સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજશ્રી ને પરસ્પર ઘણું હેત હતું. બંને એકબીજાનો ઘણો મહીમાંથી આદરભાવ પણ રાખતા. રઘુવિરજીમહારાજ પોતે સતસંગના મોભી હોવા છતાયે સત્સંગ ના અતિ પીપાસું હતા, પોતે કથાવાર્તા સાંભળવાં માં પૃથુંરાજા સમાન ગુણવાન હતા. સંતો સાથે અનેક ગામડાઓમાં તેઓ સાથે વિચરણમાં જતા અને અતિ મહીમાંથી સત્સંગ છાવણીઓના આયોજન કરાવતા અને પોતે પણ એમા આગલી હરોળમાં બેસીને કથા સાંભળતા. ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢના મંદિરના કોઠારી પદે ચાલીસ વરહ ચાર મહીના અને ચાર દિવસ સુધી રહ્યા થકા પાંચ વખત કથા કરીને સૌને શ્રીહરિના સર્વોપરીપણાનો અખંડ ધોધ વહેવાડવ્યો હતો.

એકસમયે શ્રી રઘુવિરજીમહારાજ જુનાગઢ પધાર્યા હતા. અને વખતે સમૈયામાં ગુણાતિતાનંદ સ્વામી ના સાંનિધ્ય માં કથાવારતાનો અખાડો જામ્યો હતો. આ સમયે થોડા સતસંગના દ્વેષીઓને સ્વામીની સર્વોપરીપણાની વાતો રુચતી ન હોવાથી એમણે સાથે મળીને આચાર્યશ્રી રઘુવિરજી મહારાજ ને સ્વામી વીશે ફરિયાદ કરતા કહ્યુ કે ‘મહારાજ શ્રી આપ સત્સંગ ના મોભી છોવ એટલે આપને ગુણાતિતાનંદ સ્વામીને ઠપકો આપવાની જરુર છે. ગુણાતિતાનંદ સ્વામી કોઇને દેવ-ધર્માદો વગેરે કાઢવા ઉપર ભાર મુકતા નથી અને બીજું કે એ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની મહીમાની વાતો હદબાર ગાય છે એટલે એનાથી સત્સંગનું ખોટું દેખાય છે.’ આમ સ્વામી વીશે ફરિયાદ સુણીને સુજ્ઞ એવા રઘુવિરજી મહારાજ કશુંય બોલ્યા નહી પરંતું તેઓ ને કહ્યું કે ‘ભલે, તમે જાઓ, અમે સ્વામી મળે ત્યારે યોગ્ય વાત કરીશું.’ આમ કહીને એમની વાત ટાળીને એમને મોકલી દીધા.

પછી જ્યારે ગુણાતિતાનંદ સ્વામી જ્યારે રઘુવિરજી મહારાજ ને મળવા મેડે પધાર્યા ને દંડવત કરીને બેઠા ત્યારે મહારાજ શ્રી એ એકાંત માં સ્વામીને વાત કરી કે ‘સ્વામી તમારી બે ફરિયાદ આવી છે. એમ કહીને તમે દેવ-ધર્માદા ઉપર ભાર નથી આપતા અને શ્રીહરિના સર્વોપરીપણાની વાતો બહું ધારદાર કરો છો એ અંગે વાત કરી.

સ્વામી હાથ જોડીને બોલ્યા કે ‘મહારાજ શ્રી આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, તમને અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે, પરંતું અમારો ખુલાસો સાંભળીને તમને યોગ્ય લાગે એ દંડ અમને દેજયો.’ આમ કહીને સ્વામીએ વાત કરી કે જુઓ મહારાજશ્રી, પહેલી વાત જ્યારે આપણા ઉપાસ્ય શ્રીજીમહારાજ અક્ષરધામથી આ ધરાં પર પધાર્યા ત્યારે અક્ષરમુકતોની સભામાં એકાંતિક ધર્મની સ્થાપના કરવા સારું આવ્યા અને સર્વ અક્ષરધામના મુકતોને પણ એ સારું જ સાથે લાવ્યા હતા. ક્યારેય દેવ-ધર્માદા સારું આવ્યાની વાત કરી નથી, આપ એમના દિકરા છોવ જો અમને એનો ધર્માદો ઉઘરાવવાનો ઠરાવ લાવી દયો તો અમે દેવધર્માદો જ ઉઘરાવીએ…!  વળી, જીવને ઉંડે ઉંડે સુધી ‘સ્વામિનારાયણ’ જ ધરબી દઇએ છીએ તો એ ‘સ્વામિનારાયણ’ ના થઇને એમનો ધર્માદો આખરે કોને આપશે? હવે બીજી વાત ગામડા ગામના ગરિબ ઘરનો દિકરો પરણવા જાતો હોય તોય જાનડીયું એને વરરાજા માનીને ભારોભાર વખાણ કરીને એના ગુણ ગાતી હોય. જ્યારે અમે તો અનંતભૂવનના ધણી પુરુષોત્તમનારાયણની ચૂંદડી ઓઢી છે, જેનો મહીમા તો ચાર વેદ અઢાર પુરાણ કે શારદ-શેષ ગાતા થાકતા નથી. આ વર તો વાણીમાં સમાય એવો નથી. જેવા છે એવા કહીએ તો તો ગાંડા થઇ જવાય એવા છે. એટલે જીભને ઝાલી ઝાલીને હજુ કાયમ બોલીએ છીએ. જેની સારું આ દેહ ધર્યો ને જેની અખંડ ચૂંદડી ઓઢી છે, અને સર્વસ્વ તજી ને જેને પામવા છે એના ગુણ આવા એમા ખોટું શું છે.’ આટલું સુણતા તો રઘુવિરજી મહારાજ સ્વામીને ભેટી પડ્યા ને બોલ્યા કે સ્વામી આપની વાત એકદમ સાચી છે, આપણે શ્રીહરિનો પ્રત્યક્ષ પ્રભાવ અને સર્વોપરીપણાને નજરે જોયો છે. આપ જે વાતો કરો છો એ યથાર્થ છે. અમને કશીય મનમાં બીજી વાત નથી. સૌને સૌના નાતિલા હોય એમાંથી જ નડે એમ તમારી પણ બીજા સંતોએ અમને વાત કરેલી પરંતું તમારો કશોય કસુર નથી.’ આમ, સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી અને રઘુવિરજી મહારાજશ્રી એ દ્વેષીઓના દેવધર્માદાની વાત અને સર્વોપરીપણાની વાત્યનો એકબીજા વચ્ચે અતિ મહીમાસભર સુખદ નિકાલ થયો.

– સદગુરૂં ગુણાતિતાનંદ સ્વામીના જીવનકવનમાંથી….