આજથી બસો વરહ પહેલા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, એ દરમિયાન ઘણા અંગ્રેજ અધિકારીઓ જેમકે ડનલોપ સાહેબ, બાકરસાહેબ, પીલું સાહેબ, પાદરી હેબર બીશપ વગેરેને ભગવાન શ્રીસ્વામિનારાયણ ના દર્શન થયા હતા. પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ને મળેલા આવા જ એક અંગ્રેજ અધિકારી સર જ્હોન માલ્કમ કે જેમને પૂર્ણપુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી સામા ચાલીને રાજકોટ મળવા ગયા હતા. તેમને દર્શન દેવા રાજકોટ પધાર્યા હતા. જ્હોન માલ્કમ ઇંગ્લેન્ડના ડેમ્ફ્રીશશાયર પરગણાંમાં એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મ્યા હતા, તેમના કુટુંબમાં કુલ ૧૭ ભાઇ-બહેનો પૈકીના એક હતા. નવ-દશ વરસની ઉમરે જહોન માલ્કમ ઘરેથી ભાગીને ઇસ્ટ-ઇન્ડિયા કંપનીની ઓફિસમાં વગર પગારે કામે લાગ્યો હતો. શરુઆતના વર્ષોમાં ઈરાનમાં એમની નીમણુંક થઇ હતી. સમય જતા આ તરવરીયા યુવાન જહોન માલ્કમની નીમણુંક મદ્રાસ થઇ અને બાકીના જીવનના ૪૭ વર્ષ એમણે ભારતમાં જ વિતાવ્યા હતા. એમના જીવનના અંતભાગે છેલ્લા બે વર્ષ લંડન પરત આવેલ જયાં એમનું અવસાન થયેલ. લશ્કરમાં જોડાયા બાદ કુશળતા અને કાર્યક્ષમતા વડે જહોન માલ્કમે મેજર જનરલનો હોદ્દો પ્રાપ્ત કર્યો ! એની કુશળતાથી તેમને ઈ.સ.૧૮૨૭માં મુંબઈ સ્ટેટના ગવર્નરનું પદ મળેલ, તે સમયે ભારતમાં બ્રીટીશ રાજના મુખ્ય ગવર્નર જનરલ ગવર્નર વિલિયમ બેન્ટિક હતા. જ્હોન માલ્કમે પોતાની કુશળતાથી ત્રણ અગત્યના રાજકીય નિર્ણયો લીધેલ હતા કે જેથી અંગ્રેજ સલ્તનતનો ભારતમાં મજબૂત પાયો નખાયો હતો! જેના સન્માન સ્વરૂપે એની કદરના ભાગ રૂપ બ્રીટીશ રાજ વતિ લંડનમાં વેસ્ટમિનિસ્ટર એબી એમનું બાવલું (સ્ચેચ્યું) મૂકીને તેમનું સન્માન કરેલ છે. એ સારું તેમને ‘સર’ નો ખિતાબ આપવામાં આવેલ.
સર જ્હોન માલ્કમે દુનિયામાં પ્રસરતી સામ્યવાદી સતાને ભારતથી દૂર રાખવા માટે અફઘાન દેશને એ વખતે “બફર સ્ટેટ“ તરીકે રાખી ને સ્વતંત્ર રાખીને તેમના પર હકુમત કરવી, મરાઠાઓએ અંગ્રેજ સત્તાની શરણાગતિ સ્વીકારી એ વખતનો મરાઠા સત્તા સાથે કરેલો “પુના કરાર“ હતો. અને ત્રીજો મહત્વનો નિર્ણય એ ભારતમાં નાના-મોટા કુલ ૬૪૦ જેટલા રજવાડાઓ હતા, જેમાં થી લગભગ ૪૫૦ જેટલા રજવાડા તો માત્ર ગુજરાત અને કાઠિયાવાડમાં જ હતા ! આ રજવાડાઓને કાબુમાં રાખવા એ બ્રીટીશ રાજ માટે ખુબ અઘરું કામ હતું. આ રજવાડાઓના નિયંત્રણલક્ષી લેવા માટે ગવર્નર જ્હોન માલ્કમ રાજકોટ આવ્યા હતા, આ રજવાડાંઓનું ગુપ્તતા અને વિચક્ષણતાથી નિરીક્ષણ કરવા સારું સૌરાષ્ટ્રના નાના મોટા રજવાડાંઓને સન્માન કરવાના ઈરાદારૂપે એમણે રાજકોટમાં તેડાવ્યા હતા. એ સમયે ભગવાન સ્વામિનારાયણે પોતાના ઐશ્વર્ય પ્રતાપથી પ્રેમના તાંતણે જોડીને એમના કાઠિયાવાડી રાજાઓને પરમભક્તો બનાવ્યા હતા ! પોતાના મુંબઈ ઇલાકાના શાસન દરમિયાન જ્હોન માલ્કમે સ્વામિનારાયણ ભગવાનની ઘણી વાતો સાંભળી હતી, તેઓ સારું શ્રીહરિએ આધારાનંદ સ્વામી પાસે તૈલચિત્ર બનાવી ને મુંબઈ મોકલાવેલ. પોતે ક્યારેય રુબરું મળેલ ન હોય અને આબેહૂબ પોતાનું ચિત્ર મળતા એમને અંતરમાં ઘણો ભાવ થયેલ આથી તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થઇ.
