એકસમે શ્રીહરિ લોયામાં પોતાના સખા સુરાખાચરના ઘેર બિરાજતા હતા. તે વખતે એક માર્ગી બાઇ અને એનો દીકરો ગામના ચોરે બેસીને ઊંચા સાદે તંબુરો વગાડી સાવળુંના ભજન બોલતા હતા.
પાપ તારુ પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે,
તારી બેડલીને બુડવા, નહિ દઉ જાડેજા રે, એમ તોરલ કે’ છે..!
રાત નો પહેલો પુરો થવા આવ્યો હતો, માનવ પંખી સુખ રાતની નીંદરમાં પોઢ્યા હતા, ક્યાંક ક્યાંક તમરાં ના તમમમમ તમમમમ અવાજ સંભળાતા હતા, આઘેરાક સીમમાં શિયાળીયાવની લાળી સંભળાતી હતી ને ચોરકોર નિરવ શાંતિ છવાઇ ગઇ હતી. ત્યારે શ્રીજી મહારાજને કાને આ પરોક્ષના જેસલ-તોરલના સંવાદના ભજનના શબ્દ અથડાયા તે પથારીથી બેઠા થઇ બોલ્યા, ” સુરાબાપું, અટાણે આ કોણ ગાય છે ?”
સુરાખાચર પાસેની પથારીએથી પડખાભેંર થતા બોલ્યા,”ભણું મહારાજ ! ગામમાં એક મારગી વૈરાગણ અને એનો દીકરો આવ્યા છે, એ ભજન ગાય છે.” શ્રીહરિ પથારીમાં બેઠા થયા ને સુરાખાચર ને કહે કે “સુરાબાપું, અમારે એના ભજન સાંભળવા ત્યાં જવું છે.” સુરાબાપું કેય કે ‘અરે મહારાજ ! ત્યાં ન જવાય, તે અધર્મી છે.”
‘ના ! અમારે તો જવું જ છે.” મહારાજે તો તંત લીધો હઠ છોડી નહીં.
શ્રીજીમહારાજનો આગ્રહ જોઇ, સુરાખાચરે કહ્યુ, “મહારાજ, એવું હોય તો લયો અમે ઇ બાઇને અને તેના દીકરાને અહીં બોલાવીએ.” એમ કહી સુરાખાચરે માણસને મોકલી બાઇને અને છોકરાને દરબારગઢમાં બોલાવી બેસાડયા.
બેઉને શ્રીજીમહારાજે એમની પાસે બેસારીને ઘણીવાર સુધી સાવળીના ભજન ગવરાવ્યા. છોકરાનો રાગ ભારે નરવો ને કસબી તે પછી તો તેણે દુહા ગાવા માંડયા.
કામિની કે’ છે કંથડા, ક્યો ભલે રો દેશ…!
સંપત હોય તો ઘર ભલો.નહીતર ભલો પરદેશ…!!
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ..!
અણ દીઠેલી ભોમ પર, યોવન માંડે આંખ…!!
વીસ ભુજા વજ્જર હતી, દશ માથાળો દેહ..!
અવગત રાવણ જેહ, મેલ્યો ન કાળે મનડા…!!
શ્રીહરિ ઢોલીયે તકીયે ઓઠિંગણ દઇને બેસતાં થકા બોલ્યા કે ‘વાહ વાહ છોકરા ! શું તારી હલક અને કંઠ ! જાણે અષાઢી મોરલા ટહુકા કરે ! માગ માગ, તે મોજ કરાવી આજ. અમે તારા પર ખૂબ રાજી થયા છીએ. તું આજ જે માગે તે આપું.” મહારાજ એના ઉપર અતિ રાજી થઇને બોલ્યા.
”બાપુ ! અમે શું માગીએ. કુકડાનું મોં ઢેંફલે. માગી ખાવું ને ચોરે – ઓટલે સુવું. આ પૂરવના પાપ કર્મથી પેટ ભરવા ગામેગામ ભટકવું પડે ને આમ જ આખો જન્મારો કાઢવો. અહીં દરબાર ને ત્યાં આવતા અમે સાંભળ્યું છ કે ‘તમે તો ભગવાન છો, ને જો તમે રાજી થયા હો તો… અમારુ સારુ કરજો, આવો દુખભર્યો જન્મારો ટાળજો.”
શ્રીજીમહારાજે રાજી થતા કહ્યું, ”તમારુ સારુ કરશું !” એમ કહી તેને પ્રસાદીના લાડવા આપ્યાં ને સુરાખાચર પાંહે પાંચ રુપીયા અપાવી બેઉને રાજી કર્યા ને વિદાય કર્યા.
તે ગયા પછી સુરાખાચર પથારી પાસે આવતા બોલ્યા, હે મહારાજ ! એ મારગી છે. એને ધરમ-નિયમનું ભાન ન હોય, એને તો જ્યાં ત્યાં ગાવું અને જેનું તેનું જે મળે તે ખાવું, એનું તે તમે શું સારૂ કરશો ?”
શ્રીજીમહારાજે અઢળક રાજીપો વરહાવતા કહ્યું, “સુરાબાપું, તમારા જેવું તેનું કલ્યાણ કરશું.”
સુરાખાચર તેની પથારી એ જતા જતા બોલ્યા. “લ્યો ! ધણીનો કોઇ ધણી છે ! કાંક જરાક મન માન્યું તે વ્હાલપ ઢોળીને તરત કલ્યાણ આપી દીધું. એને કોણ સમજાવે ને કહે ?” એમ કહી તે શ્રીજી મહારાજ હારે વાતો કરતા હસતાં હસતાં પથારીએ પોઢ્યા.