એકવખતે શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા. જોબનપગી, વાસણભાઇ, નારાયણગર બાવાજી વગેરે પ્રેમીભકતોના ઘરે રોજ રોજ નિત્યનવા થાળ જમવા પધારતા, આમ દસેક દિ’ વળોટયા હશે, એ જોઈને એકદિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મનમાં થતું, ‘અહો… હો…! આ લોકમાં આવો ઉત્તમ માણસનો અવતાર મળ્યો, એથી ઉત્તમ પ્રગટ પ્રભું શ્રીજીમહારાજનો જોગ થયો. પણ પૂરવના કરમના પાપના પોટલા તો છૂટયા જ નહીં. આ જીવતરે જો પ્રગટ પ્રભુંને આપણે જમાડી ન શકીએ તો જીવતરમાં ધૂડય પડી.” મનમાં આવી હેતે જમાડવાના તાલાવેલીની હળવી હળવી બળતરામાં મીનળબાઈ પીડાતી રહી.
આ મીનળબાઈ નો ધણી સોંડો કોળી જોબન પગીના ઢોર સાચવતો, અને મજૂર દાડીયે માણહ તે એને તો રોજરોજની મજૂરીમાંથી પેટગુજારો માંડ નીકળે. બેઉ માણહ નાની મોટી મજૂરી કરીને પેટીયું રળે અને ગામમાં પરવાડે એમનું નાનું એવું ગાર-માટીનું એકઢાળીયું મકાન તે રહે ને સુખે ભજન કરે. વડતાલમાં તો શ્રીહરિ અવારનવાર પધારે અને સહું સંતો ભકતો નો મેળાવડો જામે એટલે પોતાની મર્યાદામાં દર્શન કરે ને કથાવાર્તા સાંભળે તેમજ સહુંની દેહે કરીને સેવા કરીને રાજીપો રળતા.