પોતાના ખાનગી સચિવ થોમસ વિલિયમને કહીને સંવત ૧૮૮૬ ના મહા વદી ૧૨ના દિવસે એક પત્ર કાસદ સાથે ઉતાવળે ગઢડા મોકલ્યો, તે સમયે શ્રીજીમહારાજે તો મંદવાડ ગ્રહણ કર્યો હતો, આથી શ્રીજીમહારાજે શુકાનંદ સ્વામી પાસે એવો પત્ર લખાવ્યો કે અમારાથી રાજકોટ નહિ આવી શકાય, કાસદે તે જ દિવસે પત્ર રાજકોટ પહોંચાડ્યો, પત્રની હકીકત જાણીને ગવર્નર ખુબ નિરાશ થયા
ગવર્નરે તરત આગ્રહભરી વિનંતી કરતો બીજો પત્ર લખાવીને મહા વદી ૧૪ના દિવસે “પુના કરાર” માટે ઉતાવળે મુંબઈ જવાનું હોવાથી માટે કાસદ મોકલ્યો, આ વખતે પણ શ્રીજીમહારાજે ‘પોતાની નાદુરસ્ત તબિયત હોવાથી નહિ આવી શકાય’ તેમ આ બીજા પત્રનો પણ જવાબ લખાવીને પત્ર કાસદને આપ્યો, ગવર્નરને પત્ર મળતા ખુબ નિરાશ થયા. પોતે વળી આગ્રહભરી વિનંતી કરતો ત્રીજો પત્ર સ્વામિનારાયણ ભગવાનને મોકલાવ્યો ! જે સર્વે પત્રોની નોંધ રાજકોટ સરકારના દફતરે નોંધાયેલ છે.
બે-બે વખત ઇન્કાર કહાવ્યા પછી શ્રીજીમહારાજ પોતાને શરીરે કસર હોવા છતાં રાજકોટ જવા તૈયાર થયા, ત્યારે ગઢપુરમાં હાજર બધા ભક્તોને ખુબ નવાઈ લાગી, એટલે મહારાજે કહ્યું કે ‘ગવર્નરનો ત્રીજો પત્ર આવે છે‘ જે પત્ર ભુજથી કાઠીયાવાડ આવતા સંતો સાથે મોકલેલ હતો એ ત્રીજો પત્ર પણ મળ્યો ! આમ શ્રીહરિ અંતર્યામીપણું જણાવીને સૌ સંતો-ભકતો સાથે વડોદરાના મીર સાહેબે ભેંટ ધરેલ મેનામાં બેસીને રાજકોટ પહોંચ્યા.
એ વખતે રાજકોટ માં ગવર્નર જ્હોન માલ્કમે લાવ-લશ્કર સાથે ભગવાન શ્રીહરિનું ભવ્ય રીતે સામૈયું કર્યું, હાલ જ્યાં ભૂપેન્દ્ર રોડ ઉપર રાજકોટમાં શ્રીસ્વામિનારાયણ મંદિર છે ત્યાં વિશાળ જગ્યા હતી, ત્યાં ભવ્ય તબુઓમાં ઉતારાઓ થયા. બીજે દિવસે ભવ્ય સભામંડપમાં ગવર્નર સાથે મુલાકાત ગોઠવાઈ, શ્રીજીમહારાજ વાજતે ગાજતે પધાર્યા, ગવર્નરે પોતાના હાથે પુષ્પહાર વડે શ્રીહરિનું સ્વાગત કર્યું. પરંતુ સભામંડપમાં જવાને બદલે ગવર્નર શ્રીજીમહારાજનો હાથ પકડીને સાથેના સૌ ભક્તોને લઇને પોતાના બંગલાના એકાંત ખંડમાં તેડી ગયા, બંગલામાં હાથીદાંતની સુંદર ખુરશીમાં શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા, ગવર્નર સર જ્હોન માલ્કમ પોતાના હોદ્દાનું માન છોડીને શ્રીહરિ સન્મુખ એક ખુરશીમાં બેઠા !
