એકવખતે શ્રીહરિ ધોળકાથી સહુ કાઠીદરબારો સાથે ઘોડેસ્વાર થઇને નીસર્યા તે ગામ બરવાળે પહોંચ્યા, ત્યાં ઉતાવળી નદીએ ઘોડાને પાણી પાવા સારું સહું અસવારો સાથે ઉભા રહ્યા. ઉતાવળી નદીના જળમાં શ્રીહરિ તેમજ સહુ સાથેના દરબારો માણકી ઘોડી તેમજ અન્ય ઘોડાને પાણી પાઇને હાથ-મુખ વગેરે ધોઇને નદીની રેતીમાં થોડીવાર પોરો ખાવા સારું રોકાયા. આ વખતે ગામના વસતાભાઇ લુહાણાના દિકરા વશરામની વહુ રાધા અને ડાહ્યા સુથારની માં બેઉ નદીએ પાણી ભરવા આવેલ હતી, બેઉને એ વખતે નદીએ હેલ્યું ભરીને ચાલવા જતા શ્રીહરિની મનોહર મુર્તિના દર્શન થયા, બેઉના ચિત્ત મુર્તિમાં ચોંટી ગયા અને પોતાનું દેહભાન ભૂલી ગઇ.
થોડીવાર વિશ્રામ કરીને શ્રીહરિ તો માણકીએ અસવાર થઇને સહુ દરબારો સાથે કૂંડળ થઇને ગઢપુર ભણી ચાલી નીસર્યા, પરંતું આ વખતે આ બેઉ બાઇઓ ના મન શ્રીહરિની મુર્તિમાં જોડાઇ જતા પાણીના બેડાં હેઠા મેલીને ગઢપુરમાં રસ્તે ચાલી નીસરી.
બરવાળા થી કૂંડળ થઇને ૫ચાસેક કિલોમીટરનો પંથ કાપીને શ્રીહરિ ગઢપુર પધાર્યા. દરબારગઢમાં શ્રીહરિનું સામૈયું થયુ અને લાડુબાં-જીવુંબાંએ શ્રીહરિ તથા સાથેના સહુ દરબારોને વિવિધ રસોઇના થાળ કરીને જમાડયા. નાજા જોગીયાએ માણકી તથા દરબારો ના ઘોડાઓને ઘેલા નદીએ લઇ જઇને ધમારીને દરબારગઢમાં ઘોડશાળમાં લાવીને જોગાણ દીધા.
પછી ત્યાં થકી સંચર્યા સ્વામી, બરવાળે ગયા બહુનામી…!
હરી સાથે સખા અસવાર, નદી ઉતાવળીની મોઝાર…!
જળ ભરતી હતી તહાં નારી, ઘોડાં પાવા રહ્યા ગિરધારી..!
વસતાના તનુજ વશરામ, લુવાણા રહે બરવાળે ગામ…!
રાધા નામે તેની ઘરનાર, જળ ભરતી હતી તેહ ઠાર..!
બીજી સૂતાર ડાહ્યાની માય, જળ ભરતી હતી તેહ ત્યાંય…!
બેયે ભાળીયા શ્રીભગવાન, ભૂલી ગૈ તેહ દેહનું ભાન..!
નદી તીરે બેડાં મુક્યાં ખાલી, બેય શ્રીજીની પાછળ ચાલી…!
ગામ કુંડળ થૈને કૃપાળ, ગઢડે ગયા દીનદયાળ..!
બેય બાઇયો ગઢપુર ગઈ, પ્રભુ માંઈ પ્રેમાતુર થઈ…!
બેઠા શ્રીજી સભા સજી ત્યાંય, બેઠી બાઇયો બાઇયોમાંય..!
