એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યાંથી સવારે ચાલ્યાં તે વટવા થઇને સાંજને સમે ગામડીં ગામે પધાર્યા. ગામના લાલદાસ પટેલ, કાકુંભાઇ, શંભુંદાસ, બાપુભાઇ વગેરે સહું હરિભક્ત નરનારી સામૈયું લઇને આવ્યા અને અતિ ઉત્સાહ થી ગાતા-વાતાં લાલદાસ પટેલના ઘરે પધરાવ્યા. જમવા ટાણે લાલદાસ પટેલની ઓંસરીમાં શ્રીહરિને અતિ હેંતે થાળમાં ભાત સાકર પીરસીને તાંબડીએ ધીની ધાર કરી, શ્રીહરિ જમવા સાથે દૂધ માંગ્યું પરંતું દૂધ હતું નહી, આ સમે શ્રીહરિએ કહ્યું કે ‘લાલદાસ, આ ફળીયા માં ભેંસની પાડી બાંધેલ છે, એની દોહી આવો, અમને તો દૂધ જોઇશે જ..!’ આ સુણીને અતિવિશ્વાસું એવા ભક્ત લાલદાસ બોઘરણું લઇને એ પાડીને દોહવા બેઠા, શ્રીહરિના ઐશ્વર્યે એ પાડીને ચારેય આંચળે દૂધની ધારાઓ વહીને દોહયા વગર જ બોઘરણું ભરાઇ ગયું.
બેઠા જમવા જગઆધાર, કરી ભાતમાં ઘૃતની ધાર..!
વાલે દૂધ માંગ્યું તેહ ટાણે, દૂધ ક્યાંય ન મળ્યું કટાણે..!!
પાડી બાંધેલી કોઢયમાં જોઇ, પ્રભું કહે લાવો એને દોહી..!
જને વાલાનો વિશ્વાસ જાણી, પાડી દોહવા ગયા પ્રેમ આણી..!!
પાડી બેઠી કરી જેહ વાર, ચારેય આંચળે દૂધની ધાર..!
દોહયા વગર દોણું ભરાણું, અતિ હેતે હૈયું ઉભરાણું..!!
સહુ કોઇને અતિ આશ્ચર્ય થયું. શ્રીહરિ એ દૂધ ભાત ને સાકર જમ્યા ને પોઢયા.
વળતે દિવસે લાલદાસ પટેલ ડોઢમણ કેરીઓ લઇ આવ્યા અને સહુને રસ રોટલીની રસોઇ કરીને જમાડ્યા, ને બપોર પછી ગામથી પુર્વમાં વિકાનો કૂવો છે ત્યાં શ્રીહરિ સહુ સાથે પધાર્યા. એ કૂવાનું પાણી કડવું હોય કોઇ પશું-પક્ષી પાણી પીઇ શકતા ન હતા, ગામના સૌ હરિભક્તોએ શ્રીહરિને પ્રાર્થના કરી અને શ્રીહરિએ કૂવા માં સ્નાન કરીને અમૃત સમાન મીઠું પાણી કરીને પરચો દીધો. સહુંએ માન્યું કે જેમ યમુનાના ધરાને કાલીનાગના વિષ મુક્ત કરીને વ્રજવાસીઓને સુખ પમાડ્યા એમ આ કાળે પ્રભું અમ પર કૃપા કરી.
એ શ્રીજીપ્રસાદીનો કૂવો હજું ગામડીં ગામે દર્શન આપે છે.
કર્યો કૂવો એ તિરથરૂપ, એનો શુ કહું મહીમા અનૂપ..!
પાણી પીવાથી પાપ વિનાશે, જમદૂત આવે નહીં પાસે..!!
કૂવેથી સ્નાન કરીને પશ્ચિમમાં શિવજીનું મંદિર છે તે સન્મુખ લિંબવૃક્ષની નીચે સભા કરીને બિરાજ્યા, કૂવાનું જળ મીઠું થયું જાણી સહું ગામજનો એ સભામાં આવીને બેઠા અને સંકલ્પ કરતા હતા કે ‘જો સ્વામિનારાયણ ભગવાન હોય તો જેમ કૂવાનું જળ મીઠું કર્યુ એમ આં લીમડાના વૃક્ષ ને મીઠો કરે તો ભગવાન સાચા..!’ શ્રીહરિએ અંતર્યામીપણે સંકલ્પ જાણીને એ લીમડાની નીચી નમેલી ડાળી તોડીને પાન તોડીને સૌને વહેચી આપ્યા, સૌ કોઇને કડવા લીમડાના પાન મીઠા લાગ્યાં અને લીમડાની લીંબોળીઓ રાયણ જેવી મીઠી લાગી, આમ પ્રગટ પ્રમાણ જાણીને સૌ ગામજનો એ શ્રીહરિનો આશરો કર્યો અને વર્તમાનધારણ કરીને સૌ સત્સંગી થયા. સૌ કોઇ એ અતિ ઉત્સાહથી ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન્ય બોલાવી. એ સમે શ્રીહરિ સૌના ઉપર અતિ રાજી થયા અને વર માંગવા કહ્યું.
ભાવે રાજી કર્યા ભગવાન, જને માંગ્યું એવું વરદાન..!