એકદિવસે તો મીનળબાઈના હૈયે શ્રીજીમહારાજને જમાડવાનો ઉમળકો થયો. આમનમ દિન-રાતમાં બે દિ’ વળોટયા, પણ કાંઈ સૂઝ પડે નહીં. મનમાં જ અકળાઈને બોલ્યા કરે, ભેંશુના વાસીદા કરતા કરતા પોતે સાવરણો ભૂલી જાયને ને ખપાળી ઢસડે. એ જોઈ સોંડો બોલ્યો, ”અરે…રે, રે મીનળ ! આજ તને થયું છે શું ? ઓલ્યા પોદળા ભરવા ટાણે તેં કાથરોટ લીધી. ઈ તો ખાણ ખવરાવવાની છે, ઈ તું કેમ ભૂલી ગઈ ! આજ તારી ચિત્ત ક્યાં ભમે છે ? તારી સામે નજર માંડું છવ, તો આજ તારું મન ક્યાંક ભટકે છે એમ લાગે છે…! મનમાં તે એવી શી ગડમથલ ઊપડી છે તે આમ ચિત્તનું ઠેકાણું નથી રહ્યું ને મોઢુંય બે દી થયા સાવ ઊતરી ગયું છે ?”
ધણીની જાણ્યમાં આવેલ હૈયાના ઘાટનો ફેરફાર જાણી, મીનળને અહેસાસ થયો એટલે એ બોલી, ”મલકમાં આવો ઉત્તમ માણસદેહ મળ્યો, પણ કરમનાં પોટલાં આવા ટાણેય ખૂટયા નહીં !” એમ બોલી અંતરના ઊંડાણેથી મણ એકનો નિસાસો નાખ્યો. એ જોઈ સોંડો બોલ્યો, ”લે…! લે…! હૈયું ખોલીને પીડા હોય એ કહે, તો એનો મારગ નીકળે. એમ મન બાળ્યે કાંઈ તીરથ નહીં વળે. દરદ હોય તો વૈદ પાસે જઈએ તો એની દવા આપે. એમ તું જે મનમાં હોય ઈ કે’તો ખબર પડે…!”
મીનળબાઇ કહે ‘શું ક’વ, તમેય જાણો છો, આવો મોકો બીજે કયા જન્મારે મળશે ? આપડા પ્રભું શ્રીહરિ અહીં પધાર્યા ને દસ દસ દિ’ નીકળી ગયા. સૌ એને રોજ થાળ જમાડે છે, આપણે જ એવા અભાગિયા કે એને થાળ કરી શકતા નથી, તેની મનમાં કાળી બળતરા ઊપડી છે !”
સોંડોભગત બોલ્યા કે ‘લે, તેં તો મારા જ મનની વાત કાઢી, મારા મનમાંય આ વાત ઘોળાઈ રહી છે. મનેય પારાવાર પસ્તાવો થાય છે. આવો મહારાજનો થાળ કરવાનો મોકો ક્યારે મારા આ મનખે ભાગ્યમાં ક્યારે આવે ? પણ ભાગ્યનું ફૂટેલું કામ કેમેય સંધાતું નથી.
થોડીવાર ગડમથલમાં વિચારી રહ્યાને વળી ફરીને બોલ્યા કે..’એ જો તો ખરી, મીનળ ! આપણાં ભાગ્ય કેવા ચડિયાતા તે કરમનું પાંદડું ખસ્યું ને આ અવતારે આપણને અહીં ભગવાનનાં દર્શન થયાં. સારી ધરમની-સત્સંગની વાતું સાંભળવા મળી હોય કે ભાગ્યથી કરમની ધાણી ફૂટતી હશે ! તે આવા દિ’ કાઢવા પડે છે. પણ જીવનો વલોપાત કર્યે વિપત પડયે ઉકેલ નહિ આવે…! નદીના પૂરમાં તરવૈયા સામે પૂર ચાલી કિનારે પુગે. એવો ઉમદા ભાવ કરીએ, તો જરૂર ભગવાન આપણાં મનની અરજ સાંભળીને કાંક ઉપાય બતાવે. આપણો ભાવ પૂરો કરવા થોડુંક જોર કરવું પડે !” એમ પત્નીને ધીરજ આપતા મનથી ઢીલો થયેલ સોંડો મનની પીડા પત્ની ન દેખે એટલે ઉપર આકાશ તરફ નજરના ઘુમરા મારતો ભગવાનને ઠપકો આપતો હોય, એમ આમ તેમ જોતો હતો…!

ત્યાં તો વીજળીના ચમકારા જેવો સોંડાના હૈયે ઝબકારો થયો ને મનથી વિચારનું મોતી પરોવાઈ ગયું. ”મીનળ ! આજ આપણે મહારાજને થાળ કરી જમાડવાના છે !”
મીનળબાઇ એના ધણી કહે કે ‘શું ધૂળ જમાડશું ? છે કાંઈ ઝૂંપડામાં સારું ધાન ! હાંડલા કુસ્તી કરે છ, ઈય ભૂલી ગયા ?”

સોંડોભગત બોલ્યા કે ‘અરે ! ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એને એ નિત્યના માલપુવા, મેવા-મિઠાઈ ના રોજ થોડા ભાવે, પણ શું કરે ? સૌ ભક્તોના ભાવ સાચવવા થોડું જમીને થાળ પ્રસાદીનો કરી પાછો ઠેલે છે.” સોંડાએ કહ્યું. મીનળબાઇ કહે ‘હા…! માળું ઈ ખરું ! ગમે તેમ આપણે આજે થાળ કરીએ.” આમ, બેય પતિ-પત્નીએ નિર્ણય પાકો કરી મનનો ઊંચો ભાવ પૂરો કરવા પ્રારબ્ધમાં લખેલ કોદરાનો રોટલો અને કદળીની તાજી ભાજી બનાવી, હરખથી થાળ કર્યો હારે છાશ નો લોટો ભર્યો ને એ થાળ ને પોતાના સાડલાના છેડે ઢાંકીને લઈને મીનળબાઇ શ્રીજીમહારાજ જોબનબાપાના ઘરે બીરાજતા હતા ત્યાં લઇ ગયા અને બોલી, ”મહારાજ ! આજ તો મારો થાળ જમો.”

