એકસમયે શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા, બપોરે જાગીને જળપાન કરીને શ્રીજી મહારાજ ઢોલીયે બિરાજમાન થયા ને પોતાની આગળ બેઠેલા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો અને સર્વ સત્સંગીઓ આગળ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સંબંધી ઘણીય વાર્તા કરી. ત્યાર પછી લાજ રાખવા વિષે વાર્તા કરી જે, “લાજે કરીને ધર્મ રહે છે, લાજ તે ધર્મ રખાવનાર છે તેમ તમારે જાણવું. અને સદાચાર છે તે મોટો એક કિલ્લો છે. તે જો ન તૂટે તો તેનો ધર્મ કોઇ દિવસ લોપાય નહીં. જેમ સાંકળ છે તે હાથીના પગમાં બંધન કરનારી છે. તેમજ લાજ છે તે ચિત્તને રોકનાર છે. જેમ હાથીના પગે સાંકળ બંધન છે તે જો તૂટે તો હાથી ક્યાંયનો ક્યાંય ચાલ્યો જાય, પછી ભાલાનો માર ખાય. તેમજ લાજે કરીને ચિત્તમાં માયિક પંચ વિષયનું ચિંતવન કરી શકાતું નથી, કારણ કે કુસંગીને પણ મનમાં લાજ હોય તો તે પણ અધર્મને માર્ગે ચાલતાં ડરે છે. લોકો લાજે કરીને ધર્મ પાળે છે અને લાજે કરીને અધર્મનો ત્યાગ કરે છે. અને જો લાજવાળાની લાજ ગઇ તો તે મરવાનો ઉપાય કરે છે. લાજે કરીને ક્ષત્રિય રણસંગ્રામમાં લડી મરે છે. અને લાજે કરીને જગતમાં જે લોભી પુરુષો છે તે પણ ધન વાપરે છે. અને કોઇકે કોઇકનું જો ધન લઇ લીધું હોય તો તે લાજે કરીને તેને પાછું આપે છે. એ તે મનમાં જાણે છે જે, જો નહીં આપું તો વહેવારમાં ખોટું દેખાશે. માટે વહેવાર પણ લાજે કરીને ચાલે છે.”
આમ ઘણીય ઉપદેશની વાર્તા કરી ને થોડીવાર વિચારી રહ્યા ને વળી સર્વને ઉદેશીને બોલ્યા જે “ અમે એક સમયે ગામ બામરોલીના માર્ગે ચાલ્યા જતા હતા, તે અમે રસ્તો ભૂલ્યા અને એક વાવેલું ખેતર આવ્યું તેની ચારે બાજુ થોરની વાડ હતી. તે ખેતર વચ્ચે ચાલવા સારુ કોઇક હરિભક્તે તે વાડમાં છીંડુ પાડ્યું એટલે તે ખેતરની રખવાળી કરનારી જે બાઇ હતી તેણે તેને ગાળ દીધી ત્યારે તે વાત અમે સાંભળી અને અમે તે સત્સંગીને કહ્યું જે, તેં આ વાડ તોડી તે કારણથી તને આ બાઇએ ગાળ રુપી પાઘડીનો શિરપાવ બંધાવ્યો. પછી અમે માર્ગે ચાલ્યા, અને તે હરિભક્ત આગળ વાત કરી જે, જો તમારે મારા એકાંતિક ભક્ત થવું હોય તો કોઇની વાડ તથા વંડી વિગેરે તે માંયલા કોઇ પણ સ્થાને તમારે છીંડુ પાડવું નહીં અને જો તમારું ભલું ઇચ્છતા હો તો કોઇનું પારકું તાળું ન ઉઘાડવું. તથા કોઇની વાડમાં છીંડુ ન પાડવું. એ કર્મ તો ચોરનું છે. પણ ભક્તનું નથી. અને જે જગ્યા ધણીયાતી હોય અને તેના ધણીની મરજી ન જણાતી હોય તો ત્યાં પણ અમારા સત્સંગીઓએ નિવાસ કરવો નહીં.”
શ્રીજીમહારાજે એટલી વાર્તા કરી અને સભામાં સહુ સંતો તથા હરિભક્તોએ સાંભળી. પછી આરતી-ધૂન્ય કરીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે, ચડોતરનાં સત્સંગી-બાઇ ભાઇઓ તે નર-નારાયણદેવનાં દર્શન કરીને આવ્યાં ત્યારે એમ બોલ્યાં હતાં જે, અમે નરનારાયણનાં દર્શન તો કરી આવ્યાં પણ અમને અમદાવાદ શહેરમાં ઉતરવાનું તથા પાણીનું બહુ કઠણ પડ્યું. ત્યારે જોબન પગીનાં ઘરનાં તથા તખા પગીનાં ઘરનાં એમ બોલ્યાં જે, અમો ત્યાં ગયાં હતાં પણ અમારી તો ત્યાં કોઇએ ખબર પણ લીધી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, “જ્યારે આપણે દેવનાં દર્શન કરવા જવું ત્યારે દાસભાવ રાખવો તો અંતરમાં સુખ રહે.” એમ વાત કરીને પછી થાળ જમવા ઉતારે પધાર્યા. ત્યાં વસ્ત્રો ઉતારીને જળથી હાથ, પગ ધોઇને પછી જમવા બિરાજ્યા. તે જમતા જાય ને બ્રહ્મચારીને પૂછતા જાય જે, આજે કોનો થાળ છે ? ત્યારે બ્રહ્મચારીએ કહ્યું જે આજે ઝીણાભાઇનો થાળ છે. ત્યારે ઝીણાભાઇને મહારાજે પ્રસાદીનો થાળ મોકલાવ્યો. પછી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા.
– શ્રીપુરુષોત્તમલીલામૃત સુખસાગર અધ્યાય ૭૭માંથી….