સર માલ્કમ સાહેબ જેહ, મુંબઈના ગવર્નર તેહ..!
કારભારી તેના જે પ્રમાણો, તે તો ટામસ વિલિયમ જાણો…!!
બ્લેન સાહેબ પોલીટીકલ, તે તો ત્રણેની બુદ્ધિ વિશાળ..!
બીજા સાહેબ છ હતા સંગે, મળ્યો સૌ હરિને તે ઉમંગે…!!
હેતે ઝાલ્યો ગવર્નરે હાથ, બંગલામાં ગયા સહુ સાથ..!
ખુરશી એક ઉત્તમ હતી, પધરાવ્યા ત્યાં સંતના પતિ…!!
લગભગ એક કલાક સુધી આ મુલાકાતનો દોર ચાલ્યો ! જહોન માલ્કમ શ્રીહરિ સાથે પધારેલા સૌ કાઠી દરબારો ના જીવન જોઇને અતિ પ્રભાવીત થયા. સત્સંગમા સદાચાર અને દારું-માટી-ચોરી-અવેરી-વટલવું નહી ને વટલાવવું નહી એ પંચ વર્તમાનને સહું કોઇ સહેજે પાળતા જોઇને રાજય માં સુખ-શાંતિ નું વાતાવરણ જોવા મળતું હતું. જે ગવર્નરને અતિ પસંદ પડેલ હતું. એ વખતે જહોન માલ્કમને ભગવાન સ્વામિનારાયણે આ દિવ્યસંપ્રદાયની આચાર-વિચારના મુર્તિમંત સ્વરુપ સમાન એવી મહાપ્રસાદિભૂત શિક્ષાપત્રી પોતાના સ્વહસ્તે આપેલ હતી. શ્રીજીમહારાજે આપેલ આ હસ્તલિખિત શિક્ષાપત્રી હાલમાં બ્રિટનમાં ઓક્ષફર્ડ યુનિવર્સીટીમાં આવેલ બોડલેઇન લાઈબ્રેરીમાં ખુબ સારી રીતે આજે બસો વરસોના પછી પણ સચવાઈને મહીમાપુર્વક રાખેલ છે, જ્યારે પણ કોઇ સંતો ભક્તો ત્યાં આ શિક્ષાપત્રીના દર્શને જાય છે, ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે આ મહાપ્રસાદીભૂત શિક્ષાપત્રીના સૌને એ દર્શન કે પુજન કરવા દેવામાં આવે છે.
શ્રીજીમહારાજ સંવત ૧૮૮૬માં મંદવાડ ગ્રહણ કર્યા પછી જેમને મળવા ગયા હતા તેવા બે જ ભક્તો હતા – એક તો રોજકા ગામના દરબારશ્રી કાકાભાઈ અને બીજા ગવર્નર જ્હોન માલ્કમ. જ્હોન માલ્કમ ભલે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહોતા, પરંતુ ઉચ્ચ સદાચારી જરૂર હતા.
આ સમગ્ર પ્રસંગ ને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્ત ચિંતામણી પ્રકરણ ૧૦૦ની કડી ૪૪થી૫૧ સુધી હૂબહું વર્ણવેલ છે ને ગવર્નર જ્હોન માલ્કમ વિષે કહ્યું છે કે….
ત્યાં તો તેડાવ્યા સાહેબ મોટે રે, બેસી ગાડી ગયા રાજકોટ રે..!!
તિયાં સાહેબે કર્યું સનમાન રે, આવ્યો સામો ને આપ્યું આસન રે..!
જેવા સાંભળ્યા’તા અમે રે, તેવા સ્વામિનારાયણ છો તમે રે..!
કરજો ગુના મારા બકશિશ રે, એમ કહીને નામિયું શીશ રે..!!
-શ્રીભક્તચિંતામણી પ્રકરણ ૧૦૦ તથા શ્રીહરિલીલામૃતમ્ કળશ ૯ અધ્યાય ૧૦ના ચિંતનમાંથી…