દરિયાખાનના ઘૂમ્મટમાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ સત્ય ને પતિવ્રતાનો પક્ષ રાખ્યાના પ્રતાપે મુસલમાનનો નવાબ થયો હતો એનું કલ્યાણ કર્યું, હરિનામની ધૂન્ય કરાવી, તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા.

શ્રીજીમહારાજ અમદાવાદમાં દરિયાખાનના ઘૂમ્મટમાં સહું સંતો, કાઠીદરબારો અને પાર્ષદ અસવારો સહિત પધાર્યા હતા. ત્યાં દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ જે પૂર્વે મુસલમાનનો નવાબ થયો હતો. પુર્વે મહાભારત સમયે રાજસભામાં પાંડવો જૂગટુમાં હારી જતા જ્યારે દ્રોપદીજીના ચીર પોતાના ભાઇ દુઃશાસને તાણ્યાં હતાં તે વખતે વિકર્ણે પાંડવોનો પક્ષ રાખ્યો હતો. તે મરીને મુસલમાન નવાબ થયો હતો. તે નવાબ મરીને અધોગતિને પામ્યો હતો.

જ્યારે ત્યાં શ્રીજીમહારાજ પધાર્યા ત્યારે તેણે આવીને માણકીની સરક ઝાલી ને પગે લાગ્યો અને એના કારભારી, છડીદાર, ચમરવાળો તથા છતરવાળો વિગેરે સૌ આવીને પણ શ્રીજીમહારાજને પગે લાગ્યા. પછી સૌ સ્વારે કહ્યું જે, “હે મહારાજ ! આ કોણ છે ?” ત્યારે શ્રીજીમહારાજ કહે, “આ દુર્યોધનનો નાનો ભાઈ વિકર્ણ, તેણે દ્રૌપદીજીનો ભરી રાજસભામાં પક્ષ રાખ્યો હતો. તે પુણ્યે કરીને તેને આ જન્મે અમારો યોગ થયો છે, તે હવે સત્સંગમાં જન્મ લેશે અને અમારો આશ્રિત થઈને અમારા અક્ષરધામને પામશે.” આમ, સત્યનો અને પતિવ્રતા નારીનો પક્ષ રાખ્યાના પ્રતાપે એનું શ્રીહરિએ ત્યાં કલ્યાણ કર્યું.

એ સમયે અમદાવાદ દરિયાખાનના ઘૂંમટમાં સંતો રહેતા હતા અને તેમાં કેટલાક સંતો ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા હતા. તે ગામમાં શાળાએ જઈને પાઠ લઈ આવતા, ને સૌ અહીંયાં આવી પાઠ ગોખતા. આ અવાવરી જગ્યામાં પુર્વે કોઈ મોટા શાસ્ત્રી મરી ગયેલા તે અધોગતિને પામ્યા હતા. તે પેલા જીવતા શાસ્ત્રીના જેવું જ રૂપ ધારણ કરીને સંતોને નિત્ય પાઠ આપતા. પછી એક દિવસ પેલા શાસ્ત્રીએ પૂછ્યું જે, “મહાપુરુષો ! તમે ફરી કેમ પૂછવા આવતા નથી ? તમે પાઠ તો શુદ્ધ અને સત્ય બોલો છો” ત્યારે સંત કહે, “તમે નિરંતર રાત્રે ત્યાં પાઠ શીખવવાને પધારો છો ને ?” તે સાંભળી તે શાસ્ત્રી વિચારમાં પડ્યો અને સાધુને કહ્યું જે, “મહારાજ ! તમે બીશો નહીં ને ?” સાધુ કહે, “અમે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, એટલે અમારી પાસે કોઈ આવી શકે નહીં.” પછી શાસ્ત્રી કહે, “એક મોટા વિદ્ધાન શાસ્ત્રી અગાઉ ગુજરી ગયા છે, તે અધોગતિને પામ્યા છે. તે તમોને શિખવાડવા સારુ આવતા હશે.” પછી રાત્રી થઈ ત્યારે સાધુને પાઠ શિખવાડવા તે શાસ્ત્રી આવ્યા. ત્યારે સંતોએ તેને પૂછ્યું જે, “તમે કોણ છો ?” ત્યારે શાસ્ત્રીએ પોતાના પૂર્વની બધી વાત કહી દેખાડી. તેથી ભણનારા સંતો તેને સદગુરુ મુક્તાનંદસ્વામી પાસે લઈ ગયા ને સ્વામીએ શ્રીજીમહારાજનાં મહિમાની વાતો કરીને સહુને ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ’ એમ હરિનામની ધૂન્ય કરાવી, પછી તેને વર્તમાન ધરાવીને ભૂતયોનીમાંથી મુક્ત કરાવીને બદરિકાશ્રમમાં મોકલ્યા. એવો ‘સ્વામિનારાયણ’ મહામંત્ર નો મોટો પ્રતાપ છે.

– સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….