સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા. માનભાં બાપુ ના દિકરા અમરસીંહજી કે જેઓને શ્રીહરિ યુવાનવયે જ દર્શન આપીને અક્ષરધામ તેડી ગયા હતા. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે આ અમરસીંહજી બાપુના નાની ઉંમરે લગ્ન થયેલ હોય ધામમાં જતા પહેલા એમને માધવસીંહજી અને મેરુંભાં નામે બે દીકરા ઓ હતા. આ મેરુંભાંબાપુંને પાંચ દિકરા થયા એમાં ના એક ભીમસીંહજી નામે હતા.

સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામી અને પોતાના શિષ્ય સદગુરુ માધવપ્રસાદ સ્વામી (સદગુરુ મોહનપ્રસાદ સ્વામી-ધોરાજીવાળાના ગુરુ) એકવખતે મેંગણી પધાર્યા અને મંદિરમાં ઉતારો કર્યો. આ વખતે નાના એવા આ ભીમસીંહજી મંદિરે સંતો આવ્યા જાણીને દોડતા સંતોના દર્શને આવ્યા. મંદિરમાં ઠાકોરજીને દંડવત પ્રણામ કરીને સદગુરુ બાલમુંકુંદદાસ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રતાપી અને વચનસિદ્ધ એવા સ્વામીએ નાના એવા કુંવર ભીમસીંહજીને હાથ મુકયો અને એમના સન્મુખ દ્રષ્ટી કરીને એમના ભાલમાં જોઇને ભવિષ્ય પારખીને પુછ્યું કે ‘દરબાર, સાધું થવું છે?’ ત્યારે પુર્વજન્મના યોગભ્રષ્ટ આત્મા એવા ભીમસીંહજીએ કહ્યુ કે “હા..! ગુરુદેવ, મારે સાધું થવું છે.” ત્યારે સ્વામી કહે કે “તો ચાલો અમારા સાથે, સાધું થવા સારું તમારા પિતાજીની આજ્ઞા લઇ આવો..!” કિશોરવયના ભીમસીંહજી તો તુંરંત પિતાજી પાસે ગયા અને કહ્યુ કે “મને રજા આપો, મારે સાધુ થવું છે, અને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના ચરણે જ રહેવું છે.” આ સુણતા જ દરબાર કલ્યાણસીંહજી ખુબ સારા ભકત હતા, ને સ્વામી પ્રત્યે હેત પણ ઘણું જ હતું પરંતું પોતાના દિકરાને સાધુ થવા સારું રજા આપતા મન અચકાંયું ને કહ્યું કે “બેટા, હજુ તમે નાના છોવ, મોટા થઇને સાધું થજો” એમ કહીને વાતને ટાળી નાંખી.

ભીમસીંહજી સાંજે મંદિરે આવ્યાને સ્વામી ને કહ્યુ કે ‘સ્વામી, મારા બાપું રજા આપતા નથી.’ તે સુણીને સ્વામી બોલ્યા કે “જેવી મહારાજની મરજી..!” સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી થોડા દિવસ મેંગણી ગામમાં મંદિરે સત્સંગનો લાભ આપીને બીજે ગામ વિચરણ માં ગયા.

થોડો સમય વિત્યે જ કુંવર ભીમસીંહજી ને બહું તાવ આવ્યો અને તાવના રોગની બીમારી અસાધ્ય રોગની જેમ અનેક દવા ઔષધ-ઉપચાર કરવા છતાંય સારું ન થયું. સારોય પરિવાર એમના ખાટલે જ સેવા સુશ્રુષા કરવા છતાંય કુંવર ભીમસીંહજી સાજા ન થયા. એકદિવસે ભીમસીંહજી કહે કે “પિતાજી, મને શ્રીજીમહારાજ તેડવા પધાર્યા છે, ગુરુદેવ બાલમુકુંદ સ્વામી અને માધવપ્રસાદ સ્વામી પણ સાથે પધાર્યા છે.” યુવાન દિકરાની વાત સાંભળીને ઘરના સભ્યોને થયું કે આ ભીમસીંહજી તો તાવની બીમારીમાં બેશુદ્ધિ માં જ એમ બોલે છે, એમ માનીને એમની વાતમાં ગંભીરતા લીધી નહી. થોડીવાર માં કુંવર ભીમસીંહજી તો સહુને “જય સ્વામિનારાયણ” કહીને અક્ષરધામમાં સીધાવી ગયા. સારોય દરબારગઢ યુવાન કુંવર દેહ છોડીને ચાલી જતા શોકમય થઇ ગયો. ભારે હૃદયે એમના અંતિમ સંસ્કાર અને વિધી વગેરે કર્યા.

થોડો સમય વિત્યે સદગુરુ બાલમુકુંદ દાસ સ્વામી ફરીને મેંગણી ગામે વિચરણ માં પધાર્યા. દરબાર કલ્યાણસીંહજી સ્વામીના દર્શને પધાર્યા અને સ્વામી પાસે વાત કરતા થકા રડી પડ્યા. એ વખતે સ્વામીએ દરબારશ્રીને ધિરજ આપી અને સાંત્વનાં આપતા કહ્યુ કે “દરબાર, કુંવર ભીમસીંહજી જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એમના ઉપર કાળની ફરતી છાંયાને પારખી લીધી હતી. એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું. જો એ કુંવર સાધુ થયા હોત તો એની આવરદા શ્રીજીમહારાજે વધારી દીધા હોત, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી, તમારા દિકરા શ્રીહરિ ના ધામમાં જ ગયા છે, શ્રીજીમહારાજના સુખે સુખી થયા છે, માટે હવે લૌકિક શોક કરશો નહી.” આમ, સ્વામીએ દરબાર કલ્યાણ સીંહજીને સાંત્વના આપી. થોડાદિવસ બાલમુકુંદદાસ સ્વામી અને માધવપ્રસાદ સ્વામી સત્સંગ કથા વાર્તા કરીને વિચરણ કરતા થકા જુનાગઢ ગયા.

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શીષ્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનારા મેંગણીના માનભાં બાપુંના આ વંશજ પરિવાર માં અનેક મુકતો થયા. નામદાર દરબાર અર્જુનસીંહજી પણ આ પરિવાર માં જ થયા, જેઓ એક સમયે વડોદરા શહેરમાં કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. રસ્તે પસાર થતી વખતે ગુરુદેવ શાસ્ત્રી શ્રીધર્મજીવનદાસજી સ્વામીને ગાડીમાં પસાર થતા જોયા અને તુરત જ પોતાનો માનમરતબો વગેરે છોડીને શહેરની બજારમાં સ્વામીને દંડવત કરવા લાગેલા, તેઓ આવા સંતો પ્રત્યે નિર્માની હતા. કુમાર પ્રદ્યુમ્નસીહંજી કે જેઓ એ સમયે ઇંગલેન્ડમાં ભણેલા અને આઇએએસ ઓફિસર થયેલા. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપેલી. જ્યારે ૧૯૪૮ માં શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સ્થાપના થઇ ત્યારે એના ભૂમીપૂજન વખતે કુમાર પ્રધુમ્નસીંહજીના હસ્તે કરાવેલ. તેમજ ભૂપેન્દ્રરોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત પણ પ્રધ્યુમ્નસિંહજીના હસ્તે થયેલ હતું. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી નો કૃપાપાત્ર આ પરિવાર માં આજ સુધી સત્સંગ એવો જ જળવાઇ રહ્યો છે.

– સદગુરુ શ્રી બાલમુકુદદાસ સ્વામી ના જીવન પ્રસંગોમાંથી….