ખાંભાના ગીદડી ગામના અમરા ભગતે કહ્યું ‘હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’

ગીર દેશમાં આવેલા ખાંભા તાલુકાના ગામ ગીદડીમાં રબારી જીવણો અને તેમનો ભાઈ અમરો બેઉ ભાઇઓ સંતોના મંડળના વિચરણથી હરિભક્ત થયા હતા. જેમના લૂગડાં જાડા ને સમજણ જીણી એવા એ પંથકમાં આ બેઉ ભાઇઓ ગીરમાં ખેતીવાડી ને પશુપાલન કરીને ગુજારો કરતા હતા. સંતોના યોગે શ્રીજી મહારાજને સર્વ અવતારના કારણ જાણતા અને સાધુની સેવામાં ઘણો ભાવ રાખતા. નાઘેર પંથક માં જ્યારે જ્યારે સંતો વિચરણ કરવા આવે ત્યારે સંતોને પોતાના નેહડાઓમાં તેડી લાવે અને સંતોને રોકી પોતાની ભેહુંના ઘી-દૂધ અર્પણ કરીને સંતોને ભાવે જમાડે. રાત્યના પોતાના ફળીયામાં સંતો શ્રીજીમહારાજના મહીમાની વાત્યું કરે ને આજું બાજું સહુ બેસતા થકા કથાવાર્તા ને શ્રીહરિના પુરુષોત્તમપણાની વાત્યુ સાંભળીને દ્રઢ નિશ્ચયી થયા હતા.

એકવાર અમરા ભગતને થોડો તાવ આવ્યો ને શરીરે મંદવાડ થયો. એ દિવસે પોતે શરીરે ઠીક ન હોય ખાટલો ઢાળીને ઓસરી માં સુતા હતા. તે વખતે તેને શ્રીજીમહારાજનાં દર્શન થયાં. અમરાભગત તો સફાળા બેઠો થઇ ગયા, શ્રીજીમહારાજે કહ્યું કે, અમરાભગત, અમે કાલ બપોરે ધામમાં તેડવા આવશું.’ એમ કહીને શ્રીજીમહારાજ તો તુરંત જ અંતર્ધાન થઈ ગયા. તે દિવસે જ તેની સ્ત્રીને આણું વાળીને તેડી લાવ્યા પણ અમરા ભગતે તો એમના માને કહી મેલેલું જે, ‘મારી પાસે કોઈ બાઈ માણસે આવવું નહિ. કારણ કે, મારે તો ભગવાનના ધામમાં જાવું છે. માટે હવે મારે ભગવાન અને સંત સિવાય બીજા કોઈનું કામ નથી. મને તો કાલ્ય સવારે શ્રીજીમહારાજ તેડવા આવવાના છે. માટે હું હવે ભગવાનને મૂકીને બીજે ક્યાંય હેત નહિ કરું. ને ગામમાં સાધુ આવ્યા તઇ ગુરુ કેતા હતા કે સગામાં હેત રાખવાથી તો જમપુરીમાં જાવું પડે, માટે સંસારમાં રહેવું હોય તેમણે પણ ભગવાનમાં જ હેત રાખવું. તો હું હવે સંસારથી ઉદાસ થયો છું. માટે મારે હવે ક્યાંઈ હેત કરવું નથી. હું તો શ્રીજીમહારાજ ભેગો અક્ષરધામમાં જઈશ ને શ્રીજીમહારાજની સેવામાં રહીશ;’ એમ વાત કરી.

પછી જ્યારે બીજે દિવસે શ્રીજીમહારાજે કહેલ હતું તે સમયે બપોરટાણું થયું ત્યારે પોતે તૈયાર થઈને બેઠા. ત્યાં થોડીવારમાં તેને દિવ્ય વિમાનમાં શ્રીજી મહારાજનાં તથા સાધુનાં દર્શન થયાં ને શ્રીજીમહારાજે કહ્યું, ‘અમરા ચાલ્ય, તને અમે ધામમાં તેડી જઈએ ને તું અમારો ખરો ભક્ત છો. કેમ જે, તું તો સ્ત્રીમાં લેવાણો નહિ.’ પછી અમરા ભગતે સહુ હરિજનોને કહ્યું, ‘આવો હું તમને મળું.’ એમ કહી સહુ હરિભક્તને મળ્યા ને પછી ‘જય સ્વામિનારાયણ’ કહીને દેહ મૂકી શ્રીજીમહારાજ અને સહુ મુકતો ભેગો હાલતા ચાલતા વાતો કરતા પંચમહાભૂતના દેહને તજીને દિવ્યવિમાન માં બેસી અક્ષરધામમાં ગયા. આવો શ્રીહરિનો પ્રગટ પ્રતાપ જાણીને ગીદડી ગામના ઘણા લોકોને સમાસ થયો ને સત્સંગી થયા.

– શ્રીહરિચરિત્રચિંતામણી માંથી….