અમે છૈયે તમારે શરણ, પણ આવે અમારું મરણ..!!
ત્યારે ગામના સીમાડામાંઇ, જમદૂત આવે નહી આંઇ..!
સત્સંગી કે કુસંગી હોય, તેને જમનું તેડું ન હોય..!!
વાલે વર આપ્યો એહ વાર, ગામડીંના સીમાડા મોજાર..!
નહીં આવી શકે જમદૂત, એવો વર આપ્યો અદભૂત..!!
આમ, મરણ સમયે ગામડીં ગામના સીમાડા માં જમનું તેડું નહીં એવું અભય વરદાન આપીને સદગુરુ આનંદાનંદ સ્વામીને ખાસ ભલામણ કરી કે તમે આ ગામડીં ગામે ખાસ સત્સંગ વિચરણ કરવા આવજો, એટલે ગામનાં સૌ હરિભક્તોને સત્સંગનો લાભ મળ્યા કરે. આનંદાનંદ સ્વામી એ શ્રીહરિની આજ્ઞાને શિર ઉપર ચડાવી.
આમ, શ્રીહરિ પોતાના ભક્તોને અતિ આનંદ વરસાવતા થકા દંઢાવ્ય દેશ તરફ વિચરણ માં ગયા.
સદગુરું આનંદાનંદ સ્વામી અવારનવાર ગામડીં ગામે પધારતા, ગામ જેતલપુરમાં ગંગામાંના મકાન હતા ત્યાં શ્રીહરિએ આનંદાનંદ સ્વામી પાસે સુંદર મંદિર તૈયાર કરાવ્યું ને એમા સ્વયંભૂ પ્રગટેલ શ્રીરેવતીજી શ્રીબળદેવજી અને શ્રીરાધાકૃષ્ણ દેવ વગેરે દેવો પધરાવ્યા.
એકસમે આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ પોતે જેતલપુર પધાર્યા હતા, એ વખતે રેવતીજી-બળદેવજીના કાયમી થાળ સારું આચાર્ય મહારાજશ્રી પાસેથી આનંદાનંદ સ્વામીએ ગામડીં ગામને માંગ્યું, ત્યારે અયોધ્યાપ્રસાદજી મહારાજ કહે કે ‘સ્વામી, તમે દેવોના થાળ સારું શું સાવ નાનું એવું ગામડીં ગામ માંગ્યું, કોઇ મોટું ગામ માંગો તો એ અમે આપીએ..!’ ત્યારે આનંદાનંદ સ્વામી કહે ‘બાપજી, ગામડીં ગામતો અમારે મન સોનાની તાંબડી છે, ખુંદ શ્રીજીમહારાજે મને એ ગામ ખાસ નામ દઇને સોંપ્યું છે.’
તેહ દેવના થાળ નિમિત્તે, કહ્યું અવધપ્રસાદ ને પ્રિતે..!
આપો થાળમાં ગામડીં ગામ, ત્યારે રમૂજ કરી છે આમ..!!
તમે ગામડીં માંગી શું જોઇ, મોટું ગામડું માંગી લ્યો કોઇ..!
સ્વામી કહે એ ગામડીં જે છે, મારે સોનાની તાંબડી તે છે..!!
આમ, આચાર્યશ્રી પાસેથી આનંદાનંદ સ્વામીએ જેતલપુર મંદિરના દેવોના થાળ સારું ગામડી ગામ માંગી રાખ્યું હતું.
સદગુરુ આનંદાનંદ સ્વામી પોતાની છેલ્લી અવસ્થા માં ગામડીં ગામે જ રહેતા હતા. આનંદાનંદ સ્વામી ધામમાં ગયા પછી એકવરહે એ પંથકમાં દૂકાળ પડ્યો ને વરસાદ વગર મોલાત સુકાવા મંડી ત્યારે ગામડીં ગામના હરિભક્તોએ મંદિરે યજ્ઞશાળામાં જઇને સ્વામીની મુર્તિપાસે પ્રાર્થના કરતા કહ્યુ કે ‘સ્વામી, જો વરસાદ નહીં થાય તો તમારી ગામડીં સુકાઈ જશે..!’ ત્યારે સ્વામીએ વરુણદેવ ને પ્રાર્થના કરીને હરિભક્તો પર કૃપા કરીને ખુબ વરસાદ વરહાવ્યો હતો, આમ, સ્વામી અક્ષરધામમાં સીધાવ્યા પછી પણ ગામડીં ગામનું ધ્યાન રાખતા હતા, એવું સ્વામી અને હરિભક્તો વચ્ચે પરસ્પર પેમભાવનું બંધન હતું.
હજુ પણ ગામડીં ગામના હરિભક્તોને કાંય સાંસારીક તકલીફ હોય તો તેઓ સદગુરુ આનંદાનંદ સ્વામીને પ્રાર્થના કરીને પોતાનો સંકલ્પ કહે છે.
દેહ તજી ગયા ધામમાંય, તોય રાખે સંભાળ સદાય..!
હજી સુધાએ ગામ મોજાર, માને સ્વામીજીનો ઉપકાર..!!
- શ્રીપુરુષોત્તમચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬૭ પુષ્પ ૨માંથી…