શ્રીહરિની એક આજ્ઞાએ રાજાભાઇ એ પરવતભાઇની ખેડ્ય કરીને શ્રીહરિનો અતિ રાજીપો મેળવ્યો.

– સદગુરૂ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….