શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

શ્રીહરિ એભલ બાપુંના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઇને કારીયાણીથી ગઢપુર પધાર્યા. લાડુંબાં-જીવુંબાં બેઉ બહેનો અતિ આનંદ પુર્વક શ્રીહરિની તેમજ સર્વ સંતો-ભક્તોની અતિ મહીમા સમજીને સર્વ સેવા કરતા. શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદાખાચર ની ઉંમર એ વખતે ચાર વર્ષની જ હતી.

ચાર પાંચ વર્ષ વિતતા એભલબાપું શરીરે અવસ્થા થઇ હોય ડેલીએ ઢોલીયો ઢાળીને બેસતા. એભલબાપુ વતિ હરજી ઠકકર જ દરબારગઢનો સર્વ કારભાર સંભાળતા. દરબારગઢમાં સર્વસંતો-પાર્ષદો અને આવતા જતા ગામોગામના હરિભકતો વગેરેની રહેવા-જમવાની સગવડો કરતા. એકસમયે આવક કરતા જાવક વધી જતા તેઓ મનમાં ઘણા મૂંઝાયા એટલે એમણે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના આસને આવીને વાત્ય કરીને વિગતે રજૂઆત કરતા કહ્યું કે “સ્વામી, એભલબાપું ને ઉંમર થઇ ને દાદા ખાચર હજુ નવ-દસ વર્ષના છે, લાડુંબા-જીવુંબાં બહેનો તો મુક્તો છે, એમણે તો તન-મન-ધન સર્વ શ્રીહરિના રાજીપા સારું સર્વસ્વ અર્પણ કરેલ છે. હાલ હું રહ્યો કારભારી એટલે બાપુંની આવક-જાવકનો વહેવાર જોતા આ વરહે તો ભાવનગર રાજની મહેસૂલ ભરી શકાય એમ નથી, જો આમ જ રહેશે તો ઓઘાછૂટ મેલવી પડશે.”

બ્રહ્માનંદ સ્વામી ચમક્યા ને તુંરત જ બોલ્યા કે આ ઓઘાછૂટ વળી શું?

હરજી ઠકકર કહે કે “સ્વામી, ઓઘાછૂટ એટલે રાજનું દેવું જેટલું બાકી હોય તેટલી ઉપજ રાજ ના મહેસુલના માણહ ખળાવાડથી ભરી જાય ને જો કાંય ઉપજ વધે તો જ આપણે લઇ શકીએ, હાલની આપણા ગરાસની ખેડ્ય જોતા તો એ પણ દેવું ચુકવાય એવું લાગતું નથી.” સદગુરુ બ્રહ્માનંદ સ્વામી થોડી વાર તો વિચારી રહ્યાને બોલ્યા કે કારભારી, જો આપણે ખેડ્ય કરવા સાથીઓ ન હોય તો આપણા પાર્ષદોને મોકલીએ. બાપુંની જમીન ખેડાય નહી તો એ વાવણીલાયક કેમ થાય? ત્યારે હરજી ઠકકર બોલ્યા કે “સ્વામી, જમીન ખેડવા બળદ તો જોઇએને ? આટલી મોટી જમીન ની ખેડ્ય મા આપણે પાંચ જોડ્ય જ બળદ છે. હાલ આપણે જો બીજા સારા બળદ લેવા હોય તો નાણા પણ જોઇએ.” સ્વામી તો વાત સાંભળીને ઉંડા ઉતરી ગયા ને મનમાં થયું કે જે એભલબાપુંના પરિવારે શ્રીહરિ, સંતો અને સત્સંગ સારું બલીરાજાની જેમ પોતાનું સર્વસ્વ હોમી દીધું, એમની ખેડ્ય કરવા બળદ લેવા નાણા ની જોગવાઈ નથી એ કેમ ચાલે..? સ્વામી હરજી ઠક્કરને કહે કે “કારભારી, તમે ચિંતા ન કરો, દાદાખાચરનો વહેવાર તો શ્રીહરિ પંડ્યે કરશે, તમે મૂંજાઓ નહી, હુ આજે જ મહારાજને વાત કરીશ.” હરજી ઠકકર ને ધરપત મળતા નચિંત થયા.

સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે ઉઠયાને દરબારગઢ આવ્યા, એ વખતે શ્રીજીમહારાજ હાથ-મુખ ધોઇને બાજોઠે થાળ જમવા બેસતા હતા, લાડુંબાંએ બનાવેલ થાળ મુળજી બ્રહ્મચારીએ શ્રીજીમહારાજને જમવા બાજોઠ ઉપર મેલ્યો. સ્વામી આવીને દંડવત કરીને સામાં બેઠા એટલે શ્રીહરિએ પુછતા સ્વામી એ સઘળી વાત કહી. શ્રીહરિ બોલ્યા કે “ઘરનો વહેવાર સારો નથી, પરંતુ અમારા સારું આવા સારા સારા થાળ તો દરરોજ બનાવે છે, તે કેવી રીતે કરતા હશે?” ત્યારે સ્વામી કહે કે “મહારાજ, અમને પાંચસો સંતોને પણ દરરોજ બ્રાહ્મણ રસોઇયા બોલાવીને રસોઇઓ જમાડે છે.” થોડું જમીને પ્રસાદીનો થાળ સ્વામીને આપી ચળું કરતા થકા શ્રીહરિ બોલ્યા કે “બ્રહ્માનંદ સ્વામી, આજે જ પાર્ષદો ને કહેવડાવો કે એભલબાપુંની ગાયોના જે ૩૬ વાછડાઓ શ્રાવણ-ભાદરવો છૂટ્ટા ચરીને સાંઢ જેવા થયા છે, બપોર પછી આજે એને બીડમાં ભેગા કરે..!” સ્વામી હસ્યા ને બોલ્યા કે મહારાજ એતો બધા વકરી ગયા છે ને મારકણા છે, એને તો કેમ કરીને પકડાય..? શ્રીજીમહારાજ કહે કે “પાર્ષદો એને ભેગા કરીને બીડમાં લાવશે એટલે એને અમે નાથી દેશનું ને એ ૧૮ જોડ્ય બળદ તરીકે ખેડ્ય માં કામ આવશે..! તમે ફિકર ન કરો, આજે બપોર પછી જ એને આપણે નાથવા છે તો બધોય સરંજામ પણ તૈયાર રખાવજો.” સ્વામીએ જઇને શ્રીહરિની ભગૂજી, ગૂમાનસીંહ વગેરે સર્વ વાતની પાર્ષદો ને જાણ કરી.

એ દિવસે બપોર પછી એભલબાપુંના બીડમાં એ ૩૬ વાછડાંઓને ભેગા કરીને પાર્ષદો ફરતા કડીયાળી ડાંગ લઇને ઉભા રહ્યા. શ્રીહરિ ત્યાં આવ્યાને પુછ્યુ કે બધોય સરંજામ તૈયાર છે ને? ભગૂજીએ વાછડાંઓ નાથવા સારું નાથ-મોવડાં વગેરે જે કાંય હતું એ શ્રીહરિ ને હાથ દીધા. શ્રીહરિ એ સમે સહુ સાથે ત્યાં પધાર્યા અને ૩૬ રૂપ ધારણ કરીને એક એક વાંછડા ને શ્રીહરિનો દિવ્ય સ્પર્શ થતા જ સર્વ વાછડાઓ જાણે શાંત થઇ ગયા. શ્રીહરિ નીચે ઉતરી આવ્યા અને વારાફરતી દરેક ને નાથ નાંખીને મોવડાંઓ બાંધી દીધા. સર્વ તો આ લીલા જોઇને અતિ આશ્ચર્ય ને પામ્યા.

સદગુરુ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે “પ્રભું તમે કૃષ્ણાવતારમાં તો સાત વાંછડાઓ નાંથ્યા હતા, આ વખતે તો એકસાથે છત્રીસ વાંછડાઓ નાંથ્યા, તમારી આ રીત્ય તો આંગળની ચાલી આવે છે.” આ સાંભળી ને શ્રીહરિ પણ હસ્યા.

શ્રીહરિ ભગૂજીને કહે કે “ આ બધાય વાંછડાઓ ને બે ત્રણ દિવસ પલોટજો, પછી જોતરે જોડજો. જેવું કાંધ પડી જાય એટલે બધાયને એભલબાપુંની ખેડ્ય કરવા સાંતીએ જોડી દેજ્યો. જ્યા સાથીઓ કામ કરતા હોય ન્યાં તમે ખાસ દેખરેખ રાખજયો અને આ પહેલીધરના વાંછડાઓને સાચવજો, આ વરહે ખેડ્ય એવી કરો કે ધાનના ઢગલા થઇ જાય.” હરજી ઠકકર, બ્રહ્માનંદ સ્વામી, એભલબાપું, દાદાખાચર વગેરે સહુ તો શ્રીહરિની આવી કરુણાસભર ભકતવત્સલપણાને જોઇ જ રહ્યા.

એભલબાપું પોતાના ફાળીયાથી આંખ્યના આંસુને લુછતા બોલ્યા કે “પ્રભું, હું તો ખર્યું પાન કહેવાઉં, મેં તમારા ચરણે મારા દાદાને મુકયો છે, તમે એનું ધ્યાન રાખજો..!” શ્રીહરિ દાદાખાચરને માથે હાથ મેલતા થતાં બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

– મુકતરાજ શ્રીદાદાખાચરના જીવનકવનમાંથી…