હળિયાદના માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જવું છે.”

ગામ હળિયાદમાં માવજીભાઇ કરીને હરિભગત હતા, તેના ઘરનું માણસ બહુ કુસંગી હતું. બાઇ જ્યારે ભાત લઈને ખેતર જાય ત્યારે માવજીભગતને હેરાન કરવા સારું ડુંગળીનો ગાંઠિયો મેલીને જાય અને પાણીના ગોળામાં પણ ડુંગળી નાંખે.

એક વખત ગામના મંદિરે ધર્માનંદસ્વામી પધાર્યા હતા. માવજીભગત મંદિરે દર્શન કરવા આવ્યા ને પોતાને ઘેર સ્વામીને રસોઈ કરાવવા સારુ તેડી ગયા. એક ઓરડામાં જ્યારે સાધુ રસોઈ કરતા હતા. ત્યાં તેની બાઈ આડી જઈને ઊભી રહી. ને સાધુને કહ્યું જે, “મારો પીટ્યો, જયાં ત્યાંથી સાધૂડાનેવ ઘરે લઇ આવે છે, હું આયા બારણે જ ઉભી રઇશ હવે ક્યાંથી બારા નીકળશો ?”પોતે મૂંજાયા ને સંતોને ઉપવાસ ન પડે તે સારું માવજીભગતે આવીને બાવડે ઝાલીને તેને ઘરમાં ઘાલી. સાધુ ત્યાંથી સીધું લઈને માવજીભગત ની હારે એની વાડીએ ગયા. ત્યાં મંગાળો કરીને સંતો રોટલા કરતા હતા. ત્યાં વળી બાઈ પહોંચી અને સાધુને કહ્યું જે, “એ મારો પીટ્યા મુંડીયાવ…! તમે તો માવજીડાનો કેડ ન મૂકી, પણ હું મારા પીટ્યા માવજીડાનું ઘર ભાંગીને જાઉ છું.”

આમ, ભગતના ઘરમાં કંકાસ જોઇને પરોપકારી એવા ધમાંનંદસ્વામીએ માવજીભગત ને કહ્યું જે, “જા, બાઈને પાછી વાળ. અમારા લીધે તમારા ઘરસંસાર માં કજીયો થાય એ બરાબર નહી, અમે તો આ ચાલ્યા” પછી માવજીભગત જઈને બાઈને પાછી વાળી આવ્ય૨. સંતો બીજી કોઇ વાડીએ જઈને જમ્યા.

સમય જતાં જ્યારે માવજી ભગતને દેહ મેલવાનો સમય થયો ત્યારે તે બોલ્યા કે, “શ્રીજીમહારાજ મને તેડવા આવ્યા છે અને હું અક્ષરધામમાં જાઉં છું.” ત્યારે તે બાઈ બોલી જે, “હું તમને મહિનાનું પાણી આપું છું.” માવજીભગત કહે, “તારું પાણી દે કોઈક ને, મેં તો તારું પાણી ઘણું પીધું, હવે તો શ્રીહરિ સાથે અક્ષરધામમાં જ જવું છે.” એમ કહી પોતે દેહ મૂકી શ્રીજીમહારાજ સાથે ધામમાં ગયા.

આ માવજીભગતનો દીકરો પાંચાભાઇ નામે હતા. તે સંતોના યોગે સત્સંગી થયા અને તેની મા તો પહેલેથી જ કુસંગી હતી, એટલે પાણીયારે કાયમ અણગળ પાણી ભરતી. પાંચોભગત નાનપણથી સત્સંગ માં ખરેખરા નિયમ સચોટ પાળતા તે ગોળા ફોડી નાંખતો અને રાંધ્યાનાં વાસણ પણ ફોડી નાંખતો. એમ ઘણા દિવસ ઘરમાં રંજાડ કરી. એની માં પણ પોતાના જણ્યા પેટથી કંટાળી પરંતું પાંચોભગત સત્સંગ ના વર્તમાન છડેચોક રાખતા. તેથી એકદિવસે એની માં કાયર થઈને છોકરાને કહ્યું જે, “તું કહે તેમ કરું.” ત્યારે છોકરો કહે, “સત્સંગી થા તો જ હવે તારા હાથનું ખાઉં. ” પછી તે બાઈ ગઢપુર આવીને બાઈઓ પાસે વર્તમાન ધારીને સત્સંગી થઈ.

– સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….