મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની સેવા કરીને અતિશય રાજીપાનું પાત્ર બનેલા. તેઓ આર્થિક પરીસ્થીતીએ ઘણા સાધારણ હતા પરંતું તેઓ શાકભાજી ની ખેતી વગેરે કરતા હોય લક્ષ્મીવાડીમાં શ્રીજી સારું શાકભાજી વગેરે વાવવા સારું બીયારણ ગઢપુર લઇ જતા.

એકસમયે આ બગસરામાં ભકતરાજ સથવારા મેપાભક્તને શરીરે મંદવાડ વધારે થઈ ગયો ને સહુ સગાં વહાલાં આવીને પાસે બેઠાં હતાં. તે વખતે મેપાભક્તને શ્રીજીમહારાજનાં દર્શન થયાં ત્યારે તે બોલ્યા જે, ‘આ મહારાજ માણકીએ ચડીને આવ્યા છે ને તેમની ભેગા બીજા પણ કેટલાક સંત છે ને તેમની સાથે મારે ધામમાં જાવું છે તો મારા ભાઈ વેલાને બોલાવો; તેની સાથે મારે અબોલા છે તે આજ તો ધામમાં જતા પહેલા મેલવા છે.’ ત્યારે તેના કુટુંબીજનો વેલાભાઈને બોલાવી લાવ્યા. ત્યારે તેણે વેલાભાઈને કહ્યું જે, ‘હે ભાઈ જય શ્રી સ્વામિનારાયણ…! આજથી અબોલા મેલ્યા ને હવે બોલ્યું ચાલ્યું માફ કરજો. મારે તો આજે શ્રીહરિ તેડવા આવ્યા છે તો એમના સાથે ધામમાં જવું છે.’ ત્યારે વેલાભગત કહે, ‘એમ શું વળી સુતરનો તાતણો તોડવો છે તે દેહ મેલીને ધામમાં જાઈશ ? ને દેહ મેલવો તે ક્યાં તારા હાથમાં છે ?’ ત્યારે મેપાભાઇ કહે, ‘હા ભાઇ, આજ તો મારા હાથમાં છે.’ ત્યારે વેલાભગત કહે, ‘તેની શું કાંઈ નિશાની છે ?’ ત્યારે મેપાભાઇ કહે, ‘આ મહારાજ અને સંત આવ્યા છે, તે જ નિશાની.’ તે સુણીને વેલાભાઇ કહે, ‘પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવાર સુધી તારો દેહ રહે, એમ શ્રીજીમહારાજ આગળ માગી લે.’ ત્યારે મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! મને સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’ એમ કહીને અંતર્ધાન થઈ ગયા.

પછી મેપોભક્ત કહે, ‘હવે તમે સહુ વાળુ કરીને સુઈ જાઓ, સવારે શ્રીજીમહારાજ મને ફરીને તેડવા આવશે.’ ત્યારે સહુ સગાં રાજી થયા ને વાળુપાણી કરીને સુતાં, તે સમે ત્યાં જામનગરના કડીયા કરસનભાઈ કામ કરવા આવેલા હતા. તેણે કહ્યું, ‘મેપાભાઈ! હું તમારી પાસે રાતમાં જાગવા આવું ?’ ત્યારે તેણે ના પાડી ને તેનાં ઘરનાં માણસને કહ્યું, ‘તારે કાંઈ પૂછવું છે ?’ ત્યારે તે કહે, ‘મારે કાંઈ પૂછવું નથી, હું તો તમારો બધો સરસામાન છે તે મંદિરમાં આપી દઈશ ને હું મજૂરી કરીને પેટ ભરીશ માટે તમારે તેની કાંઈ ચિંતા કરવી નહિ. તમે કાંય મારા અને છોકરાઓમાં જીવ રાખશો નહી ને શ્રીજીમહારાજની મૂર્તિ સંભારજો.’ એમ કહીને તે પણ સુતાં.

સવારે સર્વે સંબંધી ઉઠીને ભેળાં થયાં તે વખતે મેપોભક્ત બોલ્યા જે, ‘ઓય રે માડી રે માડી.’ ત્યારે તેમનો ભાઈ વેલાભગત કહે ‘ભાઈ! આ સમયે આમ કેમ બોલો છો ? આ સમયે તો ભગવાન સ્વામિનારાયણ ને સંભારવા જોઈએ.’ ત્યારે મેપા ભક્તે કહ્યું, ‘હું પણ તેમને જ સંભારું છું. કેમ જે બ્રહ્માનંદ સ્વામીએ પ્રભાતીમાં કહ્યું છે જે ‘ભરી સભામાં ભુધરજી તમે, થયા છો મારી માડી રે..’ એ ધારીને એ કિર્તન ને હું સંભારું છું.’ એમ કહી બોલતા ચાલતા ભગવાનને સંભારતા સંભારતા તુરત દેહ ત્યાગ કરીને શ્રીજીમહારાજ ભેળા અક્ષરધામમાં ગયા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણીના પ્રકરણ ૧૧૪ની કડી ૪-૫ માં બગસરાના ભકતો સાથે ચિંતવતા લખ્યા છે કે…

બહુ ભકત બગસરે ગામ, કોળી હરિપાલ સુતરામ..!

રૈયો કાનો ભગો ઉકો રાણો, ભકત સંધો ભગો કૃષ્ણ જાણો..!!

ભકત વેલો મેપો જોધો જન, કુરજી હરજી એ પાવન..!

દેવશી આદિ દૈ સતવારા, ભકત નાઇ રાજો માવો સારા..!!

-શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…