સાવરકુંડલાના મીંયાજી: ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા ને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિંયાજી જેવા કોઇક જ કરતા હશે.’

એકસમે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં બિરાજતા હતા. લીંબતરૂં તળે સંતોભકતો ની સભા ભરીને બેઠા હતા, ચકોર-ચંન્દ્રની પેઠે સહું કોઇ શ્રીહરિની અમૃતવાણી સાંભળી રહ્યા હતા, આ વખતે વાંકડી મૂંછો, તેજસ્વી કપાળ અને સાદો મુસલમાની પોશાક અને કેડે તલવાર બાંધેલ એક કાંઠાળો યુવાન આવીને શ્રીહરિને આઘેરાક થી સલામ કરીને ઉભો રહ્યો.
શ્રીહરિએ જમણા હાથની આંગળીએ ઇશારો કરીને પોતાની પાસે બોલાવ્યો ને પુછ્યું કે ‘ક્યાં રેવા અને શું નામ છે? કેમ આવવું થયું ?’
આ સુણીને નમ્રભાવે યુવાન બોલ્યો કે ‘બાપું, ગામ સાવરકુંડલા અને મારું નામ મીંયાજી નામ છે. કાંક નોકરી સારું નીકળ્યો છું, આ ગામમાં આવતાં મને દિલમાં શાતા વળી છે, મને તમે આહી કામે રાખો, હું ઘોડશાળની પરવરીશ કરીશ કે કેશો તો ખેતીકામ કે વાસીદુંય વાળીશ.’ શ્રીહરિએ પુર્વજન્મના મુમુક્ષુંને ઓળખીને પુછયું કે ‘શું મહેનતાણું લેશો?’ ત્યારે મીયાજી કહે કે ‘તમે જે દેશો એ મને કબૂલ છે. મારે પરિવારમાં એક ઘરડી માં છે જે મજૂરી કે પારકા ઘરકામ કરીને ગુજરાન કરે છે, અટાણલગણ એણે બચારીએ ઘણો ઢસરડોં કરીને મને મોટો કર્યો છે, હવે એને બોજો ઉતરે એટલે જાતે રોટલો રળવા નીસર્યો છું. સાંભળ્યું છે કે આપ પરવરદિગાર છો, તો આપ મને અપનાવશો એમ જાણીને આંહી આવ્યો છું.’ શ્રીહરિએ એમને રાજી થઇને રતનજી, ગુમાનજી વગેરે સહું પાર્ષદો સાથે એમને દાદાખાચરના દરબારગઢમાં રાખ્યા.
જે કાંય કામકાજ સોંપે એ કાંય પણ અહંકાર વગર કરે અને પોતાના મળતાવડાં સ્વભાવ, ખંત અને વિનયથી સહુંના મન જીતી લીધા. નવરાશના સમયે સદગુરુ મુકતાનંદ સ્વામી વગેરે સહું મોટેરા સંતો પાસે બેસીને શ્રીહરિના મહીમાની વાતો સાંભળે.
પોતે અતિ શુરવિર હોય શ્રીહરિ જ્યારે દેશાંતર માં વિચરણમાં નીસરે ત્યારે વિર ભગૂજી, રતનજી વગેરે સહું સાથે એમને પણ લઇ જતાં. શ્રીહરિ દરબારગઢમાં સભાઓ કરે કે લક્ષ્મીવાડીએ પધારે ત્યારે મોટા મોટા ઢોલીયાઓ ફેરવી પાથરણા, મોદીયા વગેરે પાથરીને એમની યથાયોગ્ય બેઠક કરવી વગેરે કામ તેઓ અતિ ખંતથી કરતા.
મિંયાજીની નિર્માનીપણે સેવાથી રાજી થઇને શ્રીહરિએ ગઢડા મધ્ય પ્રકરણના ૪૧માં વચનામૃતમાં એમને વખાણતા કહ્યું કે ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા ને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિંયાજી જેવા કોઇક જ કરતા હશે.’ આમ, મિંયાજીએ એમના વિનય, સદગુણો અને સેવાએ ટૂંકસમયમાં સૌને રાજી કરી લીધા.