બપોર પછી શ્રીહરિ ગઢપુરમાં દરબારગઢમાં સભા કરીને બીરાજ્યા હતા, સન્મુખ સુરાખાચર, દાદાખાચર, સોમલાખાચર આદિ દરબારો બેઠા હતા. આ વખતે બરવાળાથી પચાસેક કીલોમીટરનો પંથ ચાલીને આ બેઉ બાઇઓ ત્યાં આવીને શ્રીહરિના દર્શન કરીને બાઇઓની સભામાં બેઠી. એ વખતે શ્રીહરિના સખા સુરાબાપુએ શ્રીહરિને પ્રશ્ન પુછ્યો કે “મહારાજ.. ભણું, અમે જ્યારે આ ભટ્ટડાની પોથીમાં ભાગવત સાંભળ્યું તો એમા આવ્યું કે ગોપીયું શ્રીકૃષ્ણભગવાનની વેણુંનાદ સાંભળતા પોતાના પુત્ર-પરિવાર મેલી ને હાલીયું’તી, તે હાલમાં કળજુગ માં એવા કોઇ ભકતો હશે કે ? ત્યારે શ્રીહરિ હસ્યા ને બોલ્યા કે “સુરાબાપું, એવા ભકતો તો આપણી આજની સભામાં જ છે.” એમ કહીને બંને બાઇઓને બોલાવીને પોતાના નામ ઠામ પુછ્યા ત્યારે તેઓ કહે કે “હે મહારાજ, તમે અમારા બરવાળાની ઉતાવળી નદીએ ઘોડાને પાણી પાવા આવ્યા, ત્યારે અમે તમારા દર્શન કર્યા ને પાણીના બેડાં ત્યા નદી કાઠે મેલીને જ તમ પાછળ આજે ગઢપુર હાલી આવીયું.” તે સુણીને શ્રીહરિ બોલ્યા કે “રાધાબાઇ, તમારે તો ત્રણ નાની દીકરીનું છે, એનું ધ્યાન કોણ રાખશે? એમાય એક તો પાંચ મહીનાની છે, એ તો બચારી રોઇ મરશે..!” ત્યારે રાધાબાઇ શ્રીહરિને પ્રણામ કરીને બોલ્યા કે મહારાજ, એ તો જેણે ગર્ભમાં રક્ષા કરી એજ એનું રક્ષણ કરશે ને..! તમે જ સર્વ કર્તાહર્તા છો તો અમે હવે શીદને ચિંતા રાખીએ, તમે હવે માથાથી મોંઘા મળ્યા છોવ તો લોક-ઘરબારની શા સારું ચિંતા કરીએ..!“ ત્યારે શ્રીહરિ કહે કે તમે અમને જો ઇષ્ટદેવ માનતા હોવ તો અમારી આજ્ઞા છે કે તમે પાછા ઘરે જાઓ..! એ સુણીને બેઉ બાઇઓ ગદગદ કંઠે સ્તુતિ કરતા બોલી કે હે પ્રભુ, જળ વગર મીન કેમ જીવે, એમ તમારા નિત્ય દર્શન વીના અમે હવે સંસાર માં કેમ રહીશું ? માટે અમને હવે કૃપા કરીને તમારા ચરણે જ રાખો.
શ્રીહરિની કૃપાએ એજ ઘડીથી બેઉ બાઇઓને મુર્તિના અનાવરણ દ્રષ્ટિએ અખંડ દર્શન થવા લાગ્યા, પછી, શ્રીહરિ એ એમને ઘરે જવા સમજાવ્યા અને વેલડું જોડાવીને બરવાળા પોતાને ગામ પરત મુકવા સારું પાર્ષદો ને આજ્ઞા કરી.
સૂરા ખાચરે ત્યાં પુછ્યો પ્રશ્ન અહો સાંભળો હે હરિકૃષ્ણ…!
ભાગવત અમે સાંભળ્યું જ્યારે, ઉપજ્યું અતિ અચરજ ત્યારે..!
ગોપિકાઓનો પ્રેમ અપાર, તજ્યા પુત્ર અને પરિવાર…!
ભુલી દેહ તણું પણ ભાન, તેને લાગ્યું શ્રીકૃષ્ણથી તાન..!
હશે આજે કોઈ બાઈ એવી, કહિયે જેને ગોપિકા જેવી…!
સુણિ ઉચ્ચર્યા અંતરજામી, સરવેશ્વર સર્વજ્ઞ સ્વામી..!
ગોપીયોથી જેની અધિકાઈ, એવી બાઇયો છે આજ ભાઈ…!
કહિ એમ કૃપા દૃષ્ટિ ધરી, બેય બાઈયોને ઉભી કરી..!
પુછ્યાં તેઓનાં ગામ ને નામ, પુછ્યું આવ્યા તણું અહિં કામ…!
કહિ બાઈયોએ બધિ વાત, કહ્યાં નામ ને નાત ને જાત..!
ભાળ્યા તમને અમે ભગવાન, તથિ ભૂલિ ગયાં તન ભાન…!
બેડાં મૂક્યાં નદી તણે તીર, આવ્યાં નિર્ખવા શ્યામ શરીર..!
કહે રાધાને શ્રીહરિ ત્યારે, ત્રણ બાળકિયો છે તમારે…
પાંચ માસનિ તે રોઇ મરશે, કોણ રક્ષણ તેહનું કરશે?
સુણિ બોલિયાં તે રાધાબાઈ, તમે રક્ષા કરી ગર્ભમાંઈ..!
તમે માથા થકી પ્રભુ મોંઘા, પ્રાણ સાટે મળો તોય સોંઘા…!
ત્યારે બોલ્યા હરિ તતખેવ, મને જો સમજો ઇષ્ટદેવ..!
મારી આજ્ઞાનો ભંગ ન કરો, નિજ ઘેર તમે પરવરો…!
સુણિ નેણમાં આવિયાં પાણી, બોલ્યાં ગદ્ગદ કંઠથી વાણી..!
વિના જળ મત્સ્ય જીવે ન જેમ, અમે તમ વિના જીવિયે કેમ?
પછી મૂર્તિ આગળ જ્યારે થઈ, ત્યારે બાઇયો બરવાળે ગઈ..!
સુરાભક્ત આદી જન તેહ, અતિ આશ્ચર્ય પામિયા એહ..!
આ જોઇને સભા માં બેઠેલા સુરાખાચર વગેરે સહુને અતિ આશ્ચર્ય થયું.
– શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ ૫૫માંથી….