અંતર્યામી ભગવાન શ્રીહરિ પણ એમના મનનો ઉતકૃષ્ટ પ્રેમભાવ જાણીને મીનળબાઇનો થાળ હાથોહાથ લીધો. નજર માંડીને હરખાતા બોલ્યા, ”અહોહો…! બ્રહ્મચારીજી, કેટલાય દહાડાની ભૂખ આજ ભાંગશે. એવુ લાગે છે.” એમ બોલી રોટલાનું બટકું ભાંગી, ભાજીમાં બોળી મોંમાં બટકું મેલીને મુખમાં ચાવતાં ચાવતાં હારે છાશનો ઘૂંટડો પીતા જાયનેમાથું હલાવતા વાતો કરતા જાયને ભાજીને રોટલો વખાણતાં જાય.
સન્મુખ બેઠેલા સહુને પણ મનમાં તરંગ ઉઠવા લાગ્યા કે એવો તે કેવો આ બાઈએ થાળ કર્યો, પીરસ્યો, કે મહારાજને આજ રાજીપાના રેગાડા વછૂટયા છે ? આ બાઈ થાળમાં વળી એવું તે શું લાવી છે ? સૌને મનમાં કૂતુહલતા જાગી. જોતજોતામાં મહારાજ અડધો રોટલો જમી ગયા.
એ સમે બ્રહ્માનંદ સ્વામી સભામાં ઊભા થયા ને થાળીમાં નજર ફેરવી જોયું, તો કોદરાનો રોટલો ને છાલિયામાં કદળીની ભાજી ભાળી. એટલે મહારાજ પાસે આવી બોલ્યા, ”રાખો ! રાખો ! મહારાજ ! હવે એકલા આખો થાળ જમી જાશો આજ ? કોઈ માટે પ્રસાદી પણ નહીં રાખો ? આટલા બધા માણસોની નજરું લાગશે તો પેટમાં દુઃખશે અને થોડીક શરમ તો રાખો ? અને લોકો બોલશે કે ભગવાન તો ભારે ભૂખાવળો છે !” શ્રીહરિ હસ્યા ને બોલ્યા કે ‘સ્વામી ! આ થાળમાં કોઈની નજર ન લાગે, તેમ પેટમાંય ન દુઃખે. લ્યો તમેય ચાખી જુવોને !” એમ કહી મહારાજે રોટલાનું બટકું ભાંગી ભાજીમાં બોળી બ્રહ્માનંદ સ્વામીને પ્રસાદી આપી. પછી મહારાજ આખો રોટલો જમી ગયા. જળપાન કરી પેટે હાથ ફેરવી ઉદ્ગાર કાઢતા બોલ્યા, ”આજ તો ધરાઈ ને જમ્યા !”

મીનળબાઈ તો આઘેરાક ઊભા ઊભા હરખાતા, શ્રીજીમહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હતા. કયારે મહારાજ ઊઠી ચાલ્યા ગયાની તેને જરાય ખબર ન રહી. ત્યારે સભા ઊઠતાં એક બાઈ પાસે આવી એનો હાથ પકડી બોલી, ”એલી મીનળ, આમ ઓડું થઈ શું ઊભી રહી છો ? મહારાજ તો ચાલ્યા ગયા ને સભાય હાલી છે, હાલ્ય હાલ્ય ઘેર.” અંગ થરથરતા ધ્યાન ચેતના તૂટી ને મીનળે સકળવકળ આંખો ફેરવી બોલી, ”હાય રે ! બાઈ હું તો સુધબુધ ભૂલીને મહારાજની મૂર્તિમાં જ સમાઈ ગઈ હતી. મહારાજ ને જમતા હોય તેવા ને તેવા જ જોઈ રહી હતી. તમે મને જગાડી ન હોત તો ખબર ન પડત કે કેટલીવાર ઊભી રહી!” એમ બોલતા પોતાનો મનોરથ પુર્ણથયે અતિ હરખમાં મીનળબાઇ એ શ્રીજીપ્રસાદીના થાળના વાસણ વગેરે લઇ પોતાના ઘર તરફ ગયા.

  • નારીરત્નોમાંથી…
    🙇🏻‍♂️🙏