એકવખતે શ્રીહરિ સર્વ સંતો ભક્તો સાથે સાવરકુંડલા પધાર્યા હતાં, ને નાવલી નદીમાં સભા થઇ હતી. એ વખતે એક વયોવૃદ્ધ ડોશી લાકડીના ટેકે એ સભામાં આવ્યા એટલે શ્રીહરિએ પાર્ષદોને આજ્ઞા કરીને પોતા પાસે બોલાવ્યા. શ્રીજીમહારાજે તેમને પૂછ્યું “તમે અમારા ભગત મિયાજીના માતા છો ને? “ ડોશીમાએ કહ્યું “ હા, પણ તમને કેમ ખબર પડી ?” મંદ મંદ હસતા શ્રીહરિ કહે “માજી ! અમને તો બધી ય ખબર પડે “ ડોશી કહે કે “હા, એ સાચું પણ મારો મિયોં તમારી પાસે આવ્યો છે, તો એ ક્યાં છે ? “ ત્યારે શ્રીજીમહારાજે ડોશીમાને પોતાની પાછળ પાર્ષદ વેશે ઉભેલા મિયાજીને દેખાડ્યા, ડોશીમા એ કહ્યું “અરે રે ! મારા દીકરાને તો તમે ફકીર-બાવો બનાવી દીધો ! હવે મારી ઘરડી ડોશીનો જીવન નિર્વાહ કેમ થાશે ? મારી સંભાળ કોણ રાખશે ?” મહારાજે કહ્યું કે “ તમારે દીકરાનું કામ છે કે તમારા નિર્વાહનું ? “
એ વખતે ભોળા હૃદયના ડોશીએ કહ્યું કે “ પરવરદિગાર, મારે તો બેયનું કામ છે, પણ જો મારો જીવન નિર્વાહ થાય એવું બને તો મારો મિયોં ભલે તમારી ખિદમતમાં રહ્યો ! તમે તો ખુદા છો, મારો દિકરો તમારી ખિદમત કે બંદગી કરશે, તો એની આ ઘરડી માં એને એમાં આડી નય આવે ! “ તે સમયે મહારાજ પાછળ પાર્ષદ વેશે ઉભેલા મીયાંજી નિર્લેપભાવે આ બધું જોતા હતા !
શ્રીહરિએ ડોશીના ઉચ્ચભાવને પામીને જેના જીવન નિર્વાહ સારું ભકતો પાસે એક ખાંડણી અને દસ્તો મગાવીને ડોશીમાને આપીને કહ્યું કે ‘ લ્યો માજી ! આ ખાંડણીમાં હરડા બહેડા આમળા ખાંડીને પડીકીઓ બનાવજો, કોઈ પણ રોગ થયો હોય તેને એક પડીકી એક પૈસો લઈને આપજો, તેમનો કોઈ પણ રોગ હશે તે મટી જશે અને તમારો નિર્વાહ ચાલશે‘ ડોશીમા ખુબ રાજી થયા, ડોશીમાએ મહારાજને નમીને પ્રણામ કર્યા, મહારાજે આપેલ ખાંડણી અને દસ્તો લઈને શ્રીહરિનું દર્શન અને આશીર્વાદ પામીને ઘરે ગયા.

ફરીને થોડે સમયે શ્રીજીમહારાજ સાવરકુંડલા તરફ વિચરણ કરતા હતા, ત્યાંરે આ ડોશીમા મહારાજના દર્શને આવ્યા, તે સમયે મિયાજીના માતાજી ડોશીમા તો શરીરે ખડે-ધડે હતા, લાકડીનો ટેકો ય નહોતો, આવીને મહારાજને સભામાં પગે લાગ્યા, શ્રીજીમહારાજે તેમના ખબર પૂછ્યા,
ડોશીમાએ હાથ જોડીને કહ્યું કે ‘હે પરવરદિગાર, હવે તો તમારા પ્રતાપે લીલાલહેર છે, હવે તો હું ખુબ સુખી છું, દવા ખાંડવા અને પડીકીઓ બનાવવા એક બાઈને કામે રાખી છે, દવાની પડીકીઓ લેવા અનેક માણસો આવે છે, એ સર્વેને હું તમારું નામ લઇ લઈને એક એક પૈસામાં એક એક પડીકી આપું છું, હવે તો મને તો હવે નખમાંય રોગ નથી, હવે તો હું ય ઘોડા જેવી હડીયું કાઢું છું, હવે ભલે મારો મિયોં તમારી સેવા માં કાયમ રહ્યો ! ’
શ્રીજીમહારાજ ખુબ રાજી થયા અને હસીને કહ્યું કે તમે હવે આખી જિંદગી આવા ને આવા સાજા રહેશો..!’ આમ, અભયવર શ્રીહરિ પાસેથી પામ્યા.

પાર્ષદશ્રી મીયાંજી શ્રીજીમહારાજની ગાડી ચલાવતા, વડતાલ મંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ આદી દેવોની પ્રતિષ્ઠાવિધી વખતે જતા મુક્તાનંદ સ્વામીનો હાથ ભાંગી જતા સ્વામી કમિયાળા રોકાયા હતા, મુક્તાનંદ સ્વામી સાજા થયા, એ વખતે કમિયાળા ગામેથી ગાડીમાં બેસારીને ખુબ સંભાળપૂર્વક મીયાંજી ગાડું ચલાવીને મુક્તાનંદ સ્વામીને ગઢડા લાવેલા. આમ મોટા સંતોને પોતે તકની સેવા કરીને રાજીપો રળતા.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એ શ્રીભક્તચિંતામણી પ્રકરણ ૧૧૨ની ૨૨-૨૩મીં પંક્તિમાં ગઢપુરના શ્રીજીમહારાજના અંગભૂત પાર્ષદ મિયાજીને ચિંતવતા લખ્યા છે કે….

રાઠોડાદિ પ્રભુજીના દાસ, લાલો બાદર બે પ્રભુ પાસ..!
મિયાં કરીમ રયો હસન, રાજા ભૂલા નાથાદિ યવન..!!
એહ રહે છે પ્રભુજી પાસ, સર્વે તોડી જગતની આશ..!
એહ સાંખ્યયોગી સહુ જન, ભાવે કરે હરિનું ભજન..